B.B.C.1 પરથી દર રવિવારે ‘Big Question’ નામના કાર્યક્રમમાં કોઈને કોઈ નૈતિક, રાજકીય, સામાજિક કે ધાર્મિક મુદ્દાને લઈને એક ચર્ચા પ્રસારિત કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રશ્ન વિષે વિચાર વિમર્શ કરતી બેઠકમાં શ્રોતા તરીકે ભાગ લેવાની તક મળી. તેમાં બ્રિટિશ સલ્તનતની તરફેણ અને વિરુદ્ધમાં કહેવાયેલા વિવિધ કથનો અને તે પરથી ઉપજેલા મારા અભિપ્રાયો વાચકો સમક્ષ રજૂ કરવા કોશિષ કરીશ.
બ્રિટને અમેરિકા, કેનેડા, વેસ્ટ ઇન્ડીઝથી માંડીને આફ્રિકા ખંડના મહદ્દ દેશો પર અને ભારતીય ઉપખંડ પર, બ્રિટનમાં રહીને, રાજ્ય કર્યું જેને બ્રિટિશ રાજ તરીકે ખ્યાતિ મળી. આ સામ્રાજ્યના મંડાણ 16મી સદીમાં થયાં. ઈ.સ. 1585માં સર વોલ્ટર રાલીની આગેવાની હેઠળ ઉત્તર અમેરિકામાં પ્રથમ સંસ્થાનના પાયા નંખાયા અને ખાંડ તથા તમાકુ જેવા રોકડિયા પાકની આવકથી બ્રિટનને પુષ્કળ ફાયદો થયો. ઈ.સ. 1783 સુધીમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝ કબજે કરી લીધેલાં જે પહેલી ક્રાંતિ બાદ ગુમાવ્યા. તો પોતાની દરિયાઈ તાકાતના જોરે, 19મી સદીમાં, ભારતીય ઉપખંડ અને આફ્રિકાના દેશોમાં દ્વિતીય સામ્રાજ્યના પાયા નંખાયા. આમ તો મધ્ય યુગથી માંડીને 19મી સદી સુધીમાં નોર્મન, રોમન, આરબ, ઓટોમન અને રશિયન એમ અનેક સામ્રાજ્યો સ્થપાયાં અને ભાંગ્યાં. ઈ.સ. 1497માં અંગ્રેજ વેપારીઓની સહાયથી કેનેડાની શોધ થઈ તેવી જ રીતે ઈ.સ. 1612થી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં થાણું નાખ્યું, તે જાણીએ છીએ.
અહીં નોંધનીય બાબત એ છે કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં એ દેશોના ભૌગોલિક વિસ્તારની સરખામણીએ જનસંખ્યા ઓછી હતી અને તે સમયે બ્રિટન કરતાં ઓછા સમૃદ્ધ હતા જ્યારે ભારતની વસતી વધુ હતી તેમ જ ત્યાં ભાષા, સંસ્કૃિત અને આબોહવાનું અપાર વૈવિધ્ય હતું, એટલું જ નહીં પણ ઈ.સ. 1700માં કેટલાંક ક્ષેત્રોમાં તેઓ બ્રિટન જેટલા જ વિકસિત હતા. સાહસવીરો દેશ પરદેશ ખેડે અને અવનવી શોધખોળ કરે તે તો માનવ જાત માટે લાભદાયક છે. નવા શોધાયેલ દેશમાં કોઈ માનવ વસતી ન હોય અથવા ત્યાંના મૂળ વતનીઓની સહમતી હોય, તો તેની માલિકી સ્થાપિત કરવી વ્યાજબી ગણાવી શકાય. પરંતુ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે મોટા ભાગના નવા શોધાયેલા દેશોમાં મૂળ વતનીઓ રહેતા હતા, તેમને એક યા બીજી લાલચ કે ધમકી આપીને તેમના દેશ પર યુરોપના ઘણા દેશો દ્વારા 18મી અને 19મી સદીમાં પોતાની રાજ્યસત્તા ઠોકી બેસાડવામાં આવી હતી. તેમાં ય ભારતની વાત કરીએ તો એ તો સેંકડો-હજારો વર્ષ પહેલાં ઉદ્દભવેલી પૂર્ણ વિકસિત સંસ્કૃિત અને રાજ્ય વ્યવસ્થા ધરાવતો દેશ હતો જેના પર વેપારી સંબંધોને પગલે પગલે બ્રિટને રાજકીય કબજો જમાવ્યો.
બ્રિટન જેવા એક નાનકડા ટાપુના તાબામાં એક સમયે લગભગ 13 મીલિયન સ્કવેર માઈલ ભૂમિ અને 458 મીલિયન પ્રજા હતી. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ દિશાઓમાં પ્રસરેલા એવડા મોટા સામ્રાજ્ય પર સૂર્ય કદી નહોતો આથમતો. આવડું મોટું સામ્રાજ્ય સ્થાપવા સાહસની જરૂર પડે, તેના વહીવટ માટે મુત્સદ્દીગીરી જોઈએ, જાળવવા માટે તીક્ષ્ણ રાજકીય દાવપેચની જાણકારી હોવી ઘટે અને તેનો લાભ ઉઠાવવા વેપારી દ્રષ્ટિ હોવી જોઈએ. આથી જ મૂળ બ્રિટિશ પ્રજા એકદા એક વિશાળ સામ્રાજ્યના ધણી હોવા બદલ ગૌરવ અનુભવે તેમાં નવાઈ નથી. સવાલ છે કે સાહસ, મુત્સદ્દીગીરી અને દીર્ઘ દ્રષ્ટિ ઉપરાંત બીજી કઈ કઈ શક્તિઓ કામે લગાડેલી અને તેનાથી જેના પર રાજ્ય કર્યું તેમને શો ફાયદો-ગેરફાયદો થયો તે પણ નોંધવું રહ્યું.
‘Big Question’માં હાજર રહેલાં અને અન્ય મહાનુભાવો તેમ જ જનસામાન્યમાં કેટલાંક બ્રિટિશ સામ્રાજ્યની તરફેણમાં હોય છે જ્યારે કેટલાંક તેની વિરુદ્ધમાં હોય છે. જ્યારે પણ બ્રિટિશ સલ્તનતનો ઉલ્લેખ થાય ત્યારે ભારત વિષેની ચર્ચા કેન્દ્ર સ્થાને હોય છે કેમ કે તે કદ, જનસંખ્યા અને કુદરતી તથા માનવ સ્રોતની દ્રષ્ટિએ અન્ય સંસ્થાનો કરતાં વધુ વિશાળ અને વધુ ફાયદો આપનાર દેશ હતો. અને તેથી જ તો તેને Jewel in the Crownનું બિરુદ મળેલું. ઈ.સ. 1922માં આયર્લેન્ડ સ્વતંત્ર થયું અને તે પછી અનેક દેશોને સ્વાયત્તતા સાંપડી. ભારત અને પાકિસ્તાન 1947માં સ્વતંત્ર થયા બાદ, ઘણા આફ્રિકન દેશો તેમને અનુસર્યા. હવે આજે બ્રિટન પાસે થોડા છુટ્ટા છવાયા ટાપુઓ, tax heaven તરીકે ઓળખાતા પ્રદેશો અને કોમનવેલ્થ રહ્યા છે, જેની તે આગેવાની કરે તે સ્વાભાવિક છે.
આ ચર્ચા સભામાં હાજર રહેલ પ્રોફેસર્સ, ઇતિહાસવિદ્દ, ધાર્મિક આગેવાનો, કોમેન્ટેટર્સ અને કર્મશીલોને સીધો સવાલ કરવામાં આવ્યો કે બ્રિટન એક સમયે અજેય સામાજ્ય હતું એ વિષે તેના નાગરિકોની છાતી ગજ ગજ ફુલવી જોઈએ કે શરમથી માથું ઝૂકવું જોઈએ? ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝને ઈ.સ. 1901માં કહેલું, “As long as we rule India, we are the greatest power in the world, if we lose it we shall straight away drop to a third rate power. Empire is the supreme force for good in the world.” અને પેનલના કેટલાંક સભ્યોએ એ મતને અનુમોદન આપતા કહ્યું કે જુઓને રોમન, આરબ, રશિયન અને ઓટોમન સામ્રાજ્ય કરતાં બ્રિટિશ સામ્રાજ્ય અનેક બાબતોમાં સારું જ હતું. આમ તો ગ્રીકનો સલ્તનતનો ખ્યાલ એવો હતો કે પોતાનો ટાપુ કે દેશ નાનો હોય તો બીજા દેશ પર કબજો જમાવવો. તો વળી રોમન મોડેલ પ્રમાણે શિકારીની માફક બીજાની જમીન પચાવી પાડો, સ્ત્રીઓ પર અત્યાચાર કરો, રાજ્ય વિસ્તાર કરો અને નબળા દેશને ઝબ્બે કરો તો સામ્રાજ્ય વિસ્તરે. આ રીતે જોઈએ તો બ્રિટિશ સલ્તનતને આ બંને પ્રકારના ઢાળામાં ઢાળી શકાય તેમ છે. બીજી દલીલ એ હતી કે ઈ.સ. 1897 સુધીમાં દુનિયાની 25% વસતી પર રાજ્ય સ્થાપવું એ કંઈ નાની સુની સિદ્ધિ નથી. સામ્રાજ્યે તે વખતે જે કંઇ સારાં કાર્યો કર્યાં તેના સુફળ હજુ એ દેશોને ચાખવા મળે છે જેમ કે રેલવે, ટપાલ સેવા, ન્યાયતંત્ર, લોકશાહી શાસન વ્યવસ્થા, ક્રીશ્ચિયાનિટી અને ઇંગ્લિશ ભાષાની ભેટ. ઉપરાંત જે દેશોને પોતાના સંસ્થાન બનાવ્યા તે દેશોમાં અંદરો અંદર અણબનાવ, તનાવ અને લડાઈ ઝઘડા થતા હતા, તેઓ સંગઠિત નહોતા એટલે ઉલટાનું બ્રિટિશ રાજ આવવાથી તેમને સ્થિરતા મળી, દરેક રીતે વિકાસ કરવાની તક મળી. ભારતમાં ઔરંગઝેબના રાજ્યમાં શારિયા કાયદો અમલમાં હતો, હિંદુ રાજાઓમાં ભારોભાર ધાર્મિક અને જ્ઞાતિ વિષયક ભેદભાવ પ્રવર્તતો હતો અને સીખ રાજાઓ પણ સમાન ધારા આપી નહોતા શક્યા, જ્યારે બ્રિટને 1860માં મેકોલેની આગેવાની હેઠળ ઘડાયેલ ઇન્ડિયન પીનલ કોડ આપ્યો જે હજુ અમલમાં છે જે તેમને લાભદાયક પુરવાર થયો છે.
બ્રિટિશ રાજની તરફેણમાં એમ પણ કહેવાયું કે એ શાસનકાળ દરમ્યાન બધી નાત-જાતના લોકોએ સાથે મળીને લશ્કરમાં અને મિલ-ફેકટરીઓમાં કામ કર્યું જેથી જ્ઞાતિ પ્રથાના ભેદભાવો દૂર થયા અને એક દેશ તરીકે તે સંગઠિત બન્યો અને તેની અલગ અસ્મિતા ઉપસી આવી. વળી સતી પ્રથા અને દીકરીને દૂધ પીતી કરવા જેવા સામાજિક કુરિવાજો પણ અંગ્રેજોએ જ દૂર કર્યા જે ભારતના કોઈ રાજા નહોતા કરી શક્યા. નાનાં નાનાં રાજ્યોમાં ખંડિત એવા ભારત દેશને એકત્રિત કર્યો જેથી દેશભાવના જન્મી. આજનું ઇન્ડિયા એ બ્રિટનની દેન છે. આમ ખરું જોતાં બ્રિટને દુનિયાના ઘણા દેશોને સંસ્કૃત બનાવ્યા જે તેમનું ધ્યેય હતું. હજુ બીજી એક દલીલ આગળ ધરવામાં આવી કે 18મી અને 19મી સદીમાં યુરોપમાં બૌદ્ધિક, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ જેનાથી પશ્ચિમના દેશો પાસે અફાટ શક્તિ અને સત્તા આવી. આની જોડાજોડ જાગૃતિનો જુવાળ આવ્યો આથી પોતાની આ સિદ્ધિઓનો અન્ય સાથે બટવારો કરવા યુરોપના મોટા ભાગના દેશોએ દુનિયામાં ઠેકઠેકાણે સંસ્થાનો ઊભાં કર્યાં (અહીં સામ્રાજ્ય ઊભા કરવાવાળા દેશોની ઉમદા ભાવનાને બિરદાવવાનો પ્રયત્ન એ સજ્જનનો હતો). નહીં તો 1896માં ભારતને પહેલું સિનેમા થિયેટર મળ્યું તે ન મળ્યું હોત. બ્રિટનના સંસ્થાનોને કારણે જગત ઘણી રીતે બદલાયું અને સુધર્યું એવો તેમનો પાક્કો અભિપ્રાય હતો. બ્રિટિશ સલ્તનતને વ્યાજબી ઠારાવનારાઓ નું કહેવું થયું કે બંને વિશ્વયુદ્ધોમાં સંસ્થાનોના સૈનિકો રાજ વતી લડ્યા અને કુરબાની આપી તેથી બ્રિટને વિજયના ઇનામ તરીકે સંસ્થાનોને સ્વતંત્રતા ‘આપી’. સંસ્થાનવાસીઓ બ્રિટનની સરકારને પૂછવા લાગ્યા કે જે મુક્તિ અને સ્વાતંત્ર્ય માટે અમે જાન આપ્યો એ અમને ક્યારે મળશે? એના જવાબમાં એ દેશોને સ્વાયત્તતા ‘આપવામાં’ આવી. એ પણ તેમની ઉદારતાનો પુરાવો છે. એક એવો સૂર પણ ઊઠ્યો કે દુનિયામાં 19મી અને વીસમી સદીમાં કે આજે પણ જે કંઈ બુરું બન્યું કે બને છે તે માટે માત્ર બ્રિટનને જ એ સંસ્થાનો પર રાજ્ય કરનાર તરીકે જવાબદાર ન ગણાવી શકાય. સામ્રાજ્યનો અંત આવી ગયો, હવે જે તે દેશોએ પોતાના આંતર વિગ્રહો માટે પોતે જવાબદારી સ્વીકારવી જોઈએ. એક એવું તહોમત પણ મુકાયું કે સ્વતંત્ર થયેલા દેશો પોતાની ચળવળ સિવાયનો ઇતિહાસ શીખવતા નથી.
