
સુમન શાહ
સ્મૃતિ ન હોય તો શું થાય? તમને યાદ જ ન આવે કે ગઇ કાલે રાત્રે શું જમેલા, કે મને યાદ જ ન આવે કે મારું નામ શું છે. લગભગ ગભરાઇ જવાય.
આજકાલ આપણે ત્યાં બે અંગ્રેજી શબ્દ ખાસ જાણકારી વિના અને એના ગુજરાતી પર્યાય વિના બહુ સાંભળવા મળે છે : dementia અને alzheimer. સમજ્યા વિના પર્યાય શોધવા નીકળવું એ ભદ્રંભદ્ર જેવા પણ્ડિતનું કામ છે. આ બન્ને વચ્ચે ભેદ છે, પણ એમ પણ ખરું કે સરવાળે ભેદ નથી.
dementia એક umbrela term છે. એ શબ્દગુચ્છની છત્રી હેઠળ સ્મૃતિભંશ, ચિત્તભ્રમ, ભૂલી જવાનો રોગ, વગેરેનો સર્વગ્રાહી નિર્દેશ છે.
alzheimer વિશિષ્ટ છે. મગજની અવ્યવસ્થિત દશા સૂચવે છે. એમાં ધીમે ધીમે સ્મૃતિનો ક્ષય થવા માંડે છે, વિચારવાની આવડત ઓછી થવા માંડે છે, ઉપરાન્ત, સાદામાં સાદાં કામો કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.
સામ્પ્રત ગુજરાતમાં અને ગુજરાતી સાહિત્યમાં dementia અને alzheimer બન્નેનાં રોગચિહ્નો જોવા મળે છે.

ભારતીય જ્ઞાનવારસાની યાદ નથી રહી એવી જણસો ઘણી છે : ગણિત જ્યોતિષ સ્થાપત્ય કે રાજનીતિવિષયક શાસ્ત્રો, અસ્તિત્વ ચેતના અને તર્કના વિષયમાં વેદાન્ત ન્યાય અને સાંખ્ય, વેદકાલીન ઋષિમુનિઓથી માંડીને ઉપનિષદો લગી પાંગરેલું ભારતીય દર્શન, અધ્યાત્મવિદ્યા, ભાષાના વૈજ્ઞાનિક સ્વરૂપનું પાણિનિનું વ્યાકરણ કે સાહિત્યકાર અને સાહિત્યસમાજને જેની સાથે ઘણી લૅણદેણ હોવી ઘટે એ સ્વયંસમ્પૂર્ણ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર — આ વારસો ભારતીય જ્ઞાન-પદ્ધતિઓ છે – indian knowledge systems; પણ આજે આપણે એથી વિચ્છિન્ન છીએ.
હેમચન્દ્રાચાર્યથી માંડીને દયારામ, અને દલપત-નર્મદથી માંડીને ૨૦મી અને ૨૧મી સદીના વર્તમાન દાયકાઓની સ્મૃતિનો ખાસ્સો લોપ થયો છે. પૂછી શકાય કે – નર્મદના ઉત્તરજીવનમાં કેવાંક પરિવર્તન હતાં. બળવન્તરાય અગેય પ્રવાહી પદ્યરચનાથી શું કહેવા માગતા હતા. ગોવર્ધનરામે કેવા સ્વરૂપે પૂર્વીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનો સમન્વય કલ્પ્યો હતો. ગાંધીજીના વિચારો અનુસારનું ચિન્તન કોણે કર્યું હતું. કિશોરલાલ મશરૂવાળાએ સમૂળી ક્રાન્તિનું કેવુંક સ્વરૂપ કલ્પ્યું હતું. આધુનિક યુગના કયા કવિઓએ અને વાર્તાકારોએ પ્રયોગશીલતાનો આશ્રય કરીને કાવ્ય અને વાર્તાસર્જનની દિશા બદલી હતી, ઘટનાતત્ત્વનો હ્રાસ શબ્દગુચ્છથી સુરેશ જોષી ખરેખર શું સૂચવતા હતા. પૂછી શકાય કે – અધ્યાપકોને ગુજરાતી સાહિત્યના ઇતિહાસની પૂરેપૂરી જાણકારી છે ખરી? એટલે કે નૉંધનીય કૃતિઓ અને કર્તાઓ તેમ જ જે તે યુગની વિશેષતાઓની ચૉક્કસ છાપ ચિત્તમાં છે ખરી? વગેરે વગેરે.
તાજેતરમાં જ બનેલી મહત્તાપૂર્ણ ઘટનાઓની મહત્તાનું સ્મરણ નથી રહ્યું. પ્રસિદ્ધિની ઉતાવળમાં એકધ્યાન નથી થવાતું, અમૂર્ત વિચારો જોડે પાનું પાડી શકાતું નથી. આ લેખક અઘરો છે એમ લેબલ મારીને ભાગી જઈ શકાય છે. સામાજિક અને સાહિત્યિક પરિવેશમાં જે કંઈ નિર્ણયો લેવાય છે એ ઘણા પછાત અને માયકાંગલા હોય છે. આયોજનોમાં પૂર્ણતાનો અભાવ હોય છે. દીપપ્રાગટ્ય જેવી પરમ્પરા એના સ્વ રૂપમાં નથી સચવાતી, ભલે, પણ એના સ્થાને કશું નવું પણ નથી સૂઝતું. પોતે લેખક કે સાહિત્યનો માણસ હોય તેમછતાં યોગ્ય શબ્દ બોલી કે લખી શકતો ન હોય એવા જનોની સંખ્યા મોટી થવા માંડી છે. રુચિનો વિકાસ થવાને બદલે એ-નું-એ જ ગમ્યા કરે છે, રૅક્ગનિશન માટેની ચિન્તા અહીંથી તહીં દોડાવતી હોય છે.
ઉપરના ફકરામાં વર્ણવેલાં બધાં વર્તનોમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક dementia અને alzheimerનાં લક્ષણો છે એમ કહી શકાય પણ ગ્રહણ કરનારા છે ખરા?
= = =
(241125A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

