ગુજરાત સરકાર સહિત કેટલીક રાજ્ય સરકારોએ શ્રમિક કાયદાઓમાં કેટલાક સુધારાઓ કરવાનું સૂચવ્યું છે. એ માટે તેમણે કેન્દ્ર સરકારની સહમતિ માગી છે, જે મોટે ભાગે મળી જશે. સુધારાનાં કારણોમાં કહેવામાં આવ્યું છે કે આ સુધારાઓને કારણે અર્થતંત્રને બેઠું કરવામાં મદદ મળશે અને ચીનમાંથી બહાર નીકળતી યુરોપ-અમેરિકાની કંપનીઓને ભારતમાં આવવા માટે આકર્ષી શકાશે. આ સુધારાના ભાગરૂપે નવી શરૂ થતી કંપનીઓ માટે આગામી ત્રણ વર્ષ (1200 દિવસ) સુધી શ્રમિક કાયદાઓમાં કેટલાક સુધારાઓ સૂચવાયા છે.
• એક દિવસની શીફ્ટ 8 કલાકને બદલે 12 કલાકની રહેશે. આમ હવે અઠવાડિયાના 48 કલાક્ને બદલે 72 કલાક કામ કરવાનું. હવે ચાર કલાકને બદલે છ કલાકે આરામની રિસેસ પડશે. કેટલાંક રાજ્યોએ નક્કી કર્યા મુજબ, વધારાના આ ચાર કલાકના વધારે પૈસા નહીં ચૂકવવા પડે. ગુજરાત રાજ્ય વધારાના ચાર કલાકના રોજના ભથ્થાના દોઢ ગણા ચૂકવશે. (જાહેરાત પછી મળતા સમાચાર મુજબ, લખનઉ હાઈકોર્ટે 12 કલાકની શિફ્ટ કરવા સામે મનાઈહુકમ આપતાં, ઉત્તર પ્રદેશ સરકારે એ સુધારો પાછો ખેંચી લીધો છે.)
• લઘુત્તમ વેતનની વ્યાખ્યા બદલાઈ શકે છે.
• જે કૉન્ટ્રાક્ટર મજૂરો પૂરા પાડતો હોય તેનું, અમુક લઘુત્તમ સંખ્યા સુધી, રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.
• હવે કોઈ ઓફિસર તપાસ માટે નહીં આવે.
• કામ દરમિયાન સ્વાસ્થ્ય અને સલામતીના નિયમો બદલાઈ શકે છે.
• મજૂર સંગઠનો કોઈ દખલ નહીં કરી શકે.
• ઔદ્યોગિક તકરાર નિવારણની કલમો બદલાઈ શકે છે.
• અકસ્માતના કિસ્સામાં મજૂરને મળનારું વળતર બદલાઈ શકે છે.
હું બી.ઇ. મિકેનિકલ ભણેલો એન્જિનિયર છું. મેં 22 વર્ષ વિવિધ કંપનીઓમાં, વિવિધ ખાતાંમાં એન્જિનિયર, ખાતા ઉપરી અને સિનિયર ટેકનિકલ મૅનેજર તરીકે નોકરી કરી છે. (વર્ષ 1974થી 1996 સુધી). ત્યાર બાદ વીસ વર્ષથી જુદાં જુદાં આંતરરાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ માટેનો સલાહકાર રહ્યો છું. નક્કી કરેલાં સ્ટાન્ડર્ડ મુજબ કામ થાય તે દેશની અને વિદેશમાંની માલ પૂરો પાડતી કંપનીઓ માટે અનિવાર્ય બનતું જાય છે. આને કારણે બહુ બધી કંપનીઓ ફરજિયાતપણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય તથા સલામતીને લગતા દેશના, રાજ્યના અને આંતરરાષ્ટ્રિય શ્રમ સંગઠન ILO દ્વારા દર્શાવેલા દરેક કાયદા પાળતી થઈ છે. એ માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBના ઈન્સપેક્ટરો અને સેફટી ઈન્સ્પેક્ટરો જે બાબતો જવા દેતા હોય, તેવી બાબતોનો પણ સર્ટિફિકેટ દેનારી કંપનીઓના ઑડિટરો કડકપણે અમલ કરાવે છે. આ બધા પછી આખરે જે કંપનીને માલ મોકલવાનો હોય તેના મૅનેજર આવીને કંપનીનું ઓડિટ કરે છે. તે કોઈ પ્રકારની છૂટ આપતા નથી અને કંપનીએ તેમની વાત માનવી જ પડે છે. કારણ કે તેમની પાસેથી કેટલાક લાખનો કે કરોડ રૂપિયાનો ઑર્ડર મળવાનો છે.
