તાજેતરનાં ત્રણ આંદોલનોના અગ્રણીઓ નાતજાતવાદથી ઉફરા રહીને નરવી નાગરિક ભોંય ન કેળવી શકે ?
જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું બેઠું ન બેઠું અને ત્રણ વાનાં એક જ અરસામાં બની આવ્યાં : સર્વોચ્ચ અદાલતે એના બહુમતી ચુકાદામાં રોકડા શબ્દોમાં કહ્યું કે ધરમમજહબ, નાતજાત અને ભાષા સુધ્ધાંની સાંકડી અપીલને ધોરણે ચૂંટણી લડવાની વાત બંધારણીય ધોરણે અગ્રાહ્ય છે. ચૂંટણી, આ ચુકાદાના શબ્દો ટાંકીને કહીએ તો, એક ‘સેક્યુલર એક્સરસાઇઝ’ છે. બીજી પાસ, ગુજરાત છેડે ઓ.બી.સી., પાટીદાર, દલિત ત્રણે આંદોલનના નેતાઓએ એક મંચ પર આવીને વાત કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વરસે થવાની છે, પણ તે પહેલાં ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનું સમયપત્રક જાહેર થઈ ગયું છે અને 11મી માર્ચે પરિણામો પણ જાહેર થઈ જશે.
આ ત્રણે વાતોને એકસાથે મૂકીને જોવાતપસવા જોગ છે. સર્વોચ્ચ અદાલતના જે ચુકાદાની આરંભે જિકર કરી એના સગડ દબાવતાં 1995ના જસ્ટિસ વર્માના એ ચુકાદા સુધી સ્વાભાવિક જ પહોંચી જવાય છે કે હિંદુત્વ એ તો એક જીવનરીતિ (વે ઑફ લાઇફ) છે. એ કોઈ ધર્મ (રિલીજન) નથી. જો કે, સર્વોચ્ચ અદાલતે હજુ લગી આ અવલોકનને સીધું તપાસ્યું નથી – પાંચ જજોની બેન્ચ પર છોડયું છે – પણ સાંકડી અપીલો અને સેક્યુલર જાહેર બાબતો સબબ દો ટૂક વાત ચોક્કસ કરી છે. પણ વર્માના જે અવલોકનને હજુ પાધરું તપાસવાનું બાકી છે. એ જોતાં ચૂંટણીમાં ધરમમજહબ તરેહના કાર્ડનો ઉપયોગ નહીં જ થાય એમ કહી શકાતું નથી.
વસ્તુત: 1955ના હિન્દુત્વ ચુકાદા સંદર્ભે પાછલાં વરસોમાં જસ્ટિસ વર્મા ખાસા સચિંત અને વ્યથિત હતા. 2002માં માનવ અધિકાર પંચના અધ્યક્ષને નાતે ગુજરાતની મુલાકાત લેવાનું બન્યું ત્યારે એમને આ ‘જીવનરીતિ’નો જે સાક્ષાત્કાર થયો તે પછી પોતાના સ્વાધ્યાયસદ્ભાવી ચુકાદાના દુરુપયોગ બાબતે એ ખાસા વ્યથિત હતા તે આપણે એમનાં વિદુષી પુત્રીની સાહેદીથી જાણીએ છીએ. મુદ્દે, હિંદુત્વ એ ‘જીવનરીતિ’ છે, કોઈ ‘ધર્મ’ નથી એવી બાલમીમાંસા એક આ સદભાવી ગાથાને આભારી હતી. મૂળ પ્રશ્ન ધર્મ વિ. જીવનરીતિ એ નહોતો, પરંતુ હિંદુ ધર્મ(અગર જીવનરીતિ)ને હિંદુત્વ નામની રાજકીય વિચારધારામાં ફેરવવા વિશેનો હતો. આ પ્રકારનું રાજકીય વિચારધારાકરણ હિંદુ ધર્મને એક ઝનૂની ભૂમિકામાં મૂકી આપે છે જે, હિંદુ વિચાર જેની ટીકા કરે છે તેવા ઇસ્લામ કે યહૂદી ધર્મમતના સેમેટિક તેવરની બની રહે છે.
‘હિંદુત્વ’ અને ‘હિંદુ ધર્મ’ બે તત્ત્વત: ન્યારી બાબતો છે એ રીતની સૂક્ષ્મ સમજ પર પહોંચતી કસરત હજુ બાકી હોય તો પણ સર્વોચ્ચ અદાલતે સાંકડી અપીલો પર ખેલાતા રાજકારણની અવૈધ તાસીર જરૂર બોલી બતાવી છે. હાલના પેટા ચૂંટણી કમિશનર નસીમ ઝૈદી કહે છે કે અમે આ ચુકાદાથી બંધાયેલા છીએ, તો પૂર્વ વડા ગોપાલસ્વામી પણ એ મુદ્દે નિ:સંશય છે કે આ ચુકાદા સાથે શિવ સેના કે અકાલી દળ જેવા સારુ પોતાનું નામ બદલવાની પણ નોબત આવી શકે છે. માત્ર શિવ સેના જ શા માટે, મુસ્લિમ લીગને પણ આ અભિગમ લાગુ પડે છે.
મુશ્કેલી ત્યાં છે કે ભાજપ હિંદુત્વને રાષ્ટ્રવાદ રૂપે ઘટાવે છે, અને ‘ધર્મ’ તેમ જ ‘ત્વ’ વચ્ચે વિવેક નહીં કરી શકતો મોટો સમુદાય એ ધારીએ રાષ્ટ્રવાદ સારુ ખેંચાણ અનુભવે છે. આ ખેંચાણ કોમવાદ ને રાષ્ટ્રવાદ વચ્ચેની ભેદરેખાને ખતમ કરી નાખી એક નવો જ જોસ્સો બલકે ઝનૂન જગવી શકે છે.
નજીકના ઇતિહાસમાં જરી પાછે પગલે જઈએ તો આ હિંદુરાષ્ટવાદી ઉઠાવ સામે વિશ્વનાથ પ્રતાપ સિંહે મંડલાસ્ત્રનો પ્રયોગ કર્યો હતો. નાતજાતમાં વિભકત હિંદુ ધર્મમાં જાતિગત ઉચ્ચાવચતાની જે સ્વાભાવિક અવસ્થા (અનવસ્થા) પ્રવર્તે છે તેની સામે વચલા પછાત વર્ગો કે કથિત નીચલા વર્ગોને વિકાસતક આપવાનો અભિગમ મંડલ ભલામણોની પૂંઠે હતો તે સૌ જાણે છે. આપણે ત્યાં વર્ગ અને વર્ણની જે અજબ જેવી મિલાવટ જોવા મળે છે એમાં મંડલ અભિગમ એક સમાનતાલક્ષી ચેષ્ટા હતી. ગોળબંદ થઈ મજબૂત રાજકીય શક્તિ તરીકે ઊભરી શકતી હિંદુ વસ્તી, નાતજાતગત ઊંચનીચની સભાનતાના ઉજાસમાં મંડલ ખેંચાણ અનુભવે એ સમજી શકાય એવું વાનું છે. આમે ય હિંદુત્વને ધોરણે ગોળીબંધ થવા માટે મુસ્લિમ જેવો ‘ધ અધર’ (નઠારો ઇતર) જરૂરી બની રહે છે, અને એ ન હોય ત્યારે તમે હિંદુ કરતાં વધુ તો વાણિયાબ્રાહ્મણ કે કોળીકણબી બની રહે છે.
ગુજરાતે તાજેતરમાં પાટીદાર, દલિત અને ઓ.બી.સી. એ ત્રણ મોટા ઉઠાવ જોયા છે. હવે, આ ઉઠાવના આગેવાનો જો એક મંચ પર આવી કોઇ સહિયારું પ્લેટફોર્મ ઊભું કરવાનું વિચારતા હોય તો દેખીતી રીતે જ એ ભા.જ.પ.ના હિંદુત્વ સામે પડકારરૂપ બની રહે છે. પટેલ અનામત એ કદાચ એક ભળતો પડકાઈ ગયેલો મુદ્દો છે. પણ હિંદુત્વ રાજનીતિ અને પટેલવાદ (સવર્ણ માનસિક્તા) જે રીતે સમીકૃત માલૂમ પડતાં હતાં એમાંથી એક ન્યાય-અને-સમતાલક્ષી ધક્કાની ગુંજાશ એમાં જરૂર રહેલી છે. બને કે ઓ.બી.સી. અને દલિત ઉદ્યુક્તિઓ સાથે એનું જોડાવું તે માટે ખાણદાણઇંધણ પૂરાં પાડી શકે.
વસ્તુત: આ ત્રણે ઉઠાવ જે રીતે ઉભર્યા છે તેમાં ગુજરાતના બહુઘોષિત વિકાસ મોડેલની વિષમતામૂલક વાસ્તવિકતાનો સ્વીકાર પડેલો છે. હિંદુત્વ અને વિકાસની કોકટેલની આ ગુજરાત કીમિયાગરી મે 2014માં એકત્રીસ ટકા મતે દિલ્લીમાં ગાદીનશીન થઈ તે હજુ હમણેની હકીકત છે.
2019નાં પરિણામોની તાસીર અને તરાહના ટ્રેલર રૂપે જેનાં પરિણામો હોવાનાં છે તે 2017ની વિધાનસભાકીય ચૂંટણીઓમાં રાજકીય રીતે ગોળબંદ હિંદુત્વ સામે વાસ્તવિક વિકાસવંચિતોનો મુદ્દો ઉભરી શકશે કે કેમ તે જોવું રહે છે, કેમ કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ સાંકડી ને ઝનૂની અપીલો સામે લાલબત્તી ધર્યા છતાં આપણે રાષ્ટ્રવાદના સ્વાંગમાં ઊભરી શકતા કોમવાદથી કે વંચિતોના મૂળગામી રાજકારણને બદલે ધ્રુવીકૃત નાતજાતનાં ભયસ્થાનોથી પરિચિત છીએ.
ગુજરાતમાં તાજેતરના ત્રણ ઉઠાવોના અગ્રણીઓનું એકમંચ થવું, એક અભિગમ અને પ્રક્રિયા તરીકે, કોમવાદ ને નાતજાતવાદના કળણથી ઉફરાટે નરવી નાગરિક ભોંય કેળવવા ભણીની ગુંજાશ કેમ ન દાખવી શકે?
વીસ–પચીસ ટકા મતે હાંફી જતાં હિંદુત્વને ‘વિકાસ’ના વાજીકરણથી એકત્રીસ ટકે પહોંચાડ્યા પછી કદાચ કોઈ નવા પેચપવિત્રાની જરૂર વરતાય છે. ભષ્ટ્રાચાર સામે લડવાનો નારો જે એકદમ ધૂણતો અને જીવતો કરાયો છે – ‘તેઓ કહે છે, ઇંદિરા હટાવો; હું કહું છું, ગરીબી હટાવો’ની તરજ પર ‘તેઓ કહે છે, મોદી હટાવો; હું કહું છું કે ભષ્ટ્રાચાર હટાવો.’ એ ગુગલી સામે મતદારે દાવ લેવો રહેશે. અહી હિંદુમુસ્લિમખ્રિસ્તી છે, અહીં કોળીકણબીદલિતવાણિયાબ્રાહ્મણ છે, પણ નાગરિક નથી એ કદાચ પાયાનો પ્રશ્ન છે. જો એ નાગરિક હોય તો એને નોટબંધીથી નજરબંધી જેવું શા સારુ થવું જોઈએ? રાજ્યમાં લોકઆયુક્ત નીમવામાં નામકર ગયેલ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં લોકપાલ નીમવામાં ઠાગાઠૈયા કરતા પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર સામે ખરે જ લડવા ઇચ્છે છે?
2014 અને 2019 અધવચ આવી મળેલી આ એક અચ્છી વિચારસંધિ છે.
સૌજન્ય : ‘વિરોધી વાયરા’, “દિવ્ય ભાસ્કર”, 07 જાન્યુઆરી 2017