
રવીન્દ્ર પારેખ
અત્યારે શિક્ષણમાં અનેક પ્રશ્નો છે અને અનેક પ્રશ્નો વચ્ચે શિક્ષણ પણ છે, એટલે પ્રશ્નો અને ઉકેલની થોડી પંચાત કરવાનો હેતુ છે.
77મી 26 જાન્યુઆરી તાજી જ ગઈ છે, ત્યારે અનેક શાળાઓના ઉજવણીના અહેવાલો વર્તમાનપત્રોમાં પ્રગટ થયા ને થાય છે. એમાં એક અહેવાલ એવો આવ્યો કે કતારગામની ગુરુકુળ વિદ્યાપીઠની સ્કૂલે પ્રજાસત્તાક દિન તો ઉજવ્યો, પણ 27મી જાન્યુઆરીએ સંચાલકોએ વોટ્સએપમાં એવો મેસેજ મૂક્યો કે જે વિદ્યાર્થીઓએ 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી નથી આપી, તેમણે 27મીએ સ્કૂલે ન આવવું. ગેરહાજર વિદ્યાર્થીઓને શિક્ષાત્મક પગલાં તરીકે સ્કૂલે ન આવવાનો આદેશ અપાયો. એ ખરું કે સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને 26મીએ હાજર રહેવાની તાકીદ કરી હતી, છતાં કેટલાક વિદ્યાર્થીઓ હાજર ન રહ્યા, એટલે 27મીએ હાજર ન રહેવાની સજા કરવામાં આવી, તે એટલે કે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ જાગે. સજામાં કોઈ સ્કૂલ રજા આપે તો એથી દેશપ્રેમ કઈ રીતે જાગે એ સમજાતું નથી. કોઈ સ્કૂલ શિક્ષા તરીકે વિદ્યાર્થીઓને સ્કૂલે જ ન આવવાની સજા કરે એ વિચિત્ર છે. સજા જ કરવી હતી તો બીજી ઘણી હતી, પણ સ્કૂલ પોતે સામે ચાલીને વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની ના પાડે ને તે પણ સજા તરીકે, એ કેવળ ને કેવળ અક્ષમ્ય છે.
સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પણ બલિહારી જ છે. અનેક કાર્યક્રમો સરકાર અને સમિતિ કરતી રહે છે, પણ હાલત બાર સાંધતા તેર તૂટે એવી જ હોય છે. શિક્ષણ સંદર્ભે ગુજરાત સરકાર જેટલી, ગરીબ સરકાર બીજી નથી. એવું નથી કે પૈસા નથી. છે, પણ શિક્ષણ માટે ખર્ચવાની દાનત નથી. 30 જાન્યુઆરીથી એટલે કે આજથી ખેલ મહાકુંભ શરૂ થાય છે, પણ આ લખાય છે, ત્યાં સુધીમાં 1.80 લાખ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ અપાયા નથી. ખેલ મહાકુંભ એકાએક પ્રગટ થયો નથી. તેનું આયોજન અગાઉથી થયું છે, પણ તારીખ નજીક હોવા છતાં યુનિફોર્મનો ઓર્ડર છેક છેલ્લી ઘડીએ એ રીતે અપાયો કે 15 દિવસ પછી, કદાચ ખેલ મહાકુંભ પતે ત્યારે મળી રહે. સમિતિના મહારથીઓ એવો બચાવ પણ કરે છે કે 1.65 લાખ વિદ્યાર્થીઓ જૂનો યુનિફોર્મ પહેરી લેશે, પણ આ વર્ષે નવા 15,000 વિદ્યાર્થીઓ ઉમેરાયા છે ને એમની પાસે નવો કે જૂનો યુનિફોર્મ જ નથી, એમનુ શું? એટલું સારું છે કે શરમ જ નથી બચી, બાકી કોઠીમાં મોં સંતાડતાં પર ન આવે.
