ડોસાડોસીઓ આમ પણ વધારાનાં હોય છે. તે અટવાતાં, અથડાતાં જ રહે છે, મોટે ભાગે તો! તે ઘરડાંઘરને ભારે હોય છે અથવા તો વિદેશમાં સંતાનોનાં બાળકો ઉછેરનારાં વગર પગારનાં કામદારો હોય છે. સંયુક્ત કુટુંબના અવશેષો જેવાં તેઓ ક્યારેક કુટુંબમાં, ચા-થાળીના ઓશિયાળાં હોય છે. તે ક્યારેક તબેલાનાં ઢોર જેવાં ભવ્ય ભૂતકાળ વાગોળતાં હોય છે ને એમને સાંભળવાની કે સહન કરવાની ભાગ્યે જ કોઈની તૈયારી હોય છે. ચલાતું ન હોય ને હયાતીનાં પ્રમાણ આપવા સંબંધિત સ્થાનોનાં પગથિયાં ઘસવાનાં જ થાય છે. લાઇનમાં ઊભા રહેવામાંથી સાઠ, પાંસઠની ઉંમરે પણ મુક્તિ નથી. રેલવેમાં કન્સેશન મળે છે, પણ પ્લૅટફૉર્મ ચડવા- ઊતરવામાંથી છૂટકો નથી. મોટે ભાગે લિફ્ટ કે વહીલચૅર અવેઇલેબલ નથી હોતી.
નોકરી કૂટી કાઢનાર સિનિયર્સ વ્યાજ પર જીવે છે, પણ વ્યાજ અડધો ટકો વધારે મળતું હોવા છતાં તે એટલું ઓછું હોય છે કે એટલામાંથી બૂટ નહીં, પણ બૂટનું બૉક્સ માંડ આવી રહે. એટલું ઓછું હોય તેમ ટી.ડી.એસ. (Tax Deducted at Source) ગજવું કાતરતો જ રહે છે. જી.એસ.ટી.નું ઠેકાણું નથી પડતું ને ટી.ડી.એસ. ઠેકાણે પાડી દે છે. જે ડિપૉઝિટ ચોક્કસ મુદતે પાકતી હોય તેનું વ્યાજ છેલ્લે રકમ ઉપાડીએ ત્યારે મળે, પણ ટી.ડી.એસ. તો દર વર્ષે જ કપાતો જાય. આ તકલીફ સિનિયર્સને તો છે જ, બીજા ખાતેદારોને પણ છે જ. દાખલા તરીકે કોઈ ખાતેદાર પાંચ વર્ષ માટે કોઈ રકમ મૂકે ને તેનું વ્યાજ પાકતી મુદતે મળવાનું હોય તો પણ દર વર્ષે લાગુ પડતો ટી.ડી.એસ. તો કપાતો જ જાય છે. જે વ્યાજ વાપરવા જ નથી મળતું ને જે પાંચ વર્ષને અંતે જ મુદ્દલ સાથે મળવાનું છે, તેનો ટી.ડી.એસ. વચ્ચેથી કાપવાનો અર્થ તો એટલો જ થાય કે સરકારને ખાતેદારમાં વિશ્વાસ નથી. આ ખોટું છે. પાકતી મુદતે ટી.ડી.એસ. સાથે જ કપાય તો શું તકલીફ થાય, તે નથી સમજાતું.
સાધારણ રીતે જે સંસ્થામાં ડિપૉઝિટ હોય તે ખાતેદારના ખાતામાંથી લાગુ પડતો ટી.ડી.એસ. સંસ્થા કાપે છે ને ખાતેદારના પાનકાર્ડવાળા ઇન્કમટૅક્સના ખાતામાં જમા કરાવે છે, જેથી રિફંડ આપવાનું થાય તો એ રકમ ખાતેદારને જમા મળે. હવે બને છે એવું કે સંસ્થા ટી.ડી.એસ. કાપે, પણ જમા જ ન કરાવે, તો જે ટૅક્સ ખાતેદારે ભરવાનો થતો હોય તેમાં ટી.ડી.એસ. મજરે ના મળે ને ખાતેદારને ટૅક્સનું ભારણ વધે. કેટલાક કિસ્સાઓમાં તો એવું પણ બને છે કે ખાતેદારે રિફંડ લેવાનું થતું હોય તેને બદલે તેણે ટૅક્સ ઉપરાંત વ્યાજ કે પૅનલ્ટી વધારાનાં ભરવાનાં થાય. આમ, ખાતેદારનો વાંક ન હોવા છતાં તે કારણ વગર દંડાય છે તેમાં સિનિયર્સની તો હાલાકીનો પાર જ નથી રહેતો. તેના ધક્કા ઘટતા નથી.
સાધારણ રીતે ટી.ડી.એસ. ૧૦ ટકા કપાતો હોય છે, પણ કેટલાક કિસ્સાઓમાં તે ૨૦ ટકા કપાય છે. તેનું કારણ એ કે ખાતેદારે પાન નંબર નથી આપ્યો. આ વીસ ટકા તો ખાતેદારના પાન નંબરમાં જ જમા થાય છે, તો સવાલ એ થાય કે જો ખાતેદારના પાનનંબરમાં જ ટી.ડી.એસ. જમા થાય છે, તો પાન નંબર નથી એવું કંઈ રીતે કહેવાય? ૧૦ને બદલે વીસ ટકા કાપવાથી પાન નંબર જડી જાય એવું કયું સાધન છે તે નથી સમજાતું. ખાતેદારને ૧૦ ટકા વધારે દંડવાનો આ ઉપક્રમ અમાનવીય છે. આમાંથી ખાતેદારનો ઉગારો થવો જોઈએ. ને ગમ્મત તો એ છે કે આ બધું ઈમાનદારીથી રહેવા માંગે છે તેને જ નડે છે, જેણે ચોરી કરવી છે કે સરકારને રાતેપાણીએ નવરાવવી છે, તેને કોઈ મુશ્કેલી નથી, તે તો અહીં તેમ જ વિદેશમાં લહેર જ કરે છે, જય માલ્યાયે નમઃ, જય નિરવેય નમઃ ।
E-mail : vepari@youtele.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 11