દૂર ક્યાંક ઢોલ વાગી રહ્યો છે ત્યારે મને મારું બાળપણ યાદ આવી રહ્યું છે. અમે મહિનાઓ પહેલાં નોરતાંની રાહ જોતાં. કારણ એ કે એ દિવસો દરમિયાન અમને ખૂબ રમવા મળતું અને એ ય પાછું આખા ગામમાં.
સામાન્ય રીતે નિશાળેથી છૂટ્યા બાદ પોતાના વાસમાં રમવાનું હોય, પણ નોરતાં દરમિયાન તો ગામમાં રમવા જવાનું. આમ તો એની તૈયારી ચાલતી હોય એ દિવસથી અમારા ત્યાં ધામા. સાંજ પડે આખા વાસના છોકરાં ચોકમાં ભેગા થાય અને મંડે રમવા. રમવામાં અડવાદાવ સૌથી વધુ લોકપ્રિય. એમાં ય સાંકળ તો મજાની. એ ય આખા ગામમાં દોટમદોટ … સામાન્ય રીતે જ્યાં જવા ના મળતું હોય/જવાનું ના થતું હોય એવી બધી જગ્યાઓ ખૂંદી વળીએ. અન્ય વાસના છોકરાં પણ અમારી પેઠે જ ધમાચકડી મચાવતા હોય. નિશાળમાં બધા સાથે રમીએ પણ અહીં બધા જ્ઞાતિ/વાસ/વિસ્તાર પ્રમાણે રમતા. બધાં બાળકો આ દિવસો દરમિયાન ખૂબ મજા કરતા જોવા મળે. (જાણે કે રમતની ઋતુ)
અમારાથી મોટી ઉંમરની છોકરીઓ અમને ચકરડી ખવડાવતી એ હજુ ય યાદ આવે. સરખેસરખાં હોઈએ એ બધા ફેરફુદરડી ફરીએ. ક્યારેક અમારાથી મોટા બહુ મજબૂત છોકરા અમને પગેથી પકડીને ચકરડી ખવડાવતા. મગજ ભમી જાય ત્યાં સુધી ના છોડે, બોલો! પણ એની ય મજા તો ખરી જ.
સામાન્ય રીતે અમારે મંદિરમાં જવાનું ના થાય પણ આ દિવસો દરમિયાન તો માતાજી જ ચોકમાં હોય. એટલે અમે પગે લાગવા જઈએ અને આમ કહો તો પૂજારી જોડે ચાંદલો કરાવવા! દરેક ઉંમરના પોતાના રોમાંચ હોય છે!
ચડાવો શરૂ થાય એટલે અમને રમવાનું બંધ કરવાની સૂચના મળવા મંડે. અમારા ગામના (પટેલ) સાંકા મગન રોજ આરતીનો ચડાવો બોલાવે. ને મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનું નામ લઈને એને ઊંચાઈ પર લઈ જાય. એકવાર … બે વાર … ત્રણ વાર … થતું હોય ત્યારે આખું ગામ રોમાંચિત હોય.
ક્યારેક તો આરતી ચાલુ થાય ત્યાં સુધી અમે રમતા હોઈએ.
ને પછી જય આજા શક્તિ …
(એ સમયે શબ્દો બરાબર પકડાતા નહોતા હોં …)
એક બાજુ પ્રસાદી વહેંચાતી હોય અને બીજી બાજુ માઈકમાંથી પ્રસાદીના દાતા અને આજના તથા આવતીકાલના ચોકીદારના નામ બોલાતાં હોય. વર્ષો સુધી એકનાએક ચોકીદારોનાં નામ સાંભળીને અમને પણ મોઢે થઈ ગયેલાં!
તમે કહો તો અત્યારે પણ બે ચાર નામ બોલી શકું!
અમારા ગામમાં એક જ માંડવી નીકળે એટલે આખું ગામ એક જ જગ્યાએ ભેગું થાય. પ્રસાદીના દાતાએ પણ એ પ્રમાણે ખાસ્સા જથ્થામાં ચીજો લાવવી પડે. જો કે પટેલો ઘણા આર્થિક સમૃદ્ધ એટલે વાંધો ના આવે. મોટાભાગે આરતી ને પ્રસાદી એમનાં જ હોય. ઘણીવાર તો બે-ત્રણ પ્રસાદી પણ હોય. અત્યારે બહુ યાદ નથી, પણ બાળપણમાં ક્યારેક બીજીવાર પ્રસાદી લેવાની ચેષ્ટા પણ કરી હોય! જો કે વહેંચનારા પણ કાયમી એકના એક એટલે એ ય ઉસ્તાદ હોય પાછા!
બસ પ્રસાદીનું પતે એટલે અમારી આંખો સિવાયનાં બધાં અંગો સ્થિર થઈ જાય. આમ તો પ્રસાદી બાદ તરત ઢોલ વાગવાનો શરૂ થાય, એટલે અંગોમાં ચહલ-પહલ થવી જોઈએ. પણ અમારાં અંગોને એની છૂટ નહોતી. અમે રહ્યા ચમાર-વણકર ને રાવળ. અમારે તે વળી શેનું ગાવાનું? અમારે તો માત્ર જોવાનું. જોઈ રહેવાનું!
ગામની લગભગ 1/3 વસ્તી આમ ગરબે રમવામાંથી બાકાત. અને આમાં કોઈને કશું અજુગતું લાગે નહિ! (સર્વસ્વીકૃત)
ત્રીજા ધોરણમાં ન્યાયનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછાતો હતો કે નહીં એ ખ્યાલ નથી પણ ઉપરોક્ત બાબત મને અન્યાય જેવી લાગેલી. મને થયું કે બધા ગરબા ગાય છે તો આપણે કેમ નહિ?! ને મેં તૈયાર કરી ચડ્ડીધારી ગેંગ. અમારી જ લાઈનમાં રહેતા મારી સાથે જ ભણતા અન્ય ત્રણ છોકરાઓને મેં તૈયાર કર્યા. અને અમે ગરબાની લાઈનમાં ઘૂસવાનું નક્કી કર્યું. મેં ચડ્ડીની ઉપર સદરો પહેરેલો એ મને યાદ છે. લગાર વ્યવસ્થિત દેખાવા માટે મેં વસ્ત્ર પરિધાન નિયમ વિરુદ્ધ જઈને સદરાનું ઇન કરેલું!
અમારા વાસના લોકો જે ખૂણે બેસતા હતા ત્યાંથી જ અમે ચાર જણે સિફતપૂર્વક ગરબાની લાઈનમાં હોંશભેર પ્રવેશ લીધો. એક રીતે તો અમારા માટે આ કાર્ય પરાક્રમથી ઓછું ન હતું. કદી ગરબા ના ગાયા હોય એટલે ના આવડે એ સ્વાભાવિક છે. તો ય અમે અધિકૃત ગરબેદારોને જોઈ જોઈને, એમની નકલ કરીને આગળ વધતા રહ્યા. અમે લગભગ 50 ફૂટ જેટલું અંતર કાપ્યું હશે ને કેટલીક ચબરાક આંખોની નજર અમારા પર પડી ગઈ. ને પછી શું? અમને હાથ ઝાલીને બહાર કાઢવામાં આવ્યા.
કદાચ વિરોધ કરવાની તાકાત એ વખતે નહિ હોય. એટલે 50 ફૂટનું પરાક્રમ કરીને ફરી પાછા અમે અમારા ટોળામાં આવીને બેસી ગયા. અમારા ટોળામાં થોડોક ગણગણાટ થયો ને પછી બધું જેમનું તેમ. ગામ તરફથી આ ઘટનાના કોઈ પ્રત્યાઘાતો આવ્યા નહિ. 2001ની આ ઘટના આટલાં વર્ષો બાદ તો કદાચ બધા ભૂલી પણ ગયા હશે, પણ અમે ચાર ચડ્ડીધારી તો શેના ભૂલીએ!
દર આસો માસે એને યાદ કરીને હરખાઈએ છીએ. કદાચ અમારા જીવનનું પહેલું ‘સાત્ત્વિક તોફાન’.
પણ આજે 21 વર્ષ બાદ પણ સ્થિતિ બદલાઈ નથી.
ઘણા સમયથી એમ થતું હતું કે આ ઘટનાનું વર્ણન કરું પણ પાછું એમ થતું હતું કે લોકો મને દલિત લેખકના ખાનામાં ખતવી દેશે, જે મને નથી પાલવતું. (અલબત્ત લેખક શબ્દ તો મોટો કહેવાય, હું તો અનુભવો વહેંચતો ફરું છું.)
હા, હવે તો અમારા વાસના બહુ લોકો પ્રસાદી લેવા કે જોવા પણ નથી જતા.
