દાવાનળ?
યુ.જી.સી. રેગ્યુલેશન અને પ્રજાનો વિરોધ
2012થી જે રેગ્યુલેશન હતા જ એને ચુસ્તદુરુસ્ત કરવાના સુપ્રીમ આદેશના અમલ સામેનો વિરોધ ખુદ સત્તાપક્ષના સમર્થકોમાંથી જ ઊઠે એનો અર્થ એ કે તેઓ નાગરિક તો શું હિન્દુ પણ થયા નથી

પ્રકાશ ન. શાહ
ભલા, એવું તે શું નવું ને વળી આકરું છે એમાં કે યુ.જી.સી. રેગ્યુલેશન્સ 2026 સામે કેમ જાણે જંગલના દવ પેઠે ફાટી નીકલે એવો ઊહાપોહ ઊઠી રહ્યો છે – અને તે પણ કમાલ તો જુઓ – સામાન્યપણે જે તબકા મોદી અગર ખાસ તો યોગી ભા.જ.પ.ના ચહેતા અને પહેલા ખોળાના ગણાય છે એમાંથી ? હિંદી અખબારો ને ચેનલોના રિપોર્ટિંગમાં તો બિલકુલ કાસ્ટિસ્ટ જમાબંધી જેવી ભાષા વપરાઈ રહી છે કે અમે સવર્ણો, આ યુ.જી.સી. રેગ્યુલેશન્સ નહીં સ્વીકારી શકીએ.
હાલના મુખ્ય સત્તાપક્ષ અને વ્યાપક સમર્થક વર્ગ વચ્ચેના આંતરવિરોધ તરીકે પણ આ વાત જોવા તપાસવા જેવી તો છે જ. એ વિશે જરી રહીને થોડી વિગતે વાત કરીએ પણ પહેલાં તો રેગ્યુલેશન્સ 2026 સમજી લઈએ. શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ ન થાય અને સમાવેશી તેમ સમાનતાલક્ષી વ્યવહાર સચવાય એની આ વાત છે. તે તત્ત્વતઃ નવી નથી. 2012થી આ રેગ્યુલેશન પ્રચલનમાં છે. માત્ર, સર્વોચ્ચ અદાલતે એની સામે આવેલ કેસના ચુકાદામાં શિક્ષણસંસ્થાઓમાં એના અણઅમલ અંગે ચિંતાવશ ચુસ્તદુરુસ્ત ગાઇડલાઇન્સની જરૂરત વિશે આદેશ આપ્યાથી ઘટતા સુધારાવધારા સાથે રેગ્યુલેશન્સ 2026નો નિર્ણય યુ,જી,સી,એ કર્યો છે એટલું જ. હા, એક ઉમેરો – અલબત્ત, સંવાદી ઉમેરો. એમાં કર્યો છે તે માત્ર એટલો અને એટલો જ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ, એસ.સી. એસ.ટી., સાથે ઓ.બી.સી.નોયે સમાવેશ કર્યો છે.
જેમ વિદ્યાર્થીઓમાં ઘૃણિતને હિંસ્ર ભેદભાવ (સંભારો રોહિત વેમુલા ને પાયલ તણી પ્રકરણ) પ્રવર્તે છે તેમ શૈક્ષણિક નિમણૂકોમાંયે ખુદ યુનિવર્સિટી સત્તાતંત્ર મૂર્તિમંત્ર ભેદભાવમાં રાચે છે. નમૂના દાખલ કેવળ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંથી જ સંબંધિત જુમલો જોઈએ તો 423 જેટલી માન્ય ઓ.બી.સી. બેઠકોમાંથી કેવળ 84 જ ભરાઈ છે, એસ.ટી.-એસ.સી. જુમલોયે એવો જ કંગાળ છે. લોકસભાના ટેબલ પર મુકાયેલ હેવાલ મુજબ તાજેતરનાં વર્ષોમાં સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંથી 13,500 જેટલા એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. છાત્રો ખડી પડ્યા હતા. એમનું આમ ડ્રૉપ આઉટ થવું બીજા છાત્રો (‘સવર્ણ’) થકી નીચાજોણા કે અલગ પડાયાથી અગર છેક બાદબાકી વશ છોડી ગયા હતા.
શું 2012 કે શું 2026, આશય તો છાત્રો વચ્ચેના સામાજિક ભેદભાવને રોકવાનો ને સમાવેશી વલણ તેમ જ સમતા પ્રવર્તાવવાનો છે. બીજું, સવર્ણ સવર્ણ હિંસ્ર હોઈ શકતા હાઇપકારા વચ્ચે સમજવાની વાત એ છે કે સમજવાનો વિગતમુદ્દો એ પણ છે કે લિંગભેદ અને દિવ્યાંગતાને ધોરણે પણ આ રેગ્યુલેશન્સમાં નિર્દેશ છે. એક રીતે 2012ના મનમોહન યુગ કરતાં 2026ના મોદી યુગમાં ફરક એ છે કે ત્યારે બાદબાકી (ડિસ્ક્રિમિનેશન) અને હેરેસમેન્ટ (પજવણી)ને વ્યવસ્થિત વ્યાખ્યાબદ્ધ કરાયાં હતાં તે પડતું મૂકાયું છે, અને બંને વાનાં ઘટતી ‘સમજ’ મુજબ અર્થઘટનને આધીન છે.
ગુજરાતમાં 1985માં માધવસિંહ સોલંકીના શાસનકાળમાં ટર્મ બેસતે જ જે ઉદ્રેક ને ઉત્પાત આપણે જોયો, અનામત મુદ્દે, એનો વડો લાભાર્થી આજે ગુજરાતમાં સત્તારૂઢ છે. એ જ વર્ગ, પટેલ પરિબળનોયે ઠીક લાભાર્થી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પર રૂપાલાનું પટેલ હોવું દાવ પર લાગ્યું હતું અને ભા.જ.પ.ની હિંદુત્વ રાજનીતિની મર્યાદા પટેલ વિ. ક્ષત્રિય ઊહાપોહમાં ઉઘાડી પડી ગઈ હતી. અરુણ શૌરી ભા.જ.પ.માં ઊંચી પાયરીએ હોય અને ગુજરાતમાં ભા.જ.પ.ના જ ફકીરભાઈ વાઘેલા શૌરીના આંબેડકર વિષયક પુસ્તકની હોળી કરતા હોય, એ વિરોધ ભા.જ.પ. નાગરિક તો શું હિંદુ પણ પેદા નથી કરી શક્યો એમ સૂચવે છે જે હાલ ભા.જ.પ.ના જ સમર્થકોમાંથી આ રેગ્યુલેશનના વિરોધમાંથી સમજાય છે.
જો કે એક પ્રત્યાઘાત એવો પણ ઊઠ્યો છે કે સુપ્રીમ કોર્ટે ફરજ પાડ્યાથી જે કરવું પડ્યું છે એને વિશે આ કદાચ ખુદ શાસનપ્રેરિત ઊહાપોહ જ છે. એ જે હોય તે હિંદુત્વ રાજનીતિએ પોતાની સવર્ણવાદી છાપમાંથી બહાર આવવું રહેશે. અને એકંદર રાજકીય ને સામાજિક અગ્રવર્ગે પણ.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28જાન્યુઆરી 2026
![]()

