
રવીન્દ્ર પારેખ
થોડાં વર્ષો પર ભોપાલના એક મંદિરનાં પરિસરમાં એક દોઢેક વર્ષનું બાળક તેના પિતા સાથે રમતું હતું મોબાઈલથી, ત્યાં રિંગ વાગી એટલે પિતાએ બાળક પાસેથી મોબાઈલ લઈ લીધો, તો બાળક રડવા લાગ્યું ને પરિસરમાં આમતેમ દોડવા લાગ્યું. ફોન પૂરો થતાં પિતાએ બાળકને ફોન પાછો આપ્યો. બાળક રડતી આંખે હસવા લાગ્યું, ત્યાં ફરી રિંગ વાગી. ફરી ફોન ખેંચી લેવાયો. બાળક ફરી રડ્યું. ફરી ફોન સોંપાયો ને બાળક રાજી થઈને રમવા લાગ્યું. દોઢેક વર્ષનાં એ બાળકને તેનો ઉપયોગ પણ ખબર નથી, પણ મોબાઈલ તેની પાસે ના રહ્યો, તો તેણે ઘણો સંતાપ કર્યો. આવી જ સ્થિતિ અન્ય બાળકોની પણ છે. થોડું મોટું બાળક મોબાઈલને મચડવાનું જાણે છે ને સ્ક્રિન પર થતા ફેરફારોનો સમજ્યા વગર આનંદ લે છે. એથી મોટી ઉંમરનાં બાળકો થોડું જાણીને તેનો ઉપયોગ કરે છે. આજનું જનરેશન લેટેસ્ટ ટેકનોલોજીવાળા મોબાઈલનો એટલો ઉપયોગ જાણે છે કે એટલો તો તેનાં મમ્મી પપ્પા ય નથી જાણતાં.
સોશિઅલ મીડિયાનો ઉપયોગ સ્કૂલના વિદ્યાર્થીઓમાં એવો વધી પડ્યો છે કે બાળકો સૌથી વધુ ભોગ શિક્ષણનો લે છે. સ્કૂલમાં ભણાવવાની શિક્ષકોને તક રહી નથી ને બાળકો તેનો લાભ સોશિઅલ મીડિયાને આપે છે, તે ત્યાં સુધી કે શેરિંગ, લાઈક્સ, ફોલોઅર્સ મેળવવામાં તેઓ જીવ પર આવી જાય છે અથવા તો જીવ લઇ લે છે. એમાં કેટલાક તો પોર્ન સુધી પણ પહોંચે છે. ઘરમાં સ્થિતિ અપવાદરૂપે જ સારી હોય છે. શિક્ષકો કે માબાપ પોતે જ મોબાઈલ એટલો મચડતા હોય છે કે તેઓ પાસે સંતાનોને આનાથી બચવાનું કહેવા જેટલો સમય પણ નથી. એક જ ઘરમાં માબાપ અને દીકરો/દીકરી પોતપોતાના મોબાઈલમાં મેસેજ કે રીલ્સ પોસ્ટ કરવામાં એટલાં વ્યસ્ત હોય છે કે બાજુમાં કોણ બેઠું છે એ પણ યાદ નથી આવતું ને સામે ટી.વી., એમ જ ચાલ્યાં કરતું હોય છે. એમાં મોટેભાગના તો આવેલા ફોર્વર્ડેડ મેસેજિસ વધુ ફોરવર્ડ કરવામાં જ બિઝી હોય છે. બાકી હતું તે નાનાં મોટાં બાળકો હવે રીલ્સ બનાવવામાં વ્યસ્ત થઈ ગયાં છે. રીલ્સ, વીડિયો કે સેલ્ફી બનાવવામાં કે ફોરવર્ડ કરવામાં બાળકો સહિત વડીલો પણ સક્રિય છે. સોશિઅલ મીડિયામાં જાણકારી કરતાં અજ્ઞાન વધુ ફરતું રહે છે.
એક સમયે નિરક્ષર અંગૂઠાછાપ હતા, હવે શિક્ષિત અંગૂઠાછાપોની મોટી જમાત ઊભી થઈ છે. કોઈ પણ આર્ટિકલ કે મેસેજ કે રીલ પોસ્ટ થાય છે કે કોઈ પણ પરિચિત કે અપરિચિત આંખ બંધ કરીને અંગૂઠા મારી દે છે. થોડા સમજીને, વાંચીને કે જોઇને લાઈક્સ કે કોમેન્ટ્સ કરે છે, પણ મોટે ભાગે તો શિક્ષિત અભણથી જ કારભાર ચાલે છે. સોશિયલ મીડિયામાં બીજી બાબત સામેલ થઈ છે તે રાતોરાત પ્રસિદ્ધિ પામવાની. કંઇ પણ કર્યા વગર કોઈએ લેખક, કોઈએ કવિ, કોઈએ નિબંધકાર, કોઈએ નાટ્યકાર … થવું છે ને ઢગલો લાઈક્સથી ટોચ પર રહેવું છે. થાય છે શું કે સોશિઅલ મીડિયામાં કંઇ પણ લખો તે સાહિત્ય થઈ જાય છે. લખનારે લાઈક્સ મેળવવી છે. તે પણ અંગૂઠાછાપ છે ને જે વાંચે છે, તે તો વધારે અંગૂઠાછાપ છે, એટલે બે અંગૂઠાછાપોની વચ્ચેનો આ વેપલો છે. વોટ્સએપને તો યુનિવર્સિટીનું માન મળેલું છે. અહીં પણ બધું ખપે છે. અનેકવાર ફોરવર્ડ થયેલા મેસેજિસ અનેક ખાતાંઓમાં ફરતા રહે છે. એ ઉપરાંત જે ફેસબુકમાં ખપે કે ન ખપે, એ માલ પણ અહીં ખપી જાય છે. આટલી જાહોજલાલી ભોગવતા યુઝર્સ ભાગ્યે જ ચાર લીટી પોતાની લખી શકે છે.
સોશિઅલ મીડિયામાં એટલો કારભાર ચાલે છે કે તે શું કામ ચાલે છે એ જ નથી સમજાતું. સાવ ફાલતું વાતોમાં એટલો સમય ખર્ચાય છે કે વાત ન પૂછો. સોશિઅલ મીડિયામાં એટલો બધો સમય વડીલોનો ને બાળકોનો ખર્ચાય છે કે વડીલો ઘરમાં કે નોકરીધંધામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. બાળકો ગેમ્સ, મેસેજિસ, રીલ્સ વગેરેમાં એટલા રોકાય છે કે તેઓ પણ ભણવામાં પૂરતું ધ્યાન આપી શકતાં નથી. યુવકો નવી મૈત્રી બાંધવા, છોડવામાંથી ઊંચા નથી આવતા. ટૂંકમાં, સોશિઅલ મીડિયામાં આખી પૃથ્વી ખૂંપી ગઈ હોય એવી સ્થિતિ છે.
આજે મોબાઈલ અનિવાર્ય થઈ પડ્યો છે, એ સાથે જ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, u-ટ્યૂબ વગેરે પણ જરૂરી થઈ પડ્યાં છે. કોને વધારે મત મળ્યા એ પરથી મંત્રીઓ, વિધાયકો, સાંસદો નક્કી થાય છે, એમ જ આજના યુઝર્સની મહાનતા લાઈક્સ, કોમેન્ટ્સ, ફોલોઅર્સ પરથી નક્કી થાય છે. સોશિઅલ મીડિયાનો ઉપયોગ કરવાની ફરજ તો હવે રાજકારણમાં પણ પડે છે. એવા દિવસો પણ હતા કે નેતાની સભામાં લોકોની હાજરી પરથી તેની લોકપ્રિયતા નક્કી થતી. એ સ્થિતિ હવે રહી નથી. આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થોડો ફેર પડ્યો છે. ભા.જ.પે. દાવેદારો પાસે ફોર્મ ભરાવ્યાં, તેમાં એ જાણકારી પણ માંગી કે તેમની પાસે સોશિઅલ મીડિયામાં ફોલોઅર્સ કેટલા છે? લોકપ્રિયતા નક્કી કરવાના માપદંડ બદલાયા છે. ટેકનોલોજી વધતી આવે છે, તેમ તેમ રાજકારણ પણ હાઈટેક બનતું આવે છે. સોશિઅલ મીડિયાનો ઉપયોગ એક તબક્કે પ્રચાર પૂરતો હતો, પણ હવે દાવેદારોને પણ સોશિઅલ મીડિયામાં કેટલાં ફોલોઅર્સ છે, એ કહેવાનું આવ્યું છે. એનો ગેરલાભ એ થશે કે નેતાઓ ફોલોઅર્સ વધારવામાં જ વ્યસ્ત રહેશે ને કામ કરશે નહીં. રાજકારણમાં સોશિઅલ મીડિયા પક્ષને માફક હશે, પણ તેનો જનતાને બહુ લાભ નહીં મળે. રાજકારણ પણ પોતાનો ઉલ્લુ સીધો કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લાભ પોતે ખાટશે ને જનતા દૂર દૂર સુધી ક્યાં ય નહીં હોય.
સોશિઅલ મીડિયાનો લાભ નથી એવું નથી. મીડિયા માત્ર શુભ આશયથી જ શરૂ થાય છે, પણ તેના ઉપયોગમાં વિવેક જળવાવો જોઈએ જે જળવાતો નથી. બાકી, સોશિઅલ મીડિયા કેટલું ઉપયોગી છે, તેનું એક જ ઉદાહરણ જોઈએ. સુપ્રીમના જસ્ટિસ વિક્રમનાથે એક સંબોધનમાં જણાવ્યું કે ડિજિટલ યુગમાં ઓપન જસ્ટિસ અનિવાર્ય વિચારધારા છે, તે સાથે જ ન્યાય પ્રણાલીમાં સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે. શરૂઆતમાં કોર્ટને ડિજિટલ માધ્યમ સાથે જોડવાનું પડકારજનક હતું. પણ પછી ડિજિટલ માધ્યમ સાથે એ જોડાવું અસરકારક પુરવાર થયું છે. હવે એક જ વકીલ વર્ચ્યુઅલ માધ્યમથી એકથી વધુ કોર્ટમાં હાજરી આપી શકે છે.
આવા ઘણા લાભ છે, પણ સૌથી વધુ દુરુપયોગ બાળકો દ્વારા થાય છે. એટલે જ ઓસ્ટ્રેલિયાએ 9 ડિસેમ્બરે 16થી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિઅલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કર્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયા પહેલો દેશ છે. આવો પ્રતિબંધ મૂકનારા દેશોમાં ઇન્ડોનેશિયા, નેધરલેંડ જેવા દેશો પણ છે. એના લાભ એ થયા છે કે બાળકોની સુરક્ષા વધી છે, બુલિંગના કેસો ઘટ્યા છે, બાળકોની એકાગ્રતા વધી છે, સામાજિક વાતાવરણ સુધર્યું છે. બાળકો પોતે કહી રહ્યા છે કે પ્રતિબંધથી તેઓ વર્તમાનને વધુ સારી રીતે જીવી રહ્યાં છે.
ભારતમાં પણ આંધ્ર અને કર્ણાટકે સોશિઅલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 17મું બજેટ રજૂ કરતી વખતે 16થી ઓછી વયનાં બાળકો માટે સોશિઅલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. એ જ રીતે આંધ્રની સરકારે પણ 13 વર્ષથી નીચેની વયનાં બાળકો પર એ જ દિવસે પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં પહેલો પ્રતિબંધ મૂકનાર આંધ્ર ને કર્ણાટક એમ બે રાજ્યો છે. આવા પ્રતિબંધ મૂકવાથી બાળકોનાં માનસિક આરોગ્ય પર નકારાત્મક અસરો ન પડે, એ સાથે જ અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે ચિંતા પણ એમાં છે.
આવાં સકારાત્મક પરિણામો મળતાં હોય તો સોશિઅલ મીડિયામાં પ્રતિબંધ મૂકવાનું સહ્ય બનવું જોઈએ. ખરેખર તો યુવાનો, વડીલો પર પણ સોશિઅલ મીડિયા સંદર્ભે પ્રતિબંધ મૂકવો જોઈએ, પણ તેમની પાસેથી સંયમની અપેક્ષા રહે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે સોશિઅલ મીડિયા એવું પ્લેટફોર્મ છે, જેનાથી બાળકો તો ઠીક, યુવાનો, વડીલો, વૃદ્ધો એમ સૌ કોઈ સંમોહિત થાય છે. વળી AIના આવવાથી તેનો ઉપયોગ વધુ વ્યાપક અને ઊંડો બનવાનો છે, એવે વખતે પ્રતિબંધ કરતાં પણ આત્મસંયમ જ વધુ લાભદાયી નીવડે, પણ એવો સંયમ શક્ય કેટલો એ પ્રશ્ન જ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઍપ્રિલ 2026
![]()

