‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની લાઇબ્રેરીમાં રહેલ સરસ્વતીચંદ્ર નવલકથાના જુદા જુદા ખંડ
તેવીસમી ડિસેમ્બરે ગુજરાતી સાહિત્ય અને સમાજની એ ગૌરવઘટના સવાસો વરસને બારણે ટકોરા દેશે. 1900 ઈસવીમાં એ દિવસે સ્તો ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગની હસ્તપ્રતનું છેલ્લું પાનું લખ્યું હતું. નાનાલાલના શબ્દોમાં, આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યે જગત સાહિત્યમાં પગ મૂક્યો.

પ્રકાશ ન. શાહ
1887માં પહેલો ભાગ આવ્યો. પહેલા જ પ્રકરણમાં આપણો નાયક સરસ્વતીચંદ્ર બંદરે વહાણમાંથી ઉતરે છે. ગતિ અને સંક્રાન્તિનું આ ચિત્ર ગોમાત્રિના શબ્દોમાં, ‘લોકથી જુદો તથા એકલો પડી એક મોટા પુલ પર એક એન્જિન સંભાળથી ધીમે શ્વાસે ચાલતું હોય તેમ જવા લાગ્યો.’
નોંધ્યું તમે? જુદો છે. એકલો છે. વહાણમાંથી ઊતર્યો છે અને એન્જિનની પેઠે ચાલે છે. નવો માર્ગ પકડવામાં છે માટે હવે એ પોતાનું નામ નવીનચંદ્ર કહે છે. વળી કહે છે, ‘હું વિદ્યાર્થી હતો. હવે અનુભવાર્થી છું.’
જોગાનુજોગ, 1888 એ સાલ છે જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી ઓગણીસમે વરસે વિલાયતનો રસ્તો પકડે છે. 1887-1888, અણચિંતવ્યો પણ આ જોગાનુજોગ એક યુગમિજાજ લઈને આવે છે – વિદ્યાર્થીએ અનુભવાર્થી થવાનું છે. અને એ સ્તો ‘નવું’ છે. માટે ‘નવીનચંદ્ર’, ઉર્ફે પરંપરાગત શબ્દ પ્રમાણ્યે ન ગંઠાતા અનુભવ પ્રામાણ્યનો મહિમા.
છે તો દેખીતી એક પ્રીતિકથા – સરસ્વતીચંદ્ર અને કુમુદની. દેખીતી શા માટે, ખરે જ પ્રેમકથા છે. પણ સાથે એ સંસ્કૃતિની પણ કથા છે. 1857નો એક દૃષ્ટિએ વિફળ સંગ્રામ અને 1885માં કાઁગ્રેસની સ્થાપના સાથે નવપ્રસ્થાન ને નવજીવનની કાચીપાકી મથામણ. સંસ્કૃતિનો અને ધર્મનો વારસો એક પા, બીજી પા એ જ 1857ના વરસમાં યુનિવર્સિટી શિક્ષણનાં પગરણ સાથે નવી વાતોનો પ્રવેશ ને પરિચય.
સંકેલાતો સામંતી કાળ અને જામતો આવતો સાંસ્થાનિક કાળ. સરસ્વતીની શાશ્વતી આંખમાથા પર, પણ જે ‘નવીન’ તેના ઘટતા આકલનસર ચૈતન્યનો સંસ્પર્શ સુધ્ધાં. વાર્તાના વળાંકો અને વિચારમુકામો પ્રેમકથા ને સંસ્કૃતિકથા બેઉને સાથેલગાં હીંડવે છે.
ગોવર્ધનરામ એક સર્જક નિ:શંક છે, પણ નકરા સર્જક તો એ મુદ્દલ નથી. એમના નાયકે નવીનચંદ્ર એ નામ તો ધારણ કીધું, પણ રાજકારણની રીતે લેખક ને નાયક, 1920થી બેસેલા અસહકાર યુગ સામે કંઈક મવાળ પણ લાગે. જો કે, ગોખલે તો જાણે કે સમજ્યા, પણ સ્વરાજ્યને જન્મસિદ્ધ અધિકાર કહેતા તિલક પણ હોમરુલ લીગમાં જ હતા ને? એમાં પૂર્ણ સ્વરાજની વાત નહોતી. ગો.મા.ત્રિ.એ સ્વદેશી સ્ટોર્સનું ઉદ્દઘાટન પણ કરેલું અને અમદાવાદમાં 1902માં કાઁગ્રેસ મળી ત્યારે સામેલ પણ થયેલા. બલકે, ત્યારે માંડ દસેક વરસના ઈન્દુલાલ યાજ્ઞિકની સ્મૃતિમાંયે એ સચવાયેલું છે કે અમદાવાદની કાઁગ્રેસમાં પ્રતિનિધિ તરીકે સામેલ થવાનો અનુરોધ એ ‘પાકી ચરોતરિયા બોલી’માં કરતા.
