
રમેશ સવાણી
સુરતમાં ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગમાં મંદી આવતા લોકો પાવરલૂમ-ટેક્સટાઇલ વીવિંગ તરફ વળ્યા છે.
સુરત ભારતનું સૌથી મોટું સિન્થેટિક કાપડ ઉત્પાદન કેન્દ્ર છે, જ્યાં મુખ્યત્વે પાવરલૂમ્સ દ્વારા કાપડનું ઉત્પાદન થાય છે. સુરતમાં આશરે 6 લાખથી 6.5 લાખ પાવરલૂમ મશીનો છે. આ મશીનો અનેક નાની-મોટી ફેક્ટરીઓ અથવા યુનિટ્સમાં વહેંચાયેલા છે. એક યુનિટમાં સરેરાશ 10-12 મશીનો હોય છે, તેથી ફેક્ટરીઓ/યુનિટ્સની સંખ્યા 50,000થી વધુ હોઈ શકે છે.
સુરતમાં રોજનું કાપડ ઉત્પાદન આશરે 4 કરોડ મીટર છે. આમાં મુખ્યત્વે સિન્થેટિક (પોલિએસ્ટર) કાપડનો સમાવેશ થાય છે, જે ભારતના કુલ સિન્થેટિક કાપડ ઉત્પાદનના 40% જેટલો હિસ્સો ધરાવે છે. સુરતનું સિન્થેટિક કાપડ દેશમાં તેમ જ 100 કરતાં વધુ દેશોમાં જાય છે. જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ / UAE-યુનાઇટેડ આરબ એમિરેટ્સ / સાઉદી અરેબિયા / UK-યુનાઇટેડ કિંગડમ / જર્મની / ફ્રાન્સ / બાંગ્લાદેશ / શ્રીલંકા / આફ્રિકન દેશો / લેટિન અમેરિકન દેશો-મધ્ય અને દક્ષિણ અમેરિકામાં નિકાસ થાય છે. સુરતનાં કાપડની વૈશ્વિક માંગ સતત વધી રહી છે, ખાસ કરીને સસ્તા અને ગુણવત્તાયુક્ત સિન્થેટિક ફેબ્રિક્સ માટે.
સાડીઓ / ડ્રેસ મટિરિયલ્સ માટેના રંગીન દોરાઓ / જરી વગેરે સુરતમાં જ બને છે. વીવિંગ મશીનો ચીનથી મંગાવે છે. આત્મનિર્ભર / સ્વદેશીનું મિથ્યાભિમાન જ માત્ર આપણું પોતાનું છે ! કાપડ માટેનું રો-મટિરિયલ સપ્લાય કરનાર માત્ર રિલાયન્સ કંપની છે, તેની ઈજારાશાહીના કારણે સૌથી વધુ આવક તે ખેંચી જાય છે. તૈયાર કાપડનાં વેચાણ / નિકાસ કરવાનું કામ સુરત સ્થિત રાજસ્થાની વણિકોના હાથ છે. આખું સેટઅપ વર્ણવ્યવસ્થા મુજબ ગોઠવાઈ ગયું છે, જેમાં શૂદ્રો / અતિ શૂદ્રોના ભાગમાં મજૂરી જ છે !
24 ડિસેમ્બર 2025ની રાત્રે એક પાવરલૂમ યુનિટની વિઝિટ કરી. અહીં સાડીઓનું વીવિંગ થતું હતું. ફેક્ટરીમાં વણાટનો અવાજ પુષ્કળ હતો. મશીનોની ધ્રૂજારી પણ અનુભવી શકાતી હતી. આ યુનિટમાં 12 કલાકની એક શિફ્ટ એમ બે શિફ્ટમાં શ્રમિકો કામ કરે છે. શ્રમિકને રોજના 800 રૂપિયા ચૂકવાય છે. માસ્ટરને મહિને 65 હજાર ચૂકવાય છે. માસ્ટર રાજસ્થાનના છે એટલે શ્રમિકો પણ રાજસ્થાનના છે.
જે યુનિટોમાં માત્ર પ્લેન કાપડ બને છે તેમાં અવાજનું પ્રદૂષણ તીવ્ર હોય છે. આપણે પાંચ મિનિટ ઊભા ન રહી શકીએ તેટલો અવાજ થતો હોય છે, આ સ્થિતિમાં સતત 12 કલાક કામ કરનારા ઓરિસ્સા / બિહારના શ્રમિકો હોય છે. કોઈ ગુજરાતી શ્રમિકો આવી ફેક્ટરીઓમાં કામ કરતા નથી.
મને સવાલ એ થયો કે શું આવી ફેક્ટરીઓમાં લેબર લોનો અમલ થાય છે? આ સેક્ટરમાં લેબર લોનું વ્યાપક ઉલ્લંઘન થાય છે, જેમ કે :
[1] મોટા ભાગના યુનિટ્સ; ફેક્ટરીઝ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ નથી, પરંતુ શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે. એટલે સેફ્ટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન્સના કડક નિયમો લાગુ પડતા નથી.
[2] કામના કલાકો 12-14 કલાક સુધી હોય છે. કાયદા મુજબ 8-9 કલાકની મર્યાદા છે. ઓવરટાઇમની ચૂકવણી થતી નથી.
[3] મિનિમમ વેજ, PF, ESI જેવા લાભો અનેક શ્રમિકોને મળતા નથી, ખાસ કરીને માઇગ્રન્ટ વર્કર્સને.
[4] ખરાબ વેન્ટિલેશન, જૂના મશીનો, અકસ્માતોનું જોખમ અને ઇન્સ્પેક્શન્સની અછતને કારણે સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે.
[5] હોમ-બેઝ્ડ વર્ક, જેમ કે થ્રેડ કટિંગમાં લેબર લો લાગુ પડતા નથી.
લેબર લોનું પાલન કરાવવા માટે લેબર ઓફિસર જોઈએ. સરકાર ભરતી કરતી નથી. નબળી એન્ફોર્સમેન્ટ અને ઇન્સ્પેક્ટર્સની અછતને કારણે શ્રમિકોનું શોષણ થાય છે. મોટા યુનિટસમાં લેબર લોનું પાલન થતું હોય છે, પરંતુ નાની-મધ્યમ પાવરલૂમ ફેક્ટરીઓમાં સામાન્ય રીતે લેબર લોનો અમલ થતો નથી. નવા લેબર કોડ્સ – 2020ના અમલ પછી પણ આ સ્થિતિમાં મોટો સુધારો થયો નથી. સત્તાપક્ષને પૈસા શ્રમિકો આપતા નથી, ફેક્ટરીના માલિકો આપે છે. એટલે સરકારે શ્રમિકોને ભગવાન ભરોસે છોડી દીધાં છે !
26 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

