Opinion Magazine
Number of visits: 9482416
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાન્તિદાસ

દિ.બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ|Opinion - Short Stories|13 July 2020

ઈ.સ. ૧૯૧૮માં લખાયેલી અને ‘વીસમી સદી’ સામાયિકમાં પ્રગટ થયેલી મલયાનિલની વાર્તા ‘ગોવાલણી’ને પ્રથમ ગુજરાતી વાર્તા હોવાનું બહુમાન આપવામાં આવે છે પરંતુ તે અગાઉ ગુજરાતીમાં વાર્તા લખાતી ન હતી તેવું નથી. ઈ.સ. ૧૯૧૪માં અવસાન પામેલા દિ.બ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ ઈ.સ. ૧૯૦૦ની સાલમાં ‘શાન્તિદાસ’ નામની એક સુંદર વાર્તા લખી હતી અને તે પુષ્કળ આવકાર પામી હતી. એમ.એ., એલ.એલ.બી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે સાહિત્ય, શિક્ષણ, સ્ત્રી કેળવણી, સમાજ સુધારા, રાજકીય જાગૃતિ વગેરે ક્ષેત્રે ઘણી નોંધપાત્ર કામગીરી બજાવી હતી અને ૧૯૧૫માં થયેલા ગાંધીજીના ભારત આગમન પહેલા ગુજરાતની પ્રજાને જાગૃત કરવામાં મોટો ફાળો આપ્યો હતો.

ચરોતરમાં મહેમદાવાદથી પાંચ સાત ગાઉ ઉપર પાટીદારની વસ્તીનું એક જૂનું ગામ છે. મૂળ એ ગામ નરવાનું હતું, પણ પચાસ પોણોસો વરસથી નરવો તૂટ્યો છે, ને સરવે પ્રમાણે ખાતાબંધી વહીવટ ચાલે છે.

ગામમાં ઉજળિયાત વસતી સારી છે; આશરે બસો ઘર પાટીદારનાં છે. બીજાં વાણિયા, બ્રાહ્મણ તથા વસવાયાનાં છે. ગામના લોક મહેનતુ ને સંપીલા છે. ગામમાં ઘણું દેવું નથી. શાહુકાર વાણિયા ધીરધાર કરતાં વેપારનો ધંધો કરે છે. ગામનો ચોરો રૈયતે બાંધેલો મોટો વિશાળ છે. હિંદુઓનું દેવળ પણ સારું છે, ને એક ધર્મશાળામાં વટેમાર્ગુ તથા સાધુસંત ઉતરે છે, તેથી ઠેઠ કાનમ લગી ગામની આબરુ પણ સારી છે.

કણબીની વસતીમાં મોટું ને મોભાવાળું ઘર શાન્તિદાસ પાટીદારનું છે. તેમના બાપને સાત દીકરા હતા, તે બધા હાલ જુદા જુદા રહે છે; સાતે દીકરાને વાડી વસ્તાર સારો થયો છે. શાન્તિદાસને છ દીકરા છે, તેમાંના પાંચ મોટા ધંધે વળગી ગયા છે, પણ નાનો ભિખારીદાસ હાલ નોકરી ખોળે છે. આશરે દસેક વરસ ઉપર શાન્તિદાસની વહુના મનમાં એમ આવ્યું કે, મારા છ દીકરામાંથી નાનો દીકરો અંગ્રેજી ભણે ને સરકારી નોકરીએ વળગે તો કેવું સારું! વખતે ટોપીવાળાની મહેરબાની થાય, તો ચઢતાં ચઢતાં એ તો કુમાવિસદાર થઈ જાય, ને આપણે ઘેર આપણા પરગણાની હાકેમી આવે. શાન્તિદાસના મનને આ વાત બહુ ભાવી નહીં. હાલ અઢારે વરણ અંગ્રેજી ભણતર ભણવા માંડે છે, તેમાં ઘણા અધવચ મૂકી દે છે, ને થોડા જ ઠેઠ લગી પહોંચે છે; વળી જે થોડા ભણી ઉતરે છે તેમને બધાને કુમાવિસદારી મળતી નથી એ વાત શાન્તિદાસ સારી પેઠે સમજતા હતા; પણ છોકરો છેલ્લા ખોળાનો હતો, ને આટલી ઉંમરે ઘરનાં બૈરાંને નાખુશ કરવાં એ પણ ઠીક નહીં, એમ તેમણે વિચાર્યું. વળી એમના હૈયામાં એમ પણ ખરું કે પરમેશ્વરને કરવું હોય ને છોકરાનું નસીબ ઉઘડે તો છોકરાની માના કોડ પૂરા પડે ને ઘડપણમાં આપણા સુખમાં મણા ન રહે, એટલે પહેલાં તો જરા એમણે બૈરાંનું કહ્યું ગણકાર્યું ન ગણકાર્યું એમ કર્યું; પણ છોકરાની માએ એ વાતની કેડ મુકી નહીં, તેથી હારીને અન્તે તે હા ભણ્યા. સારું મહુરત જોઈને અંગ્રેજી ભણાવવા ભિખારીદાસને અમદાવાદ વિદાય કર્યા.

