‘વો સચ હી કયા જિસકે પીછે શિવમ્ નહીં, સુંદરમ્ નહીં, જિસસે કિસીકો ઠેસ પહૂંચે?’
‘યે બુઝદિલોં કી સોચ હૈ. સચ બોલનેવાલે કો અગર દુ:ખ સહને કી શક્તિ હૈ તો દુ:ખ દેને કી હિંમત ભી હોની ચાહિયે. સચ્ચાઈ અંગારે કી તરહ હૈ. હાથ પર રખો ઔર હાથ ન જલે ઐસા કૈસે હો સકતા હૈ?’
યાદ છે 1969ની ફિલ્મ ‘સત્યકામ’?
‘ઈશ્વર એટલે સત્ય, વિવેક અને નિર્ભયતા’ ગાંધીજીની આ ઉક્તિ સાથે ‘સત્યકામ’ ફિલ્મના ટાઈટલ્સ શરૂ થાય છે. એ પછી કથક છંદોગ્ય ઉપનિષદમાં આવતી કથા સંભળાવે છે : એક બાળક ગૌતમ મુનિ પાસે આવી પોતાને એમનો શિષ્ય બનાવવા વિનંતી કરે છે. મુનિ પૂછે છે, ‘વત્સ, તારું ગોત્ર કયું?’ બાળક કહે છે, ‘મારી મા જબાલા એક દાસી હતી. તેણે ઘણા લોકોની સેવા કરી હતી. મારા પિતા અને મારા ગોત્રની તેને જાણ નથી.’ તેના નિર્ભય નિર્ભેળ સત્યથી પ્રસન્ન થઈ મુનિ કહે છે, ‘બેટા, તારું નામ આજથી સત્યકામ જાબાલ. તારું ગોત્ર સત્યગોત્ર.’
આજે આવા નિર્ભય નિર્ભેળ સત્ય, પ્રામાણિકતા અને ન્યાયનો આગ્રહ લઇ કોઈ યુવાન જીવનમાં પગ મૂકે તો શું થાય? ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જી બંને જેને પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ગણે છે એ ‘સત્યકામ’ આવા જ એક યુવાનની કહાણી છે. ફિલ્મ અર્થપૂર્ણ તો હતી જ, સાથે અભિનય, માવજત અને કલાની રીતે પણ ખરી ઊતરે એવી હતી, છતાં રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ અને શૈલેન્દ્રની ‘તીસરી કસમ’ની જેમ એ પણ બોક્સઓફિસ પર સારો દેખાવ ન કરી શકી અને પછીથી ક્લાસિક ગણાઈ.
તો, સંજીવકુમારના નેરેશન સાથે ફિલ્મ શરૂ થાય છે. સત્યકામ જાબાલની વાર્તા કહ્યા પછી 1946નું દૃશ્ય ખૂલે છે. સત્યપ્રિય (ધર્મેન્દ્ર) અને નરેન (સંજીવકુમાર) સ્વતંત્ર દેશનું સ્વપ્ન જોતાં એન્જિનયર બને છે અને પોતપોતાનાં માર્ગે જાય છે. સત્યપ્રિયનાં માતાપિતા નથી. ગુરુકૂળ ચલાવતા દાદાજી(અશોકકુમાર)એ આપેલાં સિદ્ધાંતો અને સત્યપ્રેમ એની મૂડી છે.
દેશ આઝાદ થાય છે. એક પ્રોજેક્ટ લઈને સત્યપ્રિય ભવાનીપુર જાય છે. ત્યાં તેને રંજના (શર્મિલા ટાગોર) મળે છે. 19 વર્ષની સુંદર અને ભલીભોળી રંજના મુશ્કેલીમાં છે. એ એક ડ્રાઈવર સાથે ભાગી ગયેલી બદનામ સ્ત્રીની દીકરી છે. કહેવાતો બાપ દારૂડિયો અને હલકો છે અને ભવાનીપુરના અપલક્ષણા પ્રિન્સ સાથે રંજનાનો સોદો કરવા તત્પર છે. પણ રંજનાને ગમી ગયો છે સોહામણો ને સજ્જન સત્યપ્રિય. સત્યપ્રિયને રંજના માટે કૂણી લાગણી છે, એ પ્રિન્સના પંજામાંથી બચી જાય અને કોઈ સારા યુવાન સાથે એનાં લગ્ન થાય એમ ઇચ્છે છે ખરો, પણ જ્યારે રંજના તેને ભલે નોકરાણી તરીકે પણ સાથે લઈ જવા વિનવે છે ત્યારે એ અચકાઈ જાય છે. એ રાતે રંજના પ્રિન્સનો શિકાર બને છે. વ્યથિત અને અપરાધભાવ અનુભવતો સત્યપ્રિય રંજના સાથે લગ્ન કરે છે અને ત્યારથી દુનિયા સાથેનો તેનો અંતહીન સંઘર્ષ શરૂ થાય છે.
સત્યપ્રિય દાદાજીથી કશું છુપાવતો નથી. કુલાભિમાની દાદાજી બદનામ અને કોઈ બીજાના બાળકની મા એવી સ્ત્રીને કુલવધૂ તરીકે સ્વીકારતા નથી. હોનહાર અને મહેનતુ સત્યપ્રિય સત્ય અને ન્યાયના આગ્રહને કારણે એક પછી એક નોકરીઓ ગુમાવતો જાય છે. ઉપરીઓ અને સહકર્મીઓ કહે છે, ‘બડા બદમાશ ઔર પાજી આદમી હૈ, રિશ્વત લેતા હી નહીં.’ નરેન તેને થોડું સમાધાન કરી લેવા કહે છે ત્યારે સત્યપ્રિય કહે છે, ‘કોમ્પ્રોમાઇઝ હી કરપ્શન કા દૂસરા નામ હૈ.’ ભ્રષ્ટાચારથી ખદબદતી દુનિયામાં સત્યને વળગી રહેવા બદલ પગલે પગલે મોટી કિંમત ચૂકવતો સત્ય પોતાની સ્વાભાવિક ઉષ્મા, શાંતિ અને પ્રસન્નતા ગુમાવતો ધીરે ધીરે કડવો, તીખો, આળો અને જિદ્દી બનતો જાય છે. એનું મન ધૂંધવાતું રહે છે. આખરે શરીર પણ જવાબ દઈ દે છે ને એ કેન્સરથી મૃત્યુ પામે છે.
અંતિમ ઘડીએ દાદાજી આવે છે. વાચા ગુમાવી બેઠેલા સત્યપ્રિયને ‘આત્મા હણાતો નથી’ કહી વિદાય આપે છે. ત્યાર પછી તેના મૃતદેહને પોતે જ મુખાગ્નિ આપે છે અને શ્રાદ્ધમાં પણ ‘સત્યનો દીકરો બહુ નાનો છે’ કહી પોતે બેસશે એમ જણાવે છે ત્યારે આઠનવ વર્ષનો બાળક ગુસ્સે થઈને કહે છે, ‘જૂઠું ન બોલો. હું પિતાજીનો સાચો દીકરો નથી એટલે આ બધું ન કરી શકું એમ કેમ કહેતા નથી?’ ‘તને આવું કોણે કહ્યું?’ નવાઈ પામીને દાદાજી પૂછે છે. બાળક કહે છે, ‘મારી માએ.’ અને દાદાજી સ્તબ્ધ થઈ જાય છે. સત્યનું આવું સહજ, આવું નિર્ભય રૂપ ..! એ કહે છે, ‘લોકલાજ કે કારન આજ જીવન મેં પહલી બાર મૈં સત્યભ્રષ્ટ હુઆ, ઔર ઈસે એક માંને નિ:સંકોચ કહ દિયા? જિસે નીચ કુલકી સમઝકર મૈંને ઘર મેં આને નહીં દિયા થા ઉસીને આજ મુઝે સમજાયા હૈ કિ સત્ય બોલને કા અહંકાર નહીં, સત્ય બોલને કા સાહસ હોના ચાહિયે, ચાહે વહ કિતના હી અપ્રિય, કિતના હી કઠોર ક્યોં ન હો!’ અને ‘ખૂન સે વંશ કી પરંપરા નહીં ચાલતી. જો વિશ્વાસ કા વહન કરતે હૈં વહી વંશ ચલાતે હૈ.’ બાળકને ‘સત્યકામ’ તરીકે સંબોધી દાદાજી બંનેને પોતાની સાથે લઇ જાય છે એ દૃશ્ય સાથે ફિલ્મ પૂરી થાય છે.
‘અનુપમા’ 1966માં આવી. એ જ વર્ષે ઇન્દિરા ગાંધી દેશના વડાં પ્રધાન બન્યાં. ભ્રષ્ટાચારે માઝા મૂકી. નહેરુવિયન આઈડિયાલિઝમ તો ક્યારનું ભૂતકાળ બની ગયું હતું. આવા વાતાવરણ વચ્ચે સત્ય અને ન્યાયને લઈ જીવવા માગતા યુવાનની વાત લઇ એમણે ‘સત્યકામ’ બનાવી. ‘અનુપમા’ ટીમના મોટાં ભાગના સભ્યો એમાં હતા. ફિલ્મને મળેલા ઠંડા આવકાર પછી ઋષિકેશ મુખરજીએ કહ્યું, ‘ભ્રષ્ટાચાર આપણને સદી ગયો છે. હવે હસવા સિવાય બીજું કઈં કરી શકાય એમ નથી.’ ત્યાર પછી તેઓ હળવી અને રમૂજી ફિલ્મો તરફ વળ્યા. પણ ‘સત્યકામ’ને તેમણે હંમેશાં પોતાની શ્રેષ્ઠ ફિલ્મ કહી. ધર્મેન્દ્રએ પણ ‘સત્યકામ’ને પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ગણી છે.
બંગાળના પ્રસિદ્ધ લેખક નારાયણ સાન્યાલની નવલકથા પરથી ‘સત્યકામ’ બની હતી. 1971માં આ ફિલ્મની તમિલ રિમેક ‘પુનગાઈ’ બની જેમાં ધર્મેન્દ્રની ભૂમિકા જેમિની ગણેશન(રેખાના પિતા)એ કરી હતી. એ ફિલ્મ પણ ‘સત્યકામ’ની જેમ નિષ્ફળ નીવડી હતી ને પછીથી ક્લાસિક ગણાઈ હતી.
‘સત્યકામ’ના સંવાદો રાજેન્દ્રસિંહ બેદીએ લખ્યા હતા. આ ખ્યાતનામ લેખકે ઋષિકેશ મુખરજીની ચાર ફિલ્મોના સંવાદો લખ્યાં હતા, ‘અનુરાધા’, ‘અનુપમા’, ‘સત્યકામ’ અને ‘અભિમાન’. ‘સત્યકામ’ના સંવાદ માટે એમને ઍવોર્ડ મળ્યો હતો. એક પ્રસંગે નરેન કહે છે, ‘વો સચ હી કયા જિસકે પીછે શિવમ્ નહીં, સુંદરમ્ નહીં, જિસસે કિસીકો ઠેસ પહૂંચે?’ ત્યારે સત્ય કહે છે, ‘યે બુઝદિલોં કી સોચ હૈ. સચ બોલનેવાલે કો અગર દુ:ખ સહને કી શક્તિ હૈ તો દુ:ખ દેને કી હિંમત ભી હોની ચાહિયે. સચ્ચાઈ અંગારે કી તરહ હૈ. હાથ પર રખો ઔર હાથ ન જલે ઐસા કૈસે હો સકતા હૈ?’ એક વાર કહે છે, ‘જિસે સઝા દેને કા હક હૈ ઉસમેં રક્ષા કરને ઔર પાલને કી તાકત ભી હોની ચાહિયે.’
વિટંબણા અંગત જીવનમાં પણ છે. એક જ સંવાદ – અને આપણે જાણવા પામીએ છીએ કે સત્યપ્રિયએ પત્નીને પ્રેમ કર્યો છે, પણ તેની સાથે અંતરંગ ક્ષણો નથી માણી. કારણ – તેનામાંનો પરંપરિત પુરુષ. રંજના એક વાર વેદનાપૂર્વક કહી બેસે છે, ‘ક્યા મૈં નહીં જાનતી, જબ તુમ મેરે કરીબ આતે હો, મુઝે બાહોં મેં લેના ચાહતે હો તો કૌન આ જાતા હે હમારે બીચ? મૈં અપની પિછલી ઝિંદગી કો ભૂલના ચાહતી હૂં પર તુમ ..’ કેટલી મોટી વાત કેટલી સાદગી, કેટલી ગરિમા સાથે કહી બતાવી છે!
આ સત્યપ્રિય. એના પાત્રની દરેક મથામણને ધર્મેન્દ્રએ ખૂબ સંયમિત રીતે વ્યક્ત કરી છે. ‘સત્યકામ’ આજે પણ જોવી ગમે અને આજે પણ વિચાર કરવા પ્રેરે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 નવેમ્બર 2025
![]()

