ખ્યાલ ગાયકી અધ્યાત્મ સાથે જોડાયેલી છે. પણ તેને વર્ણવવા હું એક જ શબ્દ વાપરું – ઈમેજિનેશન. ચાર લીટીના વર્ણનને રાગના સ્વરૂપની સીમા જાળવીને અસીમ બનાવનારી નિપુણ કલ્પના હોય ત્યારે ખ્યાલ સિદ્ધ થાય. લગના ચાહિયે જૈસે પ્રકૃતિ અપને પંખ ફૈલાકર સ્વરો કે સમંદર પર લહરા રહી હો …
— પંડિત રાજન–સાજન મિશ્રા
બે વર્ષ પહેલા આ દિવસોમાં આપણે પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાની ચિરવિદાયથી દુ:ખી હતા. કોરોનાએ 70 વર્ષની ઉંમરે એમનો ભોગ લીધો હતો અને સંગીતવિશ્વની એક અનુપમ જોડી તૂટી હતી.
શાસ્ત્રીય સંગીતની દુનિયાના દિગ્ગજ પંડિત રાજન-સાજન મિશ્રા એટલે બે શરીર, એક આત્મા. સ્ટેજ પરફોર્મન્સ હોય કે આલ્બમ્સ, સાડાત્રણસો વર્ષ જૂની સંગીતપરંપરા હોય કે દહેરાદૂનનું વિરામ ગુરુકુલ, ઈન્ટરવ્યૂ હોય કે દીકરાઓની તાલીમ, ભક્તિ હોય, સંગીત સાધના હોય કે પછી જંગલો-પહાડોમાં રખડપટ્ટી, જોક્સ-ખડખડાટ હાસ્ય, સરસ ફિલ્મો કે ક્રિકેટ-ફૂટબૉલ જેવી મજાઓ હોય – મિશ્રા ભાઈઓ સાથે જ હોય. એકલા એક ભાઈને કોઈએ કદી જોયા નહીં હોય. રેશમી કૂર્તા-ધોતી હોય કે કલાત્મક શાલ કે ક્વચિત આધુનિક પોષાક – બન્ને ભાઈઓ એકસરખાં વસ્ત્રોમાં શોભતા હોય, ને ‘જુગલબંદી એઝ બ્યુટિફુલ એઝ સોલો’ એવા શબ્દોથી પ્રશંસકો અને કલાવિવેચકો એમને નવાજતા હોય. પચાસ વર્ષની કારકિર્દી, દોઢસોથી વધારે રાગની રજૂઆત, ભારતમાં અને વિદેશોમાં અસંખ્ય કાર્યક્રમો.
બન્ને એટલી હદે એક હતા કે એમણે કરેલી એકમાત્ર બોલિવૂડ ફિલ્મ ‘સૂરસંગમ’નાં ગીતોમાં સંભળાતો હોય એક જ પુરુષકંઠ, પણ નામ લખ્યું હોય રાજન-સાજન મિશ્રા. આવી આ જોડી ખંડિત થઈ એ સમાચારથી ખૂબ ઉદાસ થઈ જવાય. પણ એમના ઈન્ટરવ્યૂ જોઈને, એમના વિશે જાણી-વાંચીને અને ખાસ તો એમને સાંભળીને એક અજબ પ્રસન્ન, ચકિત કરતી અનુભૂતિ જાગે : આ યુગમાં આવા લોકો, આવી સાધના, આવી ગાયકી અને આવી ભરપૂર જિંદગી પણ સંભવિત છે!
1951માં પંડિત રાજન મિશ્રાનો અને 1956માં સાજન મિશ્રાનો જન્મ. સંગીતની દુનિયામાં જ આંખ ખૂલી. દાદા બડે રામદાસજી સંત ગાયક કહેવાતા. ગંડાબંધન એમણે કર્યું અને તાલીમ આપી પિતા હનુમાન મિશ્રા અને કાકા ગોપાલ મિશ્રાએ. એમનો જ વિચાર હતો કે બન્ને ભાઇઓએ સાથે જ પરફોર્મ કરવું. ‘સાથ રહો ઔર સાથ ગાઓ. પ્રેમ બઢેગા.’ ‘આ સંસ્કારને કારણે અમારા વચ્ચે સ્પર્ધાનો ભાવ કદી નથી આવ્યો, એકબીજા પ્રત્યે પ્રેમ અને એકબીજાની પ્રતિભા પ્રત્યે આદર રહ્યા છે. અમે અમારા સાથે હોવાને હંમેશાં માણ્યું છે. અમારું સંયુક્ત કુટુંબ હજી એક જ રસોડે જમે છે.’ પત્નીઓના મૌન મજબૂત આધાર વગર આ ન થાય. દીકરાઓ ‘પિતાજીલોકો’ને સંગીતના દેવતા કહે છે. ‘અમે પચીસ વર્ષથી તેમની સંગત કરીએ છીએ. દરેક પરફોર્મન્સ નવો અનુભવ હોય છે. સફર સુખદ છે, તૃપ્ત કરનારી છે; પણ મહાન પિતાના પુત્ર થવું એ એક પડકાર છે. લોકોની અપેક્ષા અતિશય વધારે હોય છે.’ પુત્રો રિતેશ, રજનીશ અને સ્વરાંશ કહે છે.
