વિભા મંદિરનાં પગથિયાં ઉતરી રહી હતી. ભગવાનના દર્શન કર્યા પછી, લાઈનમાં બેઠેલા ભિક્ષુકોને કંઈને કંઈ આપવાનો તેનો નિયમ હતો. આજે તેણે ભિક્ષુકોને આપવાનું શરૂ કર્યું અને અચાનક તેની નજર દૂર લીમડાને ટેકે બેઠેલી વ્યક્તિ પર પડી. વિભા ચમકી ગઈ અને ઓળખી ગઈ, તે તેનો ભાઈ અભય હતો. આંખોમાં આંસુ આવી ગયાં. ગળે ડૂમો ભરાયો અને દોડીને કારમાં બેસી ગઈ અને ચાલી ગઈ. ભિક્ષુકો વિચારમાં પડી ગયા કે વિભાબહેન ક્યારે ય બધાને આપ્યા વગર જતાં નથી; આજે આવી રીતે કેમ ચાલ્યા ગયાં હશે? જે બાકી રહ્યાં હતાં તેને પોતાને ન મળ્યું તેનો અફસોસ નહોતો પણ વિભાબહેન કેમ આમ ચાલ્યાં ગયાં તેનું દુઃખ અને ચિંતા હતી.
અભય સમજી ગયો કે મેં ગમેતેટલી સાવચેતી રાખી. વિભા મને ઓળખી ગઈ, આખરે બહેન છે ને એટલે ભાઈને ઓળખતા વાર ન લાગે. અભયે નક્કી કર્યું કે હવે સંતાઈને દૂર લીમડાનાં વૃક્ષ નીચે બેસી વિભાને જોઈ લઈશ. પણ વિભા ચાર દિવસ સુધી મંદિરે આવી જ નહીં. અભયને ચિંતા થઈ કે વિભા કેમ આવતી નથી? અને વિભાએ અભયને જોયા પછી અભયની દશા જોઈને દુઃખી, દુઃખી થઈ ગઈ હતી. તેણે વિમલને વાત કરી. વિમલ અને અભય બંને ખાસ મિત્ર હતા અને અભયનાં આગ્રહથી વિભા અને વિમલના લગ્ન થયા હતા.
અભયે જોયું વિભાની કાર આવી, વિભા કારમાંથી ઉતરી સીધી અભય પાસે આવી, અભય તો દૂર લીમડાનાં વૃક્ષ નીચે બેઠો હતો. “અભયભાઈ, હું તમને તે દિવસે જ ઓળખી ગઈ હતી, પણ તમારી આ સ્થિતિ જોઈને દુઃખી થઈ ગઈ હતી એટલે તમને મળ્યા વગર ચાલી ગઈ હતી. ભાઈ, ચાલો ઘરે.”
“ના બહેન, મારે તારા ગૃહસ્થ જીવનમાં વમળ ઊભા નથી કરવાં.”
“ભાઈ વિમલને આ વાતની ખબર છે; તે પણ મારી સાથે કારમાં આવ્યો છે, અને તમારી રાહ જોઈને કારમાં બેઠો છે. ચાલો ભાઈ, સંકોચ ન રાખો; તમારી બધી ગેરસમજ અને શંકા દૂર થઈ જશે.” અભય ખંચકાતો, ખંચકાતો વિભા સાથે વિમલ બેઠો હતો એ કાર પાસે ગયો. વિમલે કારમાંથી બહાર આવી અભયને પ્રેમથી આવકાર્યો.
“અભય, મારે તારી સાથે વાત કરવી છે.”
“તો કરને. વિમલ ઘણાં સમય પછી મને કોઈકે કહ્યું કે મારે તારી સાથે વાત કરવી છે. પણ, રીટા વિશેની વાત હોય તો ન કરતો. મારે રીટા સાથે કોઈ સંબંધ નથી.”
“તારી ત્યાં જ ભૂલ થાય છે. તું એકવાર રીટાને મળી લે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું તારો મિત્ર પહેલાંથી છું અને બનેવી તો પછી થયો.” વિમલના ખૂબ આગ્રહ પછી અભય રીટાને મળવા તૈયાર થયો.
“કેમ છે, તમને?”
“સારું છે, સાથે સાથે રખડતો થઈ ગયો છું. વિભા પરાણે મને અહીયાં લઈ આવી. બે-ત્રણ દિવસ રહીને પછી ક્યાંક ચાલ્યો જઈશ. મારે ક્યાં કોઈ આશરો છે.”
“એમ કેમ બોલો છો.”
“તો શું બોલું? માણસનો વિશ્વાસ તૂટી જાય પછી જીવતર ઝેર જેવું બની જાય છે.”
“મેં તમારો વિશ્વાસ નથી તોડ્યો, ત્યારે મેં તમને સાચી હકીકત જણાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ તમે મારું કાઈ સાંભળ્યું જ નહીં.”
“તો, આજે પણ નથી સાંભળવું. આ વિમલે બહુ આગ્રહ કર્યો એટલે તને મળવા તૈયાર થયો છું.”
“તમારે સાંભળવું હોય કે ન સાંભળવું હોય, આજે તમારે સાચી હકીકત જાણવી જ પડશે.”
“હું જેને મળતી હતી અને મને જે મળવા આવતો હતો એ મારા સગા મામાનો દીકરો, અંશુ હતો. તે હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો. સામે વાળા માથાભારે અને ગુંડા તત્ત્વો હતા એટલે છુપી રીતે મારી પાસે સલાહ સૂચન લેવા આવતો હતો. તમને તમારા ઉતાવળિયા સ્વભાવને લીધે વાત કરવાં નહોતો માગતો. બીજું તમારી પાસે તેની ઇમેજ ખરડાય એટલે પણ મને તમને વાત કરવાની ના પાડી હતી. સામેવાળા ગુંડા તત્ત્વો હોવાથી એ મને સીધી રીતે ક્યાં ય સંડોવવા નહોતો માંગતો, એટલે આ વાત હું તમને કરી શકી નહોતી, છતાં મેં તમને કહ્યું હતું તમે મારા ઉપર વિશ્વાસ રાખો, હું કંઈ ખોટું કામ કરતી નથી.”
અંશુએ કહ્યું, “હા, જીજાજી, રીટાએ કહેલી વાત સો ટકા સાચી છે અને તેના સાક્ષી આ વિમલભાઈ અને વિભાબહેન છે.”
“અભય, મેં તને કહ્યું હતું ને તું રીટાને મળીશ એટલે બધી ચોખવટ થઈ જશે. તારી ખોટી શંકા અને વાત નહીં સાંભળવાની જીદે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. પતિ, પત્નીના સંબંધ તો એક બીજાના વિશ્વાસના દોરથી જોડાયેલ હોય છે. બંને વચ્ચેનો વિશ્વાસ જ જીવન જીવવાનું ભાથું હોય છે. હવે તારે શું કરવાનું છે? તું જે ઇચ્છે એ નિર્ણય લેવા માટે તું છૂટો છો. મારી જવાબદારી તારી શંકા હતી એ ખોટી હતી એ તને સમજાવવાની અને રીટાબહેને કાંઈ જ ખોટું નથી કર્યું એ પુરવાર કરવાની હતી. હવે તારી વાત તું જાણે.”
“હું, મારી ભૂલ સ્વીકારું છું. મેં, ત્યારે રીટાને સાંભળી હોત, સમજી હોત, તો આ પરિસ્થિતિ ઊભી ન થાત. તેણે તો પરિસ્થિતિની મર્યાદામાં રહીને મને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા હતા. હવે જે સમય ચાલ્યો ગયો છે એ તો હું પાછો નહીં લાવી શકું, પણ એ વિતેલા સમયનું અનેક ઘણું મૂલ્ય રીટાને ચુકવીશ. વિશાલ, વિભા, અને અંશુ તમારો ખૂબ ખૂબ આભાર.”
“એમ આભાર માને નહીં ચાલે, અમે બહાર બેઠા છીએ, તમે સુલેહનો ધ્વજ ફરકાવી લ્યો. ચાલ, વિભા, હવે આપણું અહીયાં કંઈ કામ નથી.”
“રીટા,” રીટાએ અભય સામે જોયું, “હવે સુલેહના બંધનમાં મને બાંધીને તું બંધાઈ જા.” ને રીટા દોડીને અભયની બાહોમાં સમાય ગઈ. ઘણા સમય પછી અવાજ આવ્યો “સુલેહ થઈ ગઈ હોય તો અમે અંદર આવીએ?”
“ના, અમે બહાર આવીએ છીએ.” રીટા અને અભય હાથમાં હાથ પરોવી બહાર આવ્યાં બધાની આંખો હર્ષના આંસુથી છલકાય ગઈ….
(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com