અવસર
સંગઠન અને સત્તાયોગનો સવાલ
સત્તાયોગ અને શીર્ષ પલટાના હાકોટાછીંકોટાનું તો જાણે સમજ્યા પણ વિચારધારાકીય રીતે જે પથ–સંસ્કરણ બલકે આમૂલ સુધાર જરૂરી છે, એનું શું એ સો ટકાનો સવાલ છે.

પ્રકાશ ન. શાહ
ઑગસ્ટ ઊતરતે સરસંઘચાલક મોહન ભાગવતે, હવે તરતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સો વરસ પૂરાં થવામાં છે તેની ઉજવણીની લગભગ નાન્દીરૂપ ત્રણ વ્યાખ્યાનો લુટિયનને ટીંબે – નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આપ્યાંઃ પાંચેક વરસ પર આપેલાં વ્યાખ્યાનો પછી ખાસ કોઈ નવી ભોં ભાગ્યાનું જણાતું નથી.
જેમ 2018માં તેમ 2025માં આ બેઉ વિશેષ વ્યાખ્યાનમાળાઓનો સમયસંદર્ભ એ રીતે અગત્યનો હતો અને છે કે આ સંગઠનને કેન્દ્રમાં પોતાની સુવાંગ સરકાર મળેલી છે. જનસંઘની સ્થાપના વખતે તો નહીં જ, પણ મોરારજી સરકારમાં જનતા ઘટક તરીકે જનસંઘને સ્થાન મળ્યું તેમ જ વાજપેયીનાં છ વરસ એમ ત્રણેક વખત સંઘને સત્તાયોગ થયો છે જરૂર – પણ, 2014થી શરૂ થયેલ સત્તાયોગ એ બધાં કરતાં ક્યાં ય આગળ ગયેલો છે. એટલે એક સંગઠન તરીકે વિચારધારાકીય સવાલો તેમ પોતાની સરકાર સાથેના સત્તાયોગમાં અનુકૂલનના સવાલો આ દોરમાં મહત્ત્વના બને છે.
સંગઠન અને સત્તાયોગનો સવાલ શતવર્ષીના ઉંબર મહિને પ્રથમ લઈએ તો ન.મો.ની કથિત રવાનગી વાટે સંગઠનનો પક્ષ પરનો અખત્યાર પુરવાર કરવાની વાત કંઈ નહીં તોપણ છેલ્લા વરસેકથી તો હાકોટાછીંકોટાથી આગળ વધી શકી નથી.
મુદ્દે જનસંઘ મૌલિચંદ્ર શર્મા સરખા આગંતુકથી માંડી બલરાજ મધોક સરખા સ્થાપક નેતા (અને સંઘ પ્રચારક)ને સંઘને કહ્યે કાઢી શક્યો હશે તો હશે, હવે સત્તાયોગમાં વડા પ્રધાનને માતૃસંગઠન હટાવી શકે એ પૂર્વવત સરળ રહ્યું નથી. મુદ્દે, ક્યારેક ગુરુદક્ષિણા પર નભવાનું સમુચિત ગૌરવ લેતું આ સંગઠન એની પોતાની તરેહવાર સંસ્થાગૂંથણી વાટે સરકારી આર્થિક સ્રોતોથી ખદબદતું થઈ ગયું છે અને એનો જેમ લાભ તેમ વણછો પણ ચોખ્ખો છે. એનું ચારિત્ર્ય સપાટાબંધ ગ્રાન્ટજીવિનીમાં ફેરવાઈ રહ્યું છે. શીર્ષ સત્તાસ્થાને ધારો કે ધાર્યો પલટો એ ક્વચિત કરાવી શકે તોપણ સંગઠન પૂર્વને સ્વાયત્ત હોઈ શકવાનું નથી તે એનું અંગીકૃત આર્થિક વાસ્તવ છે અને ઉત્તરોત્તર વિકસતા સુવિધાભોગી અભિગમનું અનિવાર્ય પરિણામ છે.

મોહન ભાગવત
અને વૈચારિક રીતે ? 2018નાં તેમ 2025નાં વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાંથી જે સૂરતમૂરત ઊપસે છે તે ઉપરી વરખસ્થાપનથી ઊંડે ઝમી શક્યાનું હજી તો જણાતું નથી. મુદ્દે, વડા પ્રધાન અને સર સંઘચાલક ગમે એટલા વૈચારિક વરખવાઘાંનો આસરો લે, એમની વાસ્તવિકતા એવી છે જેવી ‘ડાઇરેક્ટ એક્શન’ પછી ઝીણાના સેક્યુલરિઝમની હતી.
એક વાત સાચી કે દાયકાઓ લગી સંઘનું બાઇબલ રહેલ ગોળવલકરની કિતાબ ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ હવે સંગઠનમાં કોઈ ખુલ્લા વિમર્શ વગર લગભગ બાજુએ મુકાઈ છે. રાષ્ટ્રનિર્માણના હિટલરી અભિગમ પર વારી જતી અને હિંદુ સંસ્કૃતિ નહીં સ્વીકારનારને વળી નાગરિક અધિકાર તો શું સામાન્ય અધિકાર નહીં એવી ભૂમિકામાં ખોડાયેલી એ ચોપડી હતી. તે વણચર્ચ્યે કોરાણે મેલી કે શીંકે ચડાવી સગવડપૂર્વક આગળ ચાલી જવાયાથી કશુંક પી.આર. પ્રબંધન થયું હોય તો ભલે, પણ હોર્મોન્સ ને જિન્સ જે ગોળવલકર બાઇબલથી બંધાયા તે બંધાયા એવો ઘાટ છે.
સર સંઘચાલક ભાગવત સંઘવિચારની રજૂઆતમાં ગાંધીના ‘હિંદ સ્વરાજ’ અને રવીન્દ્રનાથના ‘સ્વદેશી સમાજ’ પ્રકારની સામગ્રીનો વરખવિનિયોગ કરે છે પણ મૂલતઃ અગર તો હાડે કરીને સંધી રાષ્ટ્રવાદ ને ગાંધીરવીન્દ્ર દર્શન જુદાં પડે છે એ પાયાની વાત કાં તો એમના આકલન બહાર છે કે પછી સભાન નહીં તો અભાનપણે તે ગુપચાવવામાં એમને સાર જણાય છે.
ઉત્તર દીનદયાલે એકાત્મ માનવવાદના અભિગમથી સાવરકરી – ગોળવલકરી હિંદુત્વના શોધન-વર્ધનની એક કોશિશ કીધી હતી. તે અધૂરી અણસમજી ઠીંગરાયેલ છે. સત્તાયોગ રહો ન રહો, સુવિધાભોગી અભિગમ છૂટો અને આ શોધન-વર્ધનની પ્રક્રિયા સમજીને આગળ વધારો બાકી તો સો વરસે પણ એ ઇતિહાસનિયતિ હોવાની જે ડાઇરેક્ટ એક્શન પછી ઝીણાના સેક્યુલરિઝમની હતી અને છે. સ્થાપના દિવસ(વિજયાદશમી)ના સરસંઘચાલકી સંબોધનનો એક મહિમા છેઃ કાશ, તરતના અઠવાડિયાઓમાં આ દિવસે કશીક ભોં ભાંગે!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 સપ્ટેમ્બર 2025