અમદાવાદમાં આવેલી અજોડ નાટ્યભૂમિ Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી શુક્રવારે રાત્રે ગીતો અને વાતો, સંભારણાં અને સજાવટ, હરખ અને હેતથી હર્યાભર્યા માહોલમાં થઈ.
સ્ક્રૅપયાર્ડની મંડળીએ નાટકની દુનિયાને લગતાં, સાદા શબ્દોવાળા, અર્થપૂર્ણ અને ઊડતી હલકમાં ગાયેલાં ગીતોએ જમાવટ કરી (‘નાટક આવ્યું નાટક, હસતું નાટક રમતું નાટક…’, ‘નાટક થશે કે નહીં…’, ‘શેક્સપિઅર, ઓ ડિઅર શેક્સપિઅર…’). ગીતોના રચયિતા અને સ્વરકાર મહેમદાવાદના ગાયક-સંગીતકાર મયંક ઓઝા હાર્મોનિયમની સંગત પર હતા અને ઢોલક પર હતા જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી.
સ્ક્રૅપયાર્ડમાં ખૂબ મહેનતથી આગળ આવેલા કલાકાર એઝાઝ અને તેના સાથીઓએ સૂઝ -સંયમથી બનાવેલી વીસ મિનિટની ડૉક્યુમેન્ટરીમાં ઘણાં પાસાંની ઝલક હતી. ભાવનગરનાં વરિષ્ઠ વકીલ પ્રતિભા ઠક્કર અને તેમનાં દીકરી આર.જે. મેઘાએ બનાવેલા મજાના વીડિયોઝ પણ જોવા મળ્યા.

ઉજવણીના ભાગ રૂપે એક પ્રદર્શની હતી, જેમાં સ્ક્રૅપયાર્ડમાં ભજવાયેલાં અનેક નાટકો ઉપરાંત તેના નેજા હેઠળ અહીં યોજાયેલાં કાર્યશિબિરો અને કાર્યક્રમોના સુઘડ પોસ્ટર્સ હતાં.
કબીરના એક દોસ્તે આણેલી મોટ્ટી કેક, બીજાએ લાવેલા પેંડા, ઉપરાંત નાટકવાળાના વડા-પાવ અને ચા-કૉફીના અનલિમિટેડ અલ્પાહારની સાથે લાંબો સમય હળવા-મળવાનું ફોટા પડાવવાનું ચાલ્યું. ઉપસ્થિતોમાં મુખત્વે સ્ક્રૅપયાર્ડના યુવા કલાકારો અને સહાયકો હતા, જ્યારે વડીલ રંગકર્મીઓ અને હિતચિંતકોની ગેરહાજરી વરતાતી હતી.
પ્રદર્શની, બંને સ્ક્રિનિન્ગ્સ અને વ્યક્તિગત અનુભવ થકી સ્ક્રૅપયાર્ડની અનેક ખાસિયતો ઉપસે છે. તેમાંથી કેટલીક આ મુજબ છે :
∙ સામાજિક નિસબત ધરાવતાં નાટકોનું કંઠી પહેર્યાં વિના નિર્માણ.
∙ જુદા-જુદા સામાજિક-આર્થિક વર્ગોમાંથી આવતાં યુવક-યુવતીઓનું તખ્તાના અનેક હુન્નરમાં સમાનતાના ભાવ સાથે ઘડતર.
∙ અનેક પ્રકારના નાટકો અને વિવિધ કલાઓને લગતા કાર્યક્રમો માટે ઉદાર દિલે જગ્યા પૂરી પાડવાની તૈયારી જ નહીં, બલકે આતુરતાપૂર્વની પહેલ.
∙ બાળકો માટે નાટકો, થિએટર, કઠપૂતલી, માટીકામ જેવી વર્કશૉપ.
∙ લોકસંગીત, સિનેમા, કાર્ટૂનિંગ જેવા વિષયો પરના રસપ્રદ કાર્યક્રમો અને દુનિયાભરની ફિલ્મોનાં સ્ક્રિનિન્ગ્સ.
∙ કાવ્ય અને ગદ્યપઠન તેમ જ કથાકથનના કાર્યક્રમો.
∙ યુવા કલાકારો દ્વારા ભેદભાવ વિનાનું જાતમહેનત સાથેનું ટીમવર્ક.
∙ અત્યારના કપરા રાજકીય-સામાજિક માહોલમાં કલાકેન્દ્ર તરીકેની નિડર, પ્રગતિશીલ, લોકશાહી ભૂમિકા.
∙ સ્ક્રૅપ એટલે કે શબ્દશ: ભંગારમાંથી સર્જયેલી, ધરતી પરથી આભને અડતા લીમડા સાથે ખુલ્લા આકાશ તળે સદા આહ્લાદક એવી નાટ્યભૂમિ.
∙ આ જગ્યા થકી પૈસો-પદ-પ્રસિદ્ધિ – પ્રતિષ્ઠા મેળવવાની કોઈ જ વૃત્તિ નહીં.
∙ નેહા-કબીરનું સદાય નિર્મળ સૌહાર્દ.
અવસરે વાત કરતાં, કર્મશીલ ધારાશાસ્ત્રી અને સ્ક્રૅપયાર્ડના મજબૂત ટેકેદાર આનંદ યાજ્ઞિકે નર્મવિનોદ સાથે આ વાસ્તુની મહત્તા ઉપસાવી. સ્ક્રૅપયાર્ડ એ અમદાવાદની ઊંચે જોઈને ચાલનારી ઉન્ન્તભ્રૂ કલાસંસ્થાઓ કરતાં અલગ પડીને સહુનું થિએટર કેવી રીતે છે તે આનંદે કહ્યું. તદુપરાંત તેમણે અમદાવાદના સાંસ્કૃતિક ઇતિહાસમાં આ મંચના પ્રદાનનું પણ ગૌરવ કર્યું.
સ્ક્રૅપયાર્ડનો પરિસર રિઅલ એસ્ટેટની રીતે કરોડોમાં ગણાય. આવી જગ્યા ઠાકોર પરિવારે શહેરની સાંસ્કૃતિક સંવેદના માટે આપી છે. ઠાકોર પરિવારમાં દિવંગત રંગકર્મી અરુણ ઠાકોર, તેમનાં પત્ની એવાં નેવુંની ઉંમરે પહોંચેલાં કાર્યક્રમમાં કડેધડે હાજરાહજૂર નૃત્યગુરુ ઈલાક્ષીબહેન ઠાકોર તેમ જ તેમનાં સંતાનો તાપસ-કબીર-ચંદનનો સમાવેશ થાય છે.
અતિશયોક્તિદોષ વહોરીને પણ કહેવાઈ જાય કે કબીર પોતાની રીતે નાટકનો કબીરવડ છે અને તેની હસ્તી નાટ્યનદી નર્મદા સમી નેહાને કારણે છે. નેહા-કબીર બંને અભિન્ન છે. આ કબીરવડની વડવાઈઓનો ફેલાવો સ્ક્રૅપયાર્ડમાં ઘડાયેલાં નાટકઘેલાં યુવક-યુવતીઓ તેમ જ નાટક ઉપરાંત અનેક કલાઓની અભિવ્યક્તિ માટે અહીં મળતા મુક્ત અવકાશમાં જોઈ શકાય છે.
Long live Scrapyard, long live theatre !
ફોટોગ્રાફ્સ : નેહા-કબીર, કોલાજ સૌજન્ય : પરીક્ષિત
01 નવેમ્બર 2025
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

