નહેરુ-ગાંધી ખાનદાન વિચારોમાં ઉદારવાદી અને વર્તનમાં સામંતી છે તેવા સામાન્ય નિરીક્ષણને શરદ પવારની આત્મકથાના અનુભવો સાચા ઠેરવે છે.
૧૯૯૯માં સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે શરદ પવાર અને અન્ય નેતાઓએ કૉન્ગ્રેસ છોડી જુદો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો. આજે કૉન્ગ્રેસમિત્ર ગણાતા દેશના ચર્ચિત અને વરિષ્ઠ રાજનેતા શરદ પવારની મૂળે અંગ્રેજી-મરાઠીમાં લખાયેલી અને હિંદીમાં અનૂદિત થયેલી આત્મકથા ‘અપની શર્તો પર’માં નહેરુ ગાંધી કુંટુબ વિશેના અનુભવો અને નિરીક્ષણો રસપ્રદ છે. ૩૨૫ પૃષ્ઠ અને ૨૬ પ્રકરણોના આત્મકથનનું એક પ્રકરણ લેખકના જીવનમાં આવેલા વિવિધ બાવીસ વ્યક્તિત્વો વિશેનું છે. તેમાં ગાંધી-નહેરુ કુટુંબના કોઈ એક કે વધારે સભ્યને બદલે મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી સુધીના તમામ સભ્યો વિશે એક સાથે લખ્યું છે. આ લખાણને લેખક ‘નહેરુ-ગાંધી રાજવંશ’ એવું નામ આપે છે. તેના પરથી નહેરુ-ગાંધી ખાનદાન વિશેનો તેમનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે
પંડિત નહેરુના અવસાનના દસ દિવસ પહેલાંની, ૧૭મી મે ૧૯૬૪ની, તેમની સાથેની પ્રથમ અને આખરી મુલાકાત શરદ પવાર માટે યાદગાર હતી. તીનમૂર્તિ ભવન દિલ્હીમાં મળેલી યૂથ કૉન્ગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં ઇંદિરા ગાંધી પણ હાજર હતાં. પવારે નહેરુ સંદર્ભે નોંધ્યું છે કે ‘તેમનું વ્યક્તિત્વ એટલું કરિશ્માઈ હતું કે કારોબારીનો કોઈ સભ્ય તેમની સામે આંખ માંડીને જોઈ શકતો નહોતો.’ યુવાવસ્થામાં ગાંધીના ચરખા કાંતવાના દર્શનની તુલનામાં નહેરુના આધુનિક દ્રષ્ટિકોણથી શરદ પવાર અધિક પ્રભાવિત હતા. નહેરુપુત્રી ઇંદિરાને લેખક દ્રઢ રાશ્ટ્રવાદી પણ સ્વભાવે નિરંકુશ તરીકે ઓળખાવે છે. જે સાથે નથી તે સામે છે તેવા ઇન્દિરા ગાંધીના સ્વભાવનો શરદ પવારને બરાબર અનુભવ થયો હતો. કટોકટી વખતની ચૂંટણી હાર પછી ૧૯૮૦માં ઇંદિરા ગાંધીનું રાજકારણમાં ધમાકેદાર પુનરાગમન થયું ત્યારે શરદ પવાર મહારાષ્ટ્રમાં વિપક્ષની સરકારની મુખ્યમંત્રી હતા. ૧૫મી ફેબ્રુઆરી ૧૯૮૦ના રોજ ઇંદિરા ગાંધી શરદ પવારને મળવા દિલ્હી બોલાવે છે. વડાપ્રધાન ઇંદિરા માત્ર શરદ પવારને એકલાને જ મળે છે. પરસ્પરની આ સીધી મુલાકાતમાં તેઓ પવારને આક્રમક રીતે સંજય ગાંધી સાથે સુલેહથી કામ કરવાની ઓફર કરે છે. શરદ પવારના નન્ના પછી બીજા જ દિવસે તેમની સરકાર બરખાસ્ત કરી નાંખવામાં આવે છે. સંજય ગાંધી અને તેમના દરબારીઓ કદી મુખ્યમંત્રીઓનું સન્માન કરતા નહોતા તેવું શરદરાવ આત્મકથનમાં લખે છે.
રાજીવ ગાંધી સાથે શરદ પવારના સંબંધો ઉતારચઢાવભર્યા હતા. પરંતુ હમ ઉમ્ર હોઈ તેમની સાથે લેખકને સવિશેષ બનતું હતું. ૧૯૯૦માં શરદ પવાર મહારાષ્ટ્ર્ના કૉન્ગ્રેસી મુખ્યમંત્રી હતા ત્યારે ખુદ રાજીવ ગાંધીએ પોતાના જ પક્ષની સરકાર અને મુખ્યમંત્રીને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનું બેબાક વર્ણન કરતાં લખ્યું છે : ‘રાજીવ ગાંધી પાસે મને મુખ્યમંત્રી પદેથી ઉથલાવવામાં તેઓ સામેલ હતા તે સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જો કે તેમણે બહુ કુટિલ રીતે તેનો સ્વીકાર કરતાં કહ્યું કે મહારાષ્ટ્રમાં જે કંઈ થઈ રહ્યું છે તે ખોટું છે. મેં તો માત્ર વૃક્ષને હલાવવા કહ્યું હતું. ઉખાડી ફેંકવા નહીં.’ ગાંધી-નહેરુ ફેમિલી રાજ્યોમાં કઈ રીતે સબળ નેતૃત્વ પેદા થવા દેતું નથી તે અહીં જણાય છે. ચંદ્રશેખરની લઘુમતી સરકારનું સમર્થન રાજીવ ગાંધીએ કેવી બાલિશ રીતે ખેંચી લીધું હતું તે પણ શરદ પવારની આત્મકથામાં જાણવા મળે છે.
સોનિયા ગાંધી સાથે શરદ પવારના દીર્ઘ રાજકીય સંબંધો રહ્યા છે. પરંતુ પવારને લાગે છે કે રાજીવ ગાંધીની તુલનામાં સોનિયામાં ખુલ્લાપણું નથી. સીતારામ કેસરીના નેતૃત્વમાં કૉન્ગ્રેસ તળિયે પહોંચી ત્યારે સોનિયા ગાંધીને પાર્ટીનું નેતૃત્વ સંભાળવા વિનંતી કરનાર નેતાઓમાં શરદ પવાર પણ હતા. પરંતુ પહેલાં ઇન્દિરા ગાંધી અને પછી રાજીવ ગાંધીની ઉપરવટ જઈને પવાર મુખ્યમંત્રી બન્યા હતા કે તેમની સરકારને અસ્થિર કરવાના રાજીવ ગાંધીના પ્રયાસો પવારે નિષ્ફળ બનાવ્યા હતા તે અંગે થયેલી કાન ભંભેરણીથી સોનિયા ગાંધી સાથે પવારના સંબંધો સામાન્ય ન રહ્યા. પવાર લોકસભામાં વિપક્ષના નેતા હતા ત્યારે સંસદીય સમિતિના સભ્યોનાં નામ કૉન્ગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા સાથે ચર્ચા કરીને નક્કી કર્યા હોવા છતાં પક્ષે બીજાં નામો મોકલ્યાં કે તે પૂર્વે સંસદના કોઈ ગૃહના સોનિયા સભ્ય ન હોવા છતાં તેઓ સંસદીય પક્ષના વડા બની શકે તેઓ કૉન્ગ્રેસના બંધારણમાં સુધારો થયો તેનાથી તેમના સંબંધોમાં ખટાશ આવી હતી. જે અંતે સોનિયાના વિદેશી કુળના મુદ્દે અલગ થવા સુધી પહોંચી હતી.
૨૦૦૪ થી ૨૦૧૪ સુધી શરદ પવારની નેશનાલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી યુ.પી.એ. સરકારની મજબૂત સાથી હતી અને પવાર કેબિનેટ મંત્રી હતા. લોકસભામાં શરદ પવાર અને સોનિયા ગાંધીની બેઠકો બાજુબાજુમાં જ હતી. પરંતુ તેઓ ભાગ્યે જ કોઈ ગંભીર વિષય પર વાત કરતા હતા. તેમની સાથે પવારના કોઈ કૌટુંબિક કે સામાજિક સંબંધો પણ વિકસી શક્યા નહોતા. જો કે પવાર એ બાબતે સોનિયાનાં વખાણ કરે છે કે તેઓ દસ વરસ મિનિસ્ટર રહ્યા તે દરમિયાન સોનિયા ગાંધીએ તેમના મંત્રાલયના કામમાં કદી દખલગીરી કરી નથી. કોઈની નિમણૂંક કે બદલી અંગે પણ કદી ભલામણ કરી નથી.
રાહુલ ગાંધીને ભર્યું નાળિયેર જેવા ગણાવી, ૨૦૦૪થી લોકસભા સભ્ય રાહુલ ૨૦૧૪થી પાર્ટી કાર્યોમાં વિશેષ સક્રિય થયાં છે તેમ પણ પવાર નોંધે છે. રાહુલને પોતાની વિશ્વસનીયતા ઊભી કરતાં સમય લાગશે અને કૉન્ગ્રેસ સંકટમાં છે તેથી પાર્ટીને સારી સ્થિતિમાં લઈ જવા ઘણું બધું કરવાની આવશ્યકતા હોવાનું પણ શરદ પવારને લાગે છે. યોગેન્દ્ર યાદવે જયપાલ રેડ્ડીનો હવાલો આપીને નહેરુ-ગાંધી ખાનદાન વિચારોમાં ઉદારવાદી પણ વર્તનમાં સામંતી છે એમ જે જણાવ્યું છે, તેને શરદ પવારની આત્મકથાના અનુભવો અને નિરીક્ષણો સાચા ઠેરવે છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 06 મે 2020