સ્કૂલોનું તો સમજ્યા, કોલેજ-યુનિવર્સિટીમાં પણ ઓછા પ્રશ્નો નથી. અત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ચર્ચામાં છે. તે એટલે કે UGCએ 13 જાન્યુઆરીથી સમાનતાને લગતા નિયમોમાં ફેરફાર કર્યા છે, જેમાં UGC EQUITY REGULATIONS 2026ને નામે નિયમોમાં બદલાવ થયો છે. દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિગત સમાનતા લાગુ કરવા UGCએ નવા નિયમોમાં અનુસૂચિત જાતિ/જનજાતિ ઉપરાંત OBC વિદ્યાર્થીઓ પણ દાખલ કર્યા છે. આમ તો આ બધું શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક ભેદભાવ રોકવા અને સમાનતા લાગુ કરવા થાય છે. જાતિગત ટિપ્પણીઓ ટાળવા ચોવીસ કલાક કાર્યરત હેલ્પલાઈન સહિતની સંસ્થાઓમાં નજર રાખતી વ્યવસ્થાઓ લાગુ કરાઈ હોવાનો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો દાવો છે. દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાનો આ નિયમ કડક રીતે લાગુ થશે ને જે શૈક્ષણિક સંસ્થા એમાં ઢીલાશ દાખવશે તેની ગ્રાન્ટ કાપવાથી લઈને માન્યતા રદ્દ કરવા સુધીનાં પગલાં ભરાશે. UGCનું માનવું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓ સાથે થતાં ભેદભાવમાં ખાસો વધારો થયો છે. એટલે આ નિયમો યોગ્ય હોય તો પણ તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.
વિરોધ એટલે થઇ રહ્યો છે કે અનુસૂચિતજાતિ અને જનજાતિમાં OBCનો સમાવેશ પણ થયો છે. એટલે થયું છે એવું કે સામાન્ય અથવા બિનઅનામત વર્ગ જ બહાર રહી ગયો છે. હવે UGCના નવા નિયમોને લીધે સામાન્ય વર્ગ આપોઆપ જ આરોપોનો ભોગ બનશે. તે ડિફોલ્ટ ગુનેગાર થઈ જશે. આ વેપલામાં સામાન્ય વર્ગને તો કોઈ રાહત નથી, પણ અનામત વર્ગ ખોટી ફરિયાદ કરી દે, તો તેની સામે પગલાં ભરવાની કે સજા કરવાની જોગવાઈ પણ નથી. વળી સવર્ણોનું કહેવું છે કે ભેદભાવની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા અપાઈ નથી, એટલે કોઈ પણ ફરિયાદને ભેદભાવ ગણી લેવાય એમ બને. એમ થશે તો સવર્ણોને અન્યાય થશે. દરેક શિક્ષણ સંસ્થાએ સમાન તકો ન મળતી હોય એવા કિસ્સામાં ફરિયાદો નોંધવા હેલ્પલાઇન ડેસ્ક સક્રિય કરવું પડશે, પણ એમાં ખોટી ફરિયાદો રોકવા પર કોઈ કાબૂ નહીં રહે. એને લીધે કોઈ નિર્દોષ વિદ્યાર્થી ફસાય ને તેની કારકિર્દી રોળાય એમ બને. એક વાત સ્પષ્ટ છે કે UGCએ અનુસૂચિત જાતિ, જનજાતિ અને OBCને એક સંરક્ષણાત્મક છત નીચે લાવીને અને સવર્ણોને ધરાર અલગ રાખીને ભેદભાવ રાખ્યો છે. ટૂંકમાં, સવર્ણ વિદ્યાર્થીઓને આ નિયમો ઘાતક લાગ્યા છે ને તેને પરત ખેંચવા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. આ ઊહાપોહને કારણે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ધરપત આપી છે કે નવા નિયમો અંગેની ગેરસમજ દૂર કરાશે અને કોઈની સાથે ભેદભાવ નહીં રખાય એવી તકેદારી રખાશે. આ ખાતરી છતાં 15 ફેબ્રુઆરીથી લાગુ થનારા UGC નિયમોનો વિરોધ રાષ્ટ્રીય સ્તરે ચાલુ છે. ચિંતા એ છે કે UGCના નવા નિયમો વર્ગવિગ્રહ કરાવે તો નવાઈ નહીં. તે એટલે કે આમાં એકનો ગાલ પંપાળવા, બીજાને તમાચો મારવા જેવું છે.
રાજકોટમાં સવર્ણ સમાજના આગેવાનો, UGC નિયમોનો વિરોધ કરવા સમન્વય સમિતિ બનાવવાના છે. થરાદમાં રેલી નીકળશે. યુપીમાં સવર્ણ યુવકોએ મુંડન કરાવ્યું છે. દિલ્હી, સુરત, વારાણસી, જેવાં શહેરોમાં પણ વિરોધનો પવન ફૂંકાયો છે. એટલું ઓછું હોય તેમ બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ નવા નિયમોના વિરોધમાં રાજીનામું ધરી દીધું છે. એ સાચું છે કે 2020થી 2025 દરમિયાન અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓને થતાં અન્યાયમાં 100 ટકાનો વધારો થયો છે. આ જાતિગત ભેદભાવોને રોકવા UGCએ નિયમો બનાવ્યાં છે, પણ ફરિયાદનો અધિકાર પછાત વર્ગનાને જ શું કામ? એ અધિકાર તો બધા વિદ્યાર્થીઓનો હોય ને !
UGCનો આ સુધારો સરકારના ગળામાં હાડકું થઈને ફસાય એમ બને. જો એ નિયમો ચાલુ રખાય તો સવર્ણ વિદ્યાર્થીઓ જંપવા નહીં દે ને રદ્દ કરે તો અનામતવાળા ઠરવા નહીં દે. આનો લાભ વિપક્ષો ન લે એટલા ભોળા નથી. તેઓ ધારે તો સવર્ણોની નારાજગીને પોતાના લાભમાં એ રીતે વાળી શકે કે ભા.જ.પ.ની હોવા છતાં, સરકાર સવર્ણોની સાથે નથી અને અનામતવાળા તો પોતાની સાથે છે જ ! જો કે, આજના છેલ્લા સમાચાર મુજબ સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક લગાવતા CJI સૂર્યકાન્તે કહ્યું કે નવા નિયમોમાં દુરુપયોગનો ખતરો છે, એટલે 2012નાં નિયમો જ લાગુ થશે. સુપ્રીમે UGC નિયમો પર સ્ટે આપ્યો છે.
સ્કૂલો, UGCનું તો સમજ્યા, નોકરીમાં પણ શૈક્ષણિક છમકલાં કઈ હદે સક્રિય છે એનો એક દાખલો જોઈએ. ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી GPCB – ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની સિનિયર વૈજ્ઞાનિક મદદનીશની પરીક્ષામાં પેપરસેટર દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરાવવાને બદલે પ્રશ્નો સીધા AIથી કોપી-પેસ્ટ કરીને મૂકી દેવાયા, એટલે ઉમેદવારોને અન્યાય થયાની ફરિયાદ ઊઠી છે. ઉમેદવારોની માંગ એવી છે કે લેવાયેલી પરીક્ષા રદ્દ કરવામાં આવે અને એક્સપર્ટ પાસેથી નવું પેપર સેટ કરાવીને ફરી પરીક્ષા લેવાય. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ન ઉકાળે તે તો સમજાય, પણ ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવામાં વેઠ ઉતારે તે શરમજનક છે. સિનિયર વૈજ્ઞાનિક મદદનીશની પરીક્ષા હોય ને AIના પ્રશ્નો ફોન્ટ પણ બદલ્યા વગર પ્રશ્નપત્રમાં બેઠા જ મૂકી દેવાય એમાં આળસ કરતાં અંચાઈ વધારે છે. પરીક્ષા પછી જાહેર થયેલી ઉમેદવારોની રિસ્પોન્સ શીટમાં જવાબો બદલાઈ ગયાના પુરાવાઓ પણ મળ્યા છે. ઉમેદવારે જે વિકલ્પ પર ટિક કરેલી તેને બદલે સિસ્ટમમાં અલગ જ જવાબ સેવ થયો છે. આ બધી મોંકાણ એજન્સીઓ પાસેથી કામ લેવાને લીધે થાય છે. માસ્તરો, અધ્યાપકો, આચાર્યો એટલા ફાજલ પાડી દેવાયા છે કે પ્રશ્નપત્ર સેટ કરાવવાનું જીવ પર આવે છે. હાડકાં હરામનાં આટલાં ક્યારે ય ન હતાં. હવે તપાસ સમિતિ નીમાશે, એજન્સી બ્લેકલિસ્ટ કરવાના દાંડિયા રાસ રમાશે ને નવી પરીક્ષા વખતે વળી કોઈ ગરબડ થશે ને વળી તપાસ સમિતિ, વળી નવું બ્લેકલિસ્ટ એન્ડ ઓલ ધેટ ! ચામડાં આટલાં નફફટ કઈ રીતે થઈ જતાં હશે તે નથી સમજાતું.
સ્કૂલો હોય કે યુ.જી.સી., મંડળ હોય કે એજન્સી ચારે બાજુ રીઢાપણાનું સામ્રાજ્ય છે ને બધાં જ તેનો લેવાય એટલો લાભ લે છે. શિક્ષણનું આવું બીજું પરચુરણ પણ હશે જ. ટ્રેજેડી એ છે કે પરચુરણમાં દેખાતા સિક્કાઓ પણ ખોટા છે ને બજારમાં ચલણી છે….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જાન્યુઆરી 2026
![]()

