Opinion Magazine
Number of visits: 9446893
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાતંત્ર્ય સંગ્રામના તે દિવસો : ભાગ-1/2

પ્રવીણ ક. લહેરી|Opinion - Opinion|23 September 2022

ભાગ-1

આ૫ણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવ્યો. ભૂતકાળની અનેક ઘટનાઓને વાગોળી. જ્ઞાત અને અજ્ઞાત પ્રસંગો અને વ્યક્તિઓનું સ્મરણ કર્યું. પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. આવા ભાવનામય વાતાવરણમાં સ્મરણની સુનાામી મનોજગતને ભીંજવી દે તે સાવ સહજ છે.

૧૮૫૭નો વિપ્લવ, ક્રાંતિ, લડત ભલે સફળ ન થઈ પણ પ્રજામાં આઝાદીની પ્રબળ ઈચ્છા સમયાંતરે વ્યક્ત થતી રહી. જેના સામ્રાજ્ય પર સૂરજ સદાય તપે છે તેવા ગ્રેટ બ્રિટને સંસ્થાનો દ્વારા વિશ્વના ખૂબ મોટા ભૂભાગ પર કબજો કરી, શોષણ કરી ગુલામીની બેડીઓ જડબેસલાખ પહેરાવી પ્રજાને કંગાળ, નિસ્તેજ, ડરપોક અને નિરાશ કરવામાં કોઈ કસર છોડી ન હતી. સામ, દામ, દંડ, ભેદના ચારેય ઉપાયોમાં માહિર અંગ્રેજો – મુઠ્ઠીભર માણસોએ ભારતના કરોડો લોકોને તાબેદાર બનાવી રાખ્યા હતા. બ્રિટનનું શાસન સુશાસન છે તેવા પ્રચાર સાથે વિન્સ્ટન ચર્ચિલ જેવા કટ્ટર સામ્રાજ્યવાદી આગેવાનો વિચિત્ર માનસિકતા ધરાવતાં હતાં. અંગ્રેજી શિક્ષણ પ્રણાલી થકી જીવનમાં પ્રગતિ કરી બે પાંદડે થનાર અનેક લોકોને અંગ્રેજી હકૂમત સારી લાગતી હતી. આ દેશની શાંત અને સમજુ પ્રજા મૌન ધારણ કરી ધીરજથી આ શેતાની ચરખો રોકવા માટે ઉપાયો ખોજતી હતી. આવા માહોલમાં ૧૯૦૫ની બંગભંગની સફળ લડત, ૧૮૮૫માં અખિલ ભારતીય કાઁગ્રેસની સ્થાપના અને ૧૯૦૭માં સૂરત અધિવેશનમાં જહાલ જૂથનો પ્રભાવ અને ૧૯૧૬ના લખનૌ અધિવેશનમાં હિંદુ-મુસ્લિમ એકતાના દર્શન સાથે વાતાવરણમાં બાલ ગંગાધર ટિળકનો બુલંદ નારો ‘‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે મેળવીને જ હું જંપીશ.’’ સર્વત્ર ગુંજતો હતો. યુવાનોને જાગૃત કરવામાં સફળ રહ્યો હતો. ટિળકને રાજદ્રોહ માટે બર્માની માંડલે જેલમાં ૬ વર્ષનો કારાવાસ, હજારો ક્રાંતિકારીઓને કાળાપાણીની સજા અને જલિયાંવાલા બાગના નરસંહારે ભારતીયોને ખાતરી કરાવી હતી કે બ્રિટિશ શાસન દેશ અને પ્રજાનું હીર ચૂસી રહ્યું છે.

દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ અને હિંદીઓના અન્યાય સામે અહિંસક પણ દૃઢતાથી ઝઝુમનાર વીર મોહનદાસ કરમચંદ ગાંધી, ગોપાલદાસ ગોખલેની સલાહથી આઝાદી આંદોલનમાં જોડાવા ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ જહાજ દ્વારા મુંબઈ આવ્યા. ગોખલેજીની સલાહ પ્રમાણે એક વર્ષ દેશમાં ચૂપચાપ ભ્રમણ કરીને તેઓએ ૧૯૧૬માં બનારસ હિંદુ યુનિવર્સિટીના શિલાન્યાસ સમયે જે તેજાબી પ્રવચન આપ્યું ત્યારથી લાખો લોકોને શ્રદ્ધા બેઠી કે આ આગેવાન અલગ છે, નીડર છે, નિષ્ઠાવાન છે, સંપૂર્ણ સમર્પિત છે. ૧૯૧૭નો ફરજિયાત ધોરણે ગળી વાવી ખૂબ ઓછા ભાવે વેચતા કિસાનોને માર્ગદર્શન આપવા બિહાર ગયેલા ગાંધીએ જે રીતે કાર્ય કર્યું, સમગ્ર વ્યવસ્થાને પડકારી તેનાથી દેશવાસીઓને આશા બંધાઈ કે શસ્ત્રો વિના પણ ગુલામી હટાવવાની શક્યતા છે. વિરમગામ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહે ગાંધીજીને સમગ્ર કાઁગ્રેસ પક્ષમાં એક આગવી ઓળખ આપી. લોકમાન્ય ટિળકના ઑગસ્ટ ૧૯૨૦માં થયેલા નિધન બાદ આ દેશમાં ગાંધીયુગના મંડાણ થયા.

ગાંધીયુગમાં પંડિત નહેરુ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, રાજાજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ક.મા. મુન્શી, હકીમ અજમલખાન, ખાન અબ્દુલ ગફારખાન, નેતાજી સુભાષચંદ્ર બોઝ, પટ્ટાભી સીતા રામૈયા, મોતીલાલ અને જવાહરલાલ નહેરુ, પંડિત ગોવિંદ વલ્લભ પંત, ઈન્દુલાલ યાજ્ઞિક, ગ.વા. માવલંકર, નરહરિ પરીખ, મહાદેવ દેસાઈ, પ્રફુલ્લચંદ્ર રૉય, ડૉ. બી.સી. રૉય, ડૉ. જીવરાજ મહેતા સહિત અગણિત આગેવાનો ગાંધીજી સાથે જોડાયા. આ મહાપુરુષોના જીવનચરિત્રો આજે પણ આપણને દેશભક્તિ માટે પ્રેરણા આપે છે.

આજે મારે મારા સ્વાતંત્ર્ય સેનાની કનુભાઈ લહેરીના ભાતીગળ જિંદગીના થોડા પ્રસંગોનું સ્મરણ કરવું છે. તેના જેવા ગ્રામીણ તાલુકા અને જિલ્લાકક્ષાએ જનજાગૃતિનું કામ કરનારા અસંખ્ય ગાંધી ચિંધ્યા માર્ગે જીવન વ્યતીત કરનાર આઝાદીના લડવૈયાઓના આવા અજ્ઞાત પ્રતિનિધિઓ તે યુગ અને માહોલને સુપેરે ઉજાગર કરે છે. ગાંધીજીની સફળતા શેમાં રહેલી છે, તેઓ મને કોઈ પ્રશ્ન પૂછે તો મારો ઉત્તર હશે; ‘‘ગાંધીજીએ પોતાના ઉદાહરણથી લાખો ગામડાંઓમાં સ્થાનિક ‘ગાંધી’ને જીવંત અને સક્રીય કર્યાં. આઝાદીના આંદોલનને તૃણમૂળ સુધી પહોંચાડવા ઉપરાંત અસ્પૃશ્યતા, નશાખોરી, બેરોજગારી, સ્ત્રીઓ પરના બંધનો, સામંતશાહી જેવાં સામાજિક દૂષણો દૂર કરવામાં આ સ્થાનિક ‘ગાંધી’ દ્વારા જે કાર્યો થયાં છે તેની અસર આજે પણ અનેક ગામડાંઓ અને વિસ્તારોમાં જોઈ શકાય છે.

મારા પિતાના જીવનમાં મીઠા સત્યાગ્રહ – ધોલેરા – રાણપુર છાવણીમાં જવાનો પ્રસંગ એક નર્યો અકસ્માત હતો. એક નાની ઘટનાએ તેના જીવનના ઉદ્દેશો, મૂલ્યો અને વર્તનમાં ધરમૂળ ફેરફારો કર્યાં. તેમની કથા જેવી દરેક સ્વાતંત્ર્ય સેનાની કહાણી રોમાંચક નવલકથા જેવી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે તેના જીવનની ઝલક આલેખીને પિતૃતર્પણ સાથે સૌ સત્યાગ્રહીઓ અને ક્રાંતિકારીઓનું ઋણ સ્વીકાર કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર ઝડપવાની મારી તાલાવેલી સૌ સમજી શકશે, તેવી આશા સાથે ગાંધીયુગમાં ૧૯૩૦થી ૧૯૪૭માં જે લાખો લોકોએ દેશ માટે સમર્પણ કર્યું તે વાત ઉજાગર કરવાનો મારો નમ્ર પ્રયાસ છે. મારા પિતા સ્થાનિક ધોરણે મર્યાદિત કાર્યક્ષેત્રમાં સક્રીય રહ્યા. ગાંધીજીની શિક્ષિતોને સલાહ હતી; ‘‘ગામડે જઈને બેસો’’ તે વાત પકડીને તાલુકા જિલ્લા કક્ષાએ જનજાગૃતિ અને સામાજિક સુધારણા માટે જે પ્રયત્નો કર્યાં તેનું શ્રેય તે જમાનાના અદ્દભુત વાતાવરણને આપવું જોઈએ.

મારા પિતાનો જન્મ ૨૬ મે ૧૯૧૪ના રોજ તેના મોસાળ રાજુલામાં થયો હતો. મારા દાદા જીવણદાસ મુંબઈમાં બારભાય મહોલ્લાની ચાલીમાં રહેતા હતાં. શક્તિ બટન ફૅકટરીમાં હિસાબનીશ તરીકે રૂા.૬૦ના માસિક પગારથી નોકરી કરતા હતા. રૂા.૬૦થી ૩૦ મારી દાદી કાશીબહેનને ઘર ખર્ચ માટે આપતા હતા. બાકીના ૩૦ રૂપિયા મુખ્યત્વે તેમની સતત ધુમ્રપાનની આદત પાછળ ખર્ચ કરતા હતા. મારા પિતાશ્રી બાદ તેમને ત્યાં એક પુત્ર અમુભાઈ અને પુત્રી કમળાબહેનનો જન્મ થયો હતો. પાંચ વ્યક્તિનો પરિવાર સુખચેનથી રહેતો હતો. મારા પિતાશ્રીનો ઉછેર સારો કરીને તેના વ્યક્તિત્વના વિકાસ માટે અને આઈ.સી.એસ. થાય તેવું સ્વપ્ન દાદા જીવણદાસે સેવ્યું હતું. વર્ષ ૧૯૨૮માં ત્યારના અસાધ્ય ક્ષયરોગના કારણે તેમનું ૩૯ વર્ષની યુવાન વયે અવસાન થયું. પત્ની અને ત્રણ સંતાનો આવક વિના, મૂડી વિના નિરાધાર બન્યા. મારાં દાદી ત્રણે સંતાનો સાથે પિયર રાજુલામાં આવ્યાં. તેમના ભાઈ હરજીવનદાસ સુખી અને સંપન્ન હતા. મદદ કરવા ઉત્સુક હતા પણ મારી દાદીએ નાનાં નાનાં કામોથી આવક મેળવી સ્વાવલંબી બની સ્વમાનપૂર્વક જીવવાનું નક્કી કર્યું હતું. સંતાનોના અભ્યાસ માટે આર્થિક સગવડ ન હોવાથી કનુભાઈ-અમુભાઈને અમરેલી કપોળ બોર્ડિંગમાં નિઃશુલ્ક છાત્ર તરીકે મૂક્યા હતા. આ બોર્ડિંગના ગૃહપતિ ડૉ. જીવરાજ મહેતાના મોટાભાઈ જગજીવનદાસ નારાયણ મહેતા હતા. તેમની આત્મકથા વાંચીએ તો તત્કાલિન સામાજિક સ્થિતિનો સાચો ચિતાર આજે પણ મળી શકે છે.

ગરીબીના કારણે કનુભાઈ અમુભાઈને ખિસ્સા ખર્ચની કોઈ રકમ મળતી ન હતી. કોઈક પાસે ઉછીના પૈસા માંગતા કનુભાઈને અપમાનનો અનુભવ થયો. ૧૯૨૮ના શિયાળાની સાંજે કનુભાઈ ખિન્ન મન અને થોડી નિરાશા સાથે અમરેલીના રસ્તે ચાલતા ચાલતા અચાનક થોભી ગયા. તેની નજર એક બોર્ડ પર પડી. ‘‘ડૉ. હરિપ્રસાદ મૂળશંકર ભટ્ટ’’ ડૉ. હરિપ્રસાદ ગાંધીજીના અનુયાયી હતા. કનુભાઈએ તેમના દવાખાનામાં પ્રવેશી પોતાનો વારો આવતાં દરદીના સ્ટૂલ પર ડૉકટર પાસે બેઠા. ડૉકટરે પૂછયું; ‘‘છોકરા શું તકલીફ છે ?’’ કનુભાઈએ કહ્યું; ‘‘મને ભૂખ વધારે લાગે છે ?’’ ડૉકટરે કહ્યું કે તે તો સારું. એ કોઈ રોગ નથી. કનુભાઈએ કહ્યું કે બોર્ડિંગમાં બે સમય જમવા મળે છે પણ વચ્ચે કાંઈક ખાવાનું મન થાય તો મારી પાસે પૈસા નથી. ઉદારચરિત ડૉકટર હરિપ્રસાદે ટેબલનું ખાનું ખોલી રૂા.૧૦ની નોટ સામે ધરી. કનુભાઈએ વિવેકપૂર્વક નોટ ખાનામાં મૂકી તે બંધ કર્યું. ડૉકટર નવાઈ પામ્યા પૂછયું; ‘‘તો હું શું કરું ?’’ કનુભાઈએ ૧૪ વર્ષની ઉંમર અવગણી કહ્યું; ‘‘મને કામે રાખો, ભાઈ’’ દવાખાનામાં તું શું કરી શકે જેવા ડૉકટરના પ્રશ્નનો ઉત્તર; ‘‘તમે કહેશો તે કરીશ, મારે જરૂર છે મને કામ આપો તેવી વિનંતી.’’ ડૉકટરે પૂછયું; ‘’ક્યારથી આવીશ ? કનુભાઈએ કહ્યું; ‘‘હમણાંથી જ’’ કંપાઉન્ડર કહો તો તે અને મદદનીશ કહો તો તે કનુભાઈ અને ડૉકટરની વચ્ચે પૂર્વભવની લેણદેણના કારણે અનોખી આત્મિયતા બંધાઈ ગઈ. દરરોજ રાત્રે દવાખાનું બંધ કરી ડૉકટરની બેગ ઉપાડી તેમના ઘરે જતાં કનુભાઈ ડૉકટર હરિપ્રસાદ ભટ્ટના કુટુંબીજન બન્યા. રાત્રે સૌ સાથે ભોજન. ડૉકટરના પિતા સાહિત્યકાર ‘જુગલ જુગારી’ જેવા લોકપ્રિય નાટકના લેખક મૂળશંકર ભટ્ટની વિદ્વતાભરી વાતો સાંભળવી. ડૉ. હરિપ્રસાદના પૂનામાં ઉછરેલા પત્ની સુમિત્રાબહેને ગુજરાતી વાંચવા-બોલવામાં સહાય કરતાં કનુભાઈને નિરાધાર સ્થિતિમાં છાંયડો મળ્યો. ડૉ. હરિપ્રસાદની સાદગી, સેવા, નમ્રતા, સંવેદનાના સંસ્કારોનો પ્રભાવ કનુભાઈ પર પડતો રહ્યો. 

05 સપ્ટેમ્બર 2022

•••••••••••••

ભાગ-2

૧૯૩૦નું વર્ષ શરૂ થયું. ગાંધીજીએ ૧૨મી માર્ચથી અમદાવાદથી દાંડી જઈને મીઠાના કાયદાનો ભંગ કરવા કૂચ કરવાનું જાહેર થયું. સૌરાષ્ટ્ર્‌ની વિદ્યાનગરી જેવા ગાયકવાડી પ્રાંતના મુખ્ય મથક અમરેલીમાંથી ધોલેરામાં ૬ એપ્રિલે મીઠા સત્યાગ્રહ માટે સ્વયંસેવકો નોંધવા રાષ્ટૃીય શાયર ઝવેરચંદ મેઘાણી આવ્યા. અમરેલીના જાણીતા ભગવાનજી લવજી મહેતાના અખાડામાં નિયમિત વ્યાયામ કરતાં યુવાનોને દરરોજ સવારે મળી મેઘાણીના આઝાદીના મહત્ત્વ, ગાંધીજીના વ્યક્તિત્વ, યુવાઓના રાષ્ટ્ર્‌ધર્મની વાતો કરી નામો નોંધતા હતા. તેમણે કનુભાઈને પૂછયુંઃ ‘‘ભાઈ, આ રતિલાલ (રતુભાઈ અદાણી, કેશુભાઈ) વગેરે તારા સહાધ્યાયી મિત્રો આ સત્યાગ્રહમાં જોડાય છે તો તું તારું નામ લખાવે તો સારું. વારંવારની મેઘાણીભાઈની સમજાવટનો ઉત્તર આપતા કનુભાઈ કહેતા; ‘‘આપણી આઝાદીની, ગાંધીજીની બધી વાતો સાચી પણ મારે વિધવા મા, નાનો ભાઈ, નાની બહેન છે. તેના ભવિષ્ય માટે મારે સારી રીતે ભણી મારા પિતાશ્રીનું આઈ.સી.એસ. બનવાનું સ્વપ્ન સાકાર કરવું છે. મને ક્ષમા કરો. હું નામ લખાવીશ નહીં.’’ ડૉ. હરિપ્રસાદ કનુભાઈની કૌટુંબિક પરિસ્થિતિથી વાકેફ હોવાથી પોતે સત્યાગ્રહમાં જતાં હોવા છતાં તેમને સાથે આવવા આગ્રહ ન કર્યો. ઘરનું અને દવાખાનાનું ધ્યાન રાખવા ભલામણ કરી. ધોલેરા જવાનો દિવસ નજીક આવ્યો. ડૉ. હરિપ્રસાદને ત્યાં સાંજે વિદાય ભોજનનો કાર્યક્રમ ગોઠવાયો. સૌ પંગતમાં બેસી જમતાં હતાં ત્યારે અચાનક ડૉકટર પત્ની સુમિત્રાબહેને તેમના સસરાને ઉદ્દેશીને કહ્યું; ‘‘બાપુજી, હું ડૉકટર સાથે સત્યાગ્રહમાં જાઉં ?’’ મૂળશંકર ભટ્ટે આશ્ચર્ય સાથે કહ્યું – ના, સુમિત્રા, ડૉકટર કોઈ સહેલ-સપાટામાં નથી જતા. ગાંધીજીએ કૂચમાંથી બહેનોને બાકાત રાખી છે. આ તો જીવસટોસટની બાજી છે.’’ સુમિત્રાએ સસરાને રામાયણનો પ્રસંગ ટાંકી પૂછયું કે વનવાસની અનેક વિટંબણા વચ્ચે સીતાજી રામજી સાથે ગયા હતાં ને ? પત્ની પતિ સાથે ચાલે તો જ જીવનસાથી. વિદ્વાન મૂળશંકર ભટ્ટે પણ રામાયણનો સંદર્ભ રાખી કહ્યું; ‘‘કૌશલ્યાએ સીતાને ક્યારે વન જવા મંજૂરી આપી આપી તેની તને ખબર છે ? જ્યારે લક્ષ્મણે પણ સાથે જવાનું નક્કી કર્યું ત્યારે !’’ સુમિત્રાબહેને ભાવાવેશમાં કહ્યું કે; ‘‘અમારી સાથે અમારો લક્ષ્મણ આવશે ? શ્વસુરે પૂછયું કે લક્ષ્મણ ક્યાં છે ?’’ સુમિત્રાબહેને કનુભાઈ તરફ આંગળી ચિંધી કહ્યું; ‘‘આ રહ્યો લક્ષ્મણ’’  મૂળશંકરભાઈએ પૂછયું, ‘‘ભાઈ કનુ, તું આમની સાથે જઈશ ?’’ અઠવાડિયાથી સમજાવતા મેઘાણીજીને સતત નનૈયો ભણતા, પરિવારની જવાબદારીનો હવાલો આપતા કનુભાઈએ સુમિત્રાબહેનની ચીંધેલી આંગળી સામે નજર માંડીને કહ્યું; ‘’બાપુજી, હું ચોક્કસ જઈશ.’’ બીજા દિવસે અમરેલીથી ૪૦ સ્વયંસેવકોને બદલે ૪૧ સ્વયંસેવકો રાણપુર જવા રવાના થયા. મારા પિતાજીના અને અમારા સૌના જીવનમાં અમારા સુમિત્રા ફઈની ચિંધેલી આંગળીએ જે ધરમૂળથી પરિવર્તન કર્યું ત્યારે તે જમાનાનો માહોલ, પડકારો, ભાવનાઓએ અમારા જ નહીં અનેક પરિવારોના જીવનને નવી દિશા ચિંધી હતી.

ધોલેરા સત્યાગ્રહને તાજેતરમાં ૯૨ વર્ષ પૂરા થયા. ધોલેરાની બજારના ચોકમાં સત્યાગ્રહીઓનાં નામની તક્તિનું અનાવરણ થયું. આ સત્યાગ્રહીઓ અમે થોડાં વંશજો હાજર હતાં. અમે આજે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમારા વડિલો પાસેથી સાંભળેલી વાતો વાગોળીએ છીએ.

મારા પિતાની ઉંમર માંડ ૧૬ વર્ષની, અખાડામાં કસાયેલું શરીર, સારી સહનશક્તિ, મનુભાઈ પંચોળીએ વર્ણવેલી કનુભાઈની મેદનીને ડોલાવવાની ડોલન શૈલી, બુલંદ અવાજ, અગવડ, મારપીટ, ભૂખ અને તરસ વચ્ચે પણ હસતાં હસતાં કામ કરવાની કુશળતા, એક્સિડેન્ટલ સત્યાગ્રહી હોવા છતાં બાપુના પગલે ચાલવાનો દૃઢ નિર્ધાર અને અતૂટ શ્રદ્ધાએ સત્યાગ્રહીઓ જોડે તેમને જે દોસ્તી થઈ તે આજીવન ટકી. બળવંતરાય મહેતા અને વજુભાઈ શાહ તેમના રાજકીય ગુરુ, મેઘાણીજી અને અમૃતલાલ શેઠ તેમના પિતાતુલ્ય વડિલ, રતુભાઈ અદાણી અને કેશુભાઈ મહેતા તેમના સાથીઓ. આ યાદી ખૂબ લાંબી છે પણ ગુજરાતના જાહેરજીવનમાં ધોલેરા સત્યાગ્રહીઓનું સ્થાન અને પ્રદાન અનેરું છે.

રાણપુરમાં સ્મશાનમાં સત્યાગ્રહ છાવણીની સ્થાપના, ગામોમાંથી રોટલા ઉઘરાવી પેટ ભરવાનો ઉપક્રમ. બ્રિટિશ અધિકારીઓ અને દેશી પોલીસની કડકાઈ વચ્ચે ભાલના ધૂળગામ ધોલેરામાં ગીતો ગાતાં સત્યાગ્રહીઓએ મીઠું ઉપાડ્યું. ડંડા વિંઝતા ઘોડે સવાર પોલીસોએ સત્યાગ્રહીઓ પર કેર વર્તાવ્યો. સત્યાગ્રહીની બંધ મુઠ્ઠી ખોલાવવા હાથ પર ડંડાના અવિરત પ્રહારો અને પીઠ પર હંટરનો માર, ધરપકડ અને સાબરમતી જેલમાં કારાવાસ. આ ઉપક્રમ ચાલતો રહ્યો. કનુભાઈની ઉંમર ૧૬ વર્ષની એટલે દરેક સુનાવણીએ ચેતવણી સાથે છૂટકારો. ફરી ધંધુકા-રાણપુર બરવાળામાં મીઠાના વેચાણની ફેરી. ઝવેરચંદભાઈ મેઘાણી પરનો રાજદ્રોહનો કેસ અને અમારી હજારો વર્ષની વેદનાના ગીતનું કોર્ટમાં ગાન જેવી ઐતિહાસીક ઘટના વચ્ચે સત્યાગ્રહ ચાલતો રહ્યો. મીઠાની ફેરી કરતાં કનુભાઈને એક અંગ્રેજ અમલદાર અને દેશી પોલીસે રોકીને ખૂબ માર માર્યો. બેહોશી સાથે ધંધુકાની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાં. આ સમયે રાત્રે એક અજીબ બનાવ બન્યો. રાત્રે ફાનસ સાથે ખાદીના લેંઘા-ઝભ્ભા અને ગાંધી ટોપી સાથે એક માણસ કનુભાઈના પલંગ પાસે આવ્યો. ધીમા અવાજે પૂછયું; ‘‘ભૈયા મુઝે પહેચાના ?’’ કનુભાઈએ નકારમાં માથું ધૂણાવ્યું. આગંતુકે કહ્યું; ‘‘મારું નામ રામ પ્યારે – હું પોલીસમાં છું – હતો. આજે તમને માર મારનાર હું હતો. આપે જે શાંતિથી કશા પ્રતિકારવગર માર સહન કર્યો તેનાથી મને પારાવાર દુઃખ અને બેચેની થયા છે. મેં નક્કી કર્યું છે કે પાપી પેટનો ખાડો પૂરવાના અનેક ઉપાય છે. આવી અમાનૂષી નોકરી તો નથી કરવી. મને ક્ષમા કરો.’’ કનુભાઈ જવાબ આપે તે પહેલાં રામ પ્યારે ઝડપથી બહાર ચાલી ગયો. કનુભાઈ અવાચક રીતે જોઈ રહ્યા.

વર્ષો વિતતા ગયાં. ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં મુંબઈમાં ચોપાટીની એક સભામાં કનુભાઈ હાજર હતાં. અચાનક લાઠી ચાર્જ થતાં દોડધામ મચી એ ભીડ વચ્ચે એક અવાજ સંભળાયો. ભૈયા, રૂકીયે, ઈસ તરફ આ જાઈએ’’ કનુભાઈએ જોયું તો માલીશની બેગ સાથે ઊભેલી વ્યક્તિ રામ પ્યારે હતો ! બંને ભેટી પડ્યા. ગાંધીજીના કથનની યાદ આવી. ‘‘સાચો સત્યાગ્રહી દ્વેષભાવ તો રાખી શકે જ નહીં. ગમે તેવા ત્રાસમાં પણ વ્યક્તિગત વેરને સ્થાન નથી. દરેક માણસમાં રહેલી ભલાઈ પ્રગટે તો જ સત્યાગ્રહ સફળ લેખાય.’’ આ તો ઉદાહરણ માત્ર છે. ગાંધીજીની આડેધડ ટીકા કરતાં યુવામિત્રોને ગાંધીજીની નૈતિક તાકાત, ક્ષમાભાવના, હાસ્યવૃત્તિ, સંવેદના અને સમર્પણનો કશો ખ્યાલ નથી. તેમની હત્યાના અનેક નિષ્ફળ પ્રયાસોના પ્રસંગે ફરિયાદ કરવાનો ઈન્કાર કરનાર ગાંધીજીને સમજવા કઠિન છે. યુગપુરુષ માટે વર્તમાન માન્યતાઓ, પૂર્વગ્રહો અને ધારણાઓ કરતાં માનવીય મૂલ્યો, શાશ્વત સિદ્ધાંતો અને પીડ પરાઈની અગ્રતા વિશેષ હોય છે. વેરવૃત્તિ છોડવી, સહનશક્તિ અને ધીરજથી સામાના હૃદય પરિવર્તનનો પ્રયત્ન સફળ થાય કે નિષ્ફળ તેની ચિંતા કર્યા વિના મનની ઉદારતા રાખવી એ સહેલું કામ નથી. મારા પિતાશ્રી હંમેશાં કહેતા હતા; ‘‘અમારી પેઢીએ ગાંધી નામનો પારસમણી જોયો છે. તેના સ્પર્શથી લોઢું ખરેખર સોનું બને તેવી જાદુઈ અસર થતી અમે નિહાળી છે.’’

ગાંધીજી વિશે એલફેલ લખનારાને મારે એટલું જ કહેવું છે કે આલબર્ટ આઈન્સ્ટાઈન, માર્ક ટવેઈન કે એવા અણસમજુ ન હતા કે ગાંધીજીની પ્રશંસા કરે. સરદાર કે નેતાજી સુભાષચંદ્રે આ ડોસામાં એવું શું અનુભવ્યું હશે કે તેઓને ગાંધીજીમાં પિતાતૂલ્ય વડિલના દર્શન થાય. રાજાજી, કૃપાલાણી જેવા તેજસ્વી મેઘાવી પુરુષે વણવિચાર્યા ગાંધીના અનુયાયી બન્યા હશે. ગામડે ગામડે લાખો લોકોએ આઝાદી અને લોકસેવા માટે અમસ્તો જ ભેખ ધારણ કર્યો હશે. ગાંધીજીના પ્રશંસકો અનુયાયીઓ છે અને રહેશે. ઓબામા, દલાઈ લામા, નેલ્સન મંડેલા, આર્યરત્નથી માંડીને દેશવિદેશના મહાનુભાવોને કોઈ નહીં પણ ગાંધીજીમાંથી જ કેમ પ્રેરણા પ્રાપ્ત થઈ હશે.

હિંદુ મહાસભા અને રાષ્ટૃીય સેવક સંઘે ગાંધીજીને તેમને ત્યાં શા માટે આગ્રહપૂર્વક નિમંત્ર્યા હશે ? સાવરકરનો ગાંધીદ્વેષ અને ચર્ચિલની અર્ધનગ્ન ફકીરની ટીકા, મહમદઅલી ઝીણાની ગાંધી તો માત્ર હિંદુના નેતા જેવા વલણોમાં એક સમાનતા છે. આ ટીકાકારોને મતે સાધનશુદ્ધિ બીનજરૂરી છે. સાધ્ય સાચું તો તે ગમે તે માર્ગે યેન કેમ પ્રકારે હાંસલ કરવું. તે સામે ગાંધી માર્ગે મુશ્કેલી વેઠીને પણ સારા હેતુ માટે અનૈતિક કાર્ય ન કરવું તે વાત ભલે આજે અપ્રસ્તુત લાગે પણ માનવીની સંહારશક્તિ જેમ જેમ વધતી જશે, આપસની ધૃણામાં વૃદ્ધિ થતી રહેશે. વિનાશ અને અરાજકરતા ફેલાશે ત્યારે લોકો ગાંધીને યાદ કરીને કહેશે; ‘‘બંદેમેં જરૂર કુછ દમ હૈ’’

સત્યમેવ જયતે !

12 સપ્ટેમ્બર 2022
e.mail : pklaheri@gmail.com
સૌજન્ય : પ્રવીણભાઈ ક. લહેરીની ફેઈસબૂક દીવાલેથી સાદર

Loading

23 September 2022 Vipool Kalyani
← ભારતીય મહિલાઓના ઇતિહાસની એક મહત્ત્વની તારીખ 
ભ-મરડો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved