
રવીન્દ્ર પારેખ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગયા રવિવારે ઓછામાં ઓછા ત્રણ બાળકો જરૂરી છે એવું જણાવીને ઘટતા જતા વસ્તી વૃદ્ધિ દર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે કોઈ સમાજનો વસ્તી વૃદ્ધિ દર 2.1થી નીચો જાય તો તે સમાજ ભવિષ્યમાં નાશ પામે છે. ભાગવતે આધુનિક વસ્તી વિજ્ઞાન ટાંકતા કહ્યું કે જે સમાજનો પ્રજનન દર 2.1થી નીચે જાય તો, કોઈ કટોકટી ન હોય તો પણ, તે સમાજ નામશેષ થઈ જાય છે. આ રીતે ઘણી ભાષાઓ અને ઘણા સમાજો નષ્ટ થયાં છે. ત્રણ બાળકો હશે તો જ સમાજ ટકશે. તેમણે નામ પાડ્યું નથી, પણ ભાગવતનો 2.1નો આંક વધારવાનો સંકેત હિન્દુ સમાજ સંદર્ભે છે તે કહેવાની જરૂર નથી. ભા.જ.પે. ભાગવતની ટિપ્પણીનું સ્વાગત કર્યું છે. ભા.જ.પ.ના સાંસદ નેતા મનોજ તિવારીએ તો ભાગવત પર આંધળો વિશ્વાસ મૂકતાં સ્પષ્ટ કર્યું છે કે ભાગવતજીએ જે કૈં પણ કહ્યું છે તે નિશ્ચિંતપણે રાષ્ટ્રીય હિતમાં જ હશે. ભાગવતે શું કહ્યું છે તેની દરકાર રાખ્યા વગર તિવારી, જે કૈં કહ્યું છે તે હકારાત્મક રીતે રાષ્ટ્રીય હિતમાં જ કહ્યું છે એમ માની લે એ વધારે પડતું છે. મેરઠના સાંસદ અરુણ ગોવિલે પણ ભાગવત પરિપક્વ વ્યક્તિ છે એટલે તેમનું નિવેદન રાષ્ટ્રીય હિતમાં જ હશે તેવું માને છે. આખી વાત જાણીને આ નેતાઓ આવું બોલ્યા હોત તો કૈંકે લેખે લાગ્યું હોત.
દેખીતું છે કે કાઁગ્રેસની એની સામે પ્રતિક્રિયા હોય જ ! તેણે ભાગવતનાં નિવેદનને રાજકીય એજન્ડા ગણાવ્યો છે. કાઁગ્રેસી નેતા અને વિપક્ષી નતા ઉમંગ સિંઘરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જેઓ પહેલેથી વસ્તીમાં છે જ, તેમને નોકરી તો આપો. એક તરફ પાકની જમીન ઘટી રહી છે, બેરોજગારી વધી રહી છે ને વસતિની દૃષ્ટિએ દેશને શક્તિશાળી બનાવવાની વાતો કરો છો તો શરૂઆત ભાગવત, મોદી અને યોગીથી કરવી જોઈએ. વસ્તી વધારવાની હિમાયત થતી હોય તો એ પણ વિચારવાનું રહે કે ભાવિ વસ્તી માટે સંસાધનો ક્યાંથી આવશે? ખાદ્ય સામગ્રીઓ અત્યંત મોંઘી છે. કાઁગ્રેસી સાંસદ રેણુકા ચૌધરીએ તો ત્યાં સુધી કહ્યું કે ભાગવતજીને બાળકોનાં પાલનપોષણનો શો અનુભવ છે? કટિહારના કાઁગ્રેસી સાંસદ તારિક અન્વરે સોંસરું કહ્યું છે કે ભાગવતનું નિવેદન ભા.જ.પ.ના નેતાઓની વાતથી એ રીતે વિપરીત છે કે ભાગવત વસ્તી વધારવાની વાત કરે છે ને ભા.જ.પ. વસ્તી નિયંત્રણની વાત કરે છે. અન્ય વિપક્ષી સાંસદોએ પણ વિરોધનો સૂર કાઢ્યો છે.
આમ પણ વસ્તીમાં ચીનને પાછળ રાખીને ભારત સૌથી વધુ વસ્તીવાળો દેશ બન્યો છે. છેલ્લી વસ્તી ગણતરીમાં હિન્દુઓની ટકાવારી 80 ટકા હતી અને તે હવે ઘટીને 78.9 ટકા પર આવી છે. આમ હિન્દુઓની વસ્તી 100 કરોડ જેટલી છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 14 ટકા જેટલી છે અને તે વધી રહી હોવાનું કહેવાય છે. બને કે ભાગવતને એ સંદર્ભે ત્રણ બાળકોની વાત કહેવાનું ઠીક લાગ્યું હોય. એ ખરું કે ભા.જ.પ. હિન્દુત્વને વરેલો છે ને સંઘ, ભા.જ.પ.ના માધ્યમથી પોતાની વિચારધારા દેશમાં ફેલાવ્યે જાય છે. ભા.જ.પ. અને સંઘ વચ્ચે મતભેદો પણ ઊભા થાય છે, પણ છેવટે તો ઘી ખીચડીમાં જ ઢોળાઈને રહે છે. મતભેદ સપાટી પર હોય તો હોય, પણ ચૂંટણી દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મહિમા હિન્દુત્વનો થાય તેને માટે સંઘ, સભાઓમાં કે પ્રવચનોમાં પ્રયત્નશીલ રહે છે ને તેની અસર ચૂંટણીનાં પરિણામોમાં જોવા પણ મળે છે.
સાદો પ્રશ્ન એ છે કે ત્રણ બાળકોની ગણતરીએ ભવિષ્યમાં જે વસ્તી વધશે એનો બોજ ઉપાડવા દેશ તૈયાર હશે ખરો? વિકાસ તો ઘણો થાય જ છે ને ભૌતિક સુવિધાઓ પણ વધી રહી છે, પણ મોંઘવારી અને રોજગારીની સમસ્યાઓ આજે જ વિકરાળ છે, તો ભવિષ્યમાં કેવી હશે તેની કલ્પના સંઘે કરી છે કે પડશે તેવા દેવાશે એ નીતિએ આગળ વધવા માંગે છે? વારુ, સંઘ સંચાલકે તો એક ચિંતા સાર્વત્રિક રીતે કરી છે, પણ ત્રણ બાળકોને ધરતી પર લાવનાર સામાન્ય માબાપ તેમનો ઉછેર અને તેમની જવાબદારીઓ કેવી રીતે ઉપાડશે તેનું માર્ગદર્શન પણ ભાગવત કરે તે અપેક્ષિત છે. વળી જે સ્ત્રી ત્રણ બાળકોને જન્મ આપશે એને વિષે એક હરફ પણ કોઈએ કાઢ્યો નથી તે દુ:ખદ છે. એક તરફ ભા.જ.પ. જ વસ્તી નિયંત્રણની વાત કરતો હોય ને તેના જ સાંસદો ભાગવતનાં ત્રણ બાળકો અંગેનાં નિવેદનનું સમર્થન કરતો હોય તો સવાલ થાય કે ખરેખર અપેક્ષિત શું છે – વસ્તી નિયંત્રણ કે વસ્તી વધારો?
આવું ભાગવતે જ કહ્યું છે એવું નથી. થોડા વખત પર જ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધોની વસ્તી વધી રહી છે તો તેમની દેખભાળ માટે લોકોએ બે કે તેથી વધુ બાળકોને જન્મ આપવો જોઈએ તેવું કહેલું ને સાથે એમ પણ ઉમેરેલું કે બે કે વધુ બાળકો હોય તેને જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવાનો અધિકાર મળી શકે એવો કાયદો રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે. યુવાનો વિદેશમાં કે રાજ્ય બહાર સ્થાયી થયા છે, પરિણામે યુવાનોની વસ્તી ઘટી છે ને ગામમાં વૃદ્ધો જ રહી ગયા છે. જો બાળકો વધશે તો વસ્તી સંતુલિત થશે. એક સમય હતો જ્યારે આ જ નાયડુ વસ્તી નિયંત્રણની વાત કરતા હતા ને હવે વધુ બાળકો હોય તેને જ રાજકીય લાભ આપવાની વાત કરે છે. સાચું તો એ છે કે વિદેશની તકોને હિસાબે યુવાનો જ નહીં, અમીરો પણ દેશ છોડી રહ્યા છે, ત્યારે સવાલ થાય કે દેશ ખરેખર જ વિકાસ કરી રહ્યો છે ને અહીં તકો વધી રહી છે, તો યુવાનો તો ઠીક, અમીરો કેમ દેશ છોડી રહ્યા છે? આપણને એનું આશ્ચર્ય નથી થતું કે 2019થી 2023 સુધીમાં 8.34 લાખ લોકોએ ભારતીય નાગરિક્તાને છોડી દીધી છે ને આ વાત બીજા કોઈએ નહીં, પણ સરકારે લોકસભામાં કબૂલી છે. એક તરફ સરકાર વિદેશી રોકાણોને ભારતમાં આકર્ષિત કરવા મથે છે ને બીજી તરફ વધુ વળતરની અપેક્ષાએ ભારતીયોએ 20 લાખ કરોડની સંપત્તિ સિંગાપોર કે હોંગકોંગમાં રોકી છે. દેખીતું છે કે આ વેપલામાં વૃદ્ધો ન હોય. એમાં યુવાનો જ જોડાય. આ હાલત હોય તો દેશમાં યુવાનો ઘટે જ તે સમજી શકાય એવું છે.