અંગ્રેજી વિદ્યા ભણવી સહેલી નથી. તેમાં વળી સરકારના કાયદા; વળી તેમાં ધોરણ ને ફોરણ, ને પરીક્ષાઓ; તેથી ભણતાં ભણતાં ઘણા દહાડા લાગ્યા, તેથી કોઈ કોઈ વાર શાન્તિદાસને અકળામણ પણ આવે. દર માસે ખાધાખાઈ તથા ફીના દશબાર રૂપિયા અમદાવાદ મોકલવા પડે તે મોટા કબીલાદાર આદમીને ભારે પડતા. પણ વરત લીધું તે પૂરૂં કરવું; હવે અધૂરું ભણતર મૂકવાથી કાંઈ લહાણ નથી એમ સમજીને તે કાંઈ બોલતા નહોતા. અન્તે સાત વરસે ભિખારીદાસ મેટ્રીકની પરીક્ષામાં પાસ થયો; તેની ખબર આવતાં શાન્તિદાસને ઘણું સારું લાગ્યું, ને છોકરાની મા તેથી વધારે હરખાયાં ને કહે કે “હું કહેતી નહોતી કે મારો ભિખો નામ કાઢશે? કાંઈ પૈસા ઉગારે કામ થાય? જ્યારે મૂળાના પીતા જેવા ખર્ચ્યા છે, ત્યારે મારો છોકરો નાગરના છોકરાને ટક્કર મારે તેવો થયો છે.”

એ પ્રમાણે ભિખાની મા સૌ આગળ ફુલાય. ભિખાની પરીક્ષા ઉતર્યાના સમાચાર આવ્યા એટલે તેમણે ગામમાં ગોળ વહેંચ્યો, માતાને વધામણાં દીધાં, ને ઘેર નિવેદ કર્યાં; બ્રાહ્મણ તથા સગાંસ્નેહીઓને જમાડ્યાં, અને સૌ આશરાગતિઓને પણ સંતોષ્યા. ભિખો ગામમાં આવ્યો ત્યારે ગામના સૌ લોક તેને બોલાવવા આવ્યા. તેઓ શાન્તિદાસને કહે કે “હવે બાપા અધૂરૂં ન રાખશો; હવે તો ભિખારીદાસને મુંબાઈ મોકલો; બે પૈસા દેવું થશે તો જારબાજરીનો રોટલો ખાઈ પેટે પાટા વાળી દેવાશે; પણ હવે તો એને મુંબાઈ મોકલો.”

