સાડા પાંચસો જેટલા સંદર્ભસ્રોતોથી સજ્જ શૌરિએ વિજ્ઞાનનિષ્ઠ નિબંધોને અને ઇતિહાસલેખનને તપાસ્યાં પછી એના ઉજાસમાં હાલની હિંદુત્વ રાજનીતિને લબડધક્કે લીધી છે

પ્રકાશ ન. શાહ
ગાંધી શ્રાદ્ધ પર્વના આખરી દિવસ સારુ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે અરુણ શૌરિએ ઝડપેલો સાવરકરનો એક્સ-રે ખાસી ચર્ચામાં છે. ‘ધ ન્યુ આઈકોન: સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ’નું પ્રકાશન આમ તો ત્રીસમી જાન્યુઆરીએ થવાનું હતું, પણ જેમ તારીખ પસંદગીનું ચોક્કસ કારણ હતું એમ ચોક્કસ વર્તુળોમાંથી તે બાબતે વિરોધની પ્રતિક્રિયા પણ અપેક્ષિત હતી. અંતે આ પુસ્તક એકત્રીસમી જાન્યુઆરીએ વિધિવત રમતું મેલાયું છે.
ગાંધીહત્યા સાથે સાવરકરની કથિત સંડોવણી હંમેશ એક વિવાદમુદ્દો રહેલ છે. એ બાઈજ્જત બરી થયાનું કહેવામાં આવે છે, પરંતુ એટલું જ સાચું એ પણ છે કે એમની મુક્તિ કોરોબરેટિવ પુરાવાના અભાવે થઈ હતી. 1967માં રચાયેલી કપૂર કમિટીએ વિગતવિશદ તપાસથી દર્શાવ્યું છે કે આવો પુરાવો મેળવવાનું ને આપવાનું 1948માં નિ:શંક શક્ય હતું, પણ તંત્ર એમાં ઊણું પડ્યું.
શૌરિ આ પ્રકરણમાં નથી ગયા એમ નથી, પણ એમનો આશય આપણા રાજકીય મંદિરના ગર્ભગૃહમાં જે એક પ્રતિમાના નવસ્થાપનનો ઉજમ ફેક્ટરી એક્ટની તમા વિના અહોરાત્ર ચાલી રહ્યો છે એની સમગ્ર તપાસનો છે. ભા.જ.પ. દીનદયાલ ઉપાધ્યાયનો સતત મહિમા કરે છે અને પક્ષના બંધારણમાં એમના એકાત્મ માનવ દર્શનની સ્વીકૃતિપૂર્વકની વિધિવત કલમ પણ છે. તેમ છતાં, કેમ જાણે આ પક્ષને ખેંચતી પ્રતિભા ને પ્રતિમા સાવરકરની છે. કેન્દ્રમાં મોદી દશકના ઉત્તરાર્ધમાં વિક્રમ સંપત અને ઉદય માહુરકરનાં પુસ્તકો આવ્યાં છે.
વરિષ્ઠ પત્રકાર રહેલા ઉદય માહુરકરે ચિરાયુ પંડિતના સહયોગમાં 2021માં ‘વીર સાવરકર : ધ મેન હુ કુડ હેવ પ્રીવેન્ટેડ પાર્ટિશન’ લઈને આવ્યા ત્યારે તેઓ સેન્ટ્રલ માહિતી કમિશનર હતા તે લક્ષમાં લઈએ તો ઓપરેશન સાવરકર પૂંઠે રહેલી ભલે પરોક્ષ પણ સરકારી આયોજના સ્ફૂટ થયા વિના રહેતી નથી. માહુરકરની કિતાબનું છેલ્લું વાક્ય બિલકુલ ‘ડંકે કી ચોટ’ સ્કૂલનું છે કે દાયકાઓ લગી કોરાણે રહી ગયા પછી હવે સાવરકરનો જમાનો આવી પુગ્યો છે. ઊલટ પક્ષે, વાજપેયી પ્રધાનમંડળ પર રહી ચૂકેલા શૌરિના પુસ્તકનું શીર્ષક જ સૂચવે છે તેમ તે એક ‘આઈકોન’ કહેતાં દેવપ્રતિમા બાબતે ખરી તપાસ બલકે ખંડનના જોસ્સાથી ખાસી સંદર્ભ સામગ્રી સાથે બહાર પડ્યા છે.
હાલની સાવરકર ચર્ચામારી અને તર્કાતર્કીમાં આગળ જતાં પૂર્વે હું જરી આત્મકથાત્મક ઢબે સ્વરાજની પંચોતેર વરસની યાત્રામાં પાછો જવા ચાહું છું. 1948માં ગાંધીહત્યા (ગોડસેની ભાષામાં ‘ગાંધીવધ’) વખતે હું આઠેક વરસનો હોઈશ ત્યારે શકમંદોમાં સાવરકરનુંયે નામ ઉછળ્યું હતું, પણ મોખરે રહેલું નામ સ્વાભાવિક જ ખુદ નથુરામ ગોડસેનું હતું.
આ લખું છું ત્યારે સાંભરે છે કે વડોદરામાં અમારી રાવપુરા સરકારી શાળા સામે ચિત્તેખાન હનુમાનની જોડે અભ્યંકરની દુકાન પર હલ્લો થયેલો, કેમ કે એ ગોડસેના મામાની દુકાન હોવાનું કહેવાતું હતું. મહારાષ્ટ્રની વાત જુદી હોઈ શકે પણ દેશના જાહેર મતમાં અને ઉછળતી લોકલાગણીમાં સાવરકર સહેજસાજ હોય તો પણ અદાલતે બરી કર્યા પછી એ ખાસ ચર્ચામાં નહોતા.
જે ઝાંખીપાંખી છાપ તે પછી તરતના સમયગાળાની મને છે તે 1857નાને પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ તરીકે નિરૂપતી એમની કિતાબની એ ગુજરાતી અનુવાદમાં પણ સુલભ છે. એક લેખક તરીકે, પોતાની તરેહના ઇતિહાસકાર તરીકે, એમની જરૂર પ્રતિષ્ઠા હશે. એક અંતરાલ પછી, 1976માં કટોકટીકાળે વડોદરાના જેલવાસમાં સી.પી.એમ.ના વસંત મહેન્દળે સાથે સાવરકરના વિજ્ઞાનનિષ્ઠ નિબંધો વાંચ્યા એ એક જુદો જ અનુભવ હતો. એમના મતે જે સ્વર્ણિમ ઇતિહાસપૃષ્ઠો હતાં તેનુંયે વાંચન કર્યું. વીસમી સદીના ભારતમાં વિવિધ રાજકીય પ્રવાહોમાંના એકથી વિશેષ કોઈ તત્કાળ ચર્ચામુદ્દો સાવરકર ત્યારે લગભગ નહોતા. 1998-2004ના વાજપેયી કાળમાં એ જરૂર ચિત્રમાં આવ્યા, પણ આજની જેમ એક કેન્દ્રીય વિમર્શ તરીકે એ હજુ ઉભર્યા નહોતા. પણ હવે એમનો જે દબદબો છે તે ત્યારે નહોતો તે નહોતો.

અરુણ શૌરિ
આ સંજોગોમાં શૌરિ મૂર્તિભંજનના જોસ્સા સાથે બહાર પડ્યા છે. સાડા પાંચસો જેટલા સંદર્ભસ્રોતોથી એ સજ્જ છે. વિજ્ઞાનનિષ્ઠ નિબંધોને (સીમિત અર્થમાં સેક્યુલર લેખનને) અને ઇતિહાસલેખનને તપાસ્યાં પછી એના ઉજાસમાં હાલની હિંદુત્વ રાજનીતિને લબડધક્કે લીધી છે. ગાયને માતા કહી પૂજવાની વેવલાઈ સાવરકરને બહાલ નથી. જે અર્થમાં ગૌરક્ષા એ હિંદુત્વ રાજનીતિનો મુદ્દો છે તે સાવરકરને ગ્રાહ્ય નથી. પોતે લંડનમાં ગાંધી સાથે મિત્ર તરીકે વાસ કર્યાના સાવરકરના દાવાને કે સુભાષબાબુને આઝાદ હિંદની પરિકલ્પના ને વ્યૂહરચના પોતે સમજાવી હતી એવા દાવાને પણ શૌરિએ પ્રમાણપૂર્વક પડકાર્યો છે, અને જાપાન તરફથી સહકારપ્રાપ્ત આઝાદ હિંદ ફોજ એક પા તો બીજી પા બ્રિટિશ લશ્કરમાં હિંદુ ભરતીનો સાવરકરી ઝુંબેશ બેઉ વચ્ચેના આંતરવિરોધનો મુદ્દો પણ ઉપસાવ્યો છે.
ક્યારેક કથિત જમણેરી છેડે તો અત્યારે કથિત લેફ્ટ-લિબરલ છેડે વરતાતા શૌરિ એક સ્વતંત્ર અભ્યાસ વિષય છે. પણ આપણા રાજકીય મંદિરના ગર્ભગૃહમાં સાવરકર પ્રતિમા સ્થાપનના અતિરેકી આવેશ પરત્વે એમની દરમ્યાનગીરી પૂરક, ઉપકારક ને સંસ્કારક (કરેક્ટિવ) ખસૂસ હોઈ શકે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 ફેબ્રુઆરી 2025