Opinion Magazine
Number of visits: 9448923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શારીરિક અંતર જાળવીને ‘સામાજિક નજદીકી’ની હૂંફ પેદા કરવાનો સમય

આરતી નાયર|Opinion - Opinion|14 April 2020

એક મહિના પહેલાં માર્ચ ૧૫, રવિવારે, હું અને મારો જીવનસાથી (ટૂંકમાં જી) અમારાં મુંબઈના અને અમારાં સહજીવનના નવા પહેલવહેલા ઘરમાં પ્રવેશ્યાં. અમારાં લગ્ન ફેબ્રુઆરી ૧, ૨૦૨૦ના રોજ વતન અમદાવાદમાં થયાં હતાં. મુંબઈમાં અમારું છે તો ભાડાનું ઘર, પણ અમારી કલ્પનામાં હતું તેવું એ ઘર છે. સરસ હવાઉજાસ, પૂરતી મોકળાશ અને સીધુંસાદું છતાં પોતીકું લાગે તેવું એ ઘર છે. છેલ્લા થોડા દિવસોથી અમે એક મિત્રના મુંબઈના ઘરમાં રહેતાં હતાં અને અમારો સંસાર સુટકેસોમાં સમેટાયેલી ચીજોથી ચાલતો હતો. એટલે, સ્વાભાવિક છે કે અમારા પોતાનાં ઘરમાં પગ મૂકતાંવેંત અમે સાતમા આસમાને હતાં.

એ જ દિવસે, બપોરે જીની ઑફિસમાંથી સંદેશ આવ્યો કે ‘નવી વ્યવસ્થાની જાણ ન થાય ત્યાં સુધી બધાં કર્મચારીઓએ, મહારાષ્ટ્રમાં કોરોનાના રોગચાળાને વધતો રોકવાના સાવચેતીનાં પગલાંરૂપે, સોમવારથી ઘરે રહીને કામ કરવાનું રહેશે’. છેલ્લા થોડા દિવસથી મહારાષ્ટ્રમાં કોરોનાનો ફેલાવો ઝડપથી વધવા લાગ્યો હતો અને મુંબઈ તો વળી તેમાં વધારે ખળભળી ઊઠ્યું હતું. જો કે, અંગત રીતે કહું તો આ સંદેશાથી અમે રાજી થયાં. અમારે તો જાણે બગાસું ખાતાં પતાસું આવી પડ્યું. નવા ઘરને શાંતિથી ગોઠવવા માટેના અને ફરજિયાતપણે સાથે રહેવાની તક આપતા આ દિવસો અમને તો લગ્નજીવનની ભેટ જેવા વહાલા લાગ્યા. અણધારી અને દેખીતી ખુશીઓની પાછળ જીવનની વરવી વાસ્તવિકતાઓ પણ આવી રહી છે તેની એ વખતે ક્યાં ખબર હતી !

ડિસેમ્બર, ૨૦૧૯માં મારો અનુસ્નાતક અભ્યાસ પૂરો કરીને હું લંડનથી પાછી આવી. મારે નવું કામ શોધવાના આ દિવસો હતા. સોમવારે સવારે મેં કામ શોધવાના પ્રયાસ તરીકે કેટલાક ફોન અને ઈ-મેઇલ કર્યા, ત્યારે જ જાણવા મળ્યું કે ભરતીની બધી પ્રક્રિયાઓ હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાને જાહેર પરિપત્ર દ્વારા તાકીદનાં કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે ભારપૂર્વક વિનંતી કરી હતી. આ બધું ક્યાં જઈને અટકશે તેવા ઉચાટ સાથે અમે પણ તેનું પાલન કરવા માટે સજ્જ બની રહ્યાં હતાં. પરંતુ બીજાં ઘણાં લોકો આ વિનંતીને પૂરી ગંભીરતાથી સમજ્યાં હોય કે તેને અમલમાં મૂકતાં હોય એવું લાગતું ન હતું. પરિસ્થિતિ વણસતી હોય એમ લાગતું હતું. પછીના પાંચ દિવસમાં તો મુંબઈ પર ‘તાળાબંધી’ લાગુ કરવાનો વારો આવ્યો. મુંબઈના ઇતિહાસમાં કદાચ પહેલી વાર તેની ધોરી નસ સમાન લોકલ ટ્રેન સેવાઓ અનિશ્ચિત સમય માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ !

બપોરે હું નજીકના ડી-માર્ટ સ્ટોરમાં રોજિંદી ચીજવસ્તુઓની ખરીદી કરવા ગઈ. ત્યાં પહેલાં તો સ્ટોરમાં ખરીદી કરવા આવનાર દરેકના શરીરના તાપમાનને પિસ્તોલ જેવા એક યંત્રથી મપાઈ રહ્યું હતું. મારી પણ એ રીતે તપાસ કરવામાં આવી. તે ૧૦૨૦ બતાવતું હતું. હું ધોમધખતા તાપમાં ચાલીને આવી હતી એટલે હશે, કદાચ. તેમણે મને પાંચ મિનિટ બાજુ પર બેસાડી રાખી અને તે પછી ફરીથી શરીરનું તાપમાન માપ્યું. તે નીચે ઉતર્યું હતું. એટલે મને અંદર જવાની છૂટ મળી. (એ દિવસોમાં તાવને વાઇરસના ચેપગ્રસ્તોની ઓળખ માટેનું પ્રાથમિક લક્ષણ ગણવામાં આવતું હતું. એરપોર્ટ પર પણ શરીરનું તાપમાન માપતાં સ્કૅનર મૂકાતાં હતાં.)

સ્ટોરમાં એક જ દિવસમાં જાણે માસ્ક બાંધેલાં લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ગાંડાંતુર થઈને ખરીદી કરવા મચી પડ્યાં હોય તેવું જણાતું હતું. સ્ટોરમાં ‘બધી વસ્તુઓનો પૂરતો જથ્થો છે. બધાંને જોઈતું મળી રહેશે’ એવી હૈયાધારણ અપાતી હોવા છતાં, પાંચ કિલો સર્ફ એક્સેલ, ૧૦ લીટર તેલ, ૨૦ પેકેટ દૂધ, ફ્લોર ક્લિનરની પાંચ બૉટલ એમ જથ્થામાં વસ્તુઓ લોકોની ઠેલણગાડીઓમાં ઠલવાતી જતી હતી. આ શું? દુનિયા આવતી કાલથી મહાપ્રલયમાં ડૂબી જવાની છે?

માણસજાતની ભીતર છૂપાયેલી વૃત્તિઓનાં વરવાં દર્શન અમને થઈ રહ્યાં હતાં. થોડા દિવસો પહેલાં ઘરે અમે વાત કરતાં હતાં અને મારાં માતાપિતાએ અમારા માટે બધી બહુ ચીજો બાંધી આપી તે વિશે ધોખો કરતાં હતાં. તેમને અમે કહેતાં કે અમે કોઈ એકલાઅટૂલા નિર્જન ટાપુ પર દેશનિકાલ માટે નથી જઈ રહ્યાં! ભૌગોલિક રૂપે મુંબઈ એક ટાપુ છે તે વાત અલગ છે! પણ દાળ, ચોખા લોટના પાંચ-પાંચ કિલોના ડબ્બા, પ્લાસ્ટિકના ખાલી ડબ્બાના બે નવા સેટ અને ઘરમાંથી કાઢી આપેલો એક સેટ, ચાર સેટ ગાદલાંગોદડાં — આ બધું ‘મુવર્સ અને પેકર્સ’ના માથે ઊભાં રહીને તેમણે પૅક કરાવ્યું અને અમને રવાના કર્યું, તે અમને વધારે પડતું લાગતું હતું. પણ માતાપિતાના પ્રેમાળ હઠાગ્રહને વશ થવું જ પડ્યું. પરંતુ સ્ટોરમાં ‘તાળાબંધી’માં લોકોને ઘાંઘાં થઈને ખરીદતાં જોયાં ત્યારે અણધાર્યા સંજોગો સામે સુરક્ષાકવચ તૈયાર રાખવાની વડીલોની માનસિકતા સમજાવા લાગી. અમને એ પણ ભાન થયું કે અમારી પેઢીએ તો આવી કોઈ આકસ્મિક આફત અનુભવી પણ ક્યાં છે !

એ પછીના દિવસોમાં તો ‘પહેલી વારની ઘટનાઓ’નો સિલસિલો ચાલવાનો હતો. ‘કચરેવાલે ભૈયા’એ લગભગ ધમકીના સૂરમાં જાણ કરી દીધી કે ’કાલથી કચરાનો ડબ્બો બહાર મુકતાં જજો. હું તમારાં ઘરની ઘંટડી નહીં વગાડું કે દરવાજો નહીં ખટખટાવું.’ પછી એક ઊંડો શ્વાસ લઈને તેમણે સૂચના પૂરી કરતાં કહ્યું, ‘કોઈ પણ વસ્તુને અડવાનું નથી ને? પછી પાછાં એ બાબતે મારી સામે ફરિયાદ કરશો.’

કરિયાણું વગેરેની ખરીદી કરવા જતી વેળા દેખાતું હતું કે રિક્ષાચાલકોએ પણ મોંએં માસ્ક લગાવ્યા હતા. ઓલા-ઉબર જેવી ટૅક્સી તો ભાગ્યે જ મળી શકે તેવું જણાતું હતું. બીજા દિવસથી તો બધાં રેસ્તોરાં પણ ફરજિયાતપણે બંધ કરી દેવાયાં. કારણ વગર રસ્તા પર કોઈ રખડવા ન નીકળે તે માટે પોલીસે વધારે વ્યાપક દેખરેખ શરૂ કરી અને એવું કોઈ મળી આવે તો તેમને નાનીમોટી સજા થતી હોવાનું પણ જાણવા મળ્યું.

આ બધું થવા છતાં અમે અમારી નિયમિત દિનચર્યા ગોઠવી લીધી. મારા લંડનના દિવસોમાં  મરજિયાતપણે એકલા રહેવાનો મને ઘણો અનુભવ છે. એટલે તેમાં શું શું થઈ શકે તે હું જાણતી હતી. આવી પરિસ્થિતિમાં નિયમિત દિનચર્યા ન ગોઠવો તો બધો સમય કંઈ જ કર્યા વગર સરી જાય. એવી પરિસ્થિતિ જો લાંબી ચાલે તો પહેલાં તમને કંટાળો આવે અને પછી તેમાંથી નિરાશા ઘેરાવા લાગે. ૨૦૧૬થી ફ્રી લાન્સ કામ કરવાના મારા અનુભવને આધારે હું ખાતરીથી કહી શકું છું કે ઘરેથી કામ કરવા માટે આકરી સ્વ-શિસ્તભરી જીવનશૈલી અપનાવવી પડે છે. ભારતમાં ઘરેથી કામ કરવાની પ્રથા હજુ બહુ વ્યાપક નથી થઈ, પરંતુ કોરોના-તાળાબંધીએ લોકોને તેના માટે ફરજ પાડી છે. ઘરેથી કામ કરવામાં ગાપચી મારનારાંનું સૌથી હાથવગું બહાનું ‘ઇન્ટરનેટ નહોતું મળતું કે બહુ ધીમું હતું’ તે છે. એક દિવસે જી અને તેમના પાંચ અન્ય સહકર્મચારીઓને એક ટેલિ-કોન્ફરન્સ પર વાત કરવાનું થયું. છએ છ જણાંનું પહેલું વાક્ય ‘ઇન્ટરનેટ નથી મળતું’ એ હતું. એટલું બોલતાં જ બધાં ખડખડાટ હસી પડ્યાં હતાં! અમે અમારી પોતપોતાની કામની વ્યવસ્થા અલગ અલગ ગોઠવી લીધી અને એક ચોક્કસ સમયપત્રક મુજબ પોતપોતાનું કામ કરવા લાગ્યાં.

તે પછી આવી વડા પ્રધાનની દેશવ્યાપી જનતા કરફ્યુની જાહેરાત. એ રાત્રે અમે પણ થોડી ખરીદી કરવા બજારમાં ગયાં હતાં. ત્યાં અમે ડરના વાતાવરણનો અનુભવ કર્યો. કરિયાણાની અને શાકભાજીની દુકાનોની બહાર લાંબી લાંબી લાઈનો લાગી હતી. ભાવો આસમાને ચડી ચૂક્યા હતા. ૨૨મી માર્ચના રવિવારે દેશ માટે જનતા કરફ્યુનો પહેલો અનુભવ હતો, પણ અમે મુંબઈવાળાંઓ તો અડધાપડધા કરફ્યુમાં છેલ્લા ચારેક દિવસથી રહેતાં જ હતાં. અમારી સોસાયટીએ બધાંને જણાવી દીધું કે ૩૧મી માર્ચ સુધી હવે કોઈને ત્યાં (ઘરકામ કરતાં) ’બાઈ’ નહીં આવે. દેશવ્યાપી તાળાબંધીનાં એલાન પછી (જે પહેલાં ૧૪ એપ્રિલ સુધી અને હવે ૩ મે સુધી લંબાવાયું છે.) બીજા દિવસથી અખબાર પણ આવતાં બંધ થઈ ગયાં. સવારે અખબાર વાંચવું એ અમારી ગોઠવાયેલી દિનચર્યાનો ભાગ હતું. તેમાં પહેલું ગાબડું પડ્યું !

હવે બીજા વીસેક દિવસ તો બધાંએ આ પરિસ્થિતિમાં કાઢવાના રહેશે. આ પ્રકારના સંજોગોમાં અમને અમારાં મમ્મી-પપ્પા બહુ વિચિત્ર કહી શકાય એવી મુશ્કેલ હાલતમાં હોય તેવું જણાતું હતું. તેમનાં લગ્નજીવનને ભલે ત્રીસ વર્ષ થયાં, પણ ઘરે બેસીને, જાગ્રત અવસ્થાનો એક સાથે આટલો બધો સમય તેમણે ક્યારે પણ કદાચ નહીં વીતાવ્યો હોય. નેટફ્લિક્સ જેવી મનોરંજન સુવિધાઓની મદદથી કાર્યક્રમો ને ફિલ્મો જોઈને તે સમય પસાર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે, તેમ છતાં કામકાજ વગર ઘરે બેસી રહેવું પડે છે એટલે દિવસના અંતે તેમને કંટાળો આવે છે. અમે તેમની સાથે દિવસમાં ત્રણ-ચાર વાર વાત કરીને, એકાદ-બે વખત વીડિયો કૉલ કરીને તેમનાં ખબરઅંતર પૂછતાં રહીએ છીએ. દિવસમાં એકાદ-બે વાર અહીં અમે જે રીતે ઘરમાં ગોઠવાઈ રહ્યાં છીએ તેના ફોટા અને વીડિયો ક્લિપ્સ પણ મોકલીએ. પણ તે બધામાં કેટલો સમય જાય? એ લોકોની પેઢી આપણી પિતૃસત્તાક વ્યવસ્થાની મનોદશામાંથી બહાર પણ નથી આવી શકી. અમારા પિતાઓ અમારી માતાઓને ઘરકામમાં મદદ કરવા ટેવાયેલા ન હોય, તો અમારી માતાઓ પણ રસોડામાં પુરુષોની હાજરીથી ટેવાયેલી ન હોય. હું તો નસીબદાર છું કે હું વર્તમાન સમયમાં જન્મી છું, જ્યાં પતિ-પત્ની એકબીજાંની અપેક્ષાઓ બાબતે બહુ સ્પષ્ટ હોય છે. મને તો જો કે રસોઈ કરવી ગમે છે અને હું રાંધણકળાની નિષ્ણાત ભલે નથી, પણ મારા હાથની રસોઈ સ્વાદિષ્ટ તો જરૂર હોય છે. મારે માટે તો રસોઈ જીવનચર્યાની એકધારી દોડધામમાં શારીરિક અને માનસિક સ્ફુર્તિ બક્ષતી પ્રવૃત્તિ પણ છે. તેમ છતાં જી મારી સાથે મદદમાં હંમેશાં રહે જ છે અને તે મને ગમે પણ છે.

સમાજ તરીકે આપણે એક બહુ અકળ વળાંક પર આવી ઊભાં છીએ. કોરોનાએ આપણને પહેલી વાર ભાન કરાવ્યું છે કે આજે સમય ‘જીસકી લાઠી ઉસકી ભેંસ’નો નથી, પણ જો ટકી રહેવું હશે તો બધાંએ સામૂહિક રીતે જવાબદારી ઉઠાવવી અને નિભાવવી પડશે. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક લેખમાં જણાવ્યા પ્રમાણે, આ સમય ખરેખર સોશિયલ ડિસ્ટન્સિંગનો નહીં, પણ ફિઝીકલ ડિસ્ટન્સિંગ (શારીરિક અંતર) જાળવીને ‘સામાજિક નજદીકી’ની હૂંફ પેદા કરવાનો છે. સાર્વત્રિક તાણના આ સમયમાં પોતાની સંભાળ રાખવાની સાથે શારીરિક અંતર જાળવીને આસપાસનાંની સંભાળ લેવા અંગે સજાગ થવું પડશે. અને એ બધું કરવા જતાં કોરોના વાઈરસના ફેલાવાના ચક્રને તોડવા માટે જે કંઈ કરવાનું છે તેમાં તો ચૂક ન થાય તે મહત્ત્વનું છે જ. ફોન અને સોશિયલ મીડિયાની મદદથી એકબીજાંની જરૂરિયાતો વિશે જાણતાં રહીએ અને તે પૂરી કરવામાં શક્ય તેટલી સહાય કરીએ. એકબીજાંથી અંતર રાખતી વખતે આપણે સામાજિક તાણમાં અને ચિંતામાં ઉમેરો નથી કરી રહ્યાં, તે બાબતે સજાગ રહીએ.

‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ના એક અન્ય લેખમાં આ મહામારી પછી સર્જાનારા માનસિક આરોગ્યના સંભવિત પ્રશ્નો (પૉસ્ટ-ટ્રૉમેટિક ડિસઑર્ડર સિન્ડ્રોમ) તરફ અંગુલિનિર્દેશ પણ કરાયો છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા પછી પણ તેનો સામૂહિક ખોફ ચાલુ રહે એવું તેમાં સૂચવાયું હતું. પહેલાં જેવી સ્થિતિ પાછી ફરે પછી પણ લોકો તેને અપનાવવામાં અસુખ અનુભવે, અમુક પ્રકારનો જીવનક્રમ તેમને ગોઠી ગયો હોય કે તૂટી ચૂકેલા અમુક સામાજિક સંબંધો ને વ્યવસ્થાઓ ફરીથી મૂળ સ્વરૂપે ન આવે, એવું બની શકે.

અમારી જ વાત કરું. ફેબ્રુઆરી ૨૦૨૦માં લગ્નસંબંધમાં બંધાયા પહેલાં અમે આઠ વર્ષથી એકબીજાંનાં સાહચર્યમાં હતાં, પણ અમારું બા-કાયદા લગ્નજીવન આવી અકલ્પ્ય ઐતિહાસિક પરિસ્થિતિમાં શરૂ થશે તેવું તો એ વર્ષોમાં ક્યારે પણ વિચાર્યું નહોતું. સહજીવનની આ શરૂઆત આદર્શ જરૂર નથી, પણ એ પરિસ્થિતિમાં એકબીજાં સાથે છીએ તેને કારણે તે માત્ર સહ્ય જ નહીં, પણ રસપ્રદ લાગી રહી છે.

આ લખી રહી છું ત્યારે એક વડીલ બાજુના મકાનની બાલ્કનીમાં, એકલા એકલા, આકાશ ભણી નજર કરીને, મોટેથી ભજનો ગાઈ રહ્યા છે. થોડી જ વારમાં ઘરમાંથી એક બૂમ સંભળાય છે (કદાચ તેમના દીકરાની હશે) જે તેમને ઘરની અંદર બોલાવી લે છે. બધું ગોઠવાતું હોવા છતાં, કંઈ જ પહેલાં જેવું નથી જણાતું.

આપણને, આપણા બધાં માટે, શુભેચ્છાઓ.

e.mail : rtnair91@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 14 ઍપ્રિલ 2020

Loading

14 April 2020 admin
← કોરોનાસંકટમાં વિકેન્દ્રિત વ્યવસ્થાનું દર્શન
ધાડ ફિલ્મ ખરેખરા કચ્છનું છેલ્લું દસ્તાવેજીકરણ છે →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved