Opinion Magazine
Number of visits: 9446694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વપ્નદૃષ્ટાસ્થપતિ ફ્રેંક લોયડ રાઈટ: પ્રાકૃતિક સ્થાપત્ય ‘ફોલિંગવૉટર’

કનુ સૂચક|Opinion - Opinion|5 August 2018

ગૃહનિર્માણની પરિકલ્પના, વ્યવસ્થા અને ગોઠવણી, કરવાનું કામ સ્થપતિ-આર્કિટેક્ટનું છે. તે માટે નિર્દેશાત્મક નકશાઓ બનાવવાનું કામ પણ સ્થપતિનું. ધરા એટલે જમીનના ગુણધર્મોનો એ જાણકાર હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં સ્થપતિની વ્યાખ્યા મુજબ તે કર્મ, પ્રજ્ઞા, શીલ અને શૈલીની પ્રક્રિયાનું પૂર્ણ જ્ઞાન ધરાવતો હોય અને પ્રક્રિયાના અન્ય ઘટકો પાસે કામ લઈ શકે તેવો પ્રયોજક અને વ્યવસ્થાપક હોવો જોઈએ. રેખાજ્ઞ –નકશા બનાવવાનો, માપ – પરિમાણનો તેમ જ સલાટ-કારીગરી-સુથારી- ચિત્રકામનો જ્ઞાતા હોવો જોઈએ. એટલે તેને સંપૂર્ણ નિર્માણનો સ્થાનાધિપતિ કહીએ. આપણા વેદ્પુરાણોમાં આવું પ્રતીકાત્મક પાત્ર તે બ્રહ્મા અથવા વિશ્વકર્મા છે.

આપણું વાસ્તુશાસ્ત્ર ગૃહનિર્માણને જીવનના અનુબંધો પાંચ પ્રાકૃતિક તત્ત્વો : જળ, જમીન, વાયુ, અગ્નિ અને આકાશ તેમ જ જીવનના ચાર ધર્મો: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-નિર્વાણ સાથે જોડે છે. ભારતમાં સ્થાપત્યનું જ્ઞાન વૈદિક યુગથી શ્રુતિ – મુખોપમુખ રહ્યું અને ત્યાર બાદ એટલે કે ૫,૦૦૦ વર્ષથી મંત્રો સ્વરૂપે અસ્તિત્વમાં છે. વિશ્વનું એ સૌથી પ્રથમ સ્થાપત્ય શાસ્ત્ર છે તેવું ભારતીય નિષ્ણાતોનું માનવું છે. આપણા વાસ્તુશાસ્ત્રના અને પૌર્વાત્ય સિદ્ધાંતોની પુષ્ટિ હવે પાશ્ચાત્ય નિષ્ણાંતો આધુનિક પદાર્થવિજ્ઞાન સાથે તેનું અનુસંધાન સાધે છે. ડૉ. ફ્રીત્જોઓફ કાપરા [Fritjof Capra] તેના પ્રથમ પુસ્તક ‘The Tao of Physics: An Exploration of the Parallels Between Modern Physics and Eastern Mysticism (1975),’માં કહે છે: “I had gone through a long training in theoretical physics and had done several years of research. At the same time, I had become very interested in Eastern mysticism and had begun to see the parallels to modern physics’. આ અવતરણ જે સિદ્ધ છે તેને જ સિદ્ધ કરે છે. વિદેશના વૈજ્ઞાનિકોને પણ પ્રકૃતિ સાથે અનુસંધાન સાધતા આપણા શાસ્ત્રો હવે યોગ્ય લાગ્યા છે.

અમેરિકાના એક એવા પ્રાકૃતિક સ્થાપત્યના સ્થાનાધિપતિ સ્વ. ફ્રેંક લોયડ રાઈટની અને તેણે પ્રકૃતિ સાથે સંવાદ સાધી રચેલા વિશ્વપ્રસિદ્ધ સ્થાપત્ય ‘ફોલિંગવૉટર’ની આપણે મુલાકાત લેવી છે. તે પહેલાં થોડી વાતો સ્થપતિ સ્વ. ફ્રેંક લોયડ રાઈટ વિષે.

ફ્રેંક લોયડ રાઈટ તેની આત્મકથામાં અપૂર્વ આત્મશ્રદ્ધા સાથે કહે છે: “… having a good start, not only do I fully intend to be the greatest architect who has yet lived, but fully intend to be the greatest architect who will ever live. Yes, I intend to be the greatest architect of all time." – Frank Lloyd Wright

કાલાતીત વિચારો, સ્વપ્નદૃષ્ટાસર્જક અને પ્રાકૃતિક સ્થાપત્યના પિતા તરીકે ફ્રેંક લોયડ રાઈટ મહાન સ્થપતિઓના ઇતિહાસમાં એક ઝળહળતું નામ છે. પ્રતીકરૂપ તેના સ્થાપત્યો કાળની ગર્તામાં લોપ થઈ શકે, પરંતુ તેના વિચારો અને દૃષ્ટિ અવિનાશી અસ્તિત્વ ધરાવશે. અન્ય સ્થપતિઓ તે વિચારો મુજબ ભાંગ્યાતૂટ્યા પ્રયાસોથી તેને અનુસરવાની કોશિશ કરવા છતાં તે ઊંચાઈએ પહોંચી શક્યા નથી. ફ્રેંક લોયડ રાઈટ વિષે અને તેના સ્થાપત્યો વિષે ૨૦૦થી વધુ પુસ્તકો લખાયાં છે. સ્થપતિશાળાઓમાં શીખડાવવામાં પણ આવે છે પરંતુ ફ્રેંક લોયડ રાઈટ કહે છે તેમ પ્રાકૃતિક સ્થાપત્યોમાં નકલ નહીં પરંતુ નવોન્મેષ જરૂરી છે. ગુરુ કરતાં ચેલા સવાયા બને તેવું થવું જરૂરી છે. તેના બદલે વિચારોની દરિદ્રતા અને વ્યવસાયી અનુસંધાન થતું રહે છે. કાગળ ઉપર સીસપેનથી દોરાતા નકશામાં પરિકલ્પના સ્વરૂપ લે ત્યારે તેમાં સુધારો કરવા છેકભૂંસ કરી શકાય, પરંતુ જ્યારે તે મુજબ સ્થાપત્ય તૈયાર થાય ત્યારે ફેરફાર કરવા હથોડાનો ઉપયોગ કરવો પડે છે. સપનાને આકાર દેવાની આ નિર્માણપ્રવૃત્તિએ વાસ્તવિકતાનો પડકાર ઝીલવાનો હોય છે. એટલે જ કદાચ મોટા ભાગના સ્થપતિઓ પારંપારિક રચનાઓના સહેલા માર્ગે ચાલવાનું પસંદ કરે છે.

અહીં એક આનુસંગિક વાત કરવાનું મન થાય છે. જે.જે. સ્કૂલ ઓફ અર્કિટેક્ટ્સ મુંબઈમાં અભ્યાસ પૂર્ણ કરી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી, સ્થપતિ નરી ગાંધી ફ્રેંક લોયડ રાઈટની સ્થાપત્યશાળામાં વધુ અભ્યાસાર્થે આવ્યા. અહીં પાંચ વર્ષ સુધી રહી ફ્રેંક લોયડ રાઈટની કાર્યપદ્ધતિ અને શૈલીનો અભ્યાસ કર્યો. અમેરિકા રહી pottery makingનો એક વર્ષનો અભ્યાસ પણ કર્યો. અમેરિકા જ સ્થાયી થઇ વ્યવસાયના અનેક આકર્ષણો છોડી ભારતમાં આવી નરી ગાંધીએ ભારતને અનુકૂળ અનેક પ્રાકૃતિક સ્થાપત્યોનું નિર્માણ કર્યું, જેમાં તેની પોતાની શૈલીના જ દર્શન થાય છે. જે ફ્રેંક લોયડ રાઈટની આશા –આંકાંક્ષાને અનુરૂપ દેખાય છે.

કોઈ પણ કલાકૃતિને માણવા અને પ્રમાણવા માટે કલાકારની ઓળખ કે તેના અંગત જીવનમાં પ્રવેશ કરવાનું કુતૂહલ એ માનવ પ્રકૃતિ છે. અને એમ છતાં કૃતિદર્શનમાં એ બાધારૂપ બનવાની શક્યતા છે. આપણે કલાકારનાં જીવન અને કથનથી પ્રભાવિત થયા હોઈએ કે પછી અન્ય કારણોસર પૂર્વગ્રહ સાથે કૃતિ પાસે જઈએ છીએ. ખરેખર તો કૃતિ એ જ કલાકારની સાચી પરખ છે. સાચો કલાકાર તેની કૃતિ પાસે પૂર્ણ પ્રમાણિક હોય છે. કૃતિમાં કલાકારના જીવનમાં ઘટિતનો સઘળો હૃદયવ્યાપાર અનાવૃત ઊતરતો હોય છે. આપણે જે અદ્દભુત કૃતિ પાસે જઈએ છીએ તે સાથે સ્થપતિના અંગત જીવનનું ઘણું સંકળાયેલ છે. તે સ્પર્શ રસપ્રદ હોવાં છતાં તેને સ્પર્શ કર્યા સિવાય સ્થાપત્યના ઇતિહાસમાં સનાતન ઉત્તમ સ્થાન જાળવવા નિર્માણ થયેલી રચના તરફ જઈએ.

અમેરિકાના પેન્સિલ્વેિનયા રાજ્યમાં ‘બેર રન’ પ્રદેશમાં એક ઉદ્યોગપતિ કૌફમાનનો બંગલો છે તે જ પ્રાકૃતિક સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ અને આપણું ગંતવ્યસ્થાન ‘ફોલિંગવૉટર‘. પ્રદેશમાં રીંછો દોડતા દેખાતા નથી અને છતાં એને ‘બેર રન’ નામ કેમ મળ્યું ,તેની ઐતિહાસિક તવારીખ અને અમેરિકામાં નામકરણ અંગેની દરિદ્રતાની વાતને ઇતિહાસકારો પર છોડી દેવી એ જ ઉપયુક્ત. વોશિંગ્ટનથી આ પ્રદેશમાં પહોંચવા લગભગ સાડા ત્રણ કલાકનો સમય આંખની ઉજાણી અને મનનો ઉત્સવ છે. પર્વતીય પ્રદેશના રસ્તાઓ પર ચઢઊતર કરી સરતી મોટર અપાર અને ઘેઘૂર વનસંપત્તિ વચ્ચે ઊડતું જાણે એક સૂક્ષ્મ તરણું. શુદ્ધ હવાનો સ્પર્શ લેવાનું મન થાય પરંતુ અમેરિકાને કૃત્રિમ પવનની આદત પડી ગઈ છે. અમેરિકાના ઉત્તમ સ્થાપત્યનો ઇતિહાસ ઘણો ટૂંકો પરંતુ એની જાળવણી સર્વશ્રેષ્ઠ. વધુ ઘાટા જંગલની અંદર દોરી જતો રસ્તો અટકે ત્યાં માનવસર્જિત સુંદર ઉપવનની વચ્ચે મોટરોનું વિરામસ્થાન. ઊતરો અને હેતાળ હવાને તમારા શ્વાસોમાં ભરવાનું સદંતર નિ:શુલ્ક પરંતુ સ્થાપત્ય જોવાનું શુલ્ક જરૂર. આ શુલ્ક ‘ઓનલાઈન’ ભરીને જ પ્રવેશ મળે. ‘વેસ્ટર્ન પેન્સિલ્વેિનયા કન્સર્વસિ’ વિભાગ આ પ્રદેશની દેખરેખ અને વ્યવસ્થા જાળવે છે.

આ સ્થાપત્યના સુપેરે દર્શન કરવા નાનકડી ટેકરી ચડી ઉપરથી જોવાનું અથવા નાનકડો પૂલ પસાર કરી સીધો સ્થાપત્ય પ્રવેશ કરવાનો. ટેકરી પરથી દૂરસુદૂર જંગલ, પર્વતોમાંથી કલકલ નિનાદ કરી સરી આવતાં અનેક ઝરણાંઓનો સંગમ જંગમ શિલાઓને કાપતાં ‘ફોલિંગવૉટર’ના સ્થાપત્યની નીચેથી વહી, પ્રમાણમાં સહેજ સપાટ ધરતી પર, આગળ વધે છે. લીલીછમ વનરાજીથી લથબથ પર્વતો પર સવારનું ધુમ્મસ, બપોરનો તડકો, શિયાળાનો બરફ, વરસાદની ઝરમર અને ક્યારેક આ બધાના કેરને ઝીલવાની સ્થાપત્યની ક્ષમતામાં સ્થપતિની દૃષ્ટિ અને કૌશલની પ્રતીતિ કરાવે છે. તોતિંગ શિલાઓના સ્તંભો અને પથ્થરાળ જમીનનો આધાર લઈ ઊભેલાં આ સ્થાપત્યના ભૂસ્તરની ઉપરથી પાણીનો ધોધ વહે છે. સ્થાપત્યમાં રચેલા દિવાન, શયન, અભ્યાસ, મહેમાન, સેવક, રસોઈ ખંડોમાં આ ધોધના અવાજ અને દર્શનથી તેના રહેવાસીને સાગરમાં શેષશૈયા પર નિવાસસ્થાન બનાવી રહેતાં ભગવાન વિષ્ણુની યાદ અપાવી હોત, પરંતુ બિચારા કૌફમાન કે ફ્રેંક લોયડ રાઈટને એ જ્ઞાન ક્યાંથી હોય ! સ્વપ્નલોકની વાત લોકો હસી કાઢે પરંતુ તે જ સ્વપ્ન વાસ્તવની ધરતી પર ઊતારનાર વિરલાઓ જ હોઈ શકે. જળની અંદર નહીં પરંતુ જળ પર સ્થિત આ સ્થાપત્યની પરિકલ્પના ૧૯૩૫માં અને તેને આકાર મળ્યો ૧૯૩૭માં. અશક્ય અને હાંસીપાત્ર લાગતી વાતને આ વિરલ સ્થપતિ ફ્રેંક લોયડ રાઈટ સ્વરૂપ આપે છે તે દંતકથા નથી નર્યું વાસ્તવ છે. આ બંગલાના નકશા બનાવવા પહેલાં તેના માલિક કૌફમાનને ફ્રેંક લોયડ રાઈટે પેન્સિલથી કરેલ રેખાંકનો બતાવ્યાં. તે જોઈ કૌફ્માન સ્તબ્ધ બની કહે, “મેં તમને ઝરણું અને ધોધ દેખાય તે રીતે બંગલો બાંધવા કહ્યું છે ઝરણાંની ઉપર નહીં.” રાઈટે શાંતિથી જવાબ આપ્યો, “પરંતુ મારે તમને ઝરણાં અને ધોધ માત્ર જોવાની નહીં તેની સાથે રહેવા અને જીવવાની સુવિધા આપવી છે.” અને તે જ તેણે કર્યું. રાઈટે આ માત્ર કહેવા માટે નથી કહ્યું. એક જગ્યાએ પોતાની સ્મૃિત સંકોરતા એ કહે છે . . "I still feel myself as much a part of it as the trees and birds and bees are, and the red barns."

આ કૃતિને અમે દિગ્મુઢ થઈ, અહોભાવથી, આંખ અને મનના વિસ્મયથી નિહાળી રહ્યાં. હવે ચાલો આપણે તેને વધુ નિકટ જઈ જોઈએ.

બાંધકામ સમયે તેના પાયાની રચના અંગે વિચારતાં એન્જિનિયર નક્કી કરે છે કે બનતાં સ્થાપત્યનું, તેમાં રહેનારાઓ અને તેની ઘરવખરીનું, વાતાવરણ, પ્રાકૃતિક દબાણનું અને તેના સમગ્ર સરવાળા ઉપર ટકાવારીથી સંરક્ષણાર્થે વધુ વજન કેટલું આવશે. આ પછી આવો ભાર લઇ શકે તેવાં પાયાઓ બનાવવામાં આવે. અહીં તો પ્રાકૃતિક હોનારત અને પાણીનાં ધોવાણની ગણતરી પણ કરવાની. ધરતીનાં પડ અને પાણીની પરખ કરવા તે જગ્યાએ વાતાવરણ અને પ્રાકૃતિક ઘટનાઓનો ઇતિહાસ પણ તપાસવાનો. આ સ્થાપત્યના પાયા તો સદીઓથી સતત સ્નાતા પથ્થરોની તોતિંગ શિલાઓ. ધરતીમાં ધરબાયેલ આ શિલાઓનાં મૂળ તપાસવા, સતત માટીનાં ધોવાણ પછી પણ અડીખમ રહેલ આ પર્વતીય પાણાઓ મૂળ પાતાળે પહોંચે છે, એ ખાતરી કરી લેવામાં આવી. પ્રકૃતિ સાથે સંવાદિતા સાધતા આ માનવ સર્જિત સ્થાપત્યનું બાંધકામ જંગલ અને ઝરણાંઓ અને પહાડોના ખોળામાં રચાવું શરુ થયું . સ્વપ્નનો આકાર.

માનસિક રૂપરેખા પછી પહાડ પરથી દડી આવતાં ધોધની નજીક સ્થાપત્ય બનાવવા એક ત્રિકોણીય પરિમાણથી તેનું રેખાચિત્ર દોરવામાં આવ્યું. આવવા જવા માટે બનાવેલાં લાકડાના પુલને સમાંતર પૂર્વ અને પશ્ચિમ સાથે દિશાઓના અનુસંધાન સાધે તે રીતે સ્થાપત્ય નિર્ધારણ કરવામાં આવ્યું. ત્રિકોણનું દિશામાન નિર્ધારિત કરવા ધરી-પ્રતિસ્થાપક રેખાનું આકલન કર્યું. આ રેખાની આજુબાજુ પૂર્ણ સ્થાપત્યના દિશામાન, પરિમાણ, વિસ્તાર, માપ વગેરે ગોઠવવામાં આવે છે. આ કાલ્પનિક રેખા જ સ્થાપત્યની ધરી છે અને સ્થાપત્યની વિશ્વસનિયતા નક્કી કરે છે. આ સ્થાપત્યમાં ૩૦-૬૦ ડિગ્રી ત્રિકોણ અને તે મુજબના માપમાન દિશામાન રચવામાં આવ્યા. આ અંગેની તાંત્રિક વિગત-પ્રવિધિ ઈજનેરીશાસ્ત્ર નિષ્ણાતોનો વિષય છે પરંતુ અન્યત્ર આવું સ્થાપત્યનું પ્રથમ રેખાચિત્ર મૂક્યું છે. આ સ્થાપત્યની અંદર અને બહાર પ્રાકૃતિક રીતે રચાતા ચૂનાના પત્થર કે મરડિયા પત્થરનો પણ ઉપયોગ થયો છે. ૧૮” જાડી દીવાલોમાં પત્થરોને જે રીતે પ્રમાણસર ગોઠવીને મૂક્યા છે તેમાં હિમાચલ કે ઉત્તરાખંડમાં ઘર બાંધકામમાં વપરાતી પદ્ધતિ જ જોવા મળે છે. આ પત્થરોની વિશેષતા એ છે કે તેમાં ચૂનાના અંશ હોવાથી તેને ફોડવા-તોડવા અને ઈચ્છિત આકાર આપવામાં સહેલાઇ રહે છે. થોડા સપાટ આકારના છાજલી જેવા પથ્થરોના બાંધકામનું ચિત્ર પણ મૂક્યું છે. અને આપણે જેને સ્થાપત્યના અંતિમ માર્ગદર્શક કહીએ તેવો નકશો પણ મૂક્યો છે. મકાન નિવાસ માટે છે, આનંદપૂર્વક જીવવાનો વિસામો છે અને તે જ બાંધકામની બધી વિશેષતાની ધરી છે. આજે પણ જેને વિશ્વના એક શ્રેષ્ઠ સ્થપતિ તરીકે ગણીએ છીએ તે ફ્રેંક લોયડ રાઈટ એથી વિદિત હતાં. તેમણે આ સ્થાપત્યમાં એ દરેક વ્યવસ્થા કરી છે જેનાથી તેના નિવાસીને પ્રકૃતિ સાથે સંવાદ અને જીવનની સુવિધાઓ મળે. આ સ્થાનક એક ઉદ્યોગપતિ માટે બનતું હતું તેથી તેમાં અભ્યાસખંડ, કાર્યાલય, અતિથિખંડોની પણ વ્યવસ્થા કરી છે. આ દરેક સુવિધા સાથે દરેક ઋતુઓમાં પણ પ્રકૃતિ સાથે તેનો સતત અનુબંધ રહે તેવી રચના કરી છે.

વિવિધ સુવિધા ખંડોમાંથી ખૂલી અગાસીઓ અને ઝરૂખાઓમાં સરળ પ્રવેશ. વાતાવરણના દરેક સ્વરૂપ સાથે સંપર્ક. મહેક અને કલનાદ નિવાસી સાથે જ નિવાસ કરે છે. સ્થાપત્ય ઋતુચક્રોની દરેક ગતિની અનુભૂતિ આપે છે તેટલું જ માત્ર નહીં તેની ઝાપટોથી નિવાસીને સંરક્ષણ પણ આપે છે.

તેના ખંડેખંડની ઓળખ કરવા જેવી છે. થોડા ખંડો ની વાત કરીએ. દીવાનખંડમાં ગોઠવાયેલ એકેએક વસ્તુ પ્રાકૃતિક સંપદાનો જ એક ભાગ હોય તેવી અનુભૂતિ કરાવે છે. ખંડ વિશાળ છે અને તેમાં મૂકાયેલી જણસોથી તે વધારે વિશાળ લાગે છે. છતથી જમીન સુધીના કાચના દરવાજાઓ અને બારીઓ આંખના અવધાન ન બનતાં હોવાથી પ્રકૃતિમાં જ ઓગળી જાય છે. શયનખંડો પ્રકૃતિનો પ્રવેશ અટકાવતા નથી, પરંતુ પોતાનું અંગત એકાંત જરૂર જાળવે છે. યજમાનખંડો, શયનખંડો, અભ્યાસખંડો અને દીવાનખંડમાં પોતાના પુસ્તકાલયો ઉપરાંત મુખ્ય પુસ્તકભંડારનો સરળ સંપર્ક અને ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા છે. એવી જ રીતે દરેક શયનખંડને પોતાના સ્વતંત્ર પ્રસાધનગૃહો છે અને સાર્વજનિક ઉપયોગના પ્રસાધનગૃહો પણ છે. સંપર્ક કાર્યાલયની એ રીતની ગોઠવણી છે કે લોકો પાછળ કારપાર્ક બાજુથી પ્રવેશ કરી બહાર જઈ શકે. સેવક્ગૃહ પણ છે અને મુખ્ય સ્થાપત્યનાં સૌન્દર્ય સાથે સુમેળ સાધે તેવું છે. એક નિર્ગમન પંથના દ્વાર પાસે પૌર્વાત્ય સંસ્કૃિતના સ્વીકારસમું સૌન્દર્યમયી સ્ત્રીમૂર્તિનું શિલ્પ એક નાનકડા અલાયદા ખંડમાં મૂકવામાં આવેલ છે. આ શિલ્પ ઉત્તરાખંડમાંથી જ લાવવામાં આવ્યું છે તે શિલ્પ નીચે સ્વીકારના લખાણ પરથી સ્પષ્ટ થાય છે. શિલ્પની પાછળનું બાંધકામ ઘડેલા સપાટ પથ્થરોથી થયું છે. મૂર્તિની આગળના ભાગમાં ગોઠવેલ શિલાઓ પણ ભારતીય શિલ્પકલાની ઓળખ છે. આ સ્થાપત્યમાં અન્ય ઘણી જગ્યાએ પણ આ સ્થાપત્ય પદ્ધતિનો ઉપયોગ દેખાય છે.

અહીં સુવિધાઓ છે પરંતુ તેની ભરમાર નથી. સ્થાપત્યમાં ખુલ્લી અગાશીઓ, ઝરૂખા અને એકાંતખૂણાઓ સ્વતંત્ર આરામગૃહો છે. સંગ્રહાલય અને સ્મૃિતસંચિત ચિત્રગૃહો પણ છે. બધું હોવા છતાં આ સૌન્દર્યધામ ઐશ્વર્યનું પ્રદર્શન નથી, પ્રકૃતિના ખોળામાં લપાઈને ગુટરઘુ કરતાં પક્ષીના માળા સમાન રહેવા જેવું ઘર છે. દિવાસ્વપ્ન સમ લાગતું આ ઘર એક મનુષ્યવિશ્વકર્માની જગનિયંતાને આપેલી પ્રાકૃતિક સમૃદ્ધિ માટે કરેલી ઋણવંદના છે.

આ મકાન બન્યા પહેલાં એના સ્થપતિએ કાગળ ઉપર રબ્બરથી કેટલીયે ચેભૂંસ કરી હશે પરંતુ મકાન બનાવતાં સમયે ક્યારેક એવું પણ બન્યું હશે કે તેની આંખને અણગમતું પણ કંઈક થયું હશે ત્યારે તો તેને હથોડો જ વાપરવો પડ્યો હશે. કલ્પના કરો એ વેદનાની અનુભૂતિ અને વિચારો એ પળ કે જ્યારે તેની આંખે તેના હૃદયને ખાત્રી આપી હશે કે હા.. હાશ !! બસ આજ…જ. એ સંતોષ શ્વસતું આ સ્થાપત્ય, તક મળે તો, જોવા જરૂર જવા જેવું છે.

અસ્તુ !

e.mail : kanubhai.suchak@gmail.com

[પ્રગટ : “નવનીત સમર્પણ” ઓગસ્ટ 2018; પૃ. 76-82]

https://www.facebook.com/kanubhai.suchak/posts/10214565185656959

Loading

5 August 2018 admin
← બીજા ઉમાશંકર જોશી આપણને મળશે કે?
ધારો કે આ વાર્તા નથી – →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved