Opinion Magazine
Number of visits: 9448735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રીઓ પર જાતીય હિંસા : કથુઆ અને ઉન્નાવ

સ્વાતિ જોશી|Opinion - Opinion|16 May 2018

છેલ્લા થોડા સમયથી દેશમાં સ્ત્રીઓ પર થતી જાતીય હિંસાની ઘટનાઓ અતિશય પ્રમાણમાં વધી છે એ ચિંતાનો વિષય છે. આજે દેશમાં સ્ત્રીઓ પર થતાં હિંસા, બળાત્કાર અને ક્રૂરતાને નવી ઊભરતી પિતૃસત્તા, આર.એસ.એસ. અને ભા.જ.પ.શાસનની સ્ત્રીઓ પ્રત્યેની સામંતવાદી દ્રષ્ટિ અને ઝડપથી વધતા કોમવાદના બહોળા સંદર્ભમાં જોવાની જરૂર છે. આ હિંસા આજે દેશમાં નફરત અને હિંસાનું જે વાતાવરણ ફેલાયું છે એનાથી અલગ કરીને જોઈ શકાય નહીં. છેલ્લા કેટલાક સમયથી જમણેરી હિંદુત્વ વિચારધારાના પ્રવક્તાઓએ સ્ત્રીઓ વિશે ઉગ્ર અને હિંસક વિચારો પ્રગટ કર્યા છે. આ મનુવાદી વિચારધારા સ્પષ્ટ રીતે સ્ત્રીઓને પુરુષોથી ઊતરતી કક્ષાની અને પુરુષોના નિયંત્રણ નીચે રહેવા સર્જાયેલી માને છે.

આર.એસ.એસ.ના પ્રમુખ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને બીજા ભા.જ.પ. નેતાઓએ આ વિશે જાહેરમાં અનેક વિધાનો કરેલાં છે. સ્ત્રીનું સ્થાન ઘરમાં છે અને એને પુરુષ-પિતા, પતિ કે પુત્ર-ને આધીન થઈને જીવવાનું છે. સ્ત્રીની સ્વતંત્રતાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. આ સામંતવાદી પિતૃસત્તા છે. આ ફાસીવાદી પિતૃસત્તા પણ છે, જે સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કારની દ્રષ્ટિથી જુએ છે. ફાસીવાદ માને છે કે સ્ત્રીનું સ્થાન ઘરમાં છે અને એનું મુખ્ય કામ ભવિષ્ય માટે ‘શુદ્ધ’ અને ચડિયાતા’ વંશની પ્રજા પેદા કરવાનું અને વધારવાનું તેમ જ પોતાના કુટુંબને ઉછેરવાનું છે.

આજે દેશમાં સ્ત્રીઓ પ્રત્યે એક નકારાત્મક અને પ્રત્યાઘાતી વલણ ઊભું થયું છે. સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા ‘લવ જેહાદ’ અને ‘ઍન્ટિ-રોમિયો સ્ક્‌વૉડ’ જેવી ઘોષણાઓ થઈ રહી છે; ખાસ કરીને ‘હિન્દુ’ સ્ત્રીઓના બીજા સમુદાયોના પુરુષો સાથેના સંબંધોને રોકવા, એ સમુદાયના પુરુષો પર અત્યાચાર કરવા, એમની સામે નફરત અને ભય ફેલાવવા અને સમાજને વિભાજિત કરવા. હમણાં જ ભા.જ.પ.ના મધ્યપ્રદેશના ધારાસભ્યે ‘લવ જેહાદ’થી સ્ત્રીઓને બચાવવા બાળવિવાહની ભલામણ કરી છે. હિન્દુ સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા માટેનું આ કેવું પ્રત્યાઘાતી સૂચન છે!

સંવિધાને અને કાનૂને સ્ત્રીઓને આપેલા અધિકારો અને નારીઆંદોલને સદીઓ જૂના સ્ત્રીઓને લગતા રૂઢિગત રિવાજો સામે સંઘર્ષ કરીને સ્ત્રીઓની સ્વતંત્રતા અને સમાનતા માટે જે સફળતા મેળવી છે, એની આવા વિચારો અને એની પાછળની વિચારધારા દ્વારા અવગણના થઈ રહી છે. સ્ત્રીઓને લગતા કાયદાઓને પણ ઢીલા કરવાના અને બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પોલીસતંત્ર અને ન્યાયતંત્ર, જેના તરફથી સ્ત્રીને રક્ષણ મળવું જોઈએ, એમાં પણ સ્ત્રીઓ પ્રત્યે આ વલણ જોવા મળે છે અને એમને રાજ્યનો ટેકો મળે છે. સ્ત્રીઓ પર હિંસા વધતી જાય છે, કેમ કે આરોપીઓને સજા મળતી નથી; એમને સજાનો કોઈ ડર નથી અને એથી બીજા પુરુષોને હિંસા માટે પ્રોત્સાહન અને હિંમત મળે છે. છેલ્લાં ચાર વર્ષમાં દેશમાં સ્ત્રીઓની સ્થિતિ ઘણી બગડી છે. હિન્દુ રાષ્ટ્રવાદી પિતૃસત્તા સ્ત્રીવિરોધી છે. એ સ્ત્રીને નિયંત્રણમાં રાખવાનો આગ્રહ સેવે છે. એ સાથે જ બીજા સમુદાયોનાં સ્ત્રીઓ અને પુરુષો પ્રત્યે એ નફરત અને હિંસા ફેલાવે છે. આજે નફરત અને હિંસા ફેલાવનાર તત્ત્વોને સમાજમાં છૂટો દોર મળ્યો છે.

કથુઆ અને ઉન્નાવમાં બનેલી બળાત્કારની ઘટનાઓ આ નફરત અને હિંસાના વાતાવરણમાં બનેલી ઘટનાઓ છે. કથુઆમાં ઘોડા ચરાવવા નીકળેલી આઠ વર્ષની એક મુસ્લિમ બાળકીને બેભાન કરી, દિવસો સુધી એના પર સામૂહિક બળાત્કાર કરી એની ક્રૂર હત્યા કરવામાં આવી. આ બાળકી કથુઆનાં જંગલોમાં રહેતી વિચરતી, આદિવાસી મુસ્લિમ બકરવાલ જાતિની હતી. છેલ્લા થોડા સમયથી આ લોકો પર અનેક પ્રાયોજિત હુમલાઓ થયા છે, જેથી તેમને જમ્મુ, કથુઆ જેવા હિન્દુઓની બહુમતી ધરાવતા પ્રદેશોમાંથી કાઢી મુકાય. ૨૦૧૫માં ભા.જ.પ. અને પી.ડી.પી.ની સરકાર આવ્યા પછી આવા પ્રયાસો વધ્યા છે. આ પ્રદેશની જમીન પર બકરવાલ લોકોનો કોઈ હક નથી, કેમ કે અહીં ફૉરેસ્ટ રાઇટ્‌સ ઍક્ટ (૨૦૦૬) લાગુ કરવામાં આવ્યો નથી. આ ઍક્ટ લાગુ ન થાય એ માટે ભા.જ.પ. આર્ટિકલ ૩૭૦નો ઉપયોગ કરે છે. કથુઆમાં આદિવાસીઓના હક માટે લડતા તાલિબ હુસેન જેવા કર્મશીલોનું માનવું છે કે આર્ટિકલ ૩૭૦ પરનાં નિયંત્રણો અને રાજ્યનો વિશિષ્ટ દરજ્જો એ કેવળ આદિવાસી મુસ્લિમ જાતિઓને જમ્મુ વિસ્તારમાથી હાંકી મૂકવાના ભા.જ.પ.ના ‘કોમવાદી એજન્ડા’ની ઢાલ છે. કેસની ચાર્જશીટમાં પણ નોંધવામાં આવ્યું છે કે આ બળાત્કાર અને હત્યાની પાછળ બકરવાલ સમુદાયને પ્રદેશમાંથી કાઢી મૂકવાનો આશય હતો.

કથુઆની ઘટના ચોંકાવનારી એટલા માટે પણ છે કે એને સ્થાનિક હિન્દુઓનો અને ભા.જ.પ.ના ધારાસભ્યોનો અને મંત્રીઓનો ટેકો મળ્યો. આરોપીઓની ધરપકડ થઈ પછી જે બન્યું એ હિન્દુ રાષ્ટ્રવાદીઓને સ્ત્રીઓના, ખાસ કરીને અમુક સમુદાયની સ્ત્રીઓનાં શરીર પર હિંસા કરવામાં શા માટે રસ છે, એ ઉઘાડું પાડે છે. હિન્દુ એકતા મંચ જેવું સંગઠન જે સમાજના વિભાજન માટે કામ કરે છે, એણે તરત જ હિન્દુઓને એકઠા કર્યા અને આરોપીઓને છોડવાની માંગ કરતું જાહેર પ્રદર્શન યોજ્યું જેમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને ‘ભારતમાતા કી જય’ના નારા લગાવવામાં આવ્યા. આ પ્રસંગે ભા.જ.પ.ના મંત્રી લાલસિંહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા. લાલસિંહે થોડા સમય પહેલાં જ ગુજ્જર-બકરવાલ મુસ્લિમોને ધમકી આપી હતી અને ૧૯૪૭માં જમ્મુમાં થયેલા મુસ્લિમોના ભીષણ જનસંહારની યાદ અપાવી હતી. કથુઆ અને જમ્મુના બાર એસોસિયેશને પણ પોલીસને કેસની ફાઇલ લઈ કોર્ટમાં જતાં રોક્યા હતા. બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી બાળકીની વકીલ દીપિકા રાજાવતને આ તત્ત્વો તરફથી મળેલી મોતની ધમકીઓ સામે લડાઈ આપવી પડી છે.

કથુઆ ઘટનાના આરોપીઓ હિન્દુ છે જેમને ગુજ્જર-બકરવાલ મુસ્લિમ જાતિને પ્રદેશમાંથી હાંકી મૂકવામાં લાંબા સમયથી રસ હતો અને એમાં એ સફળ થયા છે. આ ઘટના બતાવે છે કે સ્ત્રીના શરીર પર થતી જાતીય હિંસા દ્વારા ધર્મ અને જાતિ પર આધારિત સામાજિક, આર્થિક, અને રાજકીય હિતોની લડાઈ લડાતી હોય છે. ઇતિહાસમાં આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ બની છે. બે પક્ષ કે સમુદાય વચ્ચેના સંઘર્ષની પરિસ્થિતિમાં બળાત્કાર એ સૌથી અસરકારક શસ્ત્ર છે. સ્ત્રીનું શરીર એ એક રણભૂમિ મનાય છે, જેના પર આવી લડાઈઓ લડાય છે. બીજા સમુદાયોની સ્ત્રીઓ પર થતી જાતીય હિંસાનું ધ્યેય દુશ્મનનું અપમાન કરવાનું, એને  ભયભીત કરવાનું, વિસ્થાપિત કરવાનું અને છેવટે નાશ કરવાનું હોય છે.

૨૦૦૨માં ગુજરાતના જનસંહાર દરમિયાન હિંદુત્વ તત્ત્વો દ્વારા અનેક મુસ્લિમ બાળકીઓનાં અને સ્ત્રીઓનાં બળાત્કાર અને હત્યા થયાં હતાં. સગર્ભા કૌસરબાનોના પેટને ચીરીને ગર્ભ કાઢીને હવામાં ફંગોળીને બળતા અગ્નિમાં હોમવામાં આવ્યો હતો. નરોડા પાટિયામાં ૯૭ લોકોની હત્યા થઈ, એમાં ૩૬ સ્ત્રીઓ અને ૩૫ બાળકો હતાં. સ્ત્રીઓને મારતાં, કાપતાં અને બાળતાં પહેલાં એમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ બધા પાછળ પ્રયોજન મુસ્લિમોને ડરાવવાનું અને વિસ્થાપિત કરવાનું અને છેવટે હિંદુત્વના એજન્ડાને સ્થાપિત કરવાનું હતું જે સફળ થયું. ૨૦૧૩માં મુઝફ્ફરનગરમાં થયેલાં કોમી રમખાણો દરમિયાન પણ ઘણી મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કારની ઘટનાઓ બની હતી. આવા કિસ્સાઓમાં બળાત્કારને સ્ત્રીના શરીરના જાતીય આકર્ષણ સાથે સંબંધ નથી હોતો, પરંતુ એ અસહાય શરીર સત્તા સાબિત કરવાનું એક સાધન બને છે. સંઘર્ષનાં ક્ષેત્રોમાં સ્ત્રીઓનાં બળાત્કાર અને હત્યાને બળાત્કારીઓ પોતાના ઉદ્દેશ માટે જરૂરી હિંસા માને છે. આ કેવળ જાતીય હિંસાનો ગુનો [sexual crime] જ નથી પરંતુ નફરતનો ગુનો [hate crime] પણ છે.

દલિત અને આદિવાસી સ્ત્રીઓ પર પણ આ જાતના અનેક બળાત્કાર થયા છે. મહાશ્વેતાદેવીની વાર્તા ‘દૌપડી’ એ બંગાળમાં પોતાના જમીન પરના હક માટે લડતી આદિવાસી યુવતી પર સલામતી બળો દ્વારા થયેલા સામૂહિક બળાત્કારની વાત છે. બસ્તરની આદિવાસી સ્ત્રીઓ, સોની સોરી સહિત, પર પણ જાતીય હિંસાના બનાવો આવાં બળો દ્વારા થયા છે. ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં દલિત સ્ત્રીઓ પર અસંખ્ય બળાત્કારો એ સ્થાનિક સમુદાયનું અપમાન કરવા, એમને ડરાવવા કે જમીન અને ગામ છોડીને ભગાડવા માટે થયા છે. ભારતીય સૈન્યનાં બળો  દ્વારા  પણ ‘રાષ્ટ્રવાદ’ને નામે સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે. AFSPA જેવા કાયદા દ્વારા ભારે સલામતી હેઠળના વિસ્તારોમાં આ બળોને હંમેશાં સજામાંથી મુક્તિ મળે છે અને આમ દેશના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને કાશ્મીરમાં, કોઈ પણ સજા વગર સ્ત્રીઓ પર થતી હિંસાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

થંગમ મનોરમા પર મણિપુરમાં લશ્કરના સૈનિકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને એની હત્યા કરી હતી. કાશ્મીરમાં કથુઆની ઘટના પહેલાં આવી પ્રાયોજિત બળાત્કારની અસંખ્ય ઘટનાઓ બની છે. જ્યારથી ત્યાં સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારથી ભારતીય લશ્કરી દળોએ બળાત્કારનો ઉપયોગ યુદ્ધના શસ્ત્રની જેમ કર્યો છે. એનો મુખ્ય આશય સ્થાનિક પ્રજાનું અપમાન કરવાનો અને એમને ડરાવવાનો છે. કુનાન પોષપોરા ગામોમાં ૧૯૯૧માં લશ્કરનાં દળો દ્વારા એક જ રાતમાં એક સાથે ૧૦૦થી પણ વધુ સ્ત્રીઓ પર બળાત્કાર થયા હતા એ કથુઆની ઘટનાથી ઓછો આક્રોશ ઉપજાવનારી ઘટના નથી. આવી અસંખ્ય ઘટનાઓ કાશ્મીરમાં બનતી રહી છે.

આ બધી હકીકતો જાણવી જરૂરી છે, કેમ કે કથુઆમાં જે બન્યું એની પાછળ આ આખો ઇતિહાસ રહેલો છે અને આ ઘટનાને એના સંદર્ભમાં જોવી જરૂરી છે. બંગાળ અને બસ્તરથી કાશ્મીર સુધીના સંઘર્ષના વિસ્તારોમાં રાજ્ય તરફથી થતી હિંસા એ એની પશ્ચાદ્‌ ભૂમિ છે. આગળ બનેલા ગુજરાત અને મુઝફ્ફરનગરના બળાત્કારોમાંથી કથુઆના આરોપીઓ ગુનાને કોમવાદી અંચળો ઓઢાડવાનો આત્મવિશ્વાસ મેળવે છે. અને મનોરમા અને કુનાન પોષપોરા જેવા બળાત્કારોમાંથી ગુનાને રાષ્ટ્રવાદમાં લપેટવાની હિંમત મેળવે છે. બીજે આવા ગુનાઓ સફળ થયા છે, એટલે તપાસ પણ ટાળી શકાય છે તેમ જ રાજકીય રીતે શક્તિશાળી અને વિભાજનની નીતિમાં માનનારા એમની વર્તણૂકને મંજૂર કરશે, એની ખાતરી પણ એમને મળે છે.

જાન્યુઆરીમાં બનેલી કથુઆની ઘટનાના સમાચાર બહાર આવ્યા પછી થોડા જ દિવસોમાં ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક વર્ષ પહેલાં બનેલી બળાત્કારની ઘટનાના સમાચાર પણ બહાર આવ્યા. લગભગ એક વર્ષ પહેલાં ભા.જ.પ.ના વગ ધરાવતા ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરે એક સગીર યુવતી પર બળાત્કાર કર્યો હતો. યુવતીના અનેક પ્રયત્નો બાદ પણ પોલીસે આ કેસમાં કોઈ કારવાઈ ન કરી, છેવટે આ યુવતીએ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા એમના ઘર આગળ આત્મદહનનો પ્રયત્ન કર્યો. સેંગરના સમર્થકોએ યુવતીના પિતાને ખૂબ માર માર્યો; પોલીસે પિતાની ધરપકડ કરી અને છેવટે ન્યાયિક હિરાસતમાં એમનું મૃત્યુ થયું. આ બધા સમય દરમિયાન સેંગર ગુનાના ડર વગર જાહેરમાં પૂરા આત્મવિશ્વાસ સાથે ફરતા હતા, કેમ કે એમને રાજ્યતંત્રનો ટેકો હતો.  છેવટે અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના આદેશને કારણે એમની ધરપકડ થઈ. એ પછી પણ એમના સમર્થકો તરફથી સ્થાનિક લોકોને ધમકીઓ મળતી રહી છે કે એમની વિરુદ્ધ બોલવાની સજા ભોગવવી પડશે. બળાત્કારની ભોગ બનેલી યુવતી દલિત કુટુંબની છે, એમ મનાય છે. એના કુટુંબ વિશે સેંગરે જાહેરમાં ‘નિમ્ન કક્ષા કે લોગ’ એમ ઉલ્લેખ કર્યો હતો. જે ક્રૂરતાથી યુવતીના પિતાને મારવામાં આવ્યા એ સ્પષ્ટ બતાવે છે કે આ કુટુંબ સમાજના નબળા અને અસહાય સમૂહનું છે. ઉન્નાવની બળાત્કારની ઘટના એ સામંતવાદી પિતૃસત્તામાં ધન અને સત્તાનું બળ પુરુષને સ્ત્રી પર જાતીય હિંસા કરવા છૂટો દોર આપે છે એનું ઉદાહરણ છે. સામંતવાદી પિતૃસત્તામાં આની સામે વિરોધ અશક્ય છે. ઉન્નાવની યુવતીએ વિરોધ કરવાની હિંમત કરી તો પિતાની જિંદગીની કિમત ચૂકવવી પડી.

રાષ્ટ્રીય ગુના નોંધણી કચેરી(નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો)ના રિપોર્ટ મુજબ ૨૦૧૬માં ઉત્તર પ્રદેશમાં હત્યાના અને સ્ત્રીઓ સામેના ગુનાઓ સૌથી વધુ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં બીજા અનેક પ્રકારની હિંસા પણ થતી આવી છે. ૧૯૯૨માં બાબરી મસ્જિદનો ધ્વંસ થયો એ પહેલાના સમયથી રાજ્યમાં હિન્દુ કટ્ટરવાદી નેતાઓ મુસ્લિમવિરોધી ઉશ્કેરણીજનક નિવેદનો અને ભાષણો જાહેરમાં કરતા આવ્યા છે. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સાક્ષી મહારાજ – જે ઉન્નાવ ક્ષેત્રમાંથી લોકસભાના સભ્ય છે – જેવી જવાબદાર વ્યક્તિઓ મુસ્લિમ, દલિત અને સ્ત્રીવિરોધી ભડકાઉ નિવેદનો ખુલ્લેઆમ કરે છે. રાજ્યમાં નફરત અને હિંસાનું વાતાવરણ વધતું જાય છે. આ સાથે સ્ત્રી-વિરોધી સામંતવાદી પિતૃસત્તાને સત્તાધારી પક્ષ તરફથી પૂરું સમર્થન જાહેરમાં મળ્યું છે. મુખ્યમંત્રી પોતે જ સ્ત્રીસ્વાતંત્ર્યની વિરુદ્ધ જાહેર નિવેદનો કરે છે. ‘લવ જેહાદ’ કે ‘ઍન્ટિ-રોમિયો સ્ક્‌વૉડ’ જેવી ઘોષણાઓ હિન્દુ સ્ત્રીઓ પર નિયંત્રણ મૂકવા અને જુવાન પ્રેમીઓને હેરાન કરવા થાય છે. જે મંચ પર મુખ્યમંત્રી બેઠા હોય એ જ મંચ પરથી મુસ્લિમ સ્ત્રીઓનાં શબોને કબરમાંથી બહાર કાઢી એમના પર બળાત્કાર કરવો એવું બયાન થાય એ હિન્દુ કોમવાદી પિતૃસત્તાક તત્ત્વોને કેટલો છૂટોદોર મળ્યો છે તે બતાવે છે. રાજ્યમાં પિતૃસત્તાક સામંતવાદી સંગઠિત ગુનેગારોની સત્તા છે જે પોતાની સત્તા જમાવવા બીજાને બળાત્કારો અને હિંસા કરવાની સ્વતંત્રતા આપે છે અને આરોપીઓનું રક્ષણ કરે છે. ઉન્નાવના કિસ્સામાં રાજ્ય સરકારનો પ્રતિભાવ – જે કહેવાતા આરોપીઓનો નહીં, પરંતુ બળાત્કારની ભોગ  બનેલી યુવતી અને એના કુટુંબનો પીછો કરે છે – બતાવે છે કે સરકાર સત્તાનો કેવો વિકૃત દુરુપયોગ કરે છે. જ્યારે ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપ્યો, ત્યારે જ સરકારે પગલાં લીધાં એ એનો દંભ અને ગંભીરતાનો અભાવ દર્શાવે છે.

૨૦૧૭માં ભા.જ.પ. સત્તા પર આવ્યા પછી ઉત્તરપ્રદેશમાં રાજ્ય તરફથી થતી હિંસા વધી છે. સત્તા પર આવતાં જ મુખ્યમંત્રી કતલખાનાંઓ પર ત્રાટક્યા અને મોટા પાયા પર નિર્દોષ લોકો પર અત્યાચાર આચર્યો. પોલીસને પણ નિર્દોષ લોકોને હેરાન કરવાનો છૂટો દોર મળ્યો. રાજ્યને ‘ગુનેગારો’થી મુક્ત કરવાને બહાને અનેક કહેવાતાં ‘ઍન્કાઉન્ટર’ કરાવ્યાં અને નિર્દોષ મુસ્લિમોની બંધારણની ઉપરવટ જઈને હત્યાઓ (એકસ્ટ્રા-કૉન્સ્ટિટ્યૂશનલ કિલિંગ્સ) કરાવી. આજે રાજ્યમાં નિર્દોષ દલિતો અને મુસ્લિમો પર ગૌરક્ષા અને બીજાં બહાને સતત હિંસા થાય છે. બીજી બાજુ જે ખરેખર ગુનેગાર છે, એમને છાવરવામાં જ નહીં, પરંતુ જાહેરમાં, સત્તાના બળે, બચાવવામાં આવે છે. મુખ્યમંત્રીએ પોતે જ પોતાની સામેના તેમ જ અન્ય ભા.જ.પ.ના નેતાઓ સામેના, ફોજદારી કેસો પાછા ખેંચી લીધા છે. મુઝફફરનગર રમખાણોના કેસો પણ પાછા ખેંચાઇ રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલાં જ સાધ્વી પ્રાચી સામેનો કેસ પાછો ખેંચવામાં આવ્યો છે. પૂર્વકેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ સામેનો બળાત્કારનો કેસ પણ પાછો ખેંચી લીધો છે. કુલદીપસિંહને સરકાર તરફથી મળતા રક્ષણની આ પશ્ચાદ્‌ ભૂમિ છે. જે સરકાર બળાત્કારીને પક્ષે ઊભી હોય, અને જે રાજ્ય ગુના અને ગુનેગારોનો બચાવ કરે એ રાજ્ય શાસનવિહોણું જંગલરાજ જ હોઈ શકે.

કથુઆ અને ઉન્નાવની ઘટનાઓમાં જે ખાસ સામ્ય છે, તે આરોપીઓનો બચાવ અને રક્ષણ છે. બંને રાજ્યોમાં ભા.જ.પ.ની સરકાર છે. આજે દેશભરમાં કથુઆ, ઉન્નાવ તેમ જ બીજા બળાત્કારો સામે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. તેમ છતાં, કથુઆમાં પૂરા આત્મવિશ્વાસ સાથે લાલસિંહે આરોપીઓના બચાવમાં બીજું પ્રદર્શન યોજ્યું. જે ધારાસભ્ય પહેલા નિદર્શનમાં હાજર હતા, એમને રાજ્યના મંત્રીપદનું સન્માન મળ્યું!

એ જ રીતે ઉન્નાવમાં પણ આરોપીના સમર્થનમાં રેલી યોજાઈ. આરોપીઓને સમર્થન અને સન્માન આપવાં એ એકદમ નવી ઘટના નથી. ૨૦૧૫માં દાદરીમાં મહમ્મદ અખલકની હત્યાના એક આરોપીનું જેલમાં મૃત્યુ થયું, ત્યારે એના મૃતદેહ પર રાષ્ટ્રધ્વજ મૂકી શહીદનું સન્માન આપવામાં આવ્યું હતું; એની વિશાળ અંતિમયાત્રા ગામમાંથી નીકળી હતી અને ભા.જ.પ.ના નેતાઓએ ભડકાઉ ભાષણો કર્યાં હતાં. ૨૦૧૭ના ડિસેમ્બરમાં રાજસ્થાનમાં રાજસમન્દ ગામમાં શંભુલાલ રેગરે અફરાઝૂલ નામના એક મુસ્લિમ મજૂરની હત્યા મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાના આશયથી કરી હતી. રેગરના પોશાકમાં એના જેવી દેખાતી એક વ્યક્તિની આ વર્ષે રામનવમીને દિવસે જોધપુરમાં શોભાયાત્રા નીકળી હતી. હમણાં ૧૦મી એપ્રિલે ઝારખંડના રામગઢ ગામમાં જે ૧૧ ગૌરક્ષકોને માંસ વેચનાર મુસ્લિમ વેપારીની હત્યાના આરોપસર મોતની સજા થઈ એમના સમર્થનમાં ભા.જ.પ.ના કાર્યકર્તાઓએ કથુઆની જેમ જ સી.બી.આઈ. કે એન.આઈ.એ.ની તપાસની માંગ કરતી યાત્રા ગામમાં કાઢી જેમાં રાષ્ટ્રધ્વજ અને ભગવા ઝંડા લહેરાવવામાં આવ્યા હતા. આ ઘટનાઓમાં આરોપીઓના સમર્થનમાં નીકળેલાં પ્રદર્શનોમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એ આ બધી ઘટનાઓમાં રાષ્ટ્રવાદનો દાવો કરવાની વિલક્ષણ સમાનતા રહેલી છે એ દર્શાવે છે.

સ્ત્રીઓ પર થતી જાતીય હિંસાને દેશમાં વધી રહેલી કોમવાદી હિંસાના ભાગ રૂપે જોવાનો અહીં આશય નથી. પરંતુ કથુઆ અને ઉન્નાવની ઘટનાઓને આ બધાથી અલગ કરીને પણ જોઈ શકાય નહીં. આ બધી ઘટનાઓનું સામ્ય એ જરૂર દર્શાવે છે કે હિન્દુ રાષ્ટ્રવાદ જેટલો દલિત અને મુસ્લિમ-ખ્રિસ્તીવિરોધી છે, એટલો જ સ્ત્રીવિરોધી છે. સ્ત્રી પર થતી જાતીય હિંસાનું ચોક્કસ સ્વરૂપ સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાન પરિસ્થિતિમાં રહેલું છે. એ પિતૃસત્તાના માળખામાં વણાયેલું છે અને તેથી હંમેશાં સ્ત્રીઓ પર અત્યાચાર થતો આવ્યો છે. એટલે જ આજના સમયના ઉગ્ર અને હિંસક રાષ્ટ્રવાદી પિતૃસત્તાના ચોક્કસ સ્વરૂપને આપણે સમજવું પડશે જેથી એની સામે ચોક્કસ સંઘર્ષ કરી શકાય. અને એટલે સાથે સાથે વર્તમાન રાજકીય વાતાવરણ સામે લડવું જરૂરી છે, જે રાજ્યના ટેકા સાથે વધુ અને વધુ વિભાજિત થતું જાય છે અને આ પિતૃસત્તાને પોષે છે. આપણી લડાઈ આથી ફાસીવાદી રાજ્ય સામે પણ એટલી જ અગત્યની છે.

આજે કથુઆ, ઉન્નાવ અને બીજાં સ્થળોએ થયેલી બળાત્કારની ઘટનાઓ સામે જનતાનો આક્રોશ દેશભરમાં ફાટી નીકળ્યો છે, જે સહેલાઇથી બધા સમુદાય, જાતિ અને પ્રદેશમાં થતી જાતીય હિંસાને એકસરખી દૃષ્ટિએ જુએ છે. બળાત્કાર એ બળાત્કાર છે અને એને રાજકારણ કે ધર્મકારણ સાથે જોડવો ન જોઈએ એમ પણ ઘણાં માને છે. આ સંદર્ભમાં પીડિતાને માટે ‘ભારતની બેટી’નો ઉલ્લેખ એ એક જાતના પિતૃભાવ(પૅટર્નલિઝમ)નું ચિહ્‌ન છે જે ‘પૌરુષિય હિંસા’ને પણ આ જ સંદર્ભમાં જુએ છે જેમાં બળાત્કારી હિંસક પુરુષો એ ‘પાશવી અપવાદ’ તરીકે ઓળખાય છે જેને ‘સારા હિન્દુઓ’ વખોડે છે. ઉદારમતવાદી, મધ્યમવર્ગી, શિક્ષિતો જે પ્રકારની હિંસા ફેલાવવામાં આવી રહી છે એના પર પ્રશ્ન ઉઠાવ્યા વગર ભારતની બેટીઓને બચાવવા લાગી જાય છે. પરંતુ કુટુંબ અને ઘર પણ પિતૃસત્તાક સંસ્થાઓ છે, જેમાં પિતૃભાવની ફરજ સંભાળવાનો દાવો કરનારા પુરુષો સ્ત્રીઓના સ્વતંત્ર અવાજને ચૂપ કરવા માટે પણ જવાબદાર છે. આથી એ અગત્યનું છે કે આપણે સ્ત્રીને માટે થતા ‘બેટી’, ‘દેવી’ કે ‘માતા’ના ઉપયોગ સામે ચેતીએ. કથુઆ અને ઉન્નાવની પીડિતાઓ પર થયેલી જાતીય હિંસા સામેનો આક્રોશ કોઈ ચોક્કસ સંઘર્ષનું સ્વરૂપ લેવા માંગતો હોય તો એ પિતૃસત્તાએ જે વ્યાખ્યાઓ નિશ્ચિત કરી છે એ દ્વારા તો ન જ હોઈ શકે. જાતિ, સમુદાય અને પ્રદેશ એ બધા ચોક્કસ સંદર્ભો છે, જેમાં જાતીય હિંસા ખાસ સ્વરૂપ ધારણ કરે છે. કથુઆની બાળકીની ઓળખ એ બકરવાલ આદિવાસી મુસ્લિમ જાતિની છે. એનો અર્થ એ કે એના પર થયેલી હિંસા એક ચોક્કસ પ્રકારની હતી, જે એને બીજી સ્ત્રીઓ પર થયેલી હિંસાથી જુદી પાડે છે. સ્ત્રીઓનાં શરીરને સામાજિક, આર્થિક અને ઐતિહાસિક સંદર્ભમાં જોવા એ જરૂરી છે. શરીર એ બિન-રાજકારણનું ક્ષેત્ર નથી, એ વાત પણ આપણે સમજવી પડશે. કથુઆની બાળકીને બીજી બાળકીઓ પર થતા અત્યાચારો સાથે જેટલો સંબંધ છે, એટલો જ સંબંધ એની પોતાની સમાજને છેવાડે રહેવાની હકીકત સાથે પણ છે. આ જ રીતે આરોપીઓને સામાન્ય વર્તનના કેવળ રાક્ષસી અપવાદ તરીકે જોવા એ પિતૃસત્તાક વ્યવસ્થાઓ અને ઐતિહાસિક પ્રવાહો જે આવી હિંસા માટે સ્થિતિ ઊભી કરે છે એની સામેના સંઘર્ષની શક્યતાઓ ટાળે છે.

સ્ત્રી પર થતી જાતીય હિંસા સામેની લડાઈ આપણે અનેક સ્તરે લડવી પડશે. સૌ પહેલાં તો કાનૂની લડાઈ, જેમાં દરેક આરોપીને સજા થાય એનો આગ્રહ રાખવો પડશે. ઘણા લોકોનું માનવું છે કે આરોપીને મોતની સજા થવી જોઈએ. સરકારે પણ ઉતાવળમાં ૧૨ વર્ષની નીચેની ઉંમરની બાળકીઓ પર થતા બળાત્કારના આરોપીને મોતની સજા મળે એવો કાયદો હમણાં કર્યો. પરંતુ મોતની સજા બળાત્કારમાં કે બીજા ગુનાઓમાં પણ ઇચ્છનીય નથી. નારીવાદી વકીલો અને કર્મશીલોએ ૨૦૧૨માં નિર્ભયાના કેસ વખતે અને હમણાં પણ, મોતની સજાના વિરોધમાં નિવેદન કર્યું છે. પહેલું તો, એક જીવની હત્યા સામે બીજા જીવની હત્યાની માંગણી એ ક્યારે ય ગુનેગારની સજા ન હોઈ શકે, કેમ કે દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. આપણે રાજ્યને આપણા નામે કોઈનો જીવ લેવાનો અધિકાર આપી એ હિંસાને ન્યાયી ઠરાવી શકીએ નહીં. બીજું, મોતની સજા એ બળાત્કારના કિસ્સા અટકાવવા માટે ઉપયોગી બને છે એ સાબિત કરવાના કોઈ પુરાવા નથી. બળાત્કારના કિસ્સાઓમાં સજાનું પ્રમાણ ઘણું જ ઓછું છે અને મોતની સજાથી એ કદાચ વધુ ઘટશે. સજાનું પ્રમાણ ઓછું હોવાને લીધે જાતીય હિંસાના આરોપીઓ સજાની ભીતિ વગર ગુના આચરે છે. આથી સજાના વધુ કઠોર સ્વરૂપની માંગણીને બદલે સજા ચોક્કસ મળે એનો આગ્રહ રાખવો જરૂરી છે. ત્રીજું, બળાત્કારીને મોતની સજા ફરમાવીને રાજ્ય સ્ત્રીઓ પર થતી હિંસા સાથે જોડાયેલા સંકુલ સામાજિક અને રાજકીય પ્રશ્નો પરથી ધ્યાન હટાવી શકે નહીં. આજના વિભાજિત અને કોમવાદી સંદર્ભમાં બળાત્કાર સહિતની જાતીય હિંસાને નફરત અને સામાજિક પૂર્વગ્રહો પોષે છે એ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો પડશે અને આ સંજોગોમાં આપણે એ પણ ખાતરી કરવી પડશે કે કેવળ ગુનો સાબિત થાય એટલું જ નહીં, પરંતુ જે નફરત અને પૂર્વગ્રહો આ ગુના પાછળ કામ કરે છે, એ પણ સાબિત થાય. અને ખાસ તો જે સંસ્થાઓ – પોલીસતંત્ર અને ફોજદારી ન્યાયતંત્ર -ની હિંસા રોકવાની જવાબદારી છે, તે તંત્રમાં સુધારા થાય.

સ્ત્રીઓ પર થતી જાતીય હિંસા સામેની ન્યાયની લડાઈ એ સામાજિક પ્રશ્નો જે આવી હિંસાને વેગ આપે છે એની સામે પણ હોવી જોઈએ. સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા એ વર્ગ, જાતિ કે સમુદાયો વચ્ચેની અસમાનતા સાથે સંકળાયેલી છે અને એને એનાથી અલગ કરીને ન જોઈ શકાય. બળાત્કારની પાછળ સામાજિક અને આર્થિક કારણો પણ હોય છે. જેમ કે જમીન પરના હકની લડાઈમાં અને તે પણ ખાસ તો આદિવાસી અને દલિતો સામે, બળાત્કારનો શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે, જે કથુઆની ઘટનામાં બન્યું છે. આ વિસ્તારમાં જો ફૉરેસ્ટ રાઇટ્‌સ ઍક્ટ લાગુ થયો હોત, તો કદાચ એ નિર્દોષ બાળકીની હત્યા ન થઈ હોત. આ બાળકીને ખરા અર્થમાં ન્યાય ત્યારે મળે જ્યારે બકરવાલ લોકોને જંગલની જમીન પર હક મળે. નહીં તો સમાજને છેવાડે રહેતા ગરીબ અને અસહાય આદિવાસીઓ વારંવાર જુદી-જુદી રીતે હિંસાનો શિકાર બનતા રહેશે. આ ઉપરાંત, આજે સમાજમાં નફરત અને હિંસા ફેલાવનાર કોમવાદી તત્ત્વો જે સ્ત્રીઓ પરની હિંસાને વેગ અને સમર્થન આપે છે, એમને પણ આપણે ઉઘાડાં પાડવા પડશે. છેવટે તો હિંદુત્વ અને એની પિત્તૃસત્તાના પાયામાં જ આપણે પ્રહાર કરવો પડશે. જે પૂરેપુરી સ્ત્રીવિરોધી છે. અને સૌથી જરૂરી તો આ પિતૃસત્તાના સમર્થકોને રાજકીય સત્તા પર આવતાં આપણે, ખાસ તો સ્ત્રીઓએ, રોકવાના છે. મહાશ્વેતાદેવીની વાર્તાની નાયિકા દૌપડી જાતિ, વર્ગ અને સ્ત્રીના શોષણ સામેના પ્રતિકારનું પ્રતીક છે. એ રાજ્યની હિંસા સામે ઝૂકતી નથી, પરંતુ પોતાના બળાત્કારીઓને, અને એમની પાછળ રહેલી સામાજિક અને રાજકીય સત્તાને પડકારે છે અને પછાડે છે.

દૌપડીની લડાઈ એ આજે આપણી લડાઈ છે.  

E-mail : svati.joshi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 06-09

Loading

16 May 2018 admin
← ઝીણા નામ સત હૈ ?!
હાથને ચીરો તો ગંગા નીકળે … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved