ભારતનું રાજકારણ ખરાબે ચડી ચૂક્યું છે. સમભાવ સદ્દભાવ અને મૂલ્યનિષ્ઠાના પાયા પર રચાયેલી ભારતની લોકશાહીના પાયા ડગમગી રહ્યા છે. ગઇ ૨૦૧૮ની વિધાન સભાની સામાન્ય ચૂંટણીમાં જનાદેશ કૉન્ગ્રેસ તરફી હોવા છતાં રાજસ્થાન ત્રીજું રાજ્ય છે જેમાં સત્તાલાલસા અને વધુ પડતી મહત્ત્વાકાંક્ષાથી જનાદેશ વિરુદ્ધ જઇને સરકારને ઉથલાવવાનું ષડયંત્ર રચી આપણી લોકશાહીને લગભગ પેરાલિટીક બનાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટીનું સ્લોગન કૉન્ગ્રેસમુક્ત ભારત અને દેશને આખો સરમુખત્યારશાહી તરફ ધકેલી એકહથ્થુ સત્તા પ્રાપ્ત કરવાની નેમ સાથે કૉન્ગ્રેસના સત્તાલાલચુ યુવાનેતા સચીન પાયલોટને હાથો બનાવી રાજસ્થાન સરકારને ઉથલાવવાનું કરાતું કારસ્તાન દેશના વિચારશીલ નાગરિકોને બૌદ્ધિકોને કર્મશીલોને માટે આઘાતજનક બીના છે.
૨૦૧૮માં થયેલી સામાન્ય ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક તેમ જ છત્તીસગઢમાં કૉન્ગ્રેસ તરફ જનાદેશ આવ્યો હતો. આ કૉન્ગ્રેસની ચાલતી સરકારોને ઉથલાવી ધારાસભ્યોની મોટા પાયે ખરીદી કરી કર્ણાટક, મધ્યપ્રદેશ અને હવે રાજસ્થાનની જરૂરી બહુમત ધરાવતી કૉન્ગ્રેસના વિધાનસભ્યોને બળવાખોરીના કેસમાં લાવી રાજસ્થાનની કામ કરતી સરકારને લગભગ અસ્થિર બનાવી દેવામાં ભા.જ.પ.નો રોલ બહુ મહત્ત્વનો હોય તેમ લાગે છે. કારણ સચીન પાયલોટ જે ડેપ્યુટી ચીફ-મિનિસ્ટરના માન મરતબાવાળો હોદ્દો, તેમ જ રાજસ્થાનના પ્રદેશ પ્રમુખના હોદ્દા માત્ર ૪૨ વર્ષની ઉંમરે મેળવ્યા છતાં તેના મુખ્યપ્રધાન બનવાની જીદથી તેના સમર્થક 19 સાથી ધારાસભ્યોને ગુડગાવની માનસર હોટલમાં રાખવાનું આખો રોલ યોજના ભા.જ.પ.ની છે કારણ કે આ હોટલ ભા.જ.પ.ના અગ્રગણ્ય નેતાની માલિકીની છે અને આ આખું ષડયંત્ર પાછળ ભારતીય જનતા પાર્ટીની મહત્ત્વની સાજિશ હોય તેમાં મને જરા પણ શંકા નથી. તેમ કહીશ તો અસ્થાને નહી ગણાય – ભલે સચીન પાયલોટ એમ કહેતા હોય કે હું કોઇ બી.જે.પી.ના માણસોને તેમ જ કોઈ હોદ્દેદારોને મળ્યો નથી અને હું હજુ કૉન્ગ્રેસમાં જ છું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી. અને જરૂર પડે મારા સમર્થકોનો મારા સાથીદારોનો મત લઇ આગળની રણનીતિ કઇ રીતે કરવી તેમાં નિર્ણય લઇશ – આ લખાય છે ત્યારે પણ સચીન પાયલોટના સમર્થક 19 ધારાસભ્યો આ જ માનસર હોટેલમાં ભારે કબજા હેઠળ રાખવામાં આવ્યા છે.
