લોકતંત્ર
વિધિવેત્તા કરતાં વધુ ન્યાયજોદ્ધા
વિધાનસભા વિસર્જનની માંગ સબબ એમણે કહ્યું કે કાનૂન સાર્વભૌમે (સરકારે) રાજકીય સાર્વભૌમ (મતદારો) સમક્ષ જવાની આ વાત, બિલકુલ એટલે બિલકુલ બંધારણસંમત છે.

પ્રકાશ ન. શાહ
તેઓ આપણી વચ્ચે હોત તો આજથી ત્રીજે દિવસે સોળમી સપ્ટેમ્બરે ખાસાં ચોરાણુ વરસના થયા હોત. વિધિવેત્તા અને એથીયે અધિકર તો ખરું જોતાં ન્યાયલડવૈયા એ.જી. નૂરાનીએ સો પૂરાં કર્યાં કે ન કર્યાં, ઇનિંગ્ઝની તો ખરેખરની ખરાખરીની ને પૂરેપૂરી ખેલીને ગયા.
ઊંચી પાયરીના અચ્છા ધારાશાસ્ત્રી એ અલબત્ત હતા. 1958માં દેશના સત્તા-પ્રતિષ્ઠામાં તેમ જ વ્યાપક લોકલાગણીની રીતે અણગમતા થઈ પડીને પણ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબદુલ્લાનો કેસ એ લડ્યા તેમાં એમનું શહર નિઃશંક ઝળક્યું હતું … એમનો અભ્યાસ, ઉત્સ્ફૂર્ત બૌદ્ધિક ક્ષમતા, નૈતિક સાહસ, એને વિશે તો શું કહેવું. ભગતસિંહના કેસ વિશે કે સાવરકર વિશે અગર આર.એસ.એસ. અંગે એમની કામગીરી સંશોધનના ઉત્તમ નિદર્શન શી હતી.
લઘુમતીની દાઝ જાણનારા એ સ્વાભાવિક જ હતા. પણ તે માટે એમનું ‘મુસ્લિમ’ હોવું જરૂરી નહોતું. દસ-અગિયાર વરસ પર એ પાકિસ્તાન ગયા ત્યારે જાહેર વાર્તાલાપમાં એમણે પાકિસ્તાની એલિટને ગમતા કેટલાક મુદ્દા કર્યા હશે, પણ કોઈક મુદ્દે એમણે શ્રોતાઓની લાગણીથી નિરપેક્ષપણે પણ કહેવા જેવું કહ્યું ત્યારે એમની સામે એવો ગણગણાટ ઊઠ્યો હતો કે તમે તો ‘ઇન્ડિયન’ની જેમ બોલો છો. એમણે કહ્યું કે જે કસોટીએ મેં તમને કહેલું કશુંક ગમ્યું તે જ કસોટીએ હું ‘ઇન્ડિયન’ પણ કેમ ન હોઈ શકું.

અબ્દુલ ગફૂર નૂરાની
એ.જી. નૂરાનીને જોવા મળવાનું તો એક જ વાર થયું છે. 2002ના ગુજરાતના ઘટનાક્રમને અંગે મનેસરમાં પ્રેસ ઇન્સ્ટિટ્યૂટે ચર્ચામિલન યોજ્યું હતું. બોંત્તેરના હશે, પણ ટી.વી. જર્નાલિઝમ સાથે જે તરુણ પત્રકારી નેતૃત્વ બહાર આવ્યું એ જે સજ્જતાથી વાત કરતું હશે એના કરતાં કેટલીક વાર વધારે શાર્પ એ વરતાતા. એમનો ઉછેર ટેકનોસાવી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તરેહનો નહીં પણ ‘ભયંકર સ્મૃતિ’ અને મુદ્દાને પકડવાની સ્ફૂર્તિ, કદાચ સૌથી વધુ હતી.
મેં આરંભે જ એમને વિધિવેત્તા કરતાં વધુ તો ન્યાયજોદ્ધા કહ્યા. નૂરાનીનું આ જોદ્ધાપણું બંધારણીય મૂલ્યો ને પ્રક્રિયા માટેની નિષ્ઠામાંથી આવ્યું હતું. આ લખું છું ત્યારે સાંભરે છે કે આશરે છ દાયકા પર ‘મજલિસે મુશવ્વરત’ના નેજા હેઠળ મુસ્લિમ નેતૃત્વ એક થિંક ટેંક પર એમને જોડાવા નિમંત્ર્યા ત્યારે એમણે અલબત્ત સાભાર પણ અસંદિગ્ધ શબ્દોમાં એ નિમંત્રણ નકારી કાઢ્યું હતું. એમણે કહ્યું’તું કે દેશના પ્રશ્નો બંધારણની વ્યાપક મર્યાદામાં વિચારવાના હોય, બધો વખત કેવળ ને કેવળ ‘કોમ’ તરીકે નહીં.
હમણાં મેં શેખ અબદુલ્લાના કેસમાં એમની કીર્તિદા કામગીરીની જિકર કરી પણ દેશના રાજકારણમાં ને સાર્વજનિક જીવનમાં સ્વરાજ પછી કદા જે સર્વાધિક મોટો, કહો કે શકવર્તી પલટો આવ્યો એના એક તરેહના બીજ-સંગોપન અને સંવર્ધનમાં એક કાનૂનવિદ ને ન્યાયલડવૈયા તરીકેનું અર્પણ વિસર્યું વિસરાય એમ નથી.
પ્રજાસત્તાક સ્વરાજ તરીકેની આપણી આયુર્યાત્રાની સૌથી મોટી જે જળથળ ઘટના હતી તે જયપ્રકાશના આંદોલનથી લઈ કટોકટીરાજ અને જનતાઆરોહણના તબક્કાની હતી. એ માટેનો મોટો ધક્કો સ્વાભાવિક જ વિધાનસભા વિસર્જનની માગનો હતો. ગુજરાતનું આંદોલન અલબત્ત જયપ્રકાશનું નહોતું, પણ બિહારમાં તો સુવાંગ નેતૃત્વ એમનું જ હતું. વિસર્જનની માંગ સુધી પહોંચતા એમણે ખાસો સમય લીધો હતો. સત્તા-પ્રતિષ્ઠાનની સંવેદનશૂન્યતાના લાંબા દોર પછી તેઓ આ માંગ સુધી પહોંચ્યા હતા. પણ ત્યારે પણ આરંભમાં એમને લાગતું હતું કે બંધારણ પ્રમાણે આ દુરસ્ત નથી. અલબત્ત, લોકતંત્રની દૃષ્ટિએ તે બિલકુલ શક્ય હોઈ શકે છે.
જયપ્રકાશની આ અભિજાત દ્વિધામાં સંશયનિવારણનું કામ નૂરાનીએ કર્યું હતું. એમણે વિશ્વના અદ્વિતીય બંધારણપટુ લોર્ડ ડાઇસીને ટાંકીને સમજાવ્યું કે તત્ત્વતઃ વિધાનસભા વિસર્જનની માંગણી એ કાનૂની સાર્વભૌમ (ઇંગ્લેન્ડના રાજા/રાણી કે ભારતના રાષ્ટ્રપતિ) તરફથી રાજકીય સાર્વભૌમ એટલે કે મતદાર જોગ અપીલ છે. રાષ્ટ્રપતિએ જનતાની અપીલને ધોરણે મંત્રીમંડળ બરખાસ્ત કરી જનતાની અદાલત સમક્ષ જવું જોઈએ. રાજકીય સાર્વભૌમ જ ચુકાદો આપે, તે બિલકુલ બંધારણીય ભૂમિકા છે.
નૂરાની જેવો રાહ લેનારા જ્યારે અપ્રિય ભૂમિકાએ ન હોય ત્યારે પણ સત્તા-પ્રતિષ્ઠાનોને સોરવાતા નથી. પણ એમનું હોઈ શકવું તે લોકતંત્રની ખુશકિસમતી છે તે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 11 સપ્ટેમ્બર 2024