હું ગુજરાતમાં હતી ત્યારે અમુક વાર રાજ્ય બહારથી આવેલાં એવાં લોકો સાથે પનારો પડતો જે લોકો ગર્વથી કહેતાં, ‘ત્રીસ વરસથી ગુજરાતમાં રહું છું, પણ મને ગુજરાતી નથી આવડતું. જેને મારી સાથે વાત કરવી હોય તે હિંદીમાં કરે.’ લોકોને એ વાતનું અભિમાન હોય છે કે, આટલાં વર્ષોથી દૂરના પ્રદેશમાં રહું છું, તો ય મેં મારી ભાષા, મારી સંસ્કૃતિ ટકાવી રાખી છે. ત્યાં સુધી તો બરાબર છે, પણ ‘વર્ષોથી જ્યાં રહું છું ત્યાંની ભાષા, ત્યાંની રીત રસમ હું શીખું જ નહિ, કારણ કે મારી સંસ્કૃતિ એટલી મહાન છે. મારે બીજી સંસ્કૃતિ શું કામ અપનાવવી જોઈએ!’ આ પ્રકારની ભાવના ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશના ઘણાં લોકો ધરાવતાં હોય છે.
આ વાત એટલા માટે યાદ આવી કે, હમણાં એક સ્કૂલમાં એક પેરેન્ટ જોડે મિટિંગ હતી. ભાઈ બલોચીસ્તાનના હતા. મને કહે કે, ‘હું ઇંગ્લિશ નથી જાણતો. મને ઉર્દૂ કે પર્સિયન ઇન્ટરપ્રિટર આપો.’ એમની વાતમાં ભાષા નથી આવડતી એની લાચારી સહેજ પણ નહોતી, ઊલટાનું “હું કંઈ ઇંગ્લિશ ના બોલું’ એવી ટણી હતી. મેં પૂછ્યું, ‘યુનાઇટેડ કિંગ્ડમમાં કેટલાં વરસથી રહો છો?’ તો કહે કે, ‘પચીસ વરસ થયાં.’ ઠીક છે, ઉર્દૂ વાળાંને હું હિંદીથી જ નીપટાવી દેતી હોઉં છું, એટલે એમનું પણ ઇન્ટરપ્રિટર વગર જ પતાવ્યું. પણ મનમાં પ્રશ્ન થયો કે, જિંદગીનાં પચીસ વરસ જે જગ્યાએ કાઢ્યાં હોય, ત્યાંની ભાષા અપનાવવાની દાનત ન હોય, આ ગર્વ લેવા જેવી વાત કહેવાય કે શરમજનક વાત કહેવાય? નવી ભાષા શીખવામાં કોઈ તકલીફ હોય, અથવા માણસ ઘરની બહાર ખાસ ન નીકળતું હોય એટલે લોકો જોડે વાતચીત ન થતી હોય …. એવા કિસ્સામાં સમજી શકાય. એવા લોકોનો ટોન અલગ હોય: ‘મને નથી આવડતું, મને મદદ કરશો.’ પણ આ તો ‘ના, હું તો અલગ જગ્યાનો માણસ છું. હું અહીંની ભાષા ન બોલું.’ આવો એટિટ્યુડ કેટલો વાજબી ગણાય?
અહીં ઉદાહરણ ફક્ત ભાષાનું આપ્યું છે. પણ આ વાત રીત-ભાત, સભ્યતા, લહેકો દરેક વસ્તુને લાગુ પડે. મને યુનાઇટેડ કિંગ્ડમમાં પહેલો મહિનો પૂરો થયો, એની પહેલા, હું બસમાંથી ઊતરતી વખતે ડ્રાઇવરને ‘થેન્ક યૂ, ડ્રાઇવર’ કહેતાં થઈ ગયેલી. કારણ કે, એ અહીંની રીત છે. અમદાવાદમાં ઓલા /ઉબેરની રિક્ષા કરી હોય અને ડ્રાઇવરનું નામ મોબાઈલમાં આવી જાય તો પણ એને નામથી ન બોલાવાય. નામની પાછળ “ભાઈ” લગાવવું પડે, અથવા ‘તમે’ કહીને સંબોધવું પડે. એ આપણે ત્યાંની સભ્યતા છે. માની લો કે, યુનાઇટેડ કિંગ્ડમથી ભારત શિફ્ટ થયેલો વિદેશી, વર્ષો અમદાવાદમાં રહ્યાં પછી પણ બધાંને ઉંમર જોયા વગર તુંકાર કરીને બોલાવતો હોય તો, એણે એની સંસ્કૃતિ ટકાવી રાખી એવું કહેવાય? કે એટલો જડ બની રહ્યો કે આપણી રીતભાત ન શીખી શક્યો, એવું કહેવાય?
‘અમે તો અહીં આવીને પણ અમારા પ્રદેશની રીતે જ રહીશું, બીજાં બધાંએ એડજસ્ટ કરવાનું’, એવા એટિટ્યુડ સાથે લોકો રહેતાં હોય છે. એવાં લોકો જે દેશ કે પ્રદેશમાં રહેવા ગયાં હોય એના પર બહુ મોટો બોજો કહેવાય. હું ભારતમાં હતી ત્યારે ફોરેન જવા માટે ટ્રાય કરતાં હોય એવાં લોકોના મોઢે સાંભળવા મળતું, ‘અરે, આપણે ત્યાં જઈને બીજું ગુજરાત બનાવીશું.’ કોઈ ઓસ્ટ્રેલિયા જતું હોય એ એવું બોલતું હોય, ‘હું તો ત્યાંનું ખાવાનું કદી નહિ ખાઉં, પણ ત્યાંના લોકોને રોટલી-શાક ખાતા શીખવાડી દઈશ.’ કેનેડાના સ્થાનિક લોકો પણ ઈદ અને દિવાળી મનાવતા થઈ જાય, એ જેમના માટે ખુશીની વાત હોય, એવાં લોકો કેનેડાની સભ્યતા માટે મોટો ખતરો કહેવાય.
વળી, આ એ જ પ્રજા હોય છે, જે અહીં આવીને ભેદભાવ અને રેસિઝમની ફરિયાદ કરતી હોય છે. તો ભાઈ, તમે જ પોતાની અલગ ઓળખ જાહેરમાં પ્રદર્શિત કરવા માંગો છો, થોપવા માંગો છો. તો એ લોકો તમને અલગ માનશે જ ને! તમે લીસા કાગળ જેવી તમારી સંસ્કૃતિ લઈને અહીં આવો છો, અને અહીં પણ એને અનુસરો છો એ સારી વાત કહેવાય. પણ એનું પ્લેન બનાવીને સ્થાનિક લોકોની આંખમાં આવે એ રીતે ઉડાવો, એ તો કોઈને પણ ખૂંચે ને! આવાં લોકો પાછાં એમનાં ખુદના દેશ-પ્રદેશમાં બીજાં લોકો આવીને રહે તો અસુરક્ષિત થઈ જતાં હોય છે, અણગમો દર્શાવતાં હોય છે. સંસ્કૃતિ-સભ્યતાની બાબતમાં પહેલી વાત એ કે, આપણાં પ્રાદેશિક મૂલ્યો સાચવી રાખવાં હોય તો આપણો પ્રદેશ છોડીને બીજે જવાય જ નહિ. બીજે જઈને જોરશોરથી આપણી રીતો ચલાવવાની ઇચ્છા ખોટી કહેવાય.
બીજી વાત એ કે, સંસ્કૃતિ એ વહેતી નદી જેવી છે. તમે આજે જેને તમારી સંસ્કૃતિ-સભ્યતા (અને ધર્મ) માનો છો, એ આજથી 500 વર્ષ અગાઉ અલગ હતી, અને આવનારા 500 વર્ષ પછી અલગ જ હશે. તમે આ બદલાવને રોકી નથી શકવાના. ઉપરાંત તમે હવે તમારી કર્મભૂમિ પણ બદલી નાખી છે, તો ખળખળ વહેતી નદી જેવી સંસ્કૃતિ પર ડેમ કેમ બાંધવા માંગો છો? નવા દેશ / પ્રદેશના લોકો સાથે તમે ભળી જાઓ, એના માટે ફક્ત ત્યાંના લોકો ઉદાર હોય એટલું પૂરતું નથી. તમારે પણ ભળી જવાનો પ્રયત્ન કરવો પડે. નહિ તો, તમારા પર કોઈ ‘રેસિઝમ’ કરે નહિ, તો ય તમને ફીલ થવાનું જ છે.
સૌજન્ય : નિમિતાબહેન શેઠની ફેઇસબૂક દીવાલ પરેથી સાદર
![]()

