ગાંધી અને આંબેડકર વચ્ચે મતભેદ હતા, પણ બન્નેનો હેતુ સમાજ સુધારવાનો જ હતો. પુના કરાર પછી પણ ગાંધીજી દલિતોના હક માટે સતત લડ્યા

પ્રકાશ ન. શાહ
સપ્ટેમ્બર 1932ના પુના કરારની પિછવાઈ પર ગાંધી જયંતીના પૂર્વ દિવસોમાં આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે આંબેડકરને દાપો દરમાયો આપી શકનાર સયાજીરાવ ગાયકવાડ ગામમાં ઘર અપાવી શક્યા નહોતા એ ઐતિહાસિક તથ્યને વામપંથીઓને ઉપજાવેલ કથાનક (નેરેટિવ) તરીકે ધરાર ઘટાવનાર મંડળી મુખપોથી પર મચી પડી છે.
ભાઈ, આંબેડકર વિશે ગાંધી તરફે અગર ગાંધી વિશે આંબેડકર તરફે કે પછી બંને બાબતે મૂલ્યાંકનભેદ જરૂર હોઈ શકે. પણ દલિત હોવું એ કેવી અમાનવીય અનવસ્થા હોઈ શકે એનું પ્રત્યક્ષ નિદર્શન જ્યારે એક દસ્તાવેજી હકીકત તરીકે આપણી સામે આવે ત્યારે એને વગર આધારે પડકારીએ તે કદાચ એવી માનસિકતા સૂચવે છે જેમાં ન્યાયી પરિવર્તન પરત્વે કશોક અંતરિયાળ અવરોધ હોઈ પણ શકે.
ગોપાલ ગુરુ જેવા અભ્યાસીને ગાંધીનો જે ગુણ વસ્યો છે તે તો એ કે આ એક એવો ઉજળિયાત નેતા નીકળ્યો જે દલિતો સાથેના ભેદભાવને ખોટો ગણવા ઉપરાંત તેમાં પોતાનું સામાજિક દાયિત્વ પણ જાણેસમજે છે અને એના સ્વીકારપૂર્વક પ્રાયશ્ચિતબુદ્ધિથી મંડી પડે છે.
મુદ્દે, ગોપાલ ગુરુના આ અવલોકનને એક પાયાની વિગત તરીકે સ્વીકારીએ તો જે એક બીજો પ્રશ્ન ઘણી વાર જોવા-અનુભવવા મળે છે એના કળણમાં ખૂંપવામાંથી ઊગરી શકીએ. ‘અમારા ગાંધી વિ. તમારા આંબેડકર’ કે ‘તમારા ગાંધી વિ. અમારા આંબેડકર’ આવી છાવણીઓ રાજકીય અગર બીજી સામસામી મોરચાબંધી વાસ્તે સગવડભરી હશે પણ સમાજ નવનિર્માણની દૃષ્ટિએ તે નથી દુરસ્ત, કે નથી તંદુરસ્ત.
‘અમારા ગાંધી’ સ્કૂલને કોણ યાદ અપાવશે એમની કચ્છયાત્રાના આ શતાબ્દી વર્ષમાં કે આંબેડકર સામે મોરચો ખોલવા ગાંધીને ખપમાં લેવાતા ભલે હોય – એમની કચ્છયાત્રામાં ડગલે ને પગલે એમની સાથે સલામત અંતરનો (કહો કે અસ્પૃશ્યવત વહેવાર કરતો) એક ઉજળિયાત તબકો ત્યારે હતો. અને, ‘અમારા આંબેડકર’ સ્કૂલને કોણ યાદ અપાવશે કે પ્રાયશ્ચિતબુદ્ધિથી તમારી તરફે ઝૂકવા સબબ ગાંધી કઈ હદે હડધૂત થઈ રહ્યા હતા.
પુના કરાર પછી નવેમ્બર 1933થી જુલાઈ 1934ના આશરે નવ મહિનાના ગાળા માટે ગાંધીએ બાર હજાર માઈલ કરતાં વધુ પ્રવાસ હરિજન યાત્રા નિમિત્તે ખેડ્યો હતો. આ ગાળા દરમ્યાન, પુનાની મુલાકાત વખતે એમના મિશનને લક્ષમાં લઈ જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. માત્ર હડધૂત થયે નહીં અટકતાં હત્યાનું નિશાન બનવું, એ કેમ જાણે ગાંધીની ઇતિહાસનિયતિ ન હોય!
આ જ માનસ 1944માં મહાબળેશ્વરમાં ગાંધી પર છૂરા સાથે હુમલાની કોશિશ વાટે પ્રગટ થયું હતું. અદ્વૈત, તત્ત્વજ્ઞાનનું અભિમાન પોકારતી પ્રજા દલિત ને મુસ્લિમ બાબતે આવી ને આટલી આળી કાં કે એક સર્વજન હિતેચ્છુ જીવનસાધકને મારવા લે. ગાંધીએ ત્યારે પણ હુમલાખોર(ગોડસે)ને કહ્યું હતું કે સેવાગ્રામ આવી મારી સાથે થોડા દિવસ રહો – આપણે એકબીજાને સમજીએ.
બિલકુલ આ જ વહેવાર હતો ગાંધીનો સુહરાવર્દી સાથે. જુલાઈ 1946ના ‘ડાઈરેક્ટ એક્શન’ના બંગાલ હીરોને ઓગસ્ટ-સપ્ટેમ્બર 1947માં ગાંધીએ કહ્યું કે કોલકાતામાં શાંતિ-સ્થાપન સારુ એ શરતે રોકાઉં કે તમે એક ફકીર પેઠે મારી સાથે જોડાઓ. શાંતિ સ્થપાઈ – માઉન્ટબેટનના શબ્દોમાં પંચાવન હજારનું દળ ન કરી શક્યું તે આ ‘વન મેન આર્મી’એ કર્યું! પંજાબની અશાંતિ સાદ દેતી હતી પણ ગાંધીએ ગાંઠ મારી હતી કે અહીં શાંતિ સ્થાપું તો ત્યાં જવુંયે ફળદાયી થઈ શકે.
સપ્ટેમ્બર 1947માં સ્વરાજી ભારતે ગાંધીના પ્રથમ અનશન જોયા. જેના યશસ્વી અંત પછી, શાંતિ મિશન સારુ દિલ્હી જવા ઉપડતા ગાંધીને સ્ટેશને વિદાય આપવા જનારાઓમાં એક સુહરાવર્દી પણ હતા, આંખમાં આંસુ સાથે.
મહાબળેશ્વરોત્તર ગોડસેમાં એવો કોઈ બદલાવ આવ્યો નહીં તે આપણે 1948ની 30મી જાન્યુઆરીએ જોયું જ્યારે માધવ રામાનુજના કવિબોલમાં કહીએ તો એક સાથે બબ્બે સૂરજ આથમ્યા હતા : સમજવાલાયક મુદ્દો અહીં કદાચ એ એક જ છે કે ભાગલાની જોગવાઈ મુજબ પાકિસ્તાનને આપવાની થતી રકમના અમલ માટેના આગ્રહને કારણે હું ગાંધીનો જાન લેવા પ્રેરાયો તે બહુ જાડું વિધાન છે. જે માનસિકતા હરિજનયાત્રા વખતે 33-34માં કે પછી મહાબળેશ્વરની ઘટનામાં (1944માં) કામ કરતી હતી 1948માં ‘આતતાયી વધ’ કરીને જ જંપી.
સપ્ટેમ્બર 1947માં કોલકાતા પ્રકરણ આટોપી ગાંધી દિલ્હી પહોંચ્યા ત્યારે સ્ટેશન પર એમને લેવા આવેલા સરદારે કહ્યું કે અશાંત બલકે તંગ પરિસ્થિતિવશ આ વખતે તમારો ઉતારો ભંગી કોલોનીને બદલે બીજે રાખવાની ફરજ પડી છે. જે દૃશ્યો ગાંધીએ દિલ્હીમાં જોયાંજાણ્યાં તેની અસર એમના હૃદયને કઈ હદે થઈ હશે?
બીજી ઓક્ટોબરે એમના જન્મદિવસે મળવા માઉન્ટબેટન પહોંચ્યા ત્યારે ગાંધીએ કહ્યું કે પહેલાં હું સવાસો વરસ જીવવાની વાત કરતો હતો, હવે એવું નથી કહેતો.
અલબત્ત, એમનું જીવન હતું તો સ્વાર્પણ-સમર્પણ સાક્ષાત. એમના અંતિમ ઉપવાસ, જાન્યુઆરી 1948 અધવચ, વળી દિલ્હીની અશાંતિ શમાવનારા બની રહ્યા. પાકિસ્તાનને અગાઉથી મુકરર રકમ આપવાના વિધિવત નિર્ણય છતાં ગાંધીના અનશનનો અંત ત્યારે આવ્યો નહોતો એ અધોરેખિતપણે નોંધવું જોઈએ. એમણે એક વ્યાપક ભૂમિકા લીધી હતી: સરહદની બંને બાજુએ લઘુમતીની સંભાળ લેવાય. પાક પંજાબની પ્રતિનિધિ સભામાં મુખ્ય મંત્રીએ કહ્યું કે ગાંધીના ઉપવાસે અમને લઘુમતીની સંભાળ વાસ્તે ઝકઝોરી મૂક્યા છે.
વાતનો બંધ વાળવામાં છું ત્યાં જોઉં છું કે બીજી ઓક્ટોબરે જો ગાંધી જયંતી છે તો દશેરા પણ છે. સંઘને સો વરસ પૂરાં થશે. શાંતિની અપીલમાં ગાંધીજી સાથે સંયુક્તપણે જોડાવાની ગોળવલકરે ના પાડી હતી : મારું સમર્થન છે તેમ તમે જરૂર કહી શકો – પણ સહીમાં નહીં જોડાઈ શકું … સંઘવિચાર ને ગાંધીવિચાર વિશે, લગીર રહીને- યથાપ્રસંગ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 ઑક્ટોબર 2025