એમ બધા ઘણો આગ્રહ કરીને કહેવા લાગ્યા. શાન્તિદાસ ખાતાપીતા ગૃહસ્થ હતા, તેમની ખેતી મોટી હતી, તથા ઢોરઢાંખર મસ હતાં, ને દાણોદુણી પણ ઘણો રાખતા. પણ નગદ પૈસાનું બહુ જોર એમની પાસે ન હોતું, એટલે મુંબાઈ મોકલવાનું તેમનું મન ઢચુપચુ થતું હતું. પણ છોકરાનો, તેની માનો, તથા આખા ગામનો આગ્રહ જોઈ તેમણે પણ અંતે નમતું મૂક્યું, ને ભિખારીદાસને મુંબાઈ ભણવા રાખવાનો વિચાર નક્કી કર્યો ને ખરચ સારું ગામના શાહુકાર વનમાળીદાસને ત્યાંથી પ્રથમ રૂપિયા સોનો ઉપાડ કર્યો. વિદાય થતાં પહેલાં ભિખારીદાસને કોરે બોલાવીને કહ્યું, “ભાઈ, મારી પાસે પૈસા નથી, મુંબાઈ તો ઈંદ્રપુરી જેવું છે, ત્યાં ભાતભાતની જણસો મળે છે. તરેહતરેહના શોખ ત્યાં થઈ શકે છે. માટે તું જો નીતિથી રહી નીચું માથું ઘાલી અભ્યાસમાં જ મન રાખવાનું કબૂલ કરે તો હું મોકલું; નહીં તો ખર્ચ વેઠવાનું મારું ગજું નથી, માટે એ વિચાર આપણે માંડી વાળો.”

ભિખાએ પોતાના બાપના પગે હાથ મૂકીને કહ્યું કે, “ભા, હું એક પાઈ પણ નકામી નહીં ખરચું. અઢાર વરસનો થયો ને શું હું સમજતો નથી કે આપણા ઓરડામાં શું છે અને શું નથી!”

સરકારી કોલેજ ઉઘડતાં ભિખારીદાસ મુંબાઈ જઈ તેમાં દાખલ થયા, ને અભ્યાસ શરુ કર્યો. થોડા દહાડા તો બાપની શિખામણ ને પોતાનું વચન હૃદયમાં રાખી ભિખારીદાસે ખૂબ મહેનત કરી. પછી ત્યાં જૂના થતા ગયા ને છોકરાઓનો સહવાસ વધવા માંડ્યો. ત્યાંના પારસીઓના છોકરાઓના ચળકતા બૂટ જોઈ એમનું મન વારંવાર એમ થતું કે, આપણે એવા હોય તો કેવું સારું! એવા મનના ઉછાળા ઉપરાઉપરી થાય, ને ભિખારીદાસ તેને દાબી દે; પણ વળી પાછું ફરીફરીને બૂટનું મન થાય. એમ કરતાં કરતાં કેટલાક દહાડા વહી ગયા. પણ છેવટે ભિખારીદાસનું મન રોક્યું રહ્યું નહીં. તેમણે વિચાર કર્યો કે, “આપણે વરસે દહાડે ત્રણસો રૂપિયા ખરચીએ છીએ, તેમાં ત્રણ ચાર રૂપિયાના વિલાયતી બૂટ લેવામાં કાંઈ વધી જવાનું નથી. બીજી ગમે તે રીતે કસર કરીશું તો એટલા રૂપિયા ઉગરશે; એટલે બાપાનું મન પણ રહેશે, આપણું વચન જળવાશે, ને આપણા જીવને ભાવતી વસ્તુ પણ મળશે,” એમ વિચાર કરી તેમણે વિલાયતી બૂટની એક જોડ લીધી. તે પહેરીને “ચમચમ” કરતા ફરે, ને બૂટ સામું જોઈ મલકાઈ મલકાઈ જાય!

ચાર મહિને કોલેજ બંધ થઈ ત્યારે ભિખાભાઈ પાછા ગામે આવ્યા. સગું વ્હાલું, ગામલોક, સૌ બબે ગાઉ એમને લેવા સામું આવ્યું હતું. ભાગોળે આવ્યા ત્યારે ભિખાભાઈ ગાડામાંથી ઉતર્યા; પણ ઉતરતાં પહેલાં પેલા વિલાયતી બૂટ કહાડી પહેર્યા, ને “ચમચમ” કરતા સૌથી આગળ ચાલ્યા. સૌ કહેઃ “કેમ ભાઈ આવ્યા કે, કેમ ભાઈ આવ્યા કે? સારા છો? કુશળ છો?” ત્યારે એ હળવે રહી કહે, “હા-હા.” ગામના છોકરા પણ એમને જોવા આવ્યા હતા, કેમ કે એ ગામમાંથી મુંબાઈ ભણવા સારુ આ પહેલાં કોઈ ગયું નહોતું, ને ભિખાભાઈ મુંબાઈ જઈ આવ્યા એ મોટી નવાઈ હતી.

ગામમાં આવ્યા પછી સાંજ સવાર હવા ખાવા ભિખારીદાસ નિકળે ત્યારે પેલા બૂટ પહેરીને જાય. તે જોવાને ગામના બધા જુવાનીયા નીકળે. શાન્તિદાસના બીજા દીકરાના દીકરા મળી આશરે પંદર વીશ હતા. થોડા દિવસ વીત્યા નહીં એટલામાં તેઓએ પોતપોતાની મા પાસે એવા બૂટ સારુ કંકાસ કરવા માંડ્યો. શાન્તિદાસના ભાઈઓના ઘરમાં પણ બૂટ વાસ્તે કલેશ થવા લાગ્યો. ગામના બીજા કણબી વાણિયાના છોકરાઓને પણ એવા બૂટનું મન થયું. બધા છોકરાઓની માઓ પોતપોતાના છોકરાઓ ભણીની તાણ કરે; પણ ભાયડાઓ એ માને નહીં. એમ બધાં સારા ઘરમાં થોડો થોડો કંકાસ પેઠો.

નીતની કળકળથી ભાયડાઓ છેવટે હાર્યા. એકે એક એવા બૂટ મંગાવવા લાગ્યા. દર ફેરા જ્યારે છુટ્ટી પડે ત્યારે ભિખારીદાસ મુંબાઈથી પાછા આવે; ને હરવેળા જ્યારે આવે ત્યારે ગામનાં લોકનાં છોકરાંની પચીસ ત્રીસ વિલાયતી બૂટની જોડો લેતા આવે! એમ બે ત્રણ વરસ વીતી ગયાં, ને ગામમાં બીજી પૂંજી વધી હોય કે નહીં, પણ બૂટની પૂંજી તો ઘણી વધી! ગામમાં વિલાયતી બૂટની ત્રણસો જોડી થઈ. સાંજે બધા જુવાનીયા ખેતરે કે તળાવે ફરવા જાય ત્યારે બૂટ પહેરીને જાય; ને એવા બૂટવાળા છોકરાની હારની હાર આગળ પાછળ હરવેળા ગામમાં ફરતી દેખાય; તેથી કેટલાક લોકો માંહોમાંહે વાત કરે કે, “એમાં શું કમાયા? ગામ વહેલું ભીખ માગશે.”

વિલાયતી બૂટ લાંબા ટકતા નથી, ને વરસ દહાડે એમ થયું કે ભિખાભાઈ જવા નીકળે તે દહાડે તેમને ગામલોક દોઢસો બસો બૂટના પૈસા વળગાડે. આ પ્રમાણે બૂટનો ચાલ જબરો થતો ગયો, ને ગામને માથે એક હજારનો વરસ દહાડે વેરો ચોંટ્યો!

એક વાર ભિખારીદાસ ઉનાળાની છુટ્ટીમાં ગામ પાછા આવ્યા હતા, ને આંગણામાં ખાટલો ઢાળી પાછલે પહોરે બેઠા હતા. શાન્તિદાસ બાપા ઓટલે હાથમાં રૂપાની નેહવાળો હુક્કો ઝાલી રાખી “ગુડ ગુડ” કરતા હતા. બીજા થોડા પાટીદાર ને ગામલોક પણ ત્યાં સહેજ બેઠા હતા, ને વાતો કરતા હતા. વનમાળીદાસ પારેખ પણ ત્યાં આવ્યા હતા.

વનમાળીદાસ – બાપા, નવરાશે આપણું ખાતું આંખ તળે કાઢો તો ઠીક.

શાન્તિદાસ – કેમ વારું?

વનમાળીદાસ – આંકડો જરા વધતો જાય છે તે તમને ખબર હશે.

શાન્તિદાસ – લીધું વરત પૂરું કરવું જોઈએ. છોકરાને મુંબાઈ મોકલતાં પહેલાં શી રીતે હતું?

વનમાળીદાસ – ત્યારે તો તમારા સો પચાસ લહેણા રહેતા.

એમ વાતો ચાલતી હતી તેવામાં ગામના દશ-વીસ મોચી ભેગા થઈ આવ્યા. આવીને ફાળીઆ ઉતારી રાડ પાડવા લાગ્યા કે, “બાપા, હવે તો બહુ થયું; હવે ખમા કરો તો સારું.”

શાન્તિદાસ – શું છે? વાત તો કહો.

મોચીઓ મધ્યેનો એક મોચી કે જેનું નામ સોમલો હતું તેને શાન્તિદાસે કહ્યું, “સોમલા, તું ઠાઉકો છે, તું વિગત માંડીને વાત કહે. તમારે શું જોઈએ છીએ? ને તમારે શું દુઃખ છે? સગી મા હોય તેને પણ કહીએ તો તે દુઃખ જાણે.”

સોમલો – દુઃખ તો ઘણું છે; વણવાંકે મરી જઈએ છીએ; પણ રોગ પ્રમાણે ઉપાય થાય તો કળ વળે; એ તમારા હાથમાં છે, બાપા. તમો ઉપાય કરો તો થાય; નહીં તો એકે ઉપાય નથી, ને અમારે જીવ્યાનો આરો નથી.

શાન્તિદાસ – કરાશે તું બોલ. જો મારા હાથમાં હશે તો હું ઉપાય કર્યા વગર નહીં રહું.

સોમલો – બાપા દુઃખ તો બહુ છે. જુઓઃ-

અમારાં મોચીનાં તમારા ગામમાં વીશ ઘરો છે. જ્યારથી ગામ વસ્યું ત્યારથી અમો તમારી પછવાડે વસ્યા છીએ, ને તમારે શરણે પડ્યા છીએ. અમે આજ લગી ગામલોકના જોડા અને કોશ સીવતા ને અમારો ગુજારો કરતા. વળી એકાદ વીઘુ જમીન હોય એ ખેડીએ પણ ખરા. એમ કરી દહાડા કાઢતા. પણ આ બે વરસથી અમારું પૂરું થતું નથી, ને છોકરાં ભૂખે મરે છે. ભિખો બાપો જ્યારથી મુંબાઈ ગયા ત્યારથી અમારા દુઃખનું મંડાણ મંડાયું. એ એક બૂટની જોડ લાવ્યા એટલે અમને લાગ્યું કે ઠીક છે, એમાં શું માંહી. પછી હવે તો ગામમાં લગભગ એવી ચારસો પાંચસો વિલાયતી બૂટની જોડ ખપે છે, અમો વરસમાં સો સો જોડ સીવીએ. એટલે મજુરીના ૫૦-૭૦ રૂપિયા કમાઈએ, ને અમારા ઘરનો નિભાવ એથી થાય.

હવે આ બૂટ આવ્યા એટલે એ જોડો ખપતી નથી. હવે પારસણોની પેઠે અહીંનાં બધાં બૈરાં જોડીઓ મૂકીને બૂટ પહેરશે તો બૈરાંનાં પગરખાં સીવવાનું કામ પણ અમારું જશે, ને જેટલા થોડા રોટલા રહ્યા છે તે પણ નહીં રહે. અમારો ગુજારો તો ગામલોક ઉપર હતો, પણ ગામલોક તો બૂટ પહેરે, એટલે આ દશા આવી. અમારા છોકરાને પેટભર રોટલા પણ મળતા નથી. જો અમદાવાદના કે બીજા આપણા અહીંના ગામના બૂટ હોત તો અમારામાંથી ત્યાં જઈ કોઈ શીખી આવત; અથવા ન શીખત તો છેવટે અમે ભૂખે મરત; પણ અમારી નાત કે ધંધાવાળા બીજા કોઈને રોજી મળત. પણ આ તો વિલાયતી બૂટ, એટલે અમારો એકે ઉપાય નથી, ને અમારે કોઈ પણ રીતેનું મન વાળવાનું નથી, ને આમને આમ ચાલશે તો બધાં મરી પરવારશું.