એ સમયે શાસ્ત્રીય સંગીતથી ભવિષ્ય બનશે કે કેમ એવી આશંકાથી સંગીતકારોના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ લેતા થયા હતા. રાજનજીએ સોશ્યોલોજીમાં એમ.એ. કર્યું અને થોડો વખત કામ પણ કર્યું, પછી સદ્દગુરુ જગજિતસિંહની પ્રેરણાથી જીવન સંગીતને અર્પણ કર્યું. 1973માં ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા. સાજનજી પણ એમને અનુસર્યા. બન્ને જોતજોતામાં ભારતભરમાં છવાઈ ગયા, સવાઈ ગંધર્વ ફેસ્ટિવલ ગજવ્યું, 1978માં શ્રીલંકામાં દસ લાખ શ્રોતાઓ સામે પરફોર્મ કરી સંગીતને વિદેશોમાં લઈ જવાની શરૂઆત કરી, અનેક પ્રતિષ્ઠિત અવૉર્ડ-સન્માન અંકે કર્યાં. ‘ભૈરવથી ભૈરવી’ શ્રેણી લઈ તેમણે 13 દેશોની ટૂર કરી હતી. ‘સંગીત સાર્વત્રિક ભાષા છે. બધા સીમાડા ભૂંસી નાખે અને આત્માને આત્મા સાથે જોડી આપે.’ તેઓ કહે છે. પણ સંગીત એટલે માત્ર મનનું રંજન નહીં. સંગીતને કઈ રીતે સાંભળવું, સમજવું, અનુભવવું એ પણ એક કૌશલ માગી લે. ‘લિવિંગ વિથ મ્યુઝિક’ પ્રોગ્રામમાં તેઓ એની તાલીમ આપતા.
પંડિત રાજન-સાજન મિશ્રા સાડાત્રણસો વર્ષ પુરાણી ખ્યાલ ગાયકીની વર્તમાન કડી છે. ‘ખ્યાલ ગાયકી અધ્યાત્મ સાથે જોડાયેલી છે. પણ તેને વર્ણવવા હું એક જ શબ્દ વાપરું – ઈમેજિનેશન. ચાર લીટીના વર્ણનને રાગના સ્વરૂપની સીમા જાળવીને અસીમ બનાવનારી નિપુણ કલ્પના હોય ત્યારે ખ્યાલ સિદ્ધ થાય. લગના ચાહિયે જૈસે પ્રકૃતિ અપને પંખ ફૈલાકર સ્વરો કે સમંદર પર લહરા રહી હો …’
પ્રકૃતિ પાંખ ફેલાવી સ્વરસમુદ્ર પર લહેરાતી હોવાનો અનુભવ ફિલ્મી ગીત આપી શકે? હા, જો એ ગીતો ફિલ્મ ‘સૂર સંગમ’નાં હોય અને જો તેને ગાનાર પં. રાજન-સાજન મિશ્રા હોય તો. પણ વિખ્યાત તેલુગુ એપિક ફિલ્મ ‘શંકરાભરણમ્’ પરથી હિંદીમાં બનેલી, ‘શંકરાભરણમ્’ ક્લાસિક ફિલ્મ તરીકે વખણાઈ, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પામી. ‘સૂર સંગમ’ પણ એટલી જ ઉત્કૃષ્ટ ફિલ્મ હતી. પણ એનો વાંક એટલો કે તે હિંદી ફિલ્મોના હિમ્મતવાલા પ્રકારની ફિલ્મોના દોરમાં રિલિઝ થઈ અને ટિપિકલ રોમેન્ટિક, એકશન કે મનોરંજક પ્રકારમાં બંધ ન બેઠી. આ ફિલ્મ અને પં. રાજન-સાજન મિશ્રાએ ગાયેલાં એનાં ગીતો આજે પણ એક જુદી દુનિયામાં લઈ જવા સક્ષમ છે.
‘સૂર સંગમ’ના સંગીતને જ સાધના, ઉપાસના, સ્વયં ઈશ્વર સમજતા પંડિત શિવશંકર શાસ્ત્રી (ગિરિશ કર્નાડ) ગાય છે, ‘હરિ અનંત હરિરૂપ અનંતા કૈસે કોઈ ધ્યાવે, રાગરાગની કે સૂર સૂરમેં હરિ નિજ રૂપ દિખાયા, ઘટ મેં ગૂંજા નાદ નિરંતર, જ્યોત જલી અંતર મેં, સૌ સૂરજ કે ઉજિયાલે મેં મૈંને મુઝકો પાયા’ સંગીતના આ દિવ્ય-ભવ્ય વારસાને બદલાતા જતા સમયમાં કોણ ઝીલી શકશે એ શાસ્ત્રીજીની ચિંતા છે. એક નૃત્યાંગના તુલસી (જયા પ્રદા) ચૂપચાપ શાસ્ત્રીજીને પૂજે છે. પોતે દૂર રહે છે, પણ નાનકડા દીકરાને શાસ્ત્રીજીની સેવામાં મોકલે છે. દીકરો ગુરુપરંપરાને શોભાવે એવી શ્રદ્ધાભક્તિથી સેવા કરે છે, શીખે છે અને ફિલ્મના અંતે શાસ્ત્રીજીનો સાચો વારસ સિદ્ધ થાય છે.
‘સૂર સંગમ’નાં ગીતો અને સંવાદો વસંત દેવે લખ્યાં હતાં. સંગીતકાર હતા લક્ષ્મીકાંત-પ્યારેલાલ. એક એક્થી ચડિયાતાં બધાં જ ગીતો પંડિત રાજન-સાજન મિશ્રાએ ગાયાં હતાં. ગીતો પણ કેવાં, જાણે શાસ્ત્રીજીના મુખે પંડિત રાજન-સાજન મિશ્રાની જ જીવનભાવના વ્યક્ત ન થતી હોય : ‘હે શિવશંકર, હે કરુણાકર, પરમાનંદ મહેશ્વર, મેરે ભીતર તુમ ગાતે હો સુન લો તુમ અપના યે સ્વર’, ‘નાદ છિપા તન મે, લય મન મેં, કોઈ બતા ન પાવે, ચાંદ સૂરજ કા લોચન ગુરુ કા, દેખે ઔર દિખાવે’, ‘આયે સૂર કે પંછી આયે, અંબર કે ઓમકાર નાદ કી ગુંજ સુનાતે આયે’ ‘સૂર કા હૈ સોપાન સુરીલા, અમર લોક લે જાયે, જહાં પહૂંચ કર મન કા સારા દૂજાપન મિટ જાયે’ એક એક ગીત, તેના શબ્દો-ભાવો અને તેની શાસ્ત્રીય ખૂબીઓ પર એકથી વધારે લેખો થઈ શકે. એ વર્ષનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો ફિલ્મફેર અવૉર્ડ વસંત દેવને મળ્યો ખરો, પણ તે આ ગીતો માટે નહીં, ‘મન ક્યોં બહકા રે બહકા આધી રાત કો’ માટે. લક્ષ્મી-પ્યારે સંગીતકાર તરીકે નૉમિનેટ થયા. આ સિવાય ફિલ્મ ક્યાં ય દેખાઈ નહીં.
ખેર, ગ્લેમર વિશ્વમાં તો આ બધું ચાલવાનું. આપણે કલાવિશ્વમાં આવીએ. પં. રાજન-સાજન મિશ્રા ગુરુપરંપરાને ખૂબ મહત્ત્વ આપે છે. પંદરવીસ વર્ષ સાધના કરે ત્યારે શિષ્ય તૈયાર થાય છે. 18 વર્ષથી દહેરાદૂનમાં તેઓ ‘વિરામ’ ગુરુકુલ ચલાવે છે. ‘સંગીત આજે વ્યાવસાયિક બન્યું છે. કન્ઝ્યુમર કલ્ચરનો વધતો પ્રભાવ સંગીતમાં પણ દેખાય એ દુ:ખદાયી તો છે, પણ અમને પૂરી આશા છે. શાસ્ત્રીય સંગીત એમ મરશે નહીં, સંગીતના કેટલા ય પ્રકારો-પ્રવાહો આવ્યા અને ગયા, પણ શાસ્ત્રીય સંગીતની અમૃતધારા લીલીછમ વહેતી રહી છે, કેમ કે તેનો સંબંધ પ્રકૃતિ સાથે, મનુષ્યત્વ સાથે, પરમ તત્ત્વ સાથે છે.’
‘સાધ રે મન સૂર કો સાધ રે, એક મન કો દૂસરે સે બાંધ રે … મન યહી તૂ ધ્યાન રખ, સૂર કી સહી પહચાન રખ, તૂ રહે યા ન રહે પર સૂર રહે આબાદ રે …’ આ બુલંદ તાન એમના ચાહકોના અસ્તિત્વમાં હંમેશાં ગુંજતી રહેશે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઍપ્રિલ 2023