આ બધી રાજકીય ચહલપહલમાં રાજસ્થાન સરકાર માથે સંકટ તો જરૂર છે. પણ સચીન પાયલોટ પાસે ૧૯ ધારાસભ્યો હોય અને બી.જે.પી.ના ૭૦ ધારાસભ્યો થઇને માત્ર 89 ધારાસભ્યોની જ સંખ્યા થાય એ આંકડો બહુમતીથી ઘણો જ દૂર છે તેથી હાલ પૂરતી સરકાર ઉથલાવવાનો હેતુ પાર ન પણ પડી શકે કારણ કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના સમર્થકોની સંખ્યા રાજસ્થાનના રાષ્ટ્રપતિશ્રીને આપેલી યાદી 109 છે. એટલે હાલ પૂરતી સંખ્યા પૂરતી હોવાથી સરકાર તાત્કાલિક ઉથલાવવાનું શક્ય નથી અને કદાચ ફ્લોર ટેસ્ટ કરવો પડે તો સરકાર બચી પણ જાય પણ સરકારને સતત સતર્ક રહેવું પડે – જે આજે ધારાસભ્યોને જયપુરમાં રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે અશોક ગેહલોતના જે સમર્થકો છે જેમણે બે દિવસ પહેલાં ધારાસ્યોની મિટીંગમાં અશોક ગેહલોતમાં સંપૂર્ણ વિશ્વાસ પ્રદાપિત કર્યો છે તેમાંથી એકપણ ધારાસભ્ય ઓછો ન થાય અને સચીન પાયલોટના જૂથમાં ન ચાલ્યો જાય – તેની સતત કાળજી રાખવી જરૂરી બની જાય છે.
એક સમાચાર આ કોલમ લખાય છે ત્યારે એવા આવ્યા છે કે થોડા સમય પહેલાં બહુજન સમાજના છ ધારાસભ્યો જે કૉન્ગ્રેસમાં ભળી ને બહુજન સમાજમાંથી નીકળી ગયા તેનો સમાવેશ થતા અશોક ગેહલોત પાસે 109 ધારાસભ્યોને છે પણ બહુજન સમાજની પ્રમુખ માયાવતી આ ધારાસભ્યોની બહુજન સમાજમાંથી નીકળી કૉન્ગ્રેસમાં સામેલ થયા તેની કાયદાકીય સંવિધાનિક સ્ટેટસને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનાં છે.
સુપ્રીમ કોર્ટ આ બાબતમાં આ ધારાસભ્યોની કાયદેસરતા પર રોક લગાવી દે અને તેને મત દેવાનો અધિકાર પર સ્ટે આપે તો વળી પાછી ગેહલોત સરકાર મુશ્કેલીમાં મુકાય અને બહુમતીના આંકડા સુધી પહોંચવામાં જોખમ ઊભું થાય. આમ રાજસ્થાનની રાજકીય સ્થિતિ અનિર્ણાયક રહેશે તેમ હું માનું છું.
એકવાત સ્પષ્ટ કહેતા હું અચકાઇશ નહીં કે ૨૦૧૮ ચૂંટણીમાં કૉન્ગેસને બહુમતી સીટો મેળવી આપવામાં સચીન પાયલોટનો રોલ નાનો સૂનો નથી. કેટલાક મત વિસ્તારો જેવા કે સવાઇ માધુપુર, ભીલવાડા વિગેરે 45 મત વિસ્તારોમાં ગુર્જર અને મીરા કોમ્યુનિટીનું વર્ચસ્વ છે. સચીન પાયલોટે પોતે ગુર્જર કોમ્યુનિટીમાંથી આવે છે. સચીન પાયલોટનું ગ્રાસરૂટ વર્ક આખા રાજસ્થાનમાં જબરદસ્ત રહેલું અને રાહુલ ગાંધીની અને સચીન પાયલોટની મહેનતથી ૨૦૧૩માં જે કૉન્ગ્રેસની 21 સીટ હતી તેમાંથી 107 પર લાવી કૉન્ગ્રેસ એક બહુમતી મેળવી શકી હતી. એટલે તરવરાટવાળો ચહેરો, સૌમ્ય સ્વભાવ અને કૉન્ગ્રેસની વિચારસરણીમાં ઓતપ્રોત સચીન પાયલોટ એક યુવાનેતાગીરીમાં મહત્વનો ચહેરો છે. એટલે તેને જરૂર પૂરતું સન્માન મળવું જોઇએ તે વાતમાં બે મત નથી, પણ ૨૦૧૮માં જ્યારે મુખ્યપ્રધાન નક્કી કરવામાં આવ્યા ત્યારે તે મુખ્યપ્રધાનની રેસમાં હોવા છતાં રાહુલ ગાંધીની સમજાવટથી તેણે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનો હોદ્દો તેમ જ રાજસ્થાન કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષનો હોદ્દો સ્વીકાર્યો. પણ છેલ્લા છ મહિનાથી સચીન પાયલોટે પોતાની ફરિયાદ, અશોક ગેહલોત સાથેના મતભેદો વારંવાર કૉન્ગ્રેસના હાઇકમાન્ડને જણાવેલા છતાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને અહેમદ પટેલ જેવાં મહારથીઓ અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે સમાધાન ન કરાવી શક્યા એટલે સચીન પાયલોટે આજે પણ મીડિયા સામે સ્ટેટમેન્ટ આપ્યું તેમાં કહ્યું કે અશોક ગેહલોતને મારા સ્વમાનને હણ્યું છે મારા કોઇ હુકમ અને આદેશ ન માનવા તેવું અધિકારીઓને કહેવામાં આવતાં હું બહુ જ અસંમજ સ્થિતિમાં હતો માત્ર ગાડી, બંગલા અને એસી ચેમ્બર મને મળ્યા હતા પણ મારા આદેશોનું કોઇ અધિકારી પાલન કરતા ન હતા. અને મારા હુકમો ન માનવા તેવી સુચના અશોક ગેહલોતો અધિકારીઓને આપેલી – મને અશોક ગેહલોત સાથે આજે પણ વાંધો નથી. આજે પણ હું કૉન્ગ્રેસમાં છું અને હું ભા.જ.પ.માં મારી વિચારધારાને કોરાણે મૂકીને નહીં જઇ શકું અને હું મારા સમર્થકોને પૂછીને કૉન્ગ્રેસ ભા.જ.પ. બન્નેનો વિરોધ કરી નવો ફ્રન્ટ મોરચો સ્થાપીશ.
આમ સચીન પાયલોટ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ ઉતાવળ કરી ભા.જ.પ.માં જઇ, પોતાની છબી નહીં બગાડે એમ તેનું કહેવાનું હતું – તેણે એમ પણ કહ્યું કે કેટલાક લોકો દિલ્હીમાં બેઠેલા મહારથીઓ મારી છબી બગાડવા હું ભા.જ.પ.માં જોડાવાનો છું અને ભા.જ.પ.ના સહારે સરકાર ઉથલાવીશ તે વાત તદ્દન ખોટી છે. માત્ર અને માત્ર મારી રાજકીય સ્થિતિ અને મારું રાજકીય વર્ચસ્વને નીચું બતાડી મારી રાજકીય છબી ખરાબ ચિતરવાનો માત્ર પ્રયાસ છે.
આમ અવલોકન કરતાં એમ માલુમ પડે છે કે સચીન પાયલોટ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ ઉતાવળ કરી ભા.જ.પ.માં જોડાઇ ને પોતાની રાજકીય કારકીર્દી ઉપર પૂર્ણવિરામ નહીં મૂકી દે અને બીજી વાત એટલી જ સ્પષ્ટ છે કે ગેહલોત સરકારને લઘુમતીમાં મુકવા માટે તેની પાસે પૂરતા ધારાસભ્યો પણ નથી, માત્ર ઓગણીસ ધારાસભ્યો સમર્થક ધારાસભ્યોના ટેકાથી સરકારને ઉથલાવી શકે તેવી સ્થિતિમાં તો નથી જ તેમ જ એવું પણ જાણવા મળ્યું છે કે સચીન પાયલોટના સમર્થક ધારાસભ્યો મોટા ભાગના ભા.જ.પ.માં જોડાવવાના મૂડમાં નથી. એટલે સચીન પાયલોટ ભા.જ.પ.માં જોડાવાની ઉતાવળ નહીં કરે તેમ હું સ્પષ્ટ માનું છું. આ આખા બનાવમાં સચીન પાયલોટની બગાવત હાલ પૂરતી અસરકારક રીતે સરકાર ઉથલાવવા સુધી તો નહીં જ પહોંચે પણ કૉન્ગ્રેસ પક્ષે પણ આવો ગ્રાસરૂટ વર્ક સાથે જોડાયેલો લોકચાહક નેતા જરૂર ગુમાવવો પોસાશે નહીં એટલું સ્પષ્ટ છે કે ગઇ વિધાનસભામાં કૉન્ગ્રેસે મેળવેલી બહુમતીમાં તેનો ફાળો નાનોસૂનો નથી – સચીન પાયલોટ એક ઊગતા નેતા છે ૪૨ વર્ષની ઉંમરે તેને કૉન્ગ્રેસે ઘણું આપ્યું છે. રાહુલ ગાંધીના સીધા સંપર્કમાં હતા અને કૉન્ગ્રેસને પણ તેને માનની નજરે જોતી હતી પણ અશોક ગેહલોતનું તેની સાથેનું વર્તન ઓરમાયું હતું. અને આ વાત તે છેલ્લા છ મહિનાથી કૉન્ગ્રેસના ઉચ્ચ સતાધીશોને સોનિયાજીને, રાહુલને હાઇકમાન્ડને ફરિયાદ કરીને થાક્યા છતાં કૉન્ગ્રેસના ઉચ્ચ સત્તાધીશેને એ આ બાબતમાં સમાધાનનો કોઇ વચ્ચેનો રસ્તો ન શોધ્યો અને અન્તે કૉન્ગ્રેસને એક શક્તિશાળી નેતા ગુમાવવાનો વારો આવ્યો. સચીન પાયલોટની ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકેની હકાલપટ્ટી અને પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ પદ ઉપર મુકાયેલા પૂર્ણવિરામ અને તેના સમર્થકો ઉપર કૉન્ગ્રેસ હાઇકમાન્ડ દ્વારા લેવાયેલાં પગલાંઓ સામે કૉન્ગ્રેસની યુવાપેઢીની સખત નારાજગી છે, અને હજુ પણ પ્રિયા દત્ત, શશી થરૂર, જીતેન્દ્ર પ્રસાદ, દેવરા વગેરેના થોકબંધ ટ્વીટર પર આવતાં સંદેશાઓ મુજબ કોઇ પણ ભોગે સચીન પાયલોટને કૉન્ગ્રેસમાં પાછા યોગ્ય હોદ્દો આપી સમાધાનનો માર્ગ અપનાવવાની અપીલ કરવામાં આવી છે.
જો કે નાની ઉંમરે ઘણા હોદ્દા ભોગવ્યા પછી વધુ પડતી મહત્ત્વાકાંક્ષા એ સચીન પાયલોટની કૉન્ગ્રેસમાંથી બાદબાકી કરાવી છે, તે વાત સ્પષ્ટ છે અને મુખ્યપ્રધાન સિવાય કઇ નહીં એ જીદ રાજકારણમાં ન ચાલે ભલે પછી ૨૦૧૮ની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતના તેઓ યશભાગી હોય – હવે ભૂલેચૂકે ભા.જ.પ.માં ભળે તો ત્યાં તેમનું કેટલું માન સન્માન જળવાય છે તે એક પ્રશ્ર્ન છે. ભા.જ.પ.ને તો સચીન પાયલોટ જેવા કમીટેડ નેતાઓને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી રાજસ્થાનમાં કૉન્ગ્રેસની સરકાર ઉથલાવવી છે અને જનાદેશ વિરુદ્ધ સરકાર સ્થાપવી છે. એટલે આ સચીન પાયલોટ જેવા નેતાનો દુરુપયોગ કરી રાજસ્થાનમાં જ તેમને ફરીથી કમળ ઊગાડવું છે આ વાત સચીન પાયલોટ સારી રીતે જાણે છે અને એટલે જ તેણે આજે આ કોલમમાં લખાય છે ત્યારે પ્રેસ અને મીડિયા વચ્ચે કહ્યું કે હું હજુ કૉન્ગ્રેસમાં જ છું અને ભા.જ.પ.માં જોડાવાનો નથી. આમ સચીન પાયલોટમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કરતાં વધારે મેચ્યોરિટી મને દેખાય છે એટલે સચીન પાયલોટ કોઇ પણ રણનીતિ અને ભવિષ્યનું પગલું આંધળુકિયા નહીં કરે તેમ સ્પષ્ટ લાગે છે. કારણ કે તેના પિતા રાજેશ પાયલોટનો કૉન્ગ્રેસમાં આપેલો ભોગ અને તેણે પણ કૉન્ગ્રેસની વિચારસરણીથી આખી રાજકીય કારકિર્દીમાં એક મોટું નામ સ્થાપ્યું છે. એટલે ઉતાવળે પગલું ભરી ભા.જ.પ.માં જોડાઇને રાજકીય કારકીર્દી ઉપર પૂર્ણવિરામ નહીં કરવા દે એવું મને સ્પષ્ટ લાગે છે.
આ કોલમનું સંકલન કરતાં હું એમ જ કહીશ કે વિધાનસભાની ચૂંટણીમાં જનાદેશ કૉન્ગ્રેસ તરફી થયા પછી પણ ભા.જ.પ. યેનકેન પ્રકારે સરકાર ઉથલાવી પોતાની સત્તા વધારવા માગે છે તે એક મોટું પ્રદૂષણ છે – ધારાસભ્યોને ખરીદીને ચાલતી સરકારને ઉથલાવી કરોડો રૂપિયા ખર્ચી લોકતંત્રને પેરાલિટીક બનાવી સત્તા હાસલ કરવાનું રોગ તેને પોતાને જ ભારે પડવાનો છે. સામાન્ય લોકોનો મગજમાં હવે આવા બનાવોથી ભા.જ.પ. તરફથી પ્રતિષ્ઠા ચોક્કસ જોખમમાં મુકાયેલી છે તે વાતનો આપણે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ જોઇ શકીશું. ઊગતું કમળ ક્યાં ય ચગદાઇને તેની પાંખડીઓ વેરવિખેર થવાના સંજોગો ઉજળા થતા જાય છે કારણ કે સામાન્ય પ્રજાને આવા ષડયંત્ર તરફ સખત નફરત હોય છે. આવનારી ચૂંટણીમાં ૨૦૨૪ મોદી મેગ્નેટ લાંબો ચાલવાો નથી તેમ કહીશ તો અસ્થાને નહીં ગણાય.
સામે પક્ષે કૉન્ગ્રેસમાં પણ પુન:વિચાર જરૂરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચીન પાયલોટ જેવા નવયુવાનો જે કરિષ્માવાળા નેતાઓ છે અને જેમને હિસાબે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસે બહુમતી મેળવી હતી, તેમને એકદમ નિગ્લેટ કરી તેમના અસંતોષની માત્રા વધારી બગાવતના રસ્તે ચડે ત્યાં સુધી કૉન્ગ્રેસ જાગે નહીં અને કોઇ વચ્ચેનો રસ્તો કાઢી તેમને પાછા કૉન્ગ્રેસના ફોલ્ડમાં ન લઇ શકે તે વાત દુ:ખદ છે.
કૉન્ગ્રેસ આખી પરિવારવાદમાં સપડાયેલી છે. ઇંદિરાજીના સમયની કૉન્ગ્રેસ અને અત્યારની કૉન્ગ્રેસ વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. અત્યારે કૉન્ગ્રેસની સ્થિતિ દિશાહીન છે અને બીજી હરોળના કાર્યકરોને આગળ લાવીને કૉન્ગ્રેસને મજબૂત કરવાની તાતી જરૂરી છે. ત્યારે આજની કૉન્ગ્રેસ અનિર્ણાયક સ્થિતિમાં તેના મેચ્યોર નિર્ણય વગરની ભૂલભરેલી નિર્ણયો લઇ અસંખ્ય કાર્યકરોને નિરાશ કરી હતપ્રભ સ્થિતિમાં છે. શશિ થરૂર સૂરજેવાલા અજય માકન શક્તિસિંહ ગોહિલ વગેરે બીજી હરોળના નેતાઓની તાકાત જરા પણ ઓછી નથી. આ બધા જ કાર્યકરો નેતાઓનાં ઉપયોગ કરી કૉન્ગ્રેસે અસંમજ સ્થિતિમાંથી બહાર આવવાની જરૂર છે. રાહુલ ગાંધીનો ૨૦૧૮નો વિધાનસભાની ચૂંટણી વખતનો અવાજ અને પાંચ સ્ટેટમાં મેળવેલ બહુમતીનો અવાજનાં અત્યારે નામશેષ થતો હું જોઉં છું એટલે સચીન પાયલોટ જેવા શક્તિશાળી નેતાને ગુમાવ્યા વગર તેને હેમખેમ પાછા કૉન્ગ્રેસના ફોલ્ડમાં લાવવાની તાતી જરૂર છે. પણ આ કૉન્ગ્રેસ જ્યાં સુધી સોનિયાજી, રાહુલ અને પ્રિયંકા ગાંધી વડેરાનાં સંકુચિત પરિવારવાદમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી હું કૉન્ગ્રેસનું સારું ભવિષ્ય જોતો નથી.
આજના આ માહોલમાં ધારાસભ્યોને ઘેટાંબકરાંની જેમ રિસોર્ટમાં રાખવા પડે તેમની આજુબાજુ કિલ્લેબંધી રાખવી પડે અને બહુમતી માટે તેમની ઉપર સતત સતર્ક રહેવું પડે તે આજની આપણી લોકશાહીનું મોટું કલંક છે. જે પાર્ટીએ ટિકિટ આપી હોય તેની વફાદરી ન રાખીને કરોડો રૂપિયાથી ખરીદાઇને પ્રજાતંત્રને રગદોળવું એ મારા હિસાબે ભારતીય લોકશાહીનું મોટું કલંક છે. આ માટે હવે તો નવનિર્માણ જેવા જનઆંદોલનો કરી આવા ધારાસભ્યોનો સામાજિક બહિષ્કાર કરવા સાથે રાઇટ ટુ રિકોલવાળો કાયદો લોકસભામાં પસાર કરવા માટે જનઆંદોલન સિવાય છૂટકો નથી અને આમ કરવામાં આવશે તો જ આપણી ડગુમગુ થતી લોકશાહી બચી શકશે તેમ કહી વિરમું છું.
e.mail : koza7024@gmail.com
પ્રગટ : ‘કરન્ટ ટોપીક’, “ગુજરાત ટુડે”