પરિપ્રેક્ષ્ય

પ્રકાશ ન. શાહ
દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સદી નોંધાવતો હોય અને તાકડે એ જ દિવસે ગાંધી જયંતી (બીજી ઓક્ટોબર) પણ હોય, શું કહીશું એ જોગાનુજોગ વિશે – કેમ કે ગાંધીજી પરત્વે સંઘનો અભિગમ જ્યારે સમીક્ષાત્મક ન હોય, ત્યારે પણ સલામત અંતરનો તો રહ્યો જ છે. સંઘે એના પ્રાત:સ્મરણમાં ગાંધીજીનું નામ આમેજ કર્યાનું જાણ્યું છે, એમાં વિવેક જરૂર છે. કારોબરેટિવ એવિડન્સ(પુષ્ટિપ્રમાણ)ના અભાવે છતી સાહેદીએ ગાંધીહત્યામાં એની સંડોવણી બાબતે શંકાનો લાભ મળ્યો એ ઇતિહાસવસ્તુ છે.
બને કે, જે સંડોવણી હોય તે સીધી સંસ્થાકીય ન હોય; પણ તે માંહેલા કે તેની સાથેનાં તત્ત્વોની જરૂર હોય. નેહરુ-સરદારના જે પત્રો સત્તાવાર સુલભ છે એણાં પ્રકાશન્તરે સરદાર તરફથી આવાં ઇંગિત છે. જો કે, સરદારે સીધી જવાબદારી હિંદુ મહાસભાની એક પાંખ પર નાખી છે. પણ આજની તારીખ અને તિથિને આપણે એ ચર્ચામાં ન સરવા દઈએ તે જ ઠીક રહેશે.
આ શતવર્ષી, સીધુ-સપાટ-સરળ બયાન કરવું હોય તો સંઘજાત, સંઘપોષિત, સંઘસમર્થિત પક્ષ દેશમાં શીર્ષ સત્તાસ્થાને હોઈ શકે તેની એક સિદ્ધિનો અવસર અને આનંદ ખસૂસ છે. જ્યાં સુધી વિચારધારાનો સવાલ છે, હિંદુત્વ અગર તો હિંદુ રાષ્ટ્ર એનો મૂળ વિચાર છે. વિચારવ્યૂહની રીતે એ ગાંધીને પણ હિંદુ ઢાંચામાં ઢળેલી છબી તરીકે આગળ કરવાની કોશિશમાં જણાય છે. સંઘપ્રેરિત ફાઉન્ડેશને એક દળદાર ગ્રંથ ગાંધી વિશે ‘હિંદુ પેટ્રિયટ’ જેવા સૂચક શીર્ષક સાથે રમતો પણ મૂક્યો છે. પણ ગાંધી એક એવા હિંદુ હતા જે હિંદુત્વ રાજનીતિને માફક આવી શકતા નહોતા!
સંઘે જનસંઘને આપેલા અને ત્યાંથી ભા.જ.પ.વરિષ્ઠ બનેલા અડવાણીએ અયોધ્યા આંદોલન વખતે ગાંધીજી ધર્મને કેવું મહત્ત્વ આપતા હતા તે આગળ કરી સમર્થન ઉપજાવવાની કે બચાવછત્રીની કોશિશ કરી હતી. પણ મુશ્કેલી એ છે કે, જે સંઘબાગ્ય પ્રતિભાઓને તે કો-ઓપ્ટ કરવા કોશિશ કરે છે, પછી તે ગાંધી હોય, સુભાષ હોય કે સરદાર અગર આંબેડકર કે ભગત સિંહ, કોઈને ય હિંદુરાષ્ટ્રનો ખયાલ સ્વીકાર્ય નથી.
સરદાર માટે સંઘ બાબતે કૂણા હોવાની છાપછતાં વાસ્તવિકતા એ છે કે, એમને પણ હિંદુ રાષ્ટ્ર ‘એક પાગલ ખયાલ’ લાગતો હતો. સાવરકરનું ‘આઈકોન’ હોવું સરવાળે બેસતું આવતું હોય તો પણ એમાંયે એક સલામત અંતરનો મુદ્દો છે તે છે.
મુદ્દે, જે હિંદુત્વ રાજનીતિને આદ્ય સરસંઘચાલક હેડગોવારને અભિમત હશે, એની પૂંઠે જે કથિત ‘ધર્મ’ ચાલના છે તે તો 1925ની સંઘસ્થાપના પૂર્વે પણ પાછી પડતી રહી છે. 1920માં તિલકના અવસાન સાથે અને ગાંધી છવાઈ રહ્યાની પ્રતીતિ સાથે મુંજે અને હેડગેવાર અરવિંદને મળવા પોંડિચેરી ગયા હતા કે પાછા ફરો અને કૉંગ્રેસનું નેતૃત્વ કરો. અરવિંદે ઇન્કાર કર્યો હતો એની પૂંઠે એમને અભિન્ન યોગસાધનાની અગ્રતા તેમ ધર્મની સાંકડી વ્યાખ્યામાં નહીં સમાતી ભૂમિકા પણ હતી.
1965માં દીનદયાલ ઉપાધ્યાય થકી જનસંઘની ફિલસૂફીની રીતે એકાત્મ માનવ દર્શનની કોશિશ થઈ- એમાં રાષ્ટ્રની ચિતિ તરીકે ‘ધર્મ’નો નિર્દેશ છે. પણ તે હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તમતની રીતે, ‘રિલિજિયન’ની રીતે નથી. વ્યાપક અર્થમાં છે. ધર્મને નામે સાવરકર-ગોળવલકરે રાષ્ટ્રની જે લગભગ સેમેટિક વ્યાખ્યા કરી એનાથી આ જુદી ભૂમિકા છે. જનસંઘે જનતા અવતાર પછી ભા.જ.પ. રૂપે પણ એકાત્મ માનવવાદને બંધારણમાં સ્થાન આપ્યું છે. વસ્તુત: દીનદયાલ થકી શરૂ થયેલી અને એમના એકાલમૃત્યુથી અવરુદ્ધ આ પ્રક્રિયા, બને કે, હિંદુત્વ વિચારધારાને બિલકુલ ઉલટાવી પણ નાખે.
પંચોતેરે પદત્યાગ કરાવી શકાયો કે નહીં એવાં કૌતુકમાં ન પડતાં શતવર્ષીની સિદ્ધિઓ પરત્વ સમાદરપૂર્વક પાયાગત પુનર્વિચારનો આ અવસરપડકાર ખરું જોતાં તો છે. એનાં સેવાકાર્યો કે વિવેકાનંદ સ્મારક પ્રકારની પ્રવૃત્તિ પરત્વે સમાદરપૂર્વ પણ એટલું તો અવશ્ય કહેવું રહે છે. કાશ, સાવરકર, ગોળવલકર, દીનદયાલના વિચારપુંજને સાથે અને સામે મૂકી અંતરખોજપૂર્વકની કોઈ સંગીતિ કે વિમર્શ શક્ય બને!
Editor: nireekshak@gmail.com