ભિખારીદાસ – કેવા બેવકૂફ લોક છો! તમારે વાસ્તે શું અમો બૂટ નહીં પહેરીએ? માણસને ગમે તે પહેરવાની છૂટ છે. સાહેબ લોકો બૂટ પહેરે છે, મુંબઈમાં ઘણી વસતી બૂટ પહેરે છે, તે સૌ ગાંડા લોક હશે? બેવકૂફ લુચ્ચા લોક!

સોમલો – ગાંડા કે ઘેલા, પણ ભૂખે મરીએ ત્યારે શું કરીએ?

ભીખારીદાસ – ભૂખે મરો છો તેમાં કોનો વાંક છે? બીજો ધંધો કરો.

સોમલો – શું અમો કુંભારનું કામ કરીએ, કે દરજીનું કામ કરીએ, કે લવારનું કામ કરીએ, કે હજામનું કામ કરીએ? શું કરીએ, કહો ભિખાબાપા.

ભીખારીદાસ – ત્યારે મજૂરી કરો. મજૂરીમાં શું આવડવું છે?

સોમલો – અમોએ કોઈ દહાડે મજૂરી ન કરેલી તે શી રીતે મજૂરી થાય? મજૂરીમાં હાથ પગમાં જોર જોઈએ. અમને ચાર પૈસા પણ કોણ આપે?

ભીખારીદાસ – ત્યારે પૂરૂં ન થાય તો પરગામ જઈ વસો.

સોમલો – આ ગામમાં અમારી વીશ પેઢી થઈ, ને હવે ઘરબાર મૂકીને ક્યાં જઈએ? અહીંના ઘર શી રીતે ઉપાડી જઈએ? નાત જાત, લેવું દેવું, બધું આંહીં રહ્યું, ને પરગામ શી રીતે જવાય? બાપા, આટલું બધું અમને કહો છો, ત્યારે તમે વિલાયતી બૂટ ન પહેરો તો શું સત્યાનાશ વળી જાય? મોચી મજૂરી કરે, બીજો ઘંધો કરે, ગામ છોડી જાય, તે કરતાં પાટીદાર વિલાયતી બૂટ ન પહેરે તો શું બગડે?

શાન્તિદાસ વચમાં બોલ્યા, “ભિખા, તું છાનો રહે. આ મોચી કહે છે તે વાત જાણવા જેવી છે. જુવાનીયાવેડા કરી એને તરછોડીશ નહીં.”

એટલામાં ગામના પારેખ જગજીવનદાસ આવ્યા. તે કહે કે, “આ શી ભાંજગડ ચાલે છે?”

શાન્તિદાસ – મોચી રાડ પાડતા આવ્યા છે કે, ગામમાં બૂટ આવ્યા, તેથી અમે ભૂખે મરીએ છીએ.

જગજીવનદાસ – હા, મોચી મને પણ કહેતા હતા, ને બીજાં વસવાયા પણ થોડી થોડી બૂમ પાડે છે. પુંજીઓ કુંભાર કહે છે કે, એણીવારના વરસે મોચી લોકોએ મારી નાળો સમૂળગી લીધી નથી. પશવો દરજી કહે છે કે, મોચી લોકની સીલાઈ ઓણ મને મળી નથી. એ રીતે છે; માટે આપણે ચાર જણ મળીને વિચાર કરીએ તો સારું.

શાન્તિદાસ – કહો તો બધા કાલે મળીએ.

જગજીવન – ઠીક, હું બધાને કહેવડાવીશ, ને રામનાથમાં કાલ પાછલા પહોરે મળીશું.

બીજે દહાડે શાન્તિદાસ બાપા, એમના ભાઈ-ભત્રીજા, ગામના બીજા પાટીદાર, જગજીવન પારેખ, નાથાભાઈ મોદી, જુગલદાસ તલાટી, તુલસીરામ મહેતા વગેરે બધું ગામ રામનાથ મહાદેવમાં ભેગું થયું. ત્યાં વસવાયા પણ વગર તેડ્યાં, પેટનાં બળ્યાં ભેગાં થયાં હતાં. સોમલો મોચી તથા બીજા મોચી, તથા દરજીના ને કુંભારના આગેવાનો આવ્યા હતા. બધાએ પહેલાં તો મોચીની વાત સાંભળી. 

ત્યાં ભીખાભાઈ પણ ગયા હતા. તેમણે અંગ્રેજી વિદ્યાનો આધાર બતાવીને એક મોટી બશેરીઆ ચોપડી હતી તે ઉપરથી એક લાંબુ ભાષણ કરવાની તૈયારી કરી હતી. તે ઊભા થયા, અને બોલવા લાગ્યા; પણ એમના બાપ ને કાકા કહે, ‘બેસ બેસ. તું ભણી આવ્યો તે જાણ્યું. હજુ તો અમારું ખરચ ખાય છે! જ્યારે બે પૈસા કમાય, ને દુનિયા કેમ ચાલે છે તે સમજે ત્યારે તારું ભાષણ બહાર કાઢજે.’

બધાં વસવાયાની વતી જગજીવન પારેખ પ્રથમ બોલ્યા. તે કહે કે, “આ બૂટની મહોકાણે આઠ દશ મોચીનાં ઘરનો ધંધો બંધ પડ્યો છે, ને તેમને ખાવા પીવાની બહુ વેળા પડે છે. મોચી નરમ થયા એટલે તેમની ઘરાકીવાળા કુંભાર દરજી વગેરે નરમ થયા છે; ને બે પૈસા જેના લેણા દેણા છે તે શાવકારનું પણ લેણું ડૂબવા વખત આવ્યો છે; અને તેનો ધક્કો આખા ગામને લાગશે. કોઈએ એમ ન સમજવું કે, એમાં મારે શી લેવા દેવા છે; બધાનું સારું હોય તો આપણે સારું ને નરસું હોય તો આપણે નરસું. 

હું અમદાવાદ ગયો હતો, ત્યાં પણ આવાં ને આવાં રોદણાં છે. સોનીના ઘરેણાં વિલાયતથી તૈયાર થઈ આવે છે. ને તે એવાં આંખને ગમે તેવાં હોય છે કે, આપણા ખરા દાગીનાને પણ કોરે મુકે; એટલે સોનીનો ધંધો બાર આની ગયો છે. લવારનો ધંધો તો બિલકુલ બંધ પડી ગયા જેવો જ છે. લવાર મજૂરી કરે તેને અંગ્રેજી કારખાનામાં રોજ સારો મળે છે; પણ ચપ્પુ, કાતર ને ખીલા કરનારાનો તો બિલકુલ રોજગાર બંધ પડ્યા જેવો જ છે. વિલાયતી કાપડ કરોડો રૂપિયાનું આવે છે, તેથી સાળવી, વણકર, છીપા, બાંધણીગર વગેરેનો ધંધો ગયો છે. લોક ઘણાં લૂગડાં પહેરે છે તેથી દરજી ને ધોબી શહેરમાં તાજા દેખાય છે; પણ એકંદર કારીગર તથા વેપારીને પરદેશી માલ આવવાથી અથાગ નુકસાન થયું છે, ને હજુ તો ક્યાં? શહેરમાં કોઈ ધણીધોરી નહીં, એટલે વિટંબણા ભારે પડે છે. આપણે તો બધા મળીને કરીએ તો બંદોબસ્ત કરવા સમરથ છીએ; માટે મારા ધ્યાનમાં આવે છે કે, આપણે આપણા ગામ પૂરતો ઠરાવ કરીએ તો ઠીક.”

