શૈક્ષણિક સામયિકમાં ‘સાધુ’ના ગોળગોળ વખાણ કરવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગેરમાર્ગે દોરાય છે. લોકાભિમુખ નઈ તાલીમની કેળવણી દ્વારા સંતુલિત વિકાસ સાધવા પ્રયત્નશીલ સંસ્થા – ગ્રામદક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આંબલા દ્વારા ‘કોડિયું’ સામયિક પ્રસિદ્ધ થાય છે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ / મનુભાઈ પંચોળી આદ્યતંત્રી રહ્યા હતા. હાલ તંત્રી ડો. અરુણ દવે છે અને સહતંત્રી ડો. દિનુ ચુડાસમા છે.
15 ડિસેમ્બર 2024ના અંકમાં પેજ – 10/11 પર મોરારિબાપુનો લેખ છે : ‘સાધુ જ્યાં જાય ત્યાં અજવાળું લઈને જાય છે !’ આ લેખ સહતંત્રીએ સંકલિત કરીને મૂક્યો છે.
આ લેખના મુખ્ય મુદ્દાઓ :
[1] સાધુઓનો મહિમા આટલો બધો કેમ? કારણ છે પરહિત વૃત્તિ. સર્વોત્તમ કૃપા એ છે કે જ્યારે કોઈ સાધુ / સંત મળી જાય.
[2] સજ્જન એ છે જે જાગી ગયો છે. સાધુ એ છે જે ઊઠી ગયો છે. સંત એ છે જે પરમાત્મા પાસે પહોંચી ગયો છે.
[3] જે સાધુ થઈ જાય, તેનું અંતઃકરણ પરનિંદા, પરધન, પરદારને, પરવાદથી મુક્ત થઈ વિશુદ્ધ થઈ જાય.
[4] સાધુ કોઈ વ્યક્તિનો અનાદર સહી લે છે ત્યારે એ પરમાત્મા તરફ ગતિ કરે છે. સાધુને કોઈ પાપી જ દેખાતું નથી.
[5] સાધુ-સંત સહાનુભૂતિ જ નહીં, સમાનાભૂતિ કરે છે. તમને જ્યારે પીડા થાય ત્યારે સાધુને પણ પીડા થાય. આપણને દુઃખ આપણા માટે થાય છે, સાધુને દુઃખ બીજા માટે થાય છે. માલિક નહીં, માળી તે સાધુ.
[6] સંસારિક વસ્તુઓનું મળવું એ પ્રારબ્ધનો ખેલ છે. પણ સંતનું મળવું એ બડભાગ છે.
[7] સાધુનું જીવન સાદું, સારું, સાચું અને સૌની સામું હોય છે. જેના આચાર, વિચાર, ઉચ્ચાર સાચા હોય તે સાધુ.
[8] સાધુનો સમાજ ગુરુના કોઠામાંથી પાકેલો વર્ણ, જાતિ, જ્ઞાતિથી મુક્ત સમાજ છે.
[9] ઉદાસ માણસ પરમાત્માને ગમતો નથી. ધર્મગુરુ ઉદાસ હોય તો પરમાત્માને ગમતું નથી. હે સમાજ, સાધુને સાધન ન બનાવો સાધુ સમાજનું સાધ્ય છે. સાધુને જે દિવસે સાધન બનાવવામાં આવે તે દિવસે સંસ્કૃતિ પોક મૂકે છે. સાધુનો કોઈ ધર્મ નથી હોતો, સાધુ સ્વયં ધર્મ છે.”
મુદ્દા વાઈઝ વિશ્લેષણ જોઈએ :
[1] ગુજરાતમાં એક એવો સાધુ બતાવો કે જે પરહિત વૃત્તિ ધરાવતો હોય. દરેક સાધુ / સ્વામિ / સંતે ભવ્ય આશ્રમો ઊભા કર્યા છે. લક્ઝરી કારમાં ફરે છે. સત્તાપક્ષને 5-5 કરોડની લાંચ આપે છે. સાધુઓ / સ્વામિઓ સેક્સઘેલાં બન્યા છે. અખબારોનાં પાનાં / ટી.વી.ના પડદે આવું જોવા મળે છે. પરહિત વૃત્તિ નહીં માત્ર સ્વહિત જોવા મળે છે.
[2] ‘સંત એ છે જે પરમાત્મા પાસે પહોંચી ગયો છે’ આમ કહેવાનો અર્થ શો? શું કહેવાતા સાધુ / સંતોએ જ સત્તા ભોગવવા સંપ્રદાયો ઊભા કરેલ નથી? માણસને સાંપ્રદાયિક બનાવ્યો નથી?
[3] સાધુઓ પરનિંદા, પરધન, પરદારને, પરવાદથી મુક્ત થઈ જતા હોય તો સુપ્રીમ કોર્ટ સુધી કેમ ઝઘડે છે?
[4] ‘સાધુને કોઈ પાપી જ દેખાતું નથી’ આ સદ્દગુણ છે કે દુર્ગુણ? યૌન શોષણ કરનારા / અન્યાય કરનારા / ગુંડા / ભ્રષ્ટાચારીને પાપી ગણવાના હોય કે સજ્જન?
[5] ‘આપણને દુઃખ આપણા માટે થાય છે, સાધુને દુઃખ બીજા માટે થાય છે.’ ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ બને છે / બાળકીઓ પર રેપ થાય છે / ગરીબો-મધ્યમ વર્ગ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે. હત્યારાઓને-બળાત્કારીઓને સરકાર જેલમુક્ત કરે છે; આ સ્થિતિમાં ગુજરાતના કોઈ સાધુએ મોં ખોલ્યું છે ખરું? કોઈ સાધુ / સ્વામિ / મુનિ / સંત / કથાકારોને દુ:ખ થયું છે?
[6] ‘સંસારિક વસ્તુઓનું મળવું એ પ્રારબ્ધનો ખેલ છે’ આવી અંધશ્રદ્ધા શૈક્ષણિક સામયિકોમાં પીરસી શકાય? એ પણ સહતંત્રી ખુદ આવું પીરસે?
[7] ‘સાધુનું જીવન સાદું, સારું, સાચું અને સૌની સામું હોય છે. જેના આચાર, વિચાર, ઉચ્ચાર સાચા હોય તે સાધુ’ આવો ઉપદેશ આપનાર મોરારિબાપુ ખુદ પોતાની તરફ નજર કરતા નહીં હોય? શું મોરારિબાપુએ સાદાઇ દાખવી છે? ભવ્ય કથા મંડપ કેમ? લક્ઝરી કાર લઈને ભિક્ષા માંગી શકાય? શું પ્લેનમાં કથા કરવાથી તુલસીદાસ તથા રામ રાજી થાય?
[8] ગુજરાતનો એક સાધુ બતાવો જે વર્ણ, જાતિ, જ્ઞાતિથી મુક્ત હોય? શું સાધુઓના કારણે જ સમાજમાં વર્ણ, જાતિ, જ્ઞાતિ ટકેલાં નથી?
[9] ‘ધર્મગુરુ ઉદાસ હોય તો પરમાત્માને ગમતું નથી’ શું આ અંધશ્રદ્ધા નથી? કોણે પરમાત્માને જોયો છે? પરમાત્મા વતી વાત કરનારા ઢોંગી હોય છે. કેટલાક સંતો પ્રગટ બ્રહ્મસ્વરુપનો ઢોંગ કરતા નથી? માની લઈએ કે સાધુને પરમાત્મા સાથે ડાયરેક્ટ કનેક્શન છે, તો સમાજમાં આટલો અનાચાર / લૂંટ / ઠગાઈ / વિશ્વાસઘાત / યૌન શોષણ / ભ્રષ્ટાચાર કેમ? ગરીબો / વંચિતો સાથે ભેદભાવ કેમ? સમાજમાં આટલી નફરત / ધૃણા કેમ? શાસકો આટલાં નકટાં / નફ્ફટ કેમ? શું ઢોંગી સાધુઓ જ્યાં જાય ત્યાં અંધકાર ફેલાવતા નથી?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર