
રવીન્દ્ર પારેખ
બે દિવસ પર જ વડા પ્રધાને કહ્યું કે વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં ભારે વધારા છતાં, તેમની સરકારે દેશમાં પેટ્રોલ, ડિઝલના ભાવ વધવા દીધા નથી. એ ખરું કે નાના મોટા સુપર પાવર દેશોમાં પણ ડિઝલ અને પેટ્રોલના ભાવમાં 10 ટકા-25 ટકાનો વધારો થયો છે, પણ ભારતની સફળ વિદેશ નીતિ અને સરકારી પ્રયત્નોને લીધે વૈશ્વિક ભાવ વધારાની અસર ભારતની જનતાને બહુ થઈ નથી. એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને પણ ભારતે ઇંધણના ભાવ પર નિયંત્રણ મેળવ્યું છે, પણ એપ્રિલ શરૂ થતાં જ સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. નાયરા કંપની દ્વારા પેટ્રોલ ડિઝલમાં વધારા બાદ હવે શેલ ઇન્ડિયાએ પણ પેટ્રોલ-ડિઝલના ભાવ વધાર્યા છે. ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો હોવાથી, ખાનગી કંપનીઓએ નુકસાની સરભર કરવા ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. બેંગલુરૂમાં પેટ્રોલના ભાવમાં લિટરે 7.41નો અને ડિઝલમાં 25 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ સામાન્ય ડિઝલની કિંમત શેલ ઇન્ડિયામાં 123.52 અને પ્રીમિયમ વેરિઅંટની કિંમત 133.52 પ્રતિ લિટર થઈ છે. બેંગલુરુમાં સામાન્ય પેટ્રોલ 119.85 અને પાવર પટ્રોલ 129.85ના ભાવે વેચાઈ રહ્યું છે. VAT અને પરિવહન ખર્ચને કારણે અન્ય શહેર કે રાજ્યમાં ભાવમાં થોડો ફેર પડ્યો હશે, પણ કુલ મળીને આખા દેશમાં શેલના આઉટલેટ્સ પર ગ્રાહકોના ગજવાં હલકાં થઈ રહ્યાં છે. એ ખરું કે સરકારી કંપનીઓ (IOCL, BPCL,HPCL) એ ક્રૂડની કિંમતો વધી રહી હોવા છતાં સરકારના હસ્તક્ષેપને લીધે ભાવ નિયંત્રણમાં રાખ્યા છે.
ઇંધણની જે તંગી ઊભી થયેલી દેખાય છે, તેમાં લોકોનો ફાળો પણ ઓછો નથી. સરકારે વારંવાર લોકોને કહ્યું કે દેશમાં પૂરતાં પ્રમાણમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ છે, તેમ છતાં જેમની પાસે મહિનો ચાલે એટલો એલ.પી.જી. હોવા છતાં ઊંચા ભાવ આપીને બે કે તેથી વધુ બાટલા ખરીદી લેવાયા છે. વાહનોમાં પણ જરૂર હોય તેથી વધુ પેટ્રોલ ભરાવાઈ રહ્યું છે. આવું એટલે પણ છે કે લોકોને સરકારની વાતોમાં વિશ્વાસ નથી. તે જે બતાવે છે, તેથી ચિત્ર ઊલટું જ બને છે. આમ બનવાનું કારણ કોરોના વખતે લોકોએ આમ જ સરકાર પરનો ભરોસો ખોઈ દીધેલો તે છે. એ વખતે ઓક્સિજનની તંગી નથી, એવું ચલાવેલું ને જ્યારે જરૂર પડી ત્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા હતા. આ વખતે પણ એવું જ થયું. ગેસની ચિંતા કરવાની જરૂર નથી એમ કહેવાયું, પણ ગેસની તંગી હળવી થઈ નથી. રાંધણ ગેસની એટલી અછત નથી, પણ કમર્શિયલ ગેસની તંગી તો છે જ. આ ગેસના અભાવમાં ઘણી ફેકટરીઓ બંધ થઇ ગઈ છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ, સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં કારોબાર થોડા દિવસ થોભાવવાની વાત એનાં ઉદાહરણો છે. આવી જ સ્થિતિ અન્ય શહેરોની પણ છે. સરકારે કમ સે કમ એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે લાઈનો લાગતી બંધ થાય, શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ થાય ને લોકો નોકરી ધંધાના સ્થળે પહોંચી શકે એટલું ઇંધણ મળી રહે તે અપેક્ષિત છે.
નવાં નાણાંકીય વર્ષમાં અત્યારે શી હાલત છે તે જોવા જેવી છે. પશ્ચિમ એશિયાની યુદ્ધની સ્થિતિ અને ભારતમાં મોંઘવારીને જોતાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ક્રૂડનો ભાવ 100 ડોલરની ઉપર જતાં તેની સીધી અસર ભારતમાં વર્તાઈ રહી છે. શેલ ઇન્ડિયા કંપનીએ પોતાનાં પમ્પો પર પેટ્રોલ, ડીઝલના ભાવમાં લિટરે ખાસા ભાવ વધાર્યા છે. એ પહેલાં નાયરાએ ભાવ વધારી દીધા છે. હાલમાં એલ.પી.જી. સિલિન્ડરની તંગી વચ્ચે લાઈનો લાગે છે. એવામાં સરકારી ક્મ્પનીઓએ બુધવારે કમર્શિયલ એલ.પી.જી.નો ભાવ વધારી દીધો છે. પાંચ કિલોના મિનિ સિલિન્ડરનો ભાવ 51 અને 19 કિલોના સિલિન્ડરનો ભાવ 195થી 218 રૂપિયા સુધી વધી ગયો છે. આ વધારાની સાથે જ 19 કિલોનાં સિલિન્ડરનો ભાવ 2,000ને પાર પહોંચી ગયો છે. દિલ્હીનો ભાવ 2,078 અને મુંબઈનો ભાવ 2,031 થઈ ગયો છે. આ ભાવ વધારાને પગલે પરિવહન સંબંધિત બીજી ચીજ વસ્તુઓના પણ ભાવ વધ્યા છે ને હજી વધે એવી પૂરી શક્યતાઓ છે.
ઇંધણના ભાવ વધ્યા તે સાથે વિમાની ઇંધણ પણ બહુ મોંઘું થયું છે. ડોમેસ્ટિક એરલાઈન્સ માટે ભાવ પ્રતિ કિલો લિટરે 8,289.04 વધતાં 8.56 ટકાનો વધારો થયો છે, એટલે કે ભાવ 96,638.14થી વધીને 1,10,703.08 થયો. બીજા શબ્દોમાં ATFનો ભાવ લાખ રૂપિયાને વટાવી ગયો છે. એટલે એરલાઈન્સ કંપનીઓ વિમાનનાં ભાડામાં વધારો કરે તેવાં પૂરતાં કારણો છે. ઇન્ડિગોનાં વિમાન ભાડાં તો સ્થાનિક 930 અને આંતરરાષ્ટ્રીય 10,000 સુધી વધી ગયા છે. ટૂંકમાં, નવાં નાણાંકીય વર્ષની શરૂઆત મોંઘવારીના ભાવથી થઈ છે. એડહોક, ચાર્ટર, નોન શિડ્યુલ ફલાઈટનું ATF 100 ટકા વધીને 2 લાખ થયું છે. અગાઉ એ ભાવ 1,10,703 હતો તે બમણો થઈને 2,07,341 થયો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય વિમાની મુસાફરી મોંઘી થઈ ગઈ છે.
એ છે કે જે પરિવહન ડિઝલ, પેટ્રોલ પર નિર્ભર છે તેની સાથે જોડાયેલી તમામ ચીજ વસ્તુઓના ભાવ વધી જ રહ્યા છે ને જેમ જેમ ઇંધણ મોંઘુ થશે, તેમ તેમ તેને સંલગ્ન ચીજ વસ્તુઓના ભાવ વધશે જ એમાં શંકા નથી. એક તરફ જીવન રક્ષક દવાઓના ભાવ સરકાર ઘટાડતી જાય છે, પણ હવે દવાઓ પણ મોંઘી થઈ રહી છે. લિવર, કિડની, બી,પી,, સુગર, તાવ…ને લગતી 900થી વધુ દવાઓ મોંઘી થઈ છે. જરૂરી દવાઓનો ભાવ 1 એપ્રિલથી વધી ગયો છે. જી.એસ.ટી. કપાયા પછી 10 ટકા વધુ કિંમતે દવાઓ ખરીદવી પડે એવી સ્થિતિ છે. આમ તો 60 ટકા ફાર્મા ક્મ્પનીઓએ તો જાન્યુઆરીમાં જ નવાં ઉત્પાદન પર ભાવ વધારી દીધેલાં, તેમાં ઇંધણનું બહાનું મળતાં વળી એક વાર ભાવ વધારવાની તક મળી ગઈ છે. આમ તો જાન્યુઆરી, 2026થી આવનારી દવાઓના ભાવ નવી એમ.આર.પી. મુજબ બદલાઈને આવશે એટલે 80 રૂપિયાની દવા પણ 90-95માં મળશે. દવાના ભાવ આમ પણ વધતા જ રહે છે, તેમાં ઇંધણે નવું બહાનું આપ્યું છે.
એટલું સ્પષ્ટ છે કે યુદ્ધની સ્થિતિએ અન્ય દેશોને અસરો પહોંચાડી જ છે, પણ ભારતને કદાચ વધુ અસરો થઈ છે. સરકાર તેનાથી બનતાં બધાં જ પગલાં લઈ રહી છે, પણ તે ટૂંકા પડે એમ છે. તાજેતરમાં જ વડા પ્રધાનની અધ્યક્ષતામાં યુદ્ધનાં સંકટ વચ્ચે યોજેલી એક બેઠકમાં લેવાયેલાં પગલાંની સમીક્ષા થઈ. બેઠકમાં વડા પ્રધાને જરૂરી ચીજ વસ્તુઓના ભાવ સ્થિર કરવા માટેનાં પગલાંની સમીક્ષા કરી હતી ને સંગ્રહખોરી અને કાળાબજાર અંગે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાને એ પણ સુનિશ્ચિત કર્યું કે આવશ્યક સેવાઓની ઉપલબ્ધિ કેવીક છે, સાથે સાથે યુદ્ધનાં આ વૈશ્વિક કટોકટીના કાળની અસરોથી સામાન્ય નાગરિક પ્રભાવિત ન થાય ને એ માટે જે પગલાંઓ લેવાં જરૂરી હોય તે લેવાય. વડા પ્રધાનનું કહેવું છે કે એક મહિનાથી ખાદ્યપદાર્થના ભાવો સ્થિર રહ્યા છે. ભાવ પર નજર રાખવા કન્ટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે એ સાથે જ રાજ્યો સાથે કેન્દ્ર પણ સતત સંપર્કમાં છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે, એટલું જ નહીં, રાજદ્વારી પ્રયત્નો પણ ચાલુ જ છે.
આમ વૈશ્વિક કસોટીને પહોંચી વળવા સરકાર થાય તે પ્રયત્નો કરે જ છે, પણ શરૂઆતના તબક્કામાં સરકાર પણ પ્રજાની જેમ જ રઘવાઈ થઇ જાય છે ને પ્રજા જેમ ગેસ સિલિન્ડર માટે લાઈનો લગાવે છે, મોંઘા ભાવે સિલિન્ડર ખરીદી સંગ્રહખોરીમાં પડે છે, એમ જ સરકાર પણ વાસ્તવિક પરિસ્થિતિની જાણ કરવાને બદલે સબસલામતની ઘંટી વગાડવા લાગે છે ને કશાની અછત નથી એવી આલબેલ પોકારતી રહે છે, પછી લોકોને સાચી પરિસ્થિતિની જાણ થાય છે, તો સરકાર પરથી તેમનો ભરોસો તૂટવા લાગે છે. પછી સરકાર ગમે તેટલા થીંગડાં મારે તે ખાતર પર દિવેલ જેવાં જ છે. સરકારે એ સમજી લેવાનું રહે કે પ્રજા અસ્વસ્થ થાય તો ચાલે, પણ સરકારને અસ્વસ્થ થવાની છૂટ નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઍપ્રિલ 2026
![]()