એ સમયનું કાઁગ્રેસમાનસ સટીકપણે અંગ્રેજ શાસન પરત્વે આશા-અપેક્ષાએ ભરેલું હતું અને ટીકા કરતે છતે એના સંસર્ગથી સરવાળે લાભ થશે એવી સમજ પણ ખરી. ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગમાં ગો.મા.ત્રિ.ની એવી સમજ વ્યક્ત થાય છે કે ભારતની પ્રજા પ્રાચીન સંસ્કૃતિનું સ્મરણ કરી ધર્મનું વર્ચસ પુન: પ્રતિષ્ઠ કરે તો બ્રિટિશ પ્રજામાં રહેલા ‘દુર્યોધન’ને વશ કરી એમાં રહેલ સુગ્રીવ ને હનુમાનનો પ્રભાવ જરૂર વધારી શકે.
1920 પહેલાં ગાંધીજી પણ, એમ તો, પૂર્ણ સ્વરાજની ભૂમિકાએ ક્યાં હતા? એમણે 1917માં ગોધરામાં જે પહેલી ગુજરાત રાજકીય પરિષદ મળી એમાં આશા વ્યક્ત કરી હતી કે ભારતની પ્રજા બ્રિટિશને ધર્મવૃત્તિથી જીતી શકશે. (અલબત્ત, ગો.મા.ત્રિ. કે ગાંધી જે ‘ધર્મ’ની વાત કરે છે તે આજની રાજકીય વિચારધારાના અર્થમાં નથી.) આ જ પરિષદમાં ગાંધીજીએ ગુજરાતના જીવનમાં વસંતનો સંચાર થઈ રહ્યાનું કહ્યું હતું તે ગોવર્ધનરામનીયે શ્રદ્ધાના મેળમાં જરૂર છે.
અલબત્ત એ એક સ્વતંત્ર અભ્યાસવિષય છે, તેમ છતાં ગોવર્ધરામની મનનપોથી ઉર્ફે ‘સ્ક્રેપબુક’નો ઉલ્લેખ કંઈક તો કરવો રહ્યો. એમાં એમણે પોતાનો આદર્શ ‘વહેવાર સંન્યાસ’માં જોયો છે. સ્વાર્થ કમાણીથી મુક્ત થઈ સર્વહિતકારક પ્રવૃત્તિનાં જીવનનો ઉપયોગ એટલે સંન્યાસ. તો, મોક્ષ એટલે જનમમરણના ફેરામાંથી મુક્તિ નહીં પણ આસક્તિથી મુક્ત રહી સેવા-સમર્પણનું જીવન તે મોક્ષ.
કેવળ ચાળીસ વરસની આસપાસની વયે એમણે વકીલાતમાંથી આ ‘વહેવારુ સંન્યાસ’ વશ મુક્તિ લીધી અને તે પછી રાજા-રજવાડાંની મોટી ઓફરો પણ સ્વીકારી નહીં. કોઈ જાહેર બાબત અંગે ઊહાપોહ જગવતા ‘પબ્લિક મેન / સિટીઝન’ થવા કરતાં તે પોતાને ઈષ્ટ આદર્શ મુજબનું ‘લોક’ ઘડવા ઈચ્છતા.
2024-25નું આ ‘એકસો પચીસ’મું વર્ષ ગુજરાતની ચેતનાને ઝકઝોરશે? ઝંઝેડશે? વાવડ છે કે નડિયાદ આવતે મહિને એને વધાવશે ને ઊજવશે. આ ઉજવણું ધોરણસરનું સંકીર્તન તો કરશે, જરૂર કરશે. પણ ‘સરસ્વતીચંદ્ર’થી જેમ એક વિશ્વદર્શન શક્ય બન્યું તેમ તે પછીની નવલકથાઓમાંથી સામે આવતાં (અથવા નહીં આવતાં) વિશ્વદર્શનની કોઈ ચર્ચા થશે? ‘ગુજરાતનો નાથ’, ‘માનવીની ભવાઈ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’થી તાજેતરની ‘ભૂમિસુક્ત’ સહિતની નવલપરંપરાને ‘સરસ્વતીચંદ્ર’ સંદર્ભે કોઈ તપાસશે? ‘કલ્યાણ ગ્રામ’ના ગોવર્ધનરામદીધા સ્વપ્નથી માંડી સેવાગ્રામ સુધીની યાત્રા ચર્ચાશે?
આટલું, જગત સાહિત્યમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રવેશની એકસો પચીસમીએ … બાકી તો, ક્લાસિક વિશે કહેવાય છે ને કે એનું નામ લે સૌ કોઈ – અને વાંચે કોઈ નહીં!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 ડિસેમ્બર 2024