
રવીન્દ્ર પારેખ
આ લખાય છે ત્યારે દશેરો છે. વિજયાદશમી. એ પર્વ આવ્યું ગાંધી જયંતીએ. 2 ઓક્ટોબરે. એ પણ કેવો સંયોગ કે રામ અને ‘મોહન’ સાથે થયા, તે તો ઠીક, રાવણ અને મોહન પણ સંકળાયા. અરે ! સંઘ અને મહાત્મા પણ સાથે થયા. દશેરા બે ઓક્ટોબરે આવ્યો. આ દશેરાએ સંઘને 100 વર્ષ ને ગાંધીજીને 156 વર્ષ થયાં. એ જ 2 ઓક્ટોબર પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ જન્મ તારીખ છે. એમણે જવાન અને કિસાનને સાથે કર્યા. બીજા પણ સંયોગો હશે જ ! સમયનો આ પ્રભાવ છે. તે ઘણાંને સાથે કરે છે, એટલું જ નહીં, ઘણાં વિરોધી પરિબળોને પણ ભેગાં કરી આપે છે, એટલે જ કદાચ ગાંધી અને સંઘ સાથે ને સમાંતરે છે.
આજથી બરાબર 100 વર્ષ પહેલાંના દશેરાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડો. કેશવ બલિરામ હેડગેવારે કરી. વિનાયક દામોદર સાવરકરનાં ‘હિન્દુત્વ : હુ ઈઝ અ હિંદુ’ પુસ્તકે હેડગેવારને હિન્દુઓનું સંગઠન બનાવવાની પ્રેરણા આપી. 27 સપ્ટેમ્બર, 1925ને દશેરાએ સંઘનો પ્રારંભ થયો. 17 એપ્રિલ, 1926ને રોજ નામકરણ થયું – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – RSS. આજે સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન ભાગવત છે. આ જ સંઘના સ્વયંસેવક નરેન્દ્ર મોદી પણ ખરા. સંઘમાંથી જ મોદી સ્વયંસેવકથી પ્રધાનસેવક સુધી પહોંચ્યા છે. સંઘે એક વડા પ્રધાન આપ્યા છે એ મોટી ઉપલબ્ધિ છે. સંઘ આજે તો અનેક શાખાઓમાં વિસ્તર્યો છે. સંઘ સાથે મત મતાંતરો હોઈ શકે છે, પણ તેની સેવાકીય પ્રવૃત્તિઓ સામે કોઈથી આંગળી ચીંધી શકાય એમ નથી.
સંઘની સરકારમાં સીધી દખલ નથી, પણ સંઘમાંથી વિકસેલા ‘કમળ’નું પ્રભુત્વ સરકારમાં 2014થી સીધું વર્તાય છે. કેન્દ્ર સરકારે સંઘની શતાબ્દીએ ટપાલ ટિકિટ અને 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યાં છે. 100 રૂપિયાના સિક્કા પર ‘રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ કે સો વર્ષ’ હિન્દી અને અંગ્રેજીમાં ઉપસાવાયું છે. સાથે જ 1925 અને 2025ની સાલ પણ ઉપસાવાઈ છે. એક તરફ સંઘી કાર્યકરો વંદના કરતા બતાવાયા છે. એ વંદના ભારતમાતાની છે. ભારતનું માતૃરૂપ સંઘને સ્વીકાર્ય છે, તો આવનારા સમયમાં અડધી વસ્તી જેની છે, એ ભારતીય સ્ત્રીઓનું પણ પ્રતિનિધિત્વ જણાય એમ બને. સંઘે શિક્ષણ, સમાજ, સંસ્કૃતિ, કૃષિ, નારી કલ્યાણ …. એમ અનેક ક્ષેત્રોમાં ઘણું કાઠું કાઢ્યું છે, પણ તેનું મુખ્ય લક્ષ્ય છે, રાષ્ટ્ર પ્રથમ. રાષ્ટ્ર નિર્માણ સંઘનું લક્ષ્ય રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ અને સેવાકીય પ્રવૃત્તિઓ પર સંઘની શતાબ્દી આવીને ઊભી છે. એમાં લાખો સ્વયંસેવકો ઊછર્યા છે ને એ રીતે સંઘ પણ અનેક શાખાઓમાં વિકસ્યો છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં ડો. હેડગેવારથી માંડીને અનેક કાર્યકરોએ સક્રિય રીતે ભાગ લીધો છે. હેડગેવારે તો જેલવાસ પણ ભોગવ્યો છે. શતાબ્દી સુધીનો સંઘનો માર્ગ સરળ રહ્યો નથી. સંઘને પ્રતિબંધો, તિરસ્કાર, અપમાનના અનેક કડવા ઘૂંટડા ગળવાના આવ્યા છે, પણ તેની સેવાકીય પ્રવૃત્તિઓમાં ઓછપ કે કડવાશ આવી નથી. સંઘની રાષ્ટ્રભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ આજે પણ અજોડ અને અજેય છે. રાષ્ટ્રીય કે રાજકીય આફતો સંઘને નડી નથી. સંઘ, વેઠીને વેઠતાં રોકે છે. સંઘ પાસે સાધનો મર્યાદિત છે, પણ તે દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચે છે. આદિવાસી કલ્યાણનું જે કામ સંઘે કર્યું છે, તે કેટલી ય સરકારો માટે આજે પણ દુર્લભ રહ્યું છે. સરસંઘચાલકો પણ એવા આવ્યા કે પડકારો અને સંઘર્ષો બહુ પ્રભાવ ન પાડી શક્યા. ટૂંકમાં, સંઘ રોડ મેપ વિકસાવવામાં સફળ રહ્યો છે. સ્વયંસેવકો એટલા સક્ષમ તો છે જ કે પડકારોને પહોંચી વળે. સંઘીય શિસ્ત હંમેશ અનુકરણીય રહ્યું છે.
હવેની યાત્રામાં સંઘ ભાવિ પેઢીનાં ભવિષ્ય પર અને પર્યાવરણીય પડકારો પર ધ્યાન કેદ્રિત કરે તે અપેક્ષિત છે. સંઘ વિશ્વનું સૌથી મોટું ગેર સરકારી સંગઠન છે. સંઘના સ્વયંસેવકો સ્વાર્થરહિત અને સમર્પિત છે. આ સમર્પણ ભાવ અને સેવાકીય દાયિત્વ સંઘની આગવી ઓળખ છે, જે સંઘને અન્ય સંગઠનોથી અલગ તારવે છે. સંઘની વિચારધારાથી ઘણાં સંમત ન હોય તો પણ, સંઘની રાષ્ટ્ર નિર્માણની ભાવના સાથે કોઈ સંમત ન હોય એવું ભાગ્યે જ બને. સંઘ સાથે ઘણાં અસંમત છે, પણ સંઘ ઘણાં વિરોધીઓને પણ સાથે લઈને ચાલે છે, તે એટલે કે સંઘ પોતાની વિચારધારામાં સ્પષ્ટ છે. ભા.જ.પ.માં સગવડિયું ઘણું હોઈ શકે, સંઘમાં નથી.
ભારતીય જનતા પક્ષ સંઘની પેદાશ છે. સંઘ રાજકીય પક્ષ નથી, પણ ભા.જ.પ. સંઘથી પ્રભાવિત છે. જો કે, ભા.જ.પ. સંઘથી જુદું વિચારતો હોય એવું પણ લાગે છે. પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાએ તો કહ્યું પણ હતું કે ભા.જ.પ. એવો મોટો પક્ષ છે કે તેને સંઘની જરૂર નથી. એ જ કારણે રાષ્ટ્રીય સરસંઘચાલક મોહન ભાગવત પણ ભા.જ.પ.ને સંભળાવતા રહ્યા છે. ભા.જ.પી. ગર્વ ગાળવા ભાગવતે કહ્યું હતું કે એ જ વ્યક્તિ સાચો સેવક ગણાય જે અભિમાનથી પર હોય. ભાગવતનાં બીજા કેટલાંક નિવેદનો પણ ચર્ચામાં રહ્યાં છે. ભાગવતે કહ્યું હતું કે માણસ પહેલાં સુપરમેન અને પછી ભગવાન બનવા માંગે છે, પણ એમ ન વિચારતાં માણસે કામ કરતા રહેવું જોઈએ, કારણ કે વિકાસનો કોઈ અંત નથી. આ નિવેદનને કાઁગ્રેસે મોદી સાથે જોડીને ભા.જ.પ. અને સંઘ વચ્ચેની તડને મોટી કરવાની કોશિશ કરી હતી.