અમે આજના એન્જિનિયરોને સતત એ સમજાવીએ છીએ કે અમારા સમયમાં અમારે માત્ર ગુણવત્તાનું ધ્યાન રાખવાનું રહેતું હતું. પણ તેમણે હવે ગુણવત્તા ઉપરાંત પર્યાવરણની જાળવણી, કર્મચારીઓનાં સ્વાસ્થ્ય અને સલામતી, ઉત્પાદનખર્ચ, ઉત્પાદકતા, ખાતાને લગતા કાયદાઓની સમજ અને તેના અમલનું પણ ધ્યાન રાખવાનું છે. હવે તેમની જવાબદારી અનેક ગણી વધી ગઈ છે. હવે તે માત્ર એન્જિનિયર જ નથી, પણ આ દેશના જવાબદાર નાગરિક પણ છે, જે તેમણે દર વર્ષે ઑડિટર સામે સાબિત પણ કરવાનું છે.
છેલ્લા વીસ વર્ષથી અમે દરેક કર્મચારીઓને ફૅક્ટરી એક્ટ અને એન્વાયરન્મેન્ટ એક્ટની દરેક કલમોની સમજ આપીને તેનું પાલન કરવા સમજાવતા રહ્યા છીએ. તેમને ILOના બધા નિયમો વંચાવ્યા છે, જેની અત્યાર સુધી ભાગ્યે જ કોઈ કંપની ડિરેક્ટરે, તેના HR ડિપાર્ટમેન્ટે અથવા સંબંધિત સરકારી અધિકારીઓએ દરકાર કરી છે. મારી દૃષ્ટિએ ભારતના ઔદ્યોગિક વિકાસ માટે આ બહુ મોટો હકારાત્મક બદલાવ છે. તે બદલાવ આવ્યો છે આંતરરાષ્ટ્રિય સ્તરે વ્યાપાર કરવાથી. આ બધી આદતોને ભૂલી જઈશું તો સમાજને અને દેશને બહુ મોટુ નુકસાન થશે.
જ્યારે કોઈ કાયદામાં બદલાવ લાવીએ ત્યારે તેમાં કાં તો બગાડો થાય અથવા સુધારો થાય. સરકારોએ જે બદલાવ કર્યા છે તેને ‘સુધારો’ કહેતાં મારો જીવ નથી ચાલતો. તેનાં કેટલાક કારણઃ
• નવા કાયદાઓ માત્ર નવી શરૂ થનારી કંપનીઓને લાગુ પડશે. જૂની-ચાલુ કંપનીઓને નહીં. એક જ રાજ્યમાં કે કદાચ એક જ GIDCમાં રહેલી બે કંપનીઓમાં જુદા જુદા કાયદા કેવી રીતે હોઈ શકે? તો નોકરી માટે એવી કંપનીને છેલ્લી પસંદગી જ ન મળે?
• દરેક માણસની મર્યાદિત ક્ષમતા હોય. તેને ધ્યાનમાં રાખી ILOએ નક્કી કર્યું છે કે દિવસના આઠ કલાક અને અઠવાડિયાના 48 કલાકથી વધુ કામ વ્યક્તિનાં સ્વાસ્થ્યને અસર કરે છે. આને કારણે ઓવરટાઈમ પણ બને તેટલો ઓછો કરવાનો આગ્રહ હોય છે. યાદ રહે, કારીગર કે મજૂર માણસ છે, મશીન કે રોબોટ નથી. વધુ પૈસા મેળવવા એ પોતાની જાત ઘસવા તૈયાર હોય છે, પણ તેવું અમુક હદથી વધારે ન કરવા દેવાય. રોજના બાર કલાક કામ કરનાર વ્યક્તિ તેનાં બાળકો ઊઠે તે પહેલાં કામે જવા નીકળી જાય અને અડધી રાત્રે ઘરે આવે ત્યારે બાળકો સૂઈ ગયાં હોય. આમ બાળકો તેમના પિતાને અઠવાડિયે એક વાર માંડ જુએ. પિતાની જવાબદારી માત્ર પૈસા કમાઈને આપવાની. એ સિવાય તેની કોઈ કૌટુંબિક-સામાજિક જવાબદારી ના રહે. મહિનાઓ બાદ આવી વ્યક્તિઓની માનસિકતા કેવી બનશે તેનો વિચાર કરવો રહ્યો. મારો અનુભવ છે કે બાર કલાક કામ કર્યા બાદ બીજા દિવસે તેની ઉત્પાદકતા ઘટી જાય છે, એકાગ્રતા જોખમાય છે. અકસ્માતની શક્યતા વધી જાય છે.
• હું જ્યારે એસેમ્બ્લી ખાતાનો ઉપરી હતો ત્યારે મારા કારીગરોને બે કલાકથી વધારે ઓવર ટાઇમ આપતો નહીં. આપવા પડે તો પણ ક્યારેક જ. તેની સામે મશીન શૉપના કારીગરોને ચાર અને ક્યારેક આઠ કલાકનો ઓવરટાઇમ મળતો. એ માટે મેં મારા કારીગરોનો અને ક્યારેક મૅનેજમૅન્ટનો રોષ વહોર્યો છે. પણ હું તેમને ઓવરટાઇમ ન દેવા મક્કમ હતો. હું તેમને કહેતો કે તમે માત્ર પૈસા રળવા નથી જન્મ્યા. સાંજે ઘરે જાઓ ત્યારે ઘરનાં કામના પણ રહેવા જોઈએ, એ મારી નિસબત છે અને આ વાત તે સમજતા પણ હતા.
• ઉત્પાદનની દરેક પ્રક્રિયાઓ સ્વાસ્થ્ય અને સલામતી માટે યોગ્ય હોવી જોઈએ. તે સુનિશ્ચિત કરવાની જવાબદારી એન્જિનિયરોની છે. મૅનેંજમૅન્ટ સામે લડીને પણ એ કરવું પડે. એમાં કોઈ બાંધછોડ ક્યારે ય ન કરાય. એ દરેક કંપનીની સામાજિક જવાબદારી છે.
• ILOના યોગ્ય સૂચન મુજબ, લઘુતમ વેતન એટલું તો હોવું જ જોઈએ કે એક કુટુંબ—પતિ, પત્ની, બે બાળકો—પૂરતો આહાર મેળવી શકે, બાળકોને ભણાવી શકે, તેમના આરોગ્યની કાળજી રાખી શકે અને નાનું ઘર લઈ શકે.
• મજૂરો અને કામદારો પૂરા પાડનારા (ગમે તેટલી સંખ્યા હોય) કૉન્ટ્રાક્ટરનું રજિસ્ટ્રેશન તો કરાવવું જ પડે અને કોન્ટ્રાક્ટરે એ જવાબદારી લેવી પડે કે તેના કારીગરોને લઘુતમ વેતન મળે, તેમનું પી.એફ. કપાય, તેમના આરોગ્યની કાળજી લેવાય અને સલામતી ન જોખમાય. અકસ્માત વખતે તેમને યોગ્ય વળતર મળે. જો આવું નહીં કરીએ તો અકસ્માત થયા બાદ જાહેર થશે કે તે આ કંપનીમાં હતો જ નહીં, ત્યાં કામ પણ નહોતો કરતો.
• કામ દરમિયાન અકસ્માતે થતા મૃત્યુ વખતે સરકારે ચોક્કસ રકમ નક્કી કરવી પડે, જે મૃતક્ના પરિવારને બાકીનું જીવન વીતાવવામાં મદદરૂપ થાય. તે વળતર કંપની ચૂકવે, જે માટે કંપનીએ વીમો લીધો હોય.
• મજૂર સંગઠનોની દખલ ન હોય તો પછી ILના નિયમ મુજબ કંપનીના મજદૂરોનું પોતાનું યુનિયન હોવું જોઈએ, જે મૅનેજમૅન્ટને પોતાનો અવાજ પહોંચાડી શકે.
• જો કોઈ અધિકારી તપાસ કરવા આવવાનો જ ના હોય તો બહુ ઓછી કંપનીઓ આ બધા નિયમોનું પાલન કરશે. તેનું કારણ માત્ર લોભ જ હશે તેમ નહીં, પણ તે કામ બિન-મહત્ત્વનું ગણાઈ જતાં સૌ કોઈ બેદરકાર થઈ જશે. જેમ પરીક્ષાની તારીખ પાછળ જતા વિદ્યાર્થીઓ વાંચવાનું છોડી દે છે, તેમ જો ઑડિટ ન થાય તો તેના પર ધ્યાન આપવાનું છોડી દેવાય. તેના બદલે તપાસ અધિકારી નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરે તેવાં પગલાં સરકારે લેવાં જોઈએ.
આમ આ સુધારા મજૂરોનાં શોષણને કાયદેસરતા આપવાનું કારણ બની જાય તેવું લાગે છે. તે જેમ તેમનાં સ્વાસ્થ્ય અને સલામતીના નિયમોમાં ઢીલ મૂકે છે, તેમ પર્યાવરણના નિયમોમાં છૂટછાટ આપશે. તો આપણે લૉક ડાઉન વખતે સોશિયલ મીડિયા પર પર્યાવરણ વિશે જે હરખ વ્યક્ત કર્યો તેનો કશો અર્થ નહીં સરે. ફરી પાછા આપણે પર્યાવરણનું નખ્ખોદ કાઢવા તૈયાર થઈ ગયા, એમ કહેવાશે.
કોરોનાનો ફેલાવો મહદ્ અંશે સુખી માણસો દ્વારા થયો છે અને તેમાં મજૂરોનો ખો નીકળી ગયો. સુખી લોકોએ ઘરમાં એ.સી.માં બેસી અવનવા વ્યંજનો ખાધાં, ફિલ્મો જોઈ. પર્યાવરણ વિષે ઊંચી ઊંચી વાતો કરી, ડહાપણ ડહોળ્યું. એ વખતે આ મજૂરો ભૂખ્યા પેટે, ખિસ્સામાં પૈસા વગર, ધોમધખતા તાપમાં ઉઘાડા પગે સેંકડો માઇલ ચાલીને પોતાના વતન પાછા ફર્યા. જેમને રેલવે કે બસોમાં જવાનો લાભ મળ્યો તેમણે બે-ત્રણગણા પૈસા ચૂકવ્યા. દેશનું અર્થતંત્ર બેસી ગયું તેમાં તેમનો તો કોઈ વાંક નહોતો. લૉક ડાઉન કરતાં પહેલાં કોઈ તેમને પૂછવા પણ નહોતું ગયું. તેમ છતાં આવા મૃત:પ્રાય થઈ ગયેલા અર્થતંત્રને બેઠું કરવાની જવાબદારી આપણે જાણે તેમના ખભા પર નાખી દીધી છે. એ માટે તેમણે જ ભોગ આપવાનો છે. માલિકો-મૅનેજરો તો એ.સી. કેબિનોમાં બેસીને કામ કરશે. જ્યારે ત્રણ મહિનાથી અપૂરતું પોષણ મેળવેલા મજૂરો બાર કલાક ગરમીમાં તનતોડ મહેનત કરશે. છતાં આપણે પોતાને સુધરેલા, સંસ્કારી ગણી શકીશું?
e.mail : samanvay.sys@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020