આમ કેટલીક હકીકતોની આપ-લે અને બ્રિટીશ સલ્તનતની તરફેણની પીપુડી વાગી તેના પ્રત્યુત્તર રૂપે જે ઢોલ વાગ્યાં તેમાં શું શું કહેવાયું તે પણ રસપ્રદ હતું। શરૂઆત એક મજાકથી કરીએ; “It is said that sun never set on the Empire, because the almighty couldn’t trust what the Britishers would get up to in the dark.” સલ્તનતને કારણે બ્રિટનની પ્રજાને મળેલા લાભો અને અન્ય દેશોને થયેલા આડકતારા ફાયદાઓને એક પલ્લામાં મૂકી હવે બીજા પલ્લામાં બીજી કેટલીક હકીકતો હાજર રહેલા પ્રતિનિધિઓ મુકવા લાગ્યા। ટાઝમેનિયા અને માઓરી પ્રજાની સામુહિક હત્યા કરાઈ, કેટલાક દેશના મૂળ વતનીઓને જાણી બુઝીને અમુક રોગનો ભોગ બનાવાયા, સ્ત્રીઓ પર અમાનુષી અત્યાચારો કરવામાં આવ્યા એનું પલ્લું શું સારા કાર્યો કરતાં ભારે ન થાય? ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમ્યાન ઈ.સ. 1769માં ભારતમાં બંગાળનો દુકાળ પડ્યો તે બંગાળની પ્રજાના ભોગે બ્રિટીશ લશ્કરના સૈનિકોને ખોરાક પહોંચાડવાની બ્રિટન સ્થિત સરકારની નીતિનું પરિણામ હતું જેમાં 10 મીલીયન નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા। અમૃતસરનો હત્યાકાંડ કે કેનિયાની દુર્ઘટના કોને ગૌરવ અપાવે? તરફદારોનો જવાબ હતો, આવી ઘટનાઓને બ્રિટીશરો એ દેશો પર રાજ કરવા માંડ્યા તે પહેલાં ત્યાં શું સ્થિતિ હતી, તેમના રાજ દરમ્યાન કેટલો સુધારો થયો અને તેમના ગયા પછી શી હાલત થઇ એ સંદર્ભમાં જોવી જોઈએ। આજના નૈતિક ધોરણો પ્રમાણે આ વિષે ગૌરવ ન થાય તે તેમણે પણ કબુલ્યું। તો પ્રશ્ન એ છે કે માનવીય મુલ્યો સમયે સમયે બદલાય? એક માનવનું બીજા માનવ દ્વારા શોષણ ન કરવું એ તો શાશ્વત નિયમ છે. એ સનાતન સત્ય છે. એનું પાલન 19મી સદીમાં ન કરીએ તો માફ અને 21મી સદીમાં કરવું જરૂરી મનાય? બ્રિટનના નાગરિકોને એવી હાલતમાં નહોતા મુક્યા તો સંસ્થાનવાસીઓ શું માનવો નહોતા? અરે, બંગાળના દુષ્કાળના સંદર્ભમાં સર વિન્સ્ટન ચર્ચીલે એવા મતલબનું કહેલું કે ભારતની પ્રજા તો સસલાની જેમ પેદા થાય છે, એ કંગાળ પ્રજાના પેટ ભરવા કરતાં બ્રિટીશ સૈનિકના હટ્ટા કટ્ટા જવાનોને પોષણ આપવું આપણા માટે વધુ મહત્વનું છે.
બ્રિટિશ રાજ દરમ્યાન અને આજના બ્રિટીશ નાગરીકો તેમ જ કેટલાક ભારતીય નાગરીકો તે વખતના માળખાથી થયેલ આડકતરા ફાયદાઓ ગણાવતા થાકતા નથી. તેમાંની એક દલીલ એ છે કે તેઓ પશ્ચિમના દશોમાં થયેલ ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક શોધખોળનો લાભ આપવા પૂર્વ અને દક્ષિણ ગોળાર્ધના ‘પછાત’ દેશોમાં સંસ્થાન સ્થાપીને રહ્યા તેમાં એ દેશોને જ લાભ થયો. એક જમાનામાં ચક્રની શોધ થઇ, તે આધુનિક સમાચાર કે પ્રસારણના સાધનો નહોતા છતાં દુનિયા ભરમાં પ્રચલિત થઇ હતીને? આજે મેડીકલ સાયન્સ, ટેકનોલોજી અને અન્ય અનેક સંશોધનો અને શોધખોળ થાય છે તો જેમની પાસે એ વિજ્ઞાન પહોંચ્યું નથી તેમના દેશનું રાજ્યતંત્ર ખૂંચવી લેવા કોઈ દોડી જાય છે? રહી વાત રેઇલવે અને ટપાલ સેવાની। એ બંને માળખાં ઊભા કરવાનો હેતુ હતો પૂરા દેશમાં બ્રિટીશ સરકારના સંદેશાઓ પહોંચાડવાનો અને તેના લશ્કરને ખૂણે ખૂણે મોકલી સીમાઓની રક્ષા કરવાનો। દેશના નાના મોટાં ગામ, શહેરો કે યાત્રાધામો આ સેવાઓથી જોડાયેલા નહોતા। એ તો ભારતની પ્રજાએ આ સેવાનો લાભ પોતાના હિતમાં ઉઠાવ્યો। અને હા, એ સ્થાવર મિલકત હોવાને પરિણામે કેટલીક ઈમારતોની માફક ઉઠાવીને પોતાની સાથે લઇ જઈ શકાય તેમ નહોતું એટલે મુકીને જવું પડ્યું એને કંઇ પુણ્યના કામમાં ખપાવી શકાય?
એક હકીકત યાદ રાખવા જેવી છે કે પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિને પગલે અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ અને વેપાર, સંરક્ષણ અને વાહન વ્યવહારને લગતાં સાધનોનું ઉત્પાદન વધ્યું, પણ તે પહેલાં પૂર્વના અનેક દેશોમાં એમાંની તમામ વસ્તુઓ પેદા થતી, અને તે પણ ઉત્તમ કોટિની. માત્ર ફર્ક એટલો કે તે હાથની બનાવટ હતી અને માનવ જરૂરિયાતના પ્રમાણમાં બનતી. જો બ્રિટનમાં શોધાયેલ કાપડ બનાવવાના મશીન ભારતને આપવાનો ઉદારતા ભર્યો હેતુ જ માત્ર હોત, તો ઢાકાનું જગ વિખ્યાત મલમલ વણનારાઓના અંગૂઠા કાપી ન નાખ્યા હોત. બ્રિટનમાં મહાકાય મશીનોથી ચાલતી અને ટનના હિસાબે કાપડ પેદા કરતી કાપડ મિલોની ભૂખ સંતોષવા રૂ પેદા કરતા સંસ્થાનોમાંથી તેમના પર નિકાસ કર નાખીને રૂની ગાંસડીઓ આયાત કરવી અને તૈયાર માલ વેંચવા એ જ ગુલામ પ્રજા પાસે આયાત કર ઉઘરાવવા પાછળ કયો દયાભાવ હતો? આમ થવાથી એ દેશોના કાપડ ઉદ્યોગ પર ભારે ફટકો પડ્યો અને રૂ પેદા કરનાર ખેડૂતોથી માંડીને રૂ પિંજનારા, કાંતનારા, વણકરો, રંગારા અને છાપકામ કરનારા એવા તમામ કુશળ કારીગરો લાખોની સંખ્યામાં રોજગારી ગુમાવી બેઠા, એ શું કોઈ બીજા દેશને પોતાની શોધખોળનો લાભ આપવાની પવિત્ર ઈચ્છાનું પરિણામ હતું?
એમ માનવામાં આવે છે કે બ્રિટન આધુનિક લોકશાહીની જનેતા છે. હા. પરંતુ અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાં ગ્રીસમાં અને તેથી ય વધુ પુરાતન કાળમાં ભારત જેવા દેશોમાં લોકશાહી અને ગણતંત્રીય રાજ્ય વ્યવસ્થા સફળતાથી ટકી રહ્યાના દસ્તાવેજી પુરાવાઓ અવગણી ન શકાય. સોક્રેટીસ અને ચાણક્યની રાજનીતિ આજે પણ નામાંકિત રાજનીતિના અભ્યાસુઓ અને અર્થશાસ્ત્રીઓ ગણનામાં લે છે. એ રીતે જોઈએ તો પંદરથી વીસમી સદીના ગાળા દરમ્યાન દુનિયા આખીમાં રાજાશાહી અને આપખુદ રાજ્ય વ્યવસ્થાની જ બોલબાલા હતી. જગતના કોઈ ભાગમાં આધુનિક લોકશાહીના પગરણ વહેલાં થયાં અને ક્યાંક મોડી આવી. બ્રિટિશ સલ્તનતના તાબામાં જે દેશો હતા એ જો વિદેશી શાસન હેઠળ લગભગ બસો વર્ષ રહ્યા ન હોત તો તેમને આંગણે પણ લોકશાહી રુમઝુમ કરતી આવી હોત તેમાં શંકા નથી. ખુદ યુરોપના જ અનેક દેશોમાં એ ચેપ વહેલો-મોડો લાગેલો એ સર્વ વિદિત છે. એવું જ ન્યાય તંત્ર વિષે કહી શકાય. જે રાજા રાજ કરે તે પોતાના રાજ્ય વ્યવસ્થાના ખ્યાલ પ્રમાણે ન્યાય તંત્ર ઊભું કરે તે જાણીતું છે. યુરોપના દેશોમાં જ્યાં જ્યાં ગણતંત્ર સમૂહોનું અસ્તિત્વ હતું ત્યાં ત્યાં દરેક દેશમાં અલગ અલગ ન્યાયતંત્ર હતું જ. બ્રિટિશ રાજ દરમ્યાન તેમની કલ્પના પ્રમાણેનું ન્યાયતંત્ર ગોઠવાયું જે અન્ય ચીજોની માફક પોતાની સાથે ફેરબદલી કરીને લઈ જવાનું શક્ય ન બન્યું એ સાચું. પણ બ્રિટિશ સલ્તનતના તરફદારોને પૂછીએ કે ત્યાં ઘડાયેલા કાયદાઓ ત્યાંની પ્રજાના હિતને લક્ષ્યમાં લેતા હતા? તો પછી મહેસૂલનો દર અસાધારણપણે ઊંચો કેમ હતો? પાક નિષ્ફળ થાય તો પણ ખેડૂતે મહેસૂલ ભરવું પડે, નહીં તો તેના માલ સામાનની હરરાજી કરી તેને પાયમાલ બનાવવા પાછળ શું કારણ હતું? સમાજ સુધારણાને લગતા બે કાયદા કર્યા તેની સામે સેંકડો કાયદા એવા હતા જેનાથી પ્રજાનું ટીપે ટીપું લોહી ચુસાઈ ગયેલું તેની નોંધ કયા દેશના ઇતિહાસે લીધી?
એક હકીકત કબૂલ કરવી રહી કે બ્રિટિશ સલ્તનત હેઠળના ઘણા દેશોમાં તે સમયે અને હજુ આજે પણ જાતિય, રાજકીય અને ધાર્મિક વિખવાદો પ્રવર્તે છે જેને કારણે તે દેશોની પ્રજા આંતર વિગ્રહ અને પાડોશી દેશો સાથેના સંઘર્ષમાં ડૂબેલી રહે છે અને તે માટે માત્ર અને માત્ર તેઓ જ જવાબદાર છે. કદાચ તેમની આ નબળી કડીને પરિણામે વિદેશી સત્તા સ્થાપવાનું સહેલું પડેલું અને યુરોપીયન દેશોનો હાથ ઉપર રહ્યો એ પણ ખરું. એક બાજુ અલગ અલગ જ્ઞાતિ અને ધર્મના લોકોને એક બીજા સાથે કામ કરવાની તક મળી એટલે વિભાજીત સમાજમાં ઐક્ય આવ્યું એમ લાગે, પણ સાથે સાથે વિવિધ ધર્મો અને જ્ઞાતિ વચ્ચે ક્યારે ય નહોતું તેટલું વૈમનસ્ય ઉભરી આવ્યું તે પણ હકીકત છે. ભાગલા પાડો અને રાજ કરો, એ નીતિને પરિણામે ઇસ્ટ ઇંડિયા કંપનીએ પહેલેથી જ હિંદુ-મુસ્લિમ રાજાઓને એકબીજા વિરુદ્ધ ઉશ્કેર્યા, બંનેને એકબીજા વિરુદ્ધ જીતવામાં મદદ કરી, બંગાળના ધર્મને આધારે ભાગલા કર્યા અને બંને કોમના કાનમાં સતત એક બીજા પ્રત્યે ભય અને નફરતની લાગણી પેદા કરીને છેવટ દેશના ભાગલા કરવામાં બ્રિટિશ શાસન કારણભૂત બન્યું એ સ્વીકાર્યા વિના છૂટકો નથી. હા, બ્રિટિશ સલ્તનત દરમ્યાન ભારત સંગઠિત થયું લાગે, પણ તે માત્ર તેમણે બાંધેલ રેલવેની જાળ, કારકુનો ઊભા કરવા માટે ગોઠવેલ શિક્ષણ પ્રથા અને પોતે જેને ગમાર માની લીધેલી એ પ્રજાને સુસંસ્કૃત કરવા ઊભી કરેલી મિશનરી સંસ્થાઓને જ આભારી નથી. ભારતીય પ્રજા ખરું જોતાં બ્રિટિશ રાજને હાંકી કાઢવાની મથામણમાં વધુ સંગઠિત થઈ. ભારત ભૂમિ પર હજારો વર્ષથી અનેક જાતિ અને ધર્મના લોકોની ચડાઈ થઈ છે, કેટલાક રાજાઓ દેશની સંપત્તિને લૂંટીને ચાલ્યા ગયા, મોટા ભાગના આવીને સ્થિર થયા અને પ્રજા સાથે ભળી ગયા. આથી જ તો કેટકેટલી જાતિઓ (races) સાથે આદાન-પ્રદાન થવાથી ભારતના લોકોના વંશીય પ્રકાર, સંસ્કૃિત, ભાષા, શિલ્પ-સ્થાપત્ય, કળા, સંગીત, ખોરાક, વસ્ત્રપરિધાન વગેરે અનેક બાબતોમાં આટલું વૈવિધ્ય ભર્યું પડ્યું છે. છતાં કહેવું પડે કે બ્રિટિશરો આવ્યા પહેલાં ભારત ખંડની પ્રજાને વિવિધતાનો અહેસાસ હતો, તેનું મૂલ્ય હતું, તેનું ગૌરવ હતું પણ અલગતાનો ભાવ અને પરસ્પર માટેની અસહિષ્ણુતાના શ્રી ગણેશ છેલ્લા વિદેશી શાસનને આભારી છે. એવું જ દક્ષિણ આફ્રિકામાં હજુ બે એક દાયકા પહેલાં જેની નાબૂદી થઈ એ રંગભેદી સરકારી નીતિના પાયા બ્રિટિશ રાજ્યની રંગભેદી વલણમાં જોવા મળશે. નાઈજીરિયા અને સુદાનમાં સલ્તનત નહોતી ત્યારે બે અલગ અલગ ટોળકીઓ વચ્ચે તણખા ઝર્યા કરતા પણ રેસિયલ તણાવ નહોતો. તેમ હાલમાં એ દેશોમાં વધતા જતા ગુનાઓ અને ધાર્મિક અત્યાચારો પાછળ આર્થિક અસમાનતા છે, જે બ્રિટિશ રાજ દરમ્યાન શરુ થઈ. બ્રિટિશ રાજમાંથી મુક્તિ મેળવેલા દેશોના યા તો ભાગલા થયા, અથવા તેમની સરહદો એવી રીતે દોરાઈ કે યા તો એક દેશના બે ભાગ પડ્યા અથવા વિરોધી ધર્મ કે સંસ્કૃિતના લોકો વચ્ચે નવો દેશ બન્યો જેથી કરીને એ બધા દેશો કાયમ માટે સંઘર્ષમય સ્થિતિમાં સપડાયેલા રહ્યા. સ્વતંત્રતા બાદ આવા પ્રશ્નો હલ કરવાની જવાબદારી જે તે દેશોની છે એ ખરું, પણ સદીઓની ગુલામી પછી માનસ બદલતાં અને વિવાદનો ઉકેલ લાવવા માટેની દ્રષ્ટિ તેમ જ શક્તિ કેળવતાં સમય લાગે.
આપણે જાણીએ છીએ કે ‘પોટેટો ફેમિન’ તરીકે જાણીતી ઘટનાને પરિણામે આયર્લેન્ડની અર્ધા ભાગની પ્રજા કાં તો મૃત્યુને શરણ થઈ અથવા દેશ છોડી ગઈ. અન્ય સંસ્થાનોનું આર્થિક અને સામાજિક માળખું એવું તો અસ્તવ્યસ્ત થઈ ગયું કે લાખોની સંખ્યામાં લોકો સ્થળાંતર કરી ગયા. ગુલામી પ્રથા નાબૂદ કરવા બ્રિટનનો નૌકા કાફલો મદદ રૂપ થયેલો એવો તેમનો દાવો છે, પરંતુ ગુલામીનો ઇતિહાસ બોલે છે કે ગુલામીમાં સબડતા અશ્વેત લોકોએ તેને નિભાવવી અશક્ય બનાવી અને જાનના જોખમે દાયકાઓ સુધી લડાઈ, આપી જેમાં કેટલાક શ્વેત કર્મશીલોની મદદ ભળી ત્યારે એ ક્રૂર પ્રથાનો અંત આવ્યો. અને બ્રિટનના નૌકા કાફલાએ ગયાના, કેરેબિયન અને અન્ય ટાપુઓ પરથી ગુલામોને આફ્રિકા પાછા લઈ જઈને ફરી ગણોતિયા મઝદૂર તરીકે કરાર પર સહી કરાવીને પોતાના તાબામાં બાંધી લીધેલા, પ્લાન્ટર્સ જે ચાહે તે કામ એ મજૂરો પાસે કરાવી શકતા; અથવા કેટલાકને દારુણ ગરીબી સહન કરવા છોડી મુક્યા એટલે એમને તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થયું અને ગરીબી કાયમ માટે લલાટે લખાઈ ગઈ. અશ્વેત પ્રજાની સંસ્કૃિતનો નાશ કરવો, તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરવા વગેરે કૃત્યો પધ્ધતિસર કરવામાં આવેલા. બ્રિટનના બજેટના 40% જેટલી રકમ તે વખતના ગુલામોના માલિકોને ચૂકવાયેલી. ગુલામોને ગરીબી મળી અને તેના માલિકોને શોષણ કરવા બદલ ઇનામ અપાયું તે એમને ખુશ કરવા, આ તે કેવી વિડંબણા?
એવી જ રીતે ક્રિશ્ચિયન ધર્મનો પ્રસાર કરીને એક ઉત્તમ ધર્મની દેણ કર્યાનો અન્ય લોકો પર ઉપકાર કર્યો છે તેમ પણ સલ્તનતના તરફદારોનું કહેવું છે. તથાગત બુદ્ધ, મહાવીર અને ગુરુ નાનકે પોતપોતાના ધર્મનો પ્રસાર કર્યો, પણ રાજ્યો પર કબજો ન જમાવ્યો. ક્રીશ્ચિયાનિટીના પ્રસાર પાછળ પોતે સાચા, બીજા કરતાં સારા, ઊંચા વિચારના અને એથી વધુ મહત્ત્વના છે એવી ગુરુતાગ્રંથી કામ કરી ગઈ. અહીં રંગભેદનું વલણ પણ કામ કરી ગયું. ક્રિશ્ચિયન ધર્મનો પ્રસાર કરવામાં એક ઉમદા હેતુ પણ હતો તેમાં બે મત નથી, પરંતુ તેની સાથે કેટલાંક મૂલ્યોની જાળવણી થાય તો જ એ ધર્મનું પાલન થયું છે, એવી માન્યતાને કારણે સજાતીય સંબંધો પ્રત્યેની સૂગ અને તેના જેવા અનેક ખ્યાલો આજે માનવ અધિકારનો ભંગ કરતા ગણાવા લાગ્યા છે.
અહીં એક ચોખવટ કરી લઉં. અંગત રીતે કોઈ એક વિશેષ સામ્રાજ્ય યોગ્ય નહોતું તેમ કહેવાનો આશય નથી. સામ્રાજ્યવાદની વિચારસરણી અન્ય પ્રજા માટે અન્યાયી અને શોષણ યુક્ત છે તેથી તેની સામે વાંધો છે. કોઈની ઉપર સત્તા જમાવવા અને પોતાના લાભ માટે તેની મરજી વિરુદ્ધ તેની પાસે કામ કરાવવા કોઈ પણ વ્યક્તિ કે શાસન વ્યવસ્થાએ સ્વાર્થી, ક્રૂર અને નિર્દયી બનવું પડે. આ હકીકત જેટલી બ્રિટિશ સામ્રાજ્યને લાગુ પડે છે તેટલી જ ભૂતકાળમાં લીલા લહેર કરી ગયેલા રોમ, આરબ અને ઓટોમન સામ્રાજ્યોને પણ લાગુ પડે છે. કેમ કે સામ્રાજ્ય માત્ર અસમાન સત્તાના માળખા પર રચાય. જેની પાસે અખૂટ ધન અને મજબૂત સૈન્યબળ હોય તેવો સ્વતંત્ર દેશ બીજા એવા જ સ્વતંત્ર દેશ પર કબજો જમાવે. તેમ બ્રિટિશ સલ્તનત એ કોઈ આકસ્મિક ઘટના નહોતી. તેની સ્થાપના, ટકાવ અને છોડવા પાછળ પણ એક ચોક્કસ હેતુ હતો અને એટલે જ તો યોજના પૂર્વક શોષણ થયું, નહીં તો વીસેક હજાર જેટલા ચપટી ભર અમલદારો અને લશ્કરી વડાઓ 30 કરોડની મેદની પર રાજ કરી શકે? જોવાનું એ છે કે બ્રિટિશ રાજનો સુવર્ણ કાળ હતો ત્યારે અખબારો અને લખાણો દ્વારા માત્ર એવું જ બતાવવામાં આવતું હતું કે એ દેશોની પ્રજા તો બ્રિટિશરોને ઘણી ખમ્મા કરે છે. હકીકતે બાકીની કરોડોની જનતાને પોતાનું શોષણ થાય અને તમામ પ્રકારની સ્વતંત્રતા છીનવાઈ જાય એ લગીરે મંજૂર નહોતું. એક જ ઉદાહરણ લઈએ, 1857ને ભારતની જનતા સ્વાતંત્ર્યનો પહેલો સંગ્રામ ગણાવે છે, જ્યારે બ્રિટિશ રાજ તેને ‘બળવા’ તરીકે ઓળખે છે. ભારત અને અન્ય સંસ્થાનોમાં રાજ વિરુદ્ધ ઘણા લોકોએ લડત આપી તેની જાણ ખુદ બ્રિટનની પ્રજાને કદી નહોતી થતી, તેમને તો પોતાની સરકાર સંસ્થાનવાસીઓનું ભલું કરે છે તેમ જ કહેવામાં આવતું. કયો પિતા પોતાનાં સંતાનોને પોતે કરેલ ભૂલોની જાણ કરે છે? જ્યારે સામ્રાજ્યનો સૂરજ તપતો હતો ત્યારે અને આજે પણ તે સારું જ હતું તેમ કહેવું પડે છે, એ જ સાબિત કરે છે કે તેમાં કશુંક અન્યાયી કે ગેરવ્યાજબી પણું હતું. જેમ કે એ દરમ્યાન સતી પ્રથા તથા તેના જેવા કેટલાંક સામાજિક દૂષણોનો અંત લાવવામાં સરકાર સફળ થઈ તે ઉત્તમ થયું, પણ મૂળે ભારત પર રાજ્ય કરવા પાછળ તેની સામાજિક સુધારણા કરવાનો આશય નહોતો એનો ક્યારે ય ઉલ્લેખ નથી થયો. સામાજિક ઉત્થાન તો તે વખતના રાજ્યની આડ પેદાશ હતી. રાજની અર્થ નીતિને કારણે ખેતી અને ઉદ્યોગો પડી ભાંગ્યાં, લાખો લોકો રોજી-રોટીની શોધમાં વિદેશ સ્થળાંતર કરી ગયા અને માણસની કમ્મર ભાંગી નાખે તેવા મહેસૂલ અને કરવેરાની નીતિને કારણે તથા માનવ સર્જિત દુષ્કાળને પરિણામે લાખો લોકોએ જાન ગુમાવ્યા એ હકીકત ક્યાં નોંધાઈ કે કહેવાઈ?
બ્રિટિશ સામ્રાજ્યની બીજી એક ખાસિયત નોંધવા લાયક છે. અન્ય દેશની પ્રજાને પોતાનું શાસન, તેના કાયદાઓ, કરવેરા અને મહેસૂલની નીતિ, રાજ્ય કરવા માટે ઊભું કરવામાં આવેલ માળખું, અરે ધર્મ આધારિત સેવા કાર્યો અને શિક્ષણ વગેરે તમામ વ્યવસ્થા જે તે દેશની પ્રજા માટે લાભદાયક છે અને તેઓ તો માત્ર પોતાના સામ્રાજ્ય હેઠળની પ્રજાને સુધારવા અને ઊંચે ઉઠાવવા જ આ કલ્યાણ કાર્ય કરી રહ્યા છે એવું સમજાવતા રહ્યા. આરબ સામ્રાજ્ય ફેલાયું ત્યારે તેની સામે લડાઈ આપનાર જાણતા હતા કે તેઓ ક્રૂર છે એટલે તેમની સામે લડ્યા સિવાય આરો નહોતો. પણ તેમનો હેતુ સામ્રાજ્ય વિસ્તારનો અને અન્ય દેશની સંપદા પર કબજો જમાવવાનો સ્પષ્ટ હતો. જયારે બ્રિટિશ રાજના કર્તા હર્તાઓએ સંસ્થાનોના રહેવાસીઓને ‘અમે તમારી સેવા કરીએ છીએ’ તેમ કહીને પોતાના સૈન્ય, કારખાનાંઓ, પોલીસ દળ, વહીવટી સંચાઓ, શાળાઓ અને તમામ ઉદ્યોગ-ધંધાઓમાં રોજગારી આપી, જેથી તેઓને એમ આભાસ થાય કે આ સરકાર માઈ બાપ તો અમારું પેટ ભરે છે, પણ હકીકતમાં તેઓના બાપીકા ધંધો પડી ભાંગ્યા અને તેમની પાસે ગુલામો પાસે કરાવેલી એટલી સખત મજૂરી કરાવાઈ, નામનું વળતર અપાયું અને એમ કાયમી બેહાલીની ગર્તામાં ધકેલી દેવાયા. ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ત્યાર બાદ બ્રિટિશ સરકારને ખ્યાલ આવ્યો કે આ દેશમાં વિવિધ ધર્મ અને સંસ્કૃિત ધરાવતા લોકો રહે છે, અને જ્યાં સુધી તેઓ સંગઠિત છે ત્યાં સુધી ગમે ત્યારે માથું ઊંચકશે તો આપણને ઉચાળા ભરવાનો સમય આવશે, એથી લશ્કરમાં ગાય અને ડુક્કરની ચરબી વાળી કારતૂસો વાપરવાની ફરજ પાડી, ત્યારે હિંદુ અને મુસ્લિમ બંને કોમના સૈનિકોએ સંગઠિત થઈને વિરોધ કર્યો. એ 1857ની ઘટનાથી બ્રિટિશ રાજે સમજી લીધું કે આ દેશમાં સત્તા ટકાવી રાખવી હોય તો કોમી એકતા તોડવી રહી. એટલે વિવિધ ધર્મો અને જ્ઞાતિઓ વચ્ચે ફાટફૂટ પડાવવી શરુ કરી. જેમાં તેઓ સફળ થયા. બંગાળના ભાગલા ધર્મને આધારે કર્યા. આથી ભારતીય પ્રજાએ વિચાર્યું કે આપણે એકત્રિત નહીં થઈએ તો ખત્મ થઈ જઈશું, એથી તત્કાલીન સત્તા અને રાજાઓનો આશ્રય છોડીને લોક્ષક્તિનું નિર્માણ કર્યું. આમ છતાં બે ધર્મો વચ્ચે પેદા કરેલ વિરોધ અને નફરતની ખાઈ પૂરી ન શકાઈ, અને છેવટ લડી-ઝઘડીને દેશના ભાગલા થતા રોકી ન શકાયા.
બીજા વિશ્વયુદ્ધ બાદ અન્ય દેશોને સંસ્થાન બનાવનાર યુરોેપીયન દેશોને ભાન થયું કે બીજા દેશની પ્રજા પર શાસન કરવું લાંબા સમય સુધી વ્યાજબી નહીં ઠરાવી શકાય. પરંતુ જ્યારે ભારત જેવા મુગટમાંના મણિરત્ન સમાન દેશને છોડવાની ઘડી આવી, ત્યારે જે અફસરે કદી ભારતની ધરતી પર પગ નહોતો મુક્યો, જેને તેની ભૈગોલિક રચનાનું જ્ઞાન નહોતું, જે ત્યાંની નદી, પર્વત કે ખેતરોને જાણતો નહોતો, એ વિશાલ દેશની ભાષાઓ કે સંસ્કૃિતથી જરા પણ પરિચિત નહોતો તેવા અધિકારીને એક અતિ મહત્ત્વનું કામ – બે દેશની સીમારેખા દોરવાનું – સોંપવામાં આવ્યું, જેને માટે એ અફસર અધિકૃત હતો તેમ કહી ન શકાય. આ કામ માત્ર બે અઠવાડિયા જેટલા ટૂંકા ગાળામાં પૂરું કરવામાં આવ્યું. અરે, એક નાનાશા ઘરમાં એક ઓરડી ઉતારવી હોય તો પણ સ્થાનિક સરકારની મંજૂરી, એ જમીન અને તેની આસપાસની જગ્યાની તપાસણી અને થનાર બાંધકામની લાંબા ગાળાની ઉપયોગિતા વગેરે વિષે વિચાર કરતા મહિનાઓ નીકળી જાય છે. તો 35 કરોડ જીવતા જાગતા માનવીઓને એક ઝાટકે બે દેશોમાં વહેંચી દેતાં આટલો ઓછો સમય વિતાવ્યો, એ જ દર્શાવે છે કે તેનાં પરિણામો અને તેનાથી ઊભી થનાર વિપરીત પરિસ્થિતિ માટે દેશ છોડીને જનાર સત્તાને જરા પણ નિસ્બત નહોતી. દરેક સામ્રાજ્ય સ્થાપનાર સત્તાએ અપનાવેલી એવી જ નીતિ બ્રિટિશ સલ્તનત અનુસરેલું. લગભગ 1.5 મીલિયન લોકોને ‘ઇન્ટર્નમેન્ટ કેમ્પ’માં રાખ્યા, સ્ત્રીઓ પર બળાત્કાર થયા, સગર્ભા સ્ત્રીઓને જાનથી મારી નાખવાના