સંઘે વારંવાર પોતાની ભૂમિકાઓ સ્પષ્ટ કરી છે. જેમ કે, સંઘ ચૂંટણી પરિણામોનું એનાલીસીસ કરતો નથી કે સંઘ અનામતની વિરુદ્ધ નથી કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછાં ત્રણ બાળકો હોવાં જોઈએ કે 75 વર્ષે માણસે અટકી જવું જોઈએ …. 75 વર્ષે કોઈ શાલ ઓઢાડી સન્માન કરે તો વ્યક્તિએ સમજીને ખસી જવું જોઈએ, જેથી બીજાને આગળ આવવાની તક મળે. આ વાતને પણ મોદી સાથે જોડવામાં આવી હતી. એ જાણીને ભાગવતે સ્પષ્ટતા કરી હતી કે કામ કરતો માણસ કોઈ પણ ઉંમર સુધી કામ કરી શકે છે. હું પણ 75 પછી કામ કરતો રહેવાનો છું. આ નીતિ પણ ઠીક નથી. પોતે 75 પછી કામ કરી શકે તેનો વાંધો નથી, પણ જે કામ કરી શકતા હતા તે અડવાણી કે મુરલી મનોહર જોશી જેવાને રોકવામાં આવ્યા તે ઠીક ન હતું. એની સામે 1 ઓક્ટોબરે વડા પ્રધાને ટિકિટ અને સિક્કો બહાર પાડતાં એમ પણ કહ્યું કે સંઘ એ ભૂમિ છે, જ્યાં અહમથી સ્વયમ તરફની યાત્રા શરૂ થાય છે. ભાગવતને કોઈકે પૂછ્યું કે ભા.જ.પ.ના અધ્યક્ષ સંઘ નક્કી કરે છે? તો, ભાગવતે કહ્યું કે અધ્યક્ષ, સંઘ નક્કી નથી કરતો. સંઘે નક્કી કરવાના હોત તો આટલી વાર થઈ હોત? ભા.જ.પ.ને સંભળાવવા ભાગવત ભલે આવું કહે, પણ ભા.જ.પ.ના અધ્યક્ષ સંઘ સાથે નાતો ન ધરાવતા હોય એવા આવ્યા નથી તે હકીકત છે.
આવી નાનીમોટી ચડભડને બાદ કરતાં ભા.જ.પ. અને સંઘનો નાતો આજ સુધી મજબૂત રહ્યો છે. ભા.જ.પ. વિદેશમાં નથી, પણ સંઘની 39 દેશોમાં શાખાઓ છે. સંઘ પર વીત્યું પણ ઘણું છે. ગાંધીજીની હત્યા પછી સંઘ ઘણો વગોવાયો. તેના પર પહેલો પ્રતિબંધ 1948માં મુકાયો, તો બીજો પ્રતિબંધ મુકાયો, કટોકટી વખતે, 1975માં.
સંઘથી પ્રેરાઈને શ્યામા પ્રસાદ મુખરજીએ જનસંઘની સ્થાપના 1951માં કરી. 1966માં હિંદુ સમાજને અનુલક્ષીને વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના પણ થઈ. 1980માં જનસંઘનું ભારતીય જનતા પક્ષમાં વિલીનીકરણ થયું. રામ જન્મભૂમિ આંદોલનમાં સંઘ અને ભા.જ.પ.નો વિસ્તાર થયો અને મોદી 2014માં વડા પ્રધાન થતા સંઘનો પડઘો રાષ્ટ્રીય રાજનીતિમાં પણ પડ્યો. સંઘની પ્રભાવક કામગીરી તો 2020થી 2023 સુધીમાં કોરોના મહામારીમાં જોવા મળી.
એટલું છે કે સંઘની શતાબ્દી એ અકસ્માત નથી. સો વર્ષની લોક કલ્યાણની પ્રવૃત્તિઓ અનેક વિરોધ અને પ્રતિબંધો વચ્ચે ટકી રહે ને ભા.જ.પ. જેવો રાષ્ટ્રીય પક્ષ તેમાંથી બેઠો થાય એ અકસ્માત ન હોય. અકસ્માત હોય તો પણ કોઈ સંસ્થા શતાયુના આશીર્વાદ ન પામે. રાષ્ટ્ર પ્રથમનો ધર્મ સંઘે નિભાવ્યો છે. શતાબ્દી નિમિત્તે સંઘ 2 ઓક્ટોબર, 2025થી 20 ઓક્ટોબર, 2026 સુધીમાં ગૃહ સંપર્ક અભિયાન, જન સંવાદ, હિંદુ સંમેલન, યુવા સંમેલન ….જેવા સાત મોટા કાર્યક્રમોનું આયોજન કરશે. એ દરમિયાન સંઘના વડા ભાગવત અમેરિકા ને યુરોપીય દેશોના કાર્યક્રમોમાં ભાગ લે એમ બને.
સંઘને શતાબ્દી ટાણે અઢળક અભિનંદનો અને શુભેચ્છાઓ …..
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑક્ટોબર 2025