મારી વાત કરું તો ત્રીજા ધોરણમાં આવું થયું એ પછી ઘણાં વર્ષો તો રમવાનું, પ્રસાદી લેવાનું ને જોઈને બેસી રહેવાનું ચાલુ જ રહ્યું હતું. લગભગ કૉલેજમાં આવ્યો ત્યારે જોવા જતો પણ અન્યાયના પ્રતીકાત્મક વિરોધ તરીકે પ્રસાદી લેવાનું બંધ કરેલું. પણ પછી એમ થયું કે આવું કરશું તો એમ પણ અંતર વધતું જશે. ને પછી પ્રસાદી લેવાનું શરૂ પણ કર્યું.
છેલ્લાં થોડાંક વર્ષોથી તો સહજપણે જ બધું બંધ થઈ ગયું છે. જાણે માંડવી સાથે કાંઈ લેવાદેવા જ ના હોય.
અન્યો માટે નવરાત્રી ને અમારા માટે ‘શૂન્યરાત્રી’.
આજે આટલાં વર્ષે વિચાર આવે છે કે ગામના એક તૃતીયાંશ ભાગના ભાઈઓ ને જવા દો બહેનોને કેવું થતું હશે! આપણા જ વર્ગમાં ભણતા અન્ય બાળકો સરસ રીતે તૈયાર થઈને ગરબે રમતા હોય અને આપણે દૂર બેઠા બેઠા જોઈ રહીએ એ કેવું લાગે! કદાચ ગરબે રમવા નહીં મળતું એટલે જ અમે આરતી પહેલાં બીજાઓ કરતાં વધુ રમી લેતા! મને અત્યારે ગરબા ગાતાં (રમતાં) નથી આવડતું એનું એક કારણ આ પણ ખરું. (જેમ નિશાળમાં કોઈ ઘરની પહેલી પેઢી ભણવા આવી હોય અને બહુ ના આવડે એમ!)
અલબત્ત કેટલાક લોકો લગ્નના વરઘોડામાં નાચી-નાચીને શીખી ગયા. (અમારા ગામમાં વરઘોડા સામે વિઘ્ન નથી એટલું સારું છે.)
કોઈ કહેશે કે તમે તમારી અલગ માંડવડી કાઢી શક્યા હોત, પણ એ કાંઈ ઉકેલ નથી.
અને હા, શહેરો અને પાર્ટીપ્લોટમાં થતા ગરબાની વાત જુદી છે.
ગરબો/નવરાત્રી તો હવે ભારતભરમાં લોકપ્રિય થયાં છે ત્યારે મૂળે ગુજરાતી એવા લાખો લોકો એનાથી અછૂત હોય એ કેમ ચાલે?
અમારા ગામની એક સારી કહી શકાય એવી વિચિત્ર સ્થિતિ કહું. જે રાવળોને નવરાત્રીમાં ગાવા દેવામાં નથી આવતા એ રાવળો એમને ત્યાં થતા દિવાળીના (જોગણીમાના) ગરબામાં ‘બધાને’ ગાવા દે છે. કેવા ઉદાર!
અસ્પૃશ્યતાનું નિવારણ ક્યારે આવશે?
જ્ઞાતિવાદ ક્યારે દૂર થશે?
કેટલી પેઢીઓએ વેઠવું પડશે!
માણસને માત્ર માણસ ક્યારે ગણીશું!
ગાંધી-આંબેડકર વગેરેના આત્માને ટાઢક ક્યારે પહોંચાડીશું?
આ સવાલો સાથે ગુજરાતનાં હજારો ગામડાંના કાંઈક લાખો પગ પૂછી રહ્યા છે,
હેં થનગનાટ એટલે શું?
અમારું ગામ રામપુરા(મા) તો પાટનગરથી ઘણું નજીક છે અને કાયદાનું શાસન પણ ઠીક ઠીક પ્રમાણમાં છે. જ્યાં લોકો કાયદાને કશું નથી ગણતા હોતા ત્યાં શું સ્થિતિ હશે!?
[આ તબક્કે એ પણ નોંધવું રહ્યું કે અસ્પૃશ્યતા મુદ્દે થોડોક સુધારો થયો છે પણ એ પૂરતો નથી.]
નોંધ : 21મી સદીનું 25મું વર્ષ ચાલે છે.
e.mail : pradhyotpriyadarshi@gmail.com