
શ્યામ બેનેગલ
સ્વયં કર્મ બની જાઓ, તો કર્મ દીપે. સર્જકમાં ભરપૂર વસ્તુનિષ્ઠા અને ભરપૂર સંવેદનશીલતા બંને જોઈએ. વસ્તુનિષ્ઠ ન રહે તે સર્જક વિષયને પોતાની માન્યતાઓ અને દૃષ્ટિથી રંગી નાખે અને જો સંવેદનશીલ ન હોય તો વિષય સાથે એકરૂપ થઈ ન શકે.
— શ્યામ બેનેગલ
શ્યામ બેનેગલે આપણને ઘણું આપ્યું અને જે આપ્યું, અદ્દભુત આપ્યું. પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે અને અઢાર નેશનલ પુરસ્કારો સહિત અઢળક સન્માનો, એ સન્માનો સન્માનિત થાય એ રીતે મેળવ્યાં. એમના વિષે જેટલું લખીએ, ઓછું પડે. વાત કરીએ શ્યામ બેનેગલ દિગ્દર્શિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ની.
‘સૃષ્ટિ સે પહલે સત નહીં થા, અસત ભી નહીં
અંતરીક્ષ ભી નહીં, આકાશ ભી નહીં થા
છિપા થા ક્યા, કહાં, કિસસે ઢકા થા
ઉસ પલ તો અગમ અતલ જલ ભી કહાં થા’
આ પંક્તિઓ આમ તો ઋગ્વેદના એક શ્લોકનો અનુવાદ છે, પણ એક આખી પેઢી એને દૂરદર્શન ધારાવાહિક ‘ભારત એક ખોજ’ના પ્રારંભગીત તરીકે ઓળખે છે. ‘ભારત એક ખોજ’ એટલે પંડિત જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પરથી બનેલું ધારાવાહિક, જેને ટેલિવિઝન ઇતિહાસના આજ સુધીના શ્રેષ્ઠ રૂપાંતર તરીકે ઓળખવામાં આવે છે. તેનું દિગ્દર્શન શ્યામ બેનેગલે કર્યું હતું. ‘ભારત એક ખોજ’ ભારતનો ઇતિહાસ શીખવવા માટેનું ઉત્તમ માધ્યમ મનાતી અને શિક્ષકો વિદ્યાર્થીઓને એ જોવાની ભલામણ કરતા. 14 નવેમ્બરે આવતા પંડિત નહેરુના જન્મદિન ‘બાલદિન’ નિમિત્તે યાદ કરીએ પંડિત નહેરુ, શ્યામ બેનેગલ અને દૂરદર્શનને.
1942થી 45 દરમ્યાન બ્રિટિશ સરકારે પંડિત નહેરુને મહારાષ્ટ્રની અહમદનગર ફૉર્ટ જેલમાં કેદ રાખ્યા હતા ત્યારે એમણે ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક લખ્યું હતું. 1946માં એની પહેલી આવૃત્તિ બહાર પડી. લગભગ 600 પાનાં અને 10 પ્રકરણના આ પુસ્તકની શરૂઆત પ્રાચીન ભારતથી થાય છે અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે એનો અંત આવે છે. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને દર્શનનું એક વ્યાપક ચિત્ર એમાં જોવા મળે છે. તેઓ કહે છે, ‘ભારતમાતા કી જય’ એવું બોલીએ છીએ, પણ ભારતમાતા એટલે કોણ અને એની જય શા માટે થવી જોઈએ એ સમજીએ છીએ ખરા? ભારત એક પુરાતન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને તેને સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનો અધિકાર છે, એની વિશ્વને જાણ થવા દો.’
એક જમાનો હતો જ્યારે ભારત સરકાર દૂરદર્શન દ્વારા ‘આખા દેશના લોકો આ જુએ છે’ એવી જવાબદારી સાથે સ્વચ્છ અને સંસ્કારી મનોરંજન પીરસતી. વર્ષો સુધી દૂરદર્શનની એક જ ચેનલ હતી. એ સમયે બનતા ધારાવાહિકો માત્ર દૂરદર્શન માટે નહીં, સમગ્ર ભારત માટે માઈલસ્ટોન સમાં હતાં. 1984-85માં ધારાવાહિક ‘હમ લોગ’ આવ્યું અને 1986માં ‘બુનિયાદ’. 1987માં ‘રામાયણ’ અને 1988માં ‘મહાભારત’ પ્રસારિત થવા લાગ્યા. જે રીતે આ શ્રેણીઓએ ઘર-ઘરમાં પોતાનું સ્થાન જમાવ્યું એ જોઈ સરકારે એવી સિરિયલ પ્રસારિત કરવાનું નક્કી કર્યું જેમાં આપણા વિશાળ દેશનો ઇતિહાસ હોય. ઘર ઘરમાં દરેક નાગરિક સુધી આ પુરાતન વારસો પહોંચવો જોઈએ.
પણ આ વિરાટ વિષય પર સિરિયલ બનાવશે કોણ? પસંદગીનો કળશ સમાંતર સિનેમાના અગ્રણી શ્યામ બેનેગલ પર ઢોળાયો. શ્યામ બેનેગલને ‘મહાભારત’ બનાવવામાં રસ હતો, પણ એ કામ બી.આર. ચોપરાને સોંપાઈ ચૂક્યું હતું. તેમણે ભારતના ઇતિહાસ પરથી સિરિયલ બનાવવાની ઑફર સ્વીકારી અને આધાર બન્યું ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક.
અને શ્યામ બેનેગલ કામે લાગ્યા. જબરદસ્ત હતી એમની ટીમ. એમાં 15 ઇતિહાસકારો હતા જે દરેક એપિસોડમાં માર્ગદર્શન આપતા. તેની પટકથા, સ્ક્રીપ્ટ રાઈટર અને કૉસ્ચ્યુમ ડિઝાઈનર શમા જૈદી અને લેખક-અભિનેતા અતુલ તિવારીએ તૈયાર કરી હતી. આ બન્નેના હાથ નીચે 25 લેખકો કામ કરતા હતા. 5,000 વર્ષના ઇતિહાસને સમાવવાનો હતો એટલે દરેક કાળના વિશેષજ્ઞોની સલાહ લેવાતી. આવા 40 વિશેષજ્ઞો પણ શ્યામ બેનેગલની ટીમનો હિસ્સો હતા. આ આખી ટીમ 10,000 પુસ્તકો વચ્ચે બેઠી અને કામ શરૂ કર્યું. ત્રણ વર્ષ પછી 1988ના નવેમ્બરની 14 તારીખે, પંડિત નહેરુના જન્મદિને પહેલો એપિસોડ પ્રસારિત થયો. દર રવિવારે 11 વાગ્યે આ સિરિયલ પ્રસારિત થતી. દરેક એપિસોડ 60થી 70 મિનિટનો રહેતો.
સિરિયલમાં ઓમ પુરી, આલોક નાથ, પિયુષ મિશ્રા, પલ્લવી જોશી, શબાના આઝમી, અમરિષ પુરી, નાસિરુદ્દીન શાહ જેવા કલાકારો હતાં. અનેક કલાકારોની કારકિર્દીની શરૂઆત ‘ભારત એક ખોજ’થી થઈ હતી. એક અંદાજ મુજબ 350 જેટલા કલાકારોએ આ સિરિયલથી પોતાની કારકિર્દી શરૂ કરેલી. મોટા ભાગના કલાકારો નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના હતા. સૂત્રધાર તરીકે સ્વયં નહેરુને બતાવવામાં આવ્યા, એમનું પાત્ર રોશન શેઠે કર્યું હતું. અમુક એપિસોડના સૂત્રધાર ઓમ પુરી હતા. 140થી વધુ સેટ બનાવાયા હતા. શૂટિંગમાં લોકસંગીત, લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્યપરંપરા જેવા વિવિધ માધ્યમોનો સર્જનાત્મક ઉપયોગ થયો હતો. આખો શો ડૉક્યુમેન્ટરી સ્ટાઈલનો હતો પણ અનેક સ્થળે નાટ્ય-પ્રભાવ હતો.
‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ અહમદનગરની જેલમાં લખાઈ હતી. ભારત છોડો આંદોલન પછી બ્રિટિશ સરકારે લગભગ બધા આગેવાનોને કેદ કર્યા હતા. અહમદનગર જેલમાં પંડિત નહેરુ સાથે મૌલાના અબુલ કલામ આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, નરેન્દ્ર દેવ અને અસફ અલી હતા. આ સૌ ભારતના ઇતિહાસ અને વર્તમાન વિષે ઊંડું જ્ઞાન ધરાવતા. તેઓ પંડિતજીના લખાણનું પ્રુફ વાચન કરી આપતા અને સર્જનાત્મક સૂચનો પણ કરતા. પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1946માં પ્રગટ થઈ હતી.
જેલમાં લખાયેલાં પુસ્તકોની સંખ્યા નાની નથી. અલાબામાની બર્મિંગહામ જેલમાંથી માર્ટિલ લ્યૂથર કિંગ જૂનિયરે લખેલા પુસ્તકનું નામ છે, ‘લેટર ફ્રોમ બર્મિંગહામ સિટી જેલ’. એમનું વિધાન ‘ઈનજસ્ટિસ એનીવ્હેર ઈઝ અ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવ્હેર’ આ પુસ્તકનો ભાગ છે. યુરોપની પહેલી આધુનિક નવલકથા ગણાતી ‘ડૉન કિહોટે’નું બીજ જેલમાં રોપાયેલું. અમેરિકન કવિ એઝરા પાઉંડનું 120 ખંડમાં વહેંચાયેલું દીર્ઘ કાવ્ય ‘પિસન કૅન્ટોન’, નેલ્સન માંડેલાનું ‘ધ કન્વર્ઝેશન ટુ માયસેલ્ફ’, ઓસ્કાર વાઈલ્ડનું ‘દ પ્રોફાઉન્ડિસ’ જેલમાં લખાયાં હતાં. મહાત્મા ગાંધીએ ‘આરોગ્યની ચાવી’ અને ‘મંગળ પ્રભાત’ જેલમાં લખ્યાં હતાં. વિનોબાજીનાં ગીતા પ્રવચનો જેલમાં અપાયાં હતાં. હિટલરની આત્મકથા પણ જેલમાં લખાઈ હતી.
2014માં શ્યામ બેનેગલે ‘સંવિધાન: ધ મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા’ રૂપે ફરી એક ઐતિહાસિક પ્રદાન આપ્યું, શ્યામ બેનેગલ દિગ્દર્શિત દસ-ભાગની આ ટેલિવિઝન મીની-સિરીઝના લેખકો પણ શમા ઝૈદી અને અતુલ તિવારી છે. પટકથા તૈયાર કરતા પહેલા મહિનાઓ સુધી તેમણે સંવિધાનસમિતિની બેઠકો, ચર્ચાઓ, ભાષણો અને જીવનચરિત્રોનો અભ્યાસ કર્યો હતો. ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓનાં ઘણા પ્રખ્યાત ભાષણો શ્રેણીમાં સમાવાયા છે. શ્રેણી જેટલી માહિતીપૂર્ણ હતી તેટલી જ રસપ્રદ પણ હતી. એની વિગતે વાત ફરી ક્યારેક કરીશું. ભારતના દરેક નાગરિકે આ બંને શ્રેણીઓ જોવી જ જોઈએ.
શ્યામ બેનેગલ ઘણી વાર ગીતાની ‘યોગસ્થ કુરુ કર્માણી’ પંક્તિ ટાંકતા. એમાંથી એમણે જીવનમંત્ર મળ્યો હતો, ‘સ્વયં કર્મ બની જાઓ.’ ‘સર્જકે બને તેટલા વસ્તુનિષ્ઠ અને સંવેદનશીલ રહેવાનું હોય છે. વસ્તુનિષ્ઠ ન રહે તે સર્જક વિષયને પોતાની માન્યતાઓ અને દૃષ્ટિથી રંગી નાખે છે અને સંવેદનશીલ ન હોય તો વિષય સાથે એકરૂપ થઈ શકતો નથી.’
‘ભારત એક ખોજ’ના અંતિમ એપિસોડના અંતે પંડિતજી કહે છે, ‘આપણે શું છીએ અને દેશને કેવો બનાવવા માગીએ છીએ તેના પર આપણા ભવિષ્યનો આધાર છે.’ અને ગુરુદેવ ટાગોરની પંક્તિઓનો સુંદર હિંદી અનુવાદ ભારતભૂમિનાં ભવ્ય સૌંદર્ય સાથે ટી.વી.ના પડદા સાથે દર્શકોના મનમાં ગુંજી રહે છે,
‘જહાં ચિત્ત ભયહીન, જહાં પર ઊંચા રહતા માથા હો
જહાં ન ધરતી કો ટુકડો મેં દીવારોં ને બાંટા હો
જહાં મુક્ત હો જ્ઞાન, સત્ય સે વારિ આલોકિત હો
ઉસી લોક મેં દેશ હમારા ભારત ચિરજાગ્રત હો …’
આ ભાવના, આ પ્રાર્થના શ્યામ બેનેગલના ચિત્તમાં પણ રમતી હતી. આપણાં અને આપણી નવી પેઢીનાં ચિત્તને પણ એ અજવાળતી રહે, નવા વર્ષના આ પહેલા લેખમાં એ જ શુભકામના વ્યક્ત કરું છું.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 જાન્યુઆરી 2025