આટલું ઓછું હોય તેમ તમિલનાડુના મુખ્ય મંત્રી સ્ટાલિને સમૂહ લગ્નના એક કાર્યક્રમમાં એવું કહ્યું કે પરિણીત યુગલો 16 બાળકો પેદા કરે. 16 બાળકો પેદા કરવા પાછળનો સ્ટાલિનનો તર્ક એવો છે કે 2029ની લોકસભાની ચૂંટણી 78 સીટો સાથે થઈ શકે. એ હકીકત છે કે ઉત્તર ભારત કરતાં દક્ષિણી રાજ્યોનો પ્રજનન દર ઘટ્યો છે. એ સંજોગોમાં સ્ટાલિનનું માનવું છે કે 10 લાખની વસ્તીએ એક સાંસદ વધે. એને માટે સીમાંકન દ્વારા સીટો વધી શકે. થયું એવું કે 1971 પછી કેન્દ્ર સરકારે વસ્તી નિયંત્રણ માટે કોશિશો કરી. દક્ષિણનાં રાજ્યો એ અંગે સભાન થયાં ને તેને વસ્તી નિયંત્રણમાં સફળતા મળી. એની સામે ઉત્તર ભારત વસ્તી નિયંત્રણમાં પાછળ રહ્યું એટલે તેની વસ્તી વધી, પરિણામે તેની લોકસભાની સીટો પણ વધીને 255 પર પહોંચી. એની તુલનામાં દક્ષિણની સીટો 130 જ છે. આંધ્રની અને તમિલનાડુની સરકારની ગણતરી એવી છે કે વસ્તી બમણી થાય તો આંધ્રની સીટ 25ની 50 થાય ને તમિલનાડુની 39ની 78 થાય.
એક તરફ એન.ડી.એ.ની રાજ્ય સરકારો વસ્તી નિયંત્રણ માટે પ્રયત્નો કરતી હોય ત્યારે આંધ્ર, તમિલનાડુની સરકારો વધુ બાળકો પેદા કરવા પ્રજાને ઉતેજિત કરતી હોય તેનું આશ્ચર્ય છે. તે તો ઠીક, સંઘના જ રાષ્ટ્રીય વડા ત્રણ બાળકો પેદા કરવાની ફરમાઇશ કરતાં હોય ત્યારે કોકડું કેટલું ગૂંચવાયેલું છે તે સમજી શકાય એવું છે. 1971ની કેન્દ્ર સરકારને ત્યારે 55 કરોડની વસ્તી વધુ લાગતાં તેણે વસ્તી નિયંત્રણ માટે કોશિશો કરેલી ને આજે 142 કરોડની વસ્તીનો વાંધો ન હોય તેમ આંધ્ર, તમિલનાડુ અને સંઘ વસ્તી વધારવાની હિમાયત કરે છે. ઉત્તર પ્રદેશમાં બે બાળકોનો કાયદો થઈ શકે એમ નથી, તો મહારાષ્ટ્રમાં બેથી વધુ બાળકો હોય તેને સરકારી નોકરી અપાતી નથી. આ બધું પાછું શુદ્ધ બુદ્ધિથી નથી થતું. દરેકની આવી હિમાયત પાછળ રાજકીય ગણતરીઓ છે. એટલે જ રાજ્યોના કાયદાઓમાં એકસૂત્રતા નથી. સાદો સવાલ એ છે કે સૌથી વધુ વસ્તી દુનિયામાં ભારતની હોય ને સંસાધનોની તંગી હોય તો વસ્તી વધારવામાં લાંબે ગાળે મુશ્કેલીઓ જ વધે, એવું ખરું કે કેમ?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ડિસેમ્બર 2024