
રવીન્દ્ર પારેખ
SIR(સ્પેશિઅલ ઇન્ટેન્સિવ રિવિઝન – મતદાર યાદી સુધારણા)ની કામગીરી SIR(શિક્ષકો)ને સોંપાતા વિરોધનો સૂર ઊઠ્યો છે, પરિણામે મામલતદારે કડક વલણ અપનાવ્યું છે ને ધરપકડ કરવા સુધીની ધમકી ઉચ્ચારી છે, એટલું જ નહીં, ધરપકડનાં વોરંટ પણ કાઢ્યાં છે. થાનગઢના મામલતદારે આણંદપર ગામના એક શિક્ષક વિજય બારૈયા સામે વારંવારની સૂચનાઓ છતાં, BLO-બૂથ લેવલ ઓફિસરની કામગીરીમાં ગેરહાજર રહેતાં ધરપકડ વોરંટ કાઢ્યું હતું. શિક્ષકે એવું કારણ આપ્યું હતું કે વેકેશન હોવાથી તે વતનમાં હતો. ધરપકડનો શૈક્ષિક મહાસંઘે ઉગ્ર વિરોધ કરતાં જણાવ્યું છે કે શિક્ષક કોઈક કારણસર હાજર ન રહે તો તેની સામે ધરપકડનું વોરંટ કાઢવાનું ગુલામી પ્રથાનું સૂચક છે. કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા BLOના 90 ટકાથી પણ વધુ ઓર્ડર શિક્ષકો માટે કઢાયા છે. દિવાળીની રજા પૂરી થતાં જ મતદાર યાદી સુધારણા અને વસ્તી ગણતરીની બેવડી કામગીરી આવી પડતાં શિક્ષકો મૂંઝાયા છે. એક ધારાસભ્યે તો કહ્યું પણ ખરું કે શિક્ષકો મતદાર યાદીની સુધારણા એવા ખંતથી કરો કે શાસન બદલાઈને રહે. ધારાસભ્યને શાસન બદલવામાં છે, એટલો રસ શિક્ષકોને માથે મરાયેલી BLOની કામગીરી બદલવામાં નથી તે સૂચક છે.
નર્મદા જિલ્લાની એક કન્યાશાળાની શિક્ષિકા રેખાબહેન નટવરલાલ ટેલરનું પણ BLOની કામગીરી ન કરવા બદલ ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે. આવાં બીજા વોરંટ પણ નીકળ્યાં હશે. રેખાબહેન ટેલરનો પ્રશ્ન એ છે કે મારી વિદ્યાર્થિનીઓની ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાઓ આવે છે, જો BLOની કામગીરી બજાવું તો ભણાવું કેવી રીતે? ને બોર્ડનું રિઝલ્ટ બગડે તો એની જવાબદારી કોની? ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને BLOની કામગીરી ન સોંપવી એવો પરિપત્ર છે ને છતાં રેખાબહેનને એ કામગીરી સોંપાઈ છે. આવી કામગીરી સોંપતાં પહેલાં આચાર્ય કે DEO (જિલ્લા શિક્ષણાધિકારી) સાથે પરામર્શ કરવાની જરૂર પણ તંત્રને જણાઈ નથી એનું આશ્ચર્ય જ છે. રેખાબહેન ટેલરે વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતાં સોંસરું કહ્યું છે કે કામગીરી ન કરું તો નાયબ મામલતદાર ધમકી આપે છે. મારી જગ્યાએ જો નાયબ મામલતદાર ભણાવવાના હોય તો હું આ કામગીરી કરવા તૈયાર છું.
આવો આક્રોશ શિક્ષકો ઠાલવે તો તંત્રે કામગીરી સોંપતાં પહેલાં વિચાર કરવો પડે, પણ, શિક્ષકો દબાયેલા છે ને ભણાવવા નથી માંગતા, એવા શિક્ષકો મનેકમને જવાબદારીઓ સ્વીકારતા રહે છે ને તંત્રોને ફાવતું આવે છે. એ ખરું કે BLOની કામગીરી રાષ્ટ્રીય કામગીરી છે, પણ બાળકોનું શિક્ષણ રાષ્ટ્રીય જવાબદારી ખરી કે કેમ? શિક્ષણ, શિક્ષકની જવાબદારી નહીં? એ જવાબદારી તે પાર પાડી શકે એવું વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી શિક્ષણ વિભાગની નથી? એવું વાતાવરણ છે, ખરું? જો કે, એટલું થયું કે માંડ જણાતાં યુનિયનોએ ધરપકડ વોરંટ કાઢવાને મુદ્દે વાંધો પાડ્યો છે ને એવો આગ્રહ રાખ્યો છે કે BLOની કામગીરી અન્ય કેડરના કર્મચારીઓને પણ સોંપાય, તે સાથે જ ડેટા ઓપરેટરનું કામ શિક્ષકો પાસેથી લેવાનું બંધ થાય.
બીજી તરફ શિક્ષકો, આચાર્યો અને તેમનાં યુનિયનોએ પોતાને એ પૂછવા જેવું છે કે બૂટમાં કાંકરી ખૂંચે તો કોણ કાઢે છે? એ જાતે જ કાઢવી પડે છે ને ! એ બીજા કેવી રીતે કાઢી આપે, જ્યાં એમને ખબર જ ન હોય કે ખૂંચે છે ક્યાં અને શું? પોતાની ઉપર કામગીરીનો બોજ વધી રહ્યો છે, એની ખબર બીજાને કેવી રીતે પડે? એ તો શિક્ષકોએ જ કહેવું પડે ને ! શિક્ષકોએ ને તેમનાં યુનિયનના નેતાઓએ પોતાને એ પણ પૂછવા જેવું છે કે આર્થિક બાબતોએ જેટલો વિરોધ કર્યો છે, એટલો, વધારાની કામગીરી સોંપાઈ છે ત્યારે કર્યો છે? ને ભૂલમાંયે એવો અફસોસ કર્યો છે કે વધારાની કામગીરીને લીધે બાળકોનું ભણતર બગડી રહ્યું છે ને ભણાવવા માટે વર્ગખંડમાં જઈ શકતા નથી? પગાર ભણાવવાનો લેતા હોય ને પોતે ભણાવી ન શકતા હોય તો એનો અફસોસ કરનારા શિક્ષકો શોધવા પડે એમ બને.
એ કરુણ સત્ય છે કે જેમને નામે શિક્ષકો પગાર મેળવે છે એ વિદ્યાર્થીઓ તેમની છેલ્લી પ્રાથમિકતા પણ નથી ! આખા શૈક્ષણિક તંત્રની પ્રાથમિકતામાં કદાચ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે એ વાત જ નથી. વિદ્યાર્થીઓ તો રાજકારણીઓની સરભરા કરવા અને શિક્ષણ વિભાગના અખતરાઓ માટે જ છે. તંત્રને તો પરિપત્રોના જવાબ મળે ને ડેટા પૂરા પડે એ સિવાય લગભગ બીજી કોઈ કામગીરી જ નથી. એ ડેટા કે જવાબો ફાઈલોમાં ધૂળ ખાતા હશે. એથી વિશેષ એનું ખાસ મૂલ્ય પણ નહીં હોય ! અપ્રમાણિકતા અને દેખાડા લગભગ રાષ્ટ્ર વ્યાપી હોય, તો શૈક્ષણિક તંત્ર પણ તેમાંથી બાકાત કેવી રીતે હોય? પણ, શિક્ષણ ભ્રષ્ટ હશે તો બધું જ સડેલું હશે તે સમજી લેવાની જરૂર છે. સૌથી વધુ સડેલું તંત્ર અત્યારે શિક્ષણનું છે. એમાં શિક્ષણ સિવાય બધું જ છે. સૌથી વધુ ગુજરાતનું બજેટ શિક્ષણનું છે ને સૌથી ઓછી સગવડો પણ શિક્ષણમાં જ છે. એ જ કારણ છે કે સૌથી સફળ દસમાં તો ઠીક, નિષ્ફળમાં પણ ગુજરાત છેવાડે છે.
BLOની કામગીરી સંદર્ભે શિક્ષકોની ગુજરાતમાં જ પરિસ્થિતિ કેવીક છે તે જોઈએ. મીડિયામાં આવેલી વિગતો મુજબ રાજ્યના 52,00૦ બૂથો પર 38,000 શિક્ષકો BLO તરીકે કાર્યરત છે, એટલે કે 90 ટકાથી વધુ શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. મતલબ કે છે તેમાંથી 90 ટકા શિક્ષકો BLOની કામગીરીમાં વ્યસ્ત છે. વારુ, શનિવારે જ જાહેર થયેલ મીડિયાની વિગતો મુજબ રાજ્યની સરકારી સ્કૂલોમાં 33,00૦ શિક્ષકોની અને 3,500 આચાર્યોની જગ્યાઓ ખાલી છે. એ તો ખાલી છે જ ને છે તેમાંથી 38,000 શિક્ષકો BLOની કામગીરીમાં રોકયેલા છે, તો દેખીતું છે કે ચાપુચપટી રહ્યા તે શિક્ષકો એકથી વધુ વર્ગોમાં ભણાવતા હશે. એમાં કેટલું તેજ ને વિત્ત હશે તે સમજી શકાય એવું છે. આવી પરિસ્થિતિમાં શિક્ષણ સિવાયની 56 કામગીરીઓ શિક્ષકો પાસેથી કરાવાતી હોય, તો વર્ગમાં શિક્ષક કેટલો સમય ઠરતો ને ભણાવતો હશે તે ક્લ્પવાનું રહે. આ શિક્ષણ નથી, શિક્ષણને નામે ભદ્દી મજાક છે. ગુજરાતનો અનેક ક્ષેત્રોમાં વિકાસ થયો હશે, પણ શિક્ષણમાં તો સર્વનાશ જ થયો છે –
એને માટે તંત્રો તો જવાબદાર છે જ, પણ શિક્ષકોય ઓછા જવાબદાર નથી. શોષણ વિરુદ્ધનું તેમનું મૌન ગુનાહિત છે. વર્ગશિક્ષણ શિક્ષક માત્રની પહેલી પ્રાથમિકતા છે. એ કામગીરી ઘટતી જાય અને બીજી કામગીરીઓનો ખડકલો થતો જાય ને તે પછી પણ, તે બોલે નહીં એ અક્ષમ્ય છે. બૂટમાં કાંકરી ખૂંચે છે તેની બૂમ તો તેણે જ પાડવાની હોય, પણ તે માસ્તર મટીને મજૂર થયો છે એ ઠીક નથી થયું. એ ચૂપ રહ્યો એનો અર્થ એવો થાય કે તેને શિક્ષણ સિવાયની અન્ય 56 કામગીરીઓ વધુ વહાલી છે ને બાળકોનું ભણતર તેને મહત્ત્વનું નથી. એવું ન હોત તો તેણે આર્થિક બાબતોમાં ઉઠાવ્યો તેમ, ઈતર કામગીરીઓ બાબતે પણ અવાજ ઉઠાવ્યો જ હોત !
કમનસીબે શિક્ષક વધુ પાંગળો પુરવાર થયો છે. એ એટલો પાંગળો કેવી રીતે હોય કે BLOની કામગીરી ત્રણથી વધુ વર્ષ કરવાની હોતી નથી ને છતાં 20 વર્ષ કામ કરી ચૂકેલાને ફરજ પડાય ને તે બોલે જ નહીં ! માની લઈએ કે BLOની કામગીરી શિક્ષકની છે, પણ મંત્રીની સભાઓ માટે ભીડ ભેગી કરવાનું કે મંત્રીના જન્મદિન નિમિત્તે બ્લડના બાટલા ભેગા કરી આપવાનું કામ પણ તેનું છે? તેની તો ના પાડી શકાયને? એ ના શિક્ષકે નહીં, તો કોણે પાડવાની છે? આવા નિર્માલ્ય શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે એ કરતાં તો તે ન ભણાવે એ જ બહેતર !
શિક્ષક સ્વમાની હોય એ અપેક્ષિત છે. તે ઘેટું નથી કે એકની પાછળ એકની જેમ નીચું જોઇને ચાલ્યા કરે. તેણે આકાશ જોવું જ જોઈએ. તે ભવિષ્યનો ઘડવૈયો છે. તે સ્વસ્થ નહીં હોય તો ભવિષ્ય કેવી રીતે સ્વસ્થ હોય? એ દુ:ખદ છે કે શિક્ષક પોતે શિક્ષણેતર પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ ગયો છે ને તંત્રો પણ તેની પાસેથી શિક્ષણેતર પ્રવૃત્તિઓનું કામ લઈ રહ્યાં છે. એનો તે વિરોધ કરી શકે ને માનભેર વર્ગશિક્ષણમાં પ્રવૃત્ત થઈ જ શકે. તે અસાધારણ છે, તો સાધારણ થઈને શું કામ રહી જાય?
એક બાબત સ્પષ્ટ છે કે શિક્ષકને ડરવાનો અને રડવાનો અધિકાર નથી, તે ડરતો કે રડતો થશે, તો ભાવિ પેઢી પણ રોતલ અને ડરપોક પેદા થશે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 નવેમ્બર 2025
![]()