કિસ્સાઓ બન્યા, એ બધું કદાચ અન્ય સામ્રાજ્યોમાં પણ સરખી માત્રામાં થયું છે, પરંતુ તેઓએ પોતે અન્ય દેશને સંસ્કૃત બનાવવાના ઉમદા હેતુથી આ સત્તા જમાવી રહ્યા છે, એવો દાવો કર્યાનું નોંધાયું નથી. આગળ જોયું તેમ 1700ની સદી દરમ્યાન યુરોપના ઘણા દેશો જેટલા વિકસિત અને ધનાઢ્ય હતા તેટલા જ અથવા તેથી ય વધુ ધનવાન કેટલાક દેશો હતા, જેમના પર બ્રિટનનું અનુશાસન લાદવામાં આવેલું. તે સમયે ખુદ બ્રિટનની પ્રજા અનેક ગણી કારમી ગરીબી વચ્ચે જીવતી હતી, જયારે તેના રાજા અને ઉમરાવો અઢળક સમૃદ્ધિમાં આળોટતા હતા. આજે દુનિયાના પાંચ સહુથી વધુ સમૃદ્ધ દેશમાંના એક તરીકે બ્રિટનનું સ્થાન છે તે સંસ્થાનોની સંપત્તિને પોતાના ઘર ભેગી કરવા સિવાય ન બન્યું હોત. થોડા આંકડા આ હકીકત સમજવા મદદરૂપ થશે. ઈ.સ. 1880માં બ્રિટન તેના ઉત્પાદનના 20% નિકાસ ભારતને કરતું, જે ઈ.સ. 1910માં £137 મીલિયન જેવી માતબર રકમ સુધી પહોંચી. આવડી મોટી બજાર છોડવાનું કોને પોસાય? અને આજે પણ ભારત સાથે સારા સંબંધો ટકાવી રાખવા પાછળ તેની એક મોટી બજાર તરીકે ગણના કરીને તેનાથી બ્રિટનને મળતા આર્થિક લાભનો વધુ વિચાર કરાય છે. જ્યારે રાજના સમય દરમ્યાન ભારતની જ પ્રજાના કુદરતી સંસાધનો, માનવ સ્રોત અને સસ્તી મજૂરીનો ઉપયોગ કરીને મેળવેલ સંપત્તિમાંથી 40% ભાગ એ દેશના જ લશ્કર પર થતો. બીજા શબ્દોમાં ભારતના ખેડૂતો અને કારીગરોએ પેદા કરેલ માલને વેંચી, મળેલ નફામાંથી તેના જ ભાંડરુઓ કે જેઓ પોલીસ ખાતામાં કે લશ્કરમાં ભરતી થયા હોય, તેમને પોતાના માનવ અધિકારની માંગણી કરવા વિરોધ કરતા દેશબંધુઓને રોકવા લાઠી અને બંદૂક આપવા આવું જાલિમ ખર્ચ કરવામાં આવતું!
કોઈ પણ એક દેશને બીજા દેશ પર સત્તા જમાવવા માટે જાતિ આધારિત ગુરુતાગ્રંથિનો આધાર લેવો જરૂરી બને. બ્રિટન અન્ય યુરોપીયન દેશોની માફક ટેકનોલોજી, નૌકા સૈન્ય અને વૈજ્ઞાનિક બાબતોમાં અઢારમી સદીમાં આગળ હતું, એટલે સંસ્થાનવાદને વ્યાજબી ઠરાવ્યો. હવે એ ઘટના માટે ગુનાહિત હોવાની લાગણી અનુભવવાથી કોઈ ફાયદો ન થાય. બ્રિટનમાં વૈજ્ઞાનિક શોધખોળ કરનારા, નવા દેશો શોધનારા સાહસિકો, રેસીઝ્મ અને ગુલામીનો વિરોધ કરનારા, મતાધિકાર અને સ્ત્રીઓના સમાનાધિકાર માટે ખપી જનારા એમ અનેક વિરલાઓ માટે ગૌરવ લઈ શકાય તેમ છે, જેના વિષે શાળા-મહાશાળાઓમાં શિક્ષણ અપાય છે. આપણને જે ઘટના કે મહાનુભાવો માટે ગૌરવ હોય તેના વિષે વાત કરીએ, માહિત આપીએ. બ્રિટિશ સલ્તનત વિષે કદી માહિતી નથી અપાઈ તે શું સૂચવે છે? તો અન્ય ઐતિહાસિક ઘટનાઓની સાથે સાથે સંસ્થાનવાદનો ઇતિહાસ પણ ભણાવવો જોઈએ. હોલોકોસ્ટ, રૂવાંડા અને સ્રેબ્રેનીત્સાના સામૂહિક હત્યાકાંડનો એ ઘૃણિત કૃત્ય કરનારાઓ તેનો અસ્વીકાર કરે છે, જેથી એ યાતનાઓ સહન કરનાર લોકો સમાધાન કરી ન શકે અને તેને પગલે આવતી શાંતિ સ્થપાય નહીં, તે ધીમે ધીમે સ્વીકારાતું જાય છે. સામ્રાજ્યવાદ તે એવા કૃત્યો જેવો અમાનવીય ખસૂસ નથી, પણ એ દ્વારા બીજી પ્રજાનું શોષણ થયું, તેમના માનવ અધિકારો છીનવાયા, સ્વશાસનના અધિકારો ઝુંટવાયા અને તેમની અસ્મિતા લોપ થઈ એ હકીકત જેટલી બને તેટલી જલદી સ્વીકારી લેવી બધાના લાભમાં છે. જેમ જે દેશો પર રાજ્ય કર્યું તેઓએ સ્વતંત્ર થયા બાદ વિદેશી સરકાર પ્રત્યે દુશ્મનાવટ રાખવાને બદલે ક્ષમા ભાવના રાખીને સમાધાન કરી આગળ વધ્યા છે, તેમ જ ભૂતકાળમાં સામ્રાજ્ય ભોગવી ચુકેલા દેશોએ પોતાના નાગરિકોને પ્રમાણિકતાથી એ ઇતિહાસ શીખવવો જોઈએ. આજના યુગમાં સામ્રાજ્ય સ્થાપવાનો વિચાર કોઈ દેશને માન્ય નહીં રહે, સારું એ છે કે દુનિયાની તમામ સંપત્તિને સહિયારી ગણીએ, તેનું સંવર્ધન, સંરક્ષણ અને ન્યાયી વિતરણ કરીએ તેમાં જ સારી ય માનવ જાતનું હિત છે એ સ્વીકારીએ. જો કે આ એક એવો સવાલ છે જેના પર સૂરજ નહીં આથમે.
e.mail : 71abuch@gmail.com