શાન્તિદાસ – શો ઠરાવ ?

જગજીવન – હાલ તો એટલો કરો કે ગામમાં કોઈ પરગામના બૂટ ન પહેરે. એટલું થાય તો મોચીનું દુઃખ ટળે.

શાન્તિદાસ – કેમ ભવાનીદાસભાઈ, શું ધાર્યું?

ભવાનીદાસ – હા, હા, સો ફેરા એવો બંદોબસ્ત કરવો જોઈએ.

નાથાભાઈ મોદી – આપણે પણ કબૂલ કરીએ છીએ, કેમ તુલસીરામ મહેતા?

તુલસીરામ મહેતા – આપણે પણ સો ફેરા કબૂલ.

જુગલદાસ તલાટી – વારું, બૈરાંને ઘેર પૂછ્યું? છોકરાં કંકાસ કરશે, તો એમની માઓ એમની કુમક કરશે તેનું શું ધાર્યું?

શાન્તિદાસ – છોકરાં અને તેમની માઓ જખ મારે છે.

બધાં કહે, “વાહવા, બાપા વાહવા. ત્યારે ચાલો, આપણે મંદિરમાં તુલસી ઉપાડો. બધા મંદિરમાં ગયા, ને ઠાકોરજી આગળ તુલસી ઉપાડી સૌએ જુદા જુદા સમ ખાધા કે “પરદેશી બૂટ લાવીએ તો ઠાકોરજી અમને પૂછે,” ને પછી બધા વેરાયા.

ગામ સંપીલું હતું; લોક લાંબી નજરવાળા હતા, તો પણ આ વેળા ઠરાવ પાળવામાં થોડી આનાકાની થઈ, ને પછી ઘેર ઘેર થોડી કચકચ પણ થઈ; પણ શાન્તિદાસે પોતાના ઘેરથી પહેલ કાઢી ભિખારીદાસને જોડા પહેરાવ્યા. એમ પતાવટ ચાલતાં, અન્તે બધા ગૃહસ્થોએ સોગન પાળ્યા, ને છ મહિને મોચી પાછા આગળ જેવા ખાતાપીતા થયા, ને બીજા કારીગર પણ તાજા થયા.

એવામાં નડીયાદથી એક દહાડો મોટા બારોટ આવ્યા. તેમણે આ બધી વાત ચોરે બેઠે સાંભળી. તે મનમાં બહુ હરખાયા, ને હરખના માર્યા પોતાની મેળે શાન્તિદાસ બાપાને ઘેર કહેવા આવ્યા કે, “બાપા, ગામમાં આગેવાન હોય તો તમારા જેવા હોજો. ખરા એનના સમે તમે ગામની હિમાયત કરીને ગામનું દુઃખ ટાળ્યું છે. તમારા ઘરનો ધરમ જગ જાણે છે. તમોએ આપણા ગામનું ને દેશનું અભિમાન કરી અઢારે વરણનો ટેક ને ઇજ્જત રાખી છે. આગળ સરકાર દરબારમાં તમારું ઘર રૈયતની કુમક કરતું; હાલ સરકાર તરફથી તો શાન્તિ છે, પણ લોકનું મન નવા નવા પહેરવેશથી છકી ગયું છે, તેથી કારીગર માત્રને તથા અન્તે આખા દેશને બહુ વિપત પડે છે. એ વિપતમાં તમારા જેવાની હિમાયત છે ને ઓથ છે, તો દેશનું સદાકાળ ભલું જ થશે. તમારા જેવા તમારા વંશમાં કુળદીવા ઘણા થજો, ને ઈશ્વર તેમને તમારા જેવી મતિ કાયમ આપજો.

સૌજન્ય : http://www.mavjibhai.com/gadya/shantidas.htm

Loading

13 July 2020 admin
← સૂરજ થવાને શમણે …
સી.બી.એસ.ઈ. અભ્યાસક્રમમાં કપાત અને શિક્ષણમાં રાજકારણ →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved