Opinion Magazine
Number of visits: 9725035
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 March 2026

ચંદુ મહેરિયા

અંગ્રેજોની ગુલામીની ધૂંસરી ફગાવી લોકતાંત્રિક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યે આપણને પોણી સદી કરતાં વધુ સમય વીતી ગયો છે. રાજાશાહીના રહ્યાસહ્યા અંશો પણ હવે તો નામશેષ થઈ ગયાં છે. તો પણ સુશાસન અને પ્રજાવત્સલ શાસકની વાત આવે છે ત્યારે આપણે કેટલાંક રાજવીઓને યાદ કરીએ છીએ. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ(જન્મ : ૧૧ માર્ચ ૧૮૬૩, અવસાન : ૬ ફેબ્રુઆરી ૧૯૩૯)નું નામ તેમાં મોખરે છે. ઉદાર, પ્રગતિશીલ અને  સુધારક રાજા તરીકે સયાજીરાવનું પ્રદાન ભલભલા લોકશાહી શાસકોની તુલનામાં પણ અનેકગણું ચડિયાતું છે. 

ગાયકવાડ વંશના પણ રાજાના સીધા વારસદાર નહીં પણ દત્તક પુત્ર તરીકે રાજવી બનેલા સયાજીરાવ ત્રીજા રૂપે ઓળખાતા સયાજીનું બાળપણનું નામ ગોપાળ હતું. તેમનું જન્મ સ્થળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાનું કવળાણા ગામ. બાર વરસના સગીર ગોપાળનો ૨૭મી મે ૧૮૭૫ના દિવસે વડોદરાના મહારાજા તરીકે રાજ્યાભિષેક થયો ત્યારે તે નિશાળનું પગથિયું ચડ્યો નહોતો. સાવ જ નિરક્ષર સયાજીનું અંગ્રેજો અને બીજાઓ દ્વારા એવું તો શિક્ષણ થયું કે ૭૬ વરસની આયુ અને ૫૮ વરસના રાજવટને અકલ્પ્ય સામાજિક નિસબત અને ન્યાય સાથે તેમણે દીપાવ્યા હતા અને એક ઓજસ્વી અને તેજસ્વી રાજા તરીકે દેશભરમાં નામના પામ્યા હતા. 

૮,૬૦૦ ચોરસ માઈલનું વડોદરા રાજ્ય વડોદરા, કડી, નવસારી અને અમરેલી પ્રાંતોનું બનેલું હતું. ૧૮૯૦માં ૨૨ લાખની વસ્તીના વડોદરા રાજ્યમાં ૨,૯૩૧ ગામડાં આવેલાં હતાં. લગભગ ૧૯મા સૈકાની છેલ્લી પચીસી અને ૨૦મા સૈકાની પહેલી પચીસી(ઈ.સ.૧૮૮૧થી ૧૯૩૯)ના શાસનકાળ દરમિયાન સયાજીરાવે પ્રજાહિતનાં અનેક કામો થકી વડોદરાને એક વિકસિત  અને આધુનિક રાજ્ય તરીકે વિશ્વનકશે મૂક્યું હતું. આરંભે નિરક્ષર એવા આ મહારાજાએ પોતાના રાજ્યમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. તેમાં પણ મહિલાઓ, પછાતવર્ગો  અને ખાસ તો કથિત અસ્પૃશ્યોના બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. કન્યાઓ અને દલિત બાળકો માટે શાળાઓ શરૂ કરી હતી. ફરજિયાત શિક્ષણનો કાયદો કર્યો તથા તેનો દૃઢતાથી અમલ કર્યો હતો. ૧૮૯૨માં મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરતી વેળાના જાહેર વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે, “પ્રાથમિક શિક્ષણનો પ્રચાર કરવાના ઉદ્દેશ જેટલી બીજી કોઈ વસ્તુ મને પ્રિય નથી.” આજથી લગભગ એકસો પંદર વરસો પૂર્વે ૧૯૦૯માં વડોદરા રાજ્યમાં ૩૩૬ અંત્યજ શાળાઓ ચાલતી હતી અને તેમાં ૧૦,૦૦૦ છોકરા-છોકરીઓ ભણતાં હતાં. ડો.આંબેડકર સહિત ઘણાં લોકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા તેમણે આર્થિક મદદ કરી હતી. 

જેમ શિક્ષણ તેમ આભડછેટ નિવારણ પણ તેમની પ્રાથમિકતા હતી. ” કમકમાટી ઉપજાવે તેવા ઉચ્ચ વર્ણના લોકોનાં જુલ્મ જહાંગીરી સામે હું બળવાનો પોકાર કરવાની તક લઈશ,” એવી ૧૯૦૯માં એમણે ઘોષણા કરી હતી અને તેને ચરિતાર્થ પણ કરી હતી. પોતાના રાજ્યમાં જ્યારે બ્રાહ્મણ શિક્ષકોએ દલિત બાળકોને ભણાવવાનો ઈન્કાર કર્યો હતો ત્યારે તેમણે આરંભે તેના વિકલ્પે મુસ્લિમ અને ખ્રિસ્તી શિક્ષકોને નિમ્યા હતા. પરંતુ તક મળી ત્યારે આભડછેટમાં માનનારાને પાઠ પણ ભણાવ્યો હતો. ૧૯૧૩માં મૂળદાસ વૈશ્ય(જે પછીથી આઝાદ ભારતની પાર્લામેન્ટના સભ્ય બન્યા હતા) નામના એક દલિત કિશોરને વડોદરાની સરકારી હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો તો તેના વિરોધમાં વિદ્યાર્થીઓએ હડતાળ પાડી હતી. મહારાજા સયાજીરાવને તેની જાણ થતાં તેમણે હડતાળમાં સામેલ રાજ્યના સરકારી અમલદારોના બાળકોનાં નામ-ઠામ મંગાવવાનો અને બધા શિક્ષકો ભેગા થઈ દલિત કિશોર મૂળદાસને ભણાવે તેઓ હુકમ કર્યો હતો. તેથી બેત્રણ દિવસમાં જ હડતાળ સમેટાઈ ગઈ હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીને તેઓએ પ્રવેશમાં  દલિત વિદ્યાર્થીઓ માટે બે સીટ્સ રિઝર્વ રાખવાની શરતે દાન આપ્યું હતું. ૧૯૩૩માં જ્ઞાતિ ત્રાસ નિવારણ ધારો ઘડ્યો હતો. ૧૯૩૬માં સયાજી હીરક મહોત્સવ ટાણે ગ્રામ-પછાતવર્ગો માટે રૂ. એક કરોડના અલગ નિધિની જોગવાઈ કરી હતી. જો કે આજ વડોદરા રાજ્યમાં દલિત હોવાને કારણે રહેવા ઘર ન મળતાં ડો.આંબેડકરને નોકરી છોડવી પડી હતી. તે પણ કડવી વાસ્તવિકતા છે. 

વડોદરા રાજ્યમાં બરોડા કોટન એન્ડ સ્પિનિંગ મિલ્સ તથા બરોડા બેન્કની સ્થાપના સયાજીરાવની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. શાળા- મહાશાળા, હોસ્પિટલ અને ન્યાય મંદિર તેમના રાજમાં બન્યા હતા. દુકાળ રાહત, નળથી જળ અને સિંચાઈ યોજના જેવી નવતર યોજનાઓ પણ ઘડી હતી. વડોદરા રાજ્ય તેના ગ્રંથાલયો માટે આજે પણ જાણીતું છે. ન માત્ર નગરોમાં નાના ગામોમાં અને ફરતાં પુસ્તકાલયો તેમણે સ્થાપ્યા હતાં. સંસ્કૃત પાઠશાળા ઉપરાંત સઘળી કલાઓ માટેની આર્ટસ ફેકલ્ટી સાથેની યુનિવર્સિટી અને કલાભવન પણ તેમની ભેટ છે. રાજવહીવટ ગુજરાતીમાં જ ચલાવવાનો આદેશ તેમણે કર્યો હતો. 

લોકશાહી છેક નીચેના ભાગ સુધી પહોંચે તે માટે તેમણે ૧૮૯૧માં ગ્રામ પંચાયતોની રચના કરી હતી. જેમ રાજવહીવટમાં તેમ રાજ્યની ધારાસભામાં દલિતો માટે અનામત બેઠકોનો કાયદો ઘડ્યો હતો. મહિલાઓ માટેના અનેક ક્રાંતિકારી પગલાં તેમણે ભર્યાં હતાં. હિદુ વિધવા પુનર્લગ્ન કાયદો( (૧૯૦૧), ખાસ લગ્ન ધારો, (૧૯૦૮), બાળ લગ્ન નિષેધ ધારો (૧૯૧૫), સગોત્ર વિવાહછૂટ અને છૂટાછેડા ધારો (૧૯૩૧), સ્ત્રીવારસાહક વિસ્તુતિ (૧૯૩૩), વિધવા મિલકતહકનો કાયદો( ૧૯૩૮) વગેરે કાયદા ઘડ્યા હતા. જે એ જમાનાથી ઘણાં આગળના હતા. સરકારી નોકરીઓમાં મહિલાઓના પ્રવેશના પણ તે પક્ષધર હતા. સાથે જ મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે સ્ત્રી ઉદ્યોગાલયની સ્થાપના કરી હતી. 

વડોદરા રાજ્ય અને તેના રાજવી અંગ્રેજોના મિત્ર ગણાતા હતા, પરંતુ સયાજીરાવ આઝાદીના આંદોલનોથી સાવ અળગા રહેતા નહોતા. ગાંધીજીને તેઓએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વખતે આર્થિક મદદ કરી હતી. ૧૯૩૦ની દાંડીયાત્રાને તેમના રાજ્યમાં રાજ્યાશ્રય આપતાં તેઓ અચકાયા નહોતા. અવસાનના વરસોમાં તેઓ ‘જવાબદાર રાજતંત્ર’ની કાઁગ્રેસની માંગણી અને પ્રજામંડળો સાથે પણ પરોક્ષપણે જોડાયેલા રહ્યા હતા.૧૯૩૯ની ૨૦ થી ૨૨ જાન્યુઆરી (અવસાનના પખવાડિયા પહેલાં) ‘પ્રજામંડળ’ના નિમંત્રણે સરદાર પટેલ વડોદરા આવ્યા હતા અને ત્રણ દિવસ મોટું તોફાન પણ થયું હતું. 

સયાજીરાવ ગાયકવાડને પણ એ સમયના અન્ય રાજાઓની જેમ કંઈક અંશે વિલાસી લાગે તેવા શિકાર, મોંઘા કપડાં, સારી ખાણીપીણી, ઘોડેસવારી, કિંમતી આભૂષણો અને મહિલા મિત્રાચારીના શોખ હતા. પરંતુ તેમના હૈયે વડોદરા રાજ્યનું અને તેની પ્રજાનું હિત સદાય વસેલું હતું. ખુદના અધિકારો પર કાપની પરવા વિના છેક ૧૯૦૭માં તેમણે રાજ્યમાં કાયદા ઘડવા ધારાસભાની રચના કરી હતી. તેમને એક એકથી ચડિયાતા દીવાનો મળ્યા અને દેશ-વિદેશના જાણીતા વિદ્વાનો(અરવિંદ ઘોષ, ડો. આંબેડકર, ધર્માનંદ કોસાંબી, વિઠ્ઠલ રામજી શિંદે)નો સાથ મળ્યો હતો. જેમ પુસ્તકાલયો તેમ વ્યાખ્યાનો માટે પણ તેમણે ખાસ પ્રયત્નો કર્યા હતા. 

આજે તો વડોદરાનો સયાજીબાગ કે લક્ષ્મીવિલાસ પેલેસ સયાજીરાવની ઓળખ બની જાય તેવી સ્થિતિ છે ત્યારે તેમના અનેક ક્રાંતિકારી, અનોખા અને દીર્ઘદૃષ્ટા કાર્યોની સ્મૃતિ સાથે લોકશાહી ભારતમાં  તેના ઘડતર અને અમલની હાલત વિચારણીય નથી શું?

e.maill : maheriyachandu@gmail.com 
(dt.11.03.226) 

Loading

19 March 2026 Vipool Kalyani
← તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?

Search by

Opinion

  • તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?
  • પુલમાં સિક્કો – એક અવલોકન 
  • રાજકીય કોઠાઓને ભેદતું ઉખાણું : ભગતસિંહ
  • ગઝલ
  • રાજાધિરાજ : સંગીત-નૃત્ય-નાટક

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved