
દેવીકા ધ્રુવ
શૂન્ય આમ તો શૂન્ય છે, છતાં એનું મૂલ્ય છે. શૂન્યમાંથી સર્જન થાય છે, સર્જનને આકાર મળે છે, આકારમાંથી રૂપ રચાય છે. રૂપ શબ્દોમાં ગૂંથાય છે. શબ્દો થકી એની વ્યાખ્યા બને છે. વ્યાખ્યામાંથી જડ-ચેતનની અવસ્થા મળે છે અને એનાં ગુણધર્મો સમજાય છે. આમ, શૂન્ય આદિ છે, અંત છે. કહો કે, સર્વસ્વ છે.
વિકિપીડિયા પરની માહિતી મુજબ શૂન્ય, દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર છે. તે પ્રમાણે શૂન્ય એટલે કે, ૦ એ એક સંખ્યા છે. શૂન્યની શોધ ભારતીય ગણિતના જ્ઞાતા આર્યભટ્ટે કરી હતી. કોઈપણ સંખ્યાને શૂન્યથી ગુણાકાર કરો તો શૂન્ય જ જવાબ મળે છે. કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે.
થોડી વધારે વિગતો જોઈએ તો, ઈ.સ. ૪૫૮ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે. તે ઉપરાંત તક્ષશિલા સાથે જોડાયેલી પ્રાચીન ભારતની પાડુંલિપિમાં પણ શૂન્યની નોંધ જોવા મળે છે. આ પાડુંલિપિ વિશે એમ પણ જાણવા મળ્યું છે કે તે ત્રીજી અથવા ચોથી સદીની રચના છે. એટલે કે તેને આ જગતમાં શૂન્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ ગણવામાં આવે છે. તે સિવાય વિષ્ણુનાં એક હજાર નામોમાંનું એક નામ છે, શૂન્ય. વળી જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી આઠમું નક્ષત્ર શૂન્ય ગણાય છે; તો સંગીતમાં પણ તાલના જે છ મુખ્ય અંગો છે તેમાંનું બીજું અંગ છે શૂન્ય. જેને ખાલી પણ કહીએ.
બીજી એક આધારભૂત માહિતી મુજબ, શૂન્યનું કોતરકામ પણ થયેલું છે. ક્યાં અને ક્યારે તેની માહિતી પણ રસપ્રદ છે. મધ્યભારતના ગ્વાલિયર શહેરની વચ્ચોવચ આઠમી સદીમાં એક ભવ્ય કિલ્લો બન્યો હતો અને નવમી સદીમાં આ કિલ્લામાં પહાડમાંથી કાપીને ગુંબજોવાળું એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. તેને ચતુર્ભુજ મંદિર પણ કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે. સમગ્ર વિશ્વમાં આ એક જ એવી જગ્યા છે, જ્યાં શૂન્યનું કોતરકામ જોવા મળે છે.
શૂન્યની શોધ ભારત સિવાય કોઈ અન્ય દેશમાં કેમ ન થઈ તેની પાછળનાં પણ ઘણાં કારણો મળી આવે છે. એક વિચાર/કારણ એવું ગણાવવામાં આવે છે કે, કેટલીક સંસ્કૃતિઓમાં શૂન્ય વિષેના વિચારો સારા નહોતા. જેમ કે, યુરોપમાં ધર્મગુરુઓએ ઈસુખ્રિસ્તની શરૂઆતના દિવસોમાં શૂન્યના ઉપયોગ પર લગામ લગાવી દીધી હતી. તેમનું માનવું હતું કે ઈશ્વર જ બધું છે. જે અંક શૂન્યતાનું નેતૃત્વ કરે, તે રાક્ષસી છે! આનાથી વિપરીત વાત એ છે કે, ભારતમાં શૂન્યની વિભાવના હજારો વર્ષોથી પ્રચલિત હતી. તેનાં પણ મૂળ જોઈએ.
સંસ્કૃત શબ્દ ‘શૂન્ય’ ‘વ્યર્થ કે ખાલી’ના અર્થમાં વપરાતો. શૂન્ય શબ્દ ‘શ્વિ’ (ઊગવું) ધાતુના ભૂતકૃદંત ‘शून’માંથી આવ્યો છે. ઋગ્વેદમાં તેનો અર્થ ‘અભાવ’ કે ‘ઊણપ’ લેવામાં આવે છે. આ શબ્દ ‘ખાલીપણું’ અને ‘ક્ષમતાનો અભાવ’ બે વિવિધ અર્થવાળા શબ્દોનું સંધાન કરી બનાવેલો છે. તે પછી બૌદ્ધોનો ‘શૂન્યતા’નો સિદ્ધાંત મળ્યો, જેમાં મનને બધી અસરોથી અલિપ્ત રાખવાની બાબત આવે છે. આમ, ભારતના આધ્યાત્મિક જ્ઞાન અને શૂન્યની શોધ વચ્ચે ગાઢ સંબંધ છે. આધ્યાત્મિકતાએ જ શૂન્યને જન્મ આપ્યો છે.
આકાશ એક અવકાશ છે, ખાલી ખાલી છે, શૂન્ય છે. છતાં કેટલું સભર છે! સુખ કે દુઃખ, હર્ષ કે શોક કોઈપણ સ્થિતિમાં સામાન્યથી અસામાન્ય માણસ ઊંચે આકાશ તરફ નજર કરે છે, હાથ ફેલાવે છે. શૂન્યની આ તે કેવી અજાયબી છે!
ભારતીય અધ્યાત્મમાં શૂન્યનો આવિષ્કાર થયો અને અધ્યાત્મમાંથી શૂન્યે ગણિતશાસ્ત્ર તરફ વળાંક લીધો. અન્ય દેશો વિજ્ઞાન અને અધ્યાત્મના સંબંધને હજી હવે આજે જોડે છે, પણ આપણે હજારો વર્ષ પહેલાં એ બંને વચ્ચેનો સંબંધ જોડી શક્યાં હતાં. આપણી સંસ્કૃતિમાં તો શૂન્યવાદને પણ સ્વીકારવામાં આવ્યો છે. શૂન્યવાદ એટલે જગતમાં ઈશ્વર જેવું કંઈ છે જ નહીં એવો મત. એટલે કે, બીજા શબ્દોમાં એ નાસ્તિકવાદ કહેવાય! એનો અર્થ એમ પણ કરી શકાય કે, જગતમાં કોઈપણ વાદ અસ્તિત્વ ધરાવતો નથી એવો મત એટલે શૂન્યવાદ.
હવે ગણિતમાં શૂન્ય વિશે વિચારીએ તો શૂન્ય બીજી સંખ્યાઓથી અલગ છે. અલગ એ રીતે કે, ૧થી ૯ સુધીનો પ્રત્યેક નંબર સંખ્યાની હાજરી દર્શાવે છે. જ્યારે શૂન્ય સંખ્યાની ગેરહાજરી દર્શાવે છે. કશું ન હોવાની પરિસ્થિતિ શૂન્યતા છે. (ફરીથી અધ્યાત્મ!) આગળ જણાવ્યું તેમ શૂન્ય, દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર છે. તે પ્રમાણે ૦ એટલે કે, શૂન્ય એ એક સંખ્યા છે. કોઈપણ સંખ્યાને શૂન્યથી ગુણાકાર કરો શૂન્ય જ જવાબ મળે છે. કોઈપણ સંખ્યાનો શૂન્યથી ભાગાકાર થઈ શક્તો નથી. કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. શૂન્ય(૦)નું વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન શૂન્ય જ (૦) થાય છે. વધું ઊંડાણમાં ઉતરતાં ‘વિશ્વકોશ’ના એક લેખમાંથી જાણવા મળ્યું કે, પતંજલિના યોગસૂત્રમાં, પિંગળના છંદસૂત્રમાં, ખગોળશાસ્ત્રના ગ્રંથોમાં અને બ્રહ્મસ્ફૂટસિદ્ધાંત ગ્રંથોમાં પણ જુદીજુદી રીતે શૂન્યનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. પણ મુખ્યત્ત્વે સાદી સમજ પ્રમાણે તેનું સ્થાનિક મૂલ્ય (place value) ગણાવી શકાય.
એક જરા જુદો અભિગમ. આજે સવારે જ એક લેખ વાંચવામાં આવ્યો જેમાં પરેશ અંતાણીએ સુંદર વાત લખી છે કે, “ભગવાન બુદ્ધ કહે છે જગતમાં એક જ એવી વસ્તુ છે કે જેનો નાશ થતો નથી. બધું નષ્ટ થયા બાદ પણ જે શેષ રહે છે. તે’ શૂન્ય’ છે. શૂન્યતા મુક્તિનો દરવાજો છે. જે પ્રમાણે આકાશ શૂન્ય છે એ જ રીતે આપણી ભીતર પણ આકાશ છે, જે શૂન્ય છે જેને વેદાંતમાં ‘ચિદાકાશ’ કહે છે. મન જ્યારે સંકલ્પ – વિકલ્પ, રાગ-દ્વેષથી મુક્ત થઈ જાય, બધા દ્વંદ્વો દૂર થઈ જાય, એવી ભીતરી શૂન્યતા મુક્તિ છે. મુક્તિ એ કોઈ એવું સ્થળ નથી કે જ્યાં જઈને રહી શકાય. ક્યારેક આપણે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે એકાદ ક્ષણ માટે પણ શૂન્ય થઈ જઈએ છીએ. કંઈ કરવાનું ન રહે, એવું જીવનમાં બને છે. એક કામ કરવા જેવું છે, ક્યારેક પાંચ મિનિટ ધ્યાનમાં બેસો. આમાં ક્યારેક એવી ક્ષણ આવે છે કે, જ્યારે સાધક શૂન્ય થઈ જાય છે, એ ક્ષણ મુક્તિની છે.”
બૌદ્ધોમાં તો શૂન્યતાનો મહાવરો કવિતા કરવામાં, સંગીતમાં બંદિશની રચનામાં, ચિત્રકામ કે શિલ્પકામ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં કેળવવાનો સૂચવ્યો છે. આના અનુસંધાનમાં કેટલાંક સુવાક્યો અને શેર-શાયરી પર પણ નજર કરી જ લેવાય.
કહેવાય છે કે જીવન શૂન્ય હોય તો પણ છોડશો નહિ. કારણ કે, શૂન્ય પછી કેટલા અને કેવા આંકડા લખવા આપણા હાથની વાત છે.
શૂન્યની બહાર તું ભલે ફેંકાઈ જાય, કિંમત શૂન્યની બહાર નીકળ્યા પછી જ થાય.
Starting from zero can be a gift. If you don’t have much to begin with, you don’t have much to lose.
Don’t fear for facing failure in the first attempt. Because even the successful Math starts with ‘Zero’ only. — Dr. Abdula Kalam.
जीवनका लक्ष्य शून्य होना है और हम अंको के पीछे भाग रहे है।
मैं भी शून्य, तुम भी शून्य, सब शून्य का हिसाब है।
शून्य से शून्य जुड़ गया, फिर भी शून्य ही जवाब है।
‘શૂન્ય’ પાલનપુરીના શૂન્ય પર મઝાના શેર :
ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?
આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.
‘શૂન્ય’ ભરપૂર આ અમૂલ્ય વાતોને અંતે સમાપનમાં કહેવું જ રહ્યું કે, આધુનિક યુગમાં બ્રહ્માંડને સમજવા માટે ‘ખાલીપણું’ (nothingness) એ મુખ્ય ચાવી ગણાય છે અને વિશ્વની તમામ સફળતાનો પાયો આ શૂન્ય પર જ મનાય છે.
આંકડાની શરૂઆત પહેલાં શૂન્ય હોય છે ( ૦૧, ૦૨ વગેરે); અને જ્યારે આંકડાની પછી શૂન્ય આવે છે, (૧૦, ૧૦૦, ૧૦૦૦ વગેરે) ત્યારે એનું મૂલ્ય વધતું રહે છે. આમ છતાં વધુ નવાઈ એ વાતની છે કે, માનવીને એ કહેવું ગમતું જ નથી કે “હું શૂન્ય છું”!
નવેમ્બર ૨૮, ૨૦૨૪
e.mail : ddhruva1948@yahoo.com