
ઇન્દુકુમાર જાની
ઇન્દુકુમાર જાની (19 ડિસેમ્બર 1943 / 18 એપ્રિલ 2021) ગુજરાતના પત્રકાર જગત, કર્મશીલો કે વિવેકશીલ વિચારકોમાં આ નામ અજાણ્યુ નથી. નખશીખ ગાંધીજન, સજ્જનતા અને સૌમ્યતાની મૂર્તિ. સ્પષ્ટ વક્તા અને નીડર પત્રકાર એવા ઇંદુભાઇ જાનીનો મને છેલ્લાં પચ્ચીસ વરસથી સહવાસ મળ્યો તે મારું પરમ સૌભાગ્ય ગણું છું.
ઇંદુભાઇ સાથેનો પરિચય મને વાડીલાલ કામદાર મારફતે થયેલો. પછી તો એમના તરફનું આકર્ષણ વધતું જ ગયું અને અમારા સબંધો ખૂબ આત્મીય બન્યા. મને ‘નયા માર્ગ’ સામયિકમાં લખવાની પ્રેરણા આપી અને અનેક પુસ્તકો ભેટ આપ્યાં. ગાંધીનગરથી અમદાવાદ જવાનું થાય ત્યારે ગાંધી આશ્રમ પાસેની ખેત ભવનની તેમની ‘નયા માર્ગ’ની ઓફિસ રસ્તામાં જ આવે. એમની સાથે સત્સંગ કરવાની લાલચ રોકી શકું નહિ. ઓફિસમાં બનાવેલી સરસ મઝાની ચા અને વિચારોનું ભાથું મળે.
એમની વાતોમાં ગરીબો, વંચિતો, દલિતો, લધુમતિઓ અને મહિલાઓને થતા અન્યાય અને પીડાની વ્યથા હોય. કોઇના પણ ડર કે પક્ષપાત વિના સત્ય ઉજાગર કરવાની આવડત અને હિંમત અદ્દભુત હતા. મારે વિદેશમાં વસવાટ થતાં રૂબરૂ મૂલાકાતો ઓછી થઇ પણ ફોનથી પંદર દિવસે વાતો અચૂક થતી. સ્વદેશ જવાનુ થાય ત્યારે સાથે પ્રવાસ કાર્યક્રમ ગોઠવાય. એમના ઘરે અને અમારા ઘરે જમવાનું પણ ગોઠવાય. એ બહાને એમની સાથે વાર્તાલાપ કરવાનો વધુ ને વધુ લાભ શોધતો.
મારી મૂંઝવણો કે જિજ્ઞાસા તેમના સમક્ષ વ્યક્ત કરતો અને પરમ સંતોષ પામતો. મને ખબર પડી કે એમણે લોકસેવા કરવા બેંકની નોકરી છોડીને માત્ર જીવન નિર્વાહ પૂરતા વેતનથી લોકસેવા કરે છે. ત્યારે સંસ્થા કે ‘નયા માર્ગ’ સામયિક ચલાવવા આર્થિક મદદ સ્વીકારવા આગ્રહ કરતો. પણ કદી એવી તક આપી નહિ. ખૂબ આગ્રહ કર્યો તો એક વખત કોઇ તાલુકાની શાળાઓને એક વર્ષ માટે ‘નયા માર્ગ’નું લવાજમ સ્વીકાર્યુ.
ઘણી વખત હુ એમને કેનેડા આવવા આમંત્રણ આપતો. બે વરસ પહેલાં એમના લધુબંધુ પરેશભાઇને ત્યાં લગ્નમાં કેનેડા આવેલા. એમના ભાઇના શહેરથી અમે 400 કિલોમીટર દૂર હતા, છતાં ખાસ મળવા આવ્યા અને રાત અમારી સાથે રોકાયા. દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ વિષે મારો ઇન્ટરવ્યૂ લઇ ‘નયા માર્ગ’માં છાપ્યો.
આઠ દિવસ પહેલાં જાણવા મળ્યું કે ઇંદુભાઇને કોરોના થયો છે. ફોનથી વાતો કરી. અવાજમાં સ્પષ્ટતા અને સ્વસ્થતા હતાં. લાગતું હતું કે આરામ થઇ જશે. પણ અચાનક તબિયત બગડી અને ચાર દિવસની સારવારમાં વિદાય લીધી.
લાગે છે દેશની વર્તમાન પરિસ્થિતિ, નૈતિક મૂલ્યોનું ધોવાણ, ગાંધી વિચારોની હત્યા, છેવડાના માનવીનુ દોહ્યલું બનેલું જીવન, કોમવાદી અને જાતિવાદી પરિબળોના અત્યાચારો અને ધર્મનાં પાખંડોથી તેમનુ મન જીવવા ઉપરથી ઊઠી ગયું હશે. અમારી વાતોમાં આ બાબતે ખૂબ બળાપો વ્યક્ત કરતા. જીવનની જવાબદારીઓથી ભાગીને પરોપજીવી અને બીન ઉત્પાદક જીવન જીવતા સાધુઓ નહિ પણ સત્ય અને સેવાની ધૂણી ધખાવી જીવનના સંધર્ષોનો સામનો કરતા આવા સાદગી, સંયમ અને શિસ્તને વરેલા તપસ્વીમાં જ મને એક ઋષિનાં દર્શન થાય છે.
સલામ આપની સાદગીને, સલામ આપની સૌમ્યતાને, સલામ આપની સેવાને, સલામ આપની સાધનાને, સલામ આપની શિસ્તને, સલામ આપના સમર્પણને, સલામ આપની સંવેદનશીલતાને, સો સો સલામો આપને, ઇંદુભાઇ !
[સૌજન્ય : જગદીશ બારોટ. કેનેડા, એપ્રિલ 2021]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

