Opinion Magazine
Number of visits: 9679058
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાજના દબાયેલા લોકોનો આક્રોશ ફિલ્મી પડદે વ્યક્ત કરનાર કેમેરામેન અને ફિલ્મમેકર ગોવિંદ નિહલાની

નીલય ભાવસાર|Opinion - Opinion|14 November 2019

કોઈ પણ કુશળ ફિલ્મમેકર માટે ફિલ્મમેકિંગની પ્રક્રિયા માટે જરૂરી ટેક્નિકલ જ્ઞાન હોવું પહેલી શરત છે. ફિલ્મ ડિરેક્ટર માટે વાર્તા અને એક્ટિંગ સિવાય એડિટિંગ, સિનેમેટોગ્રાફી, સાઉન્ડ ડિઝાઈન, લાઈટિંગ વગેરેની સમજ હોવી પણ ખૂબ જરૂરી છે. ફિલ્મમેકિંગની દુનિયામાં એવા ઘણાં ફિલ્મ ડિરેક્ટર્સ છે કે જેમણે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ એડિટર અથવા સિનેમેટોગ્રાફર તરીકે કરી હોય અને બાદમાં ડિરેક્ટશનના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય. હાલ બોલિવૂડમાં એવા ઘણાં ફિલ્મમેકર્સ છે કે જેઓ કુશળ સિનેમેટોગ્રાફર અથવા ફિલ્મ એડિટર હોવાની સાથે-સાથે કામયાબ ડિરેક્ટર પણ હોય.

આજે આપણે બોલિવૂડના જાણીતા સિનેમેટોગ્રાફર, ડિરેક્ટર-લેખક ગોવિંદ નિહલાનીના ફિલ્મ કરિયર પર એક નજર માંડીશું. બોલિવૂડમાં જ્યારે આર્ટ હાઉસ સિનેમા(સમાંતર સિનેમા અથવા નવું સિનેમા)નો યુગ શરૂ થયો ત્યારે ડિરેક્ટર શ્યામ બેનેગલની સાથે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકે કરિયરની શરૂઆત કરનાર ગોવિંદ નિહલાનીએ એક સ્વતંત્ર ફિલ્મમેકર તરીકેની પણ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી. પદ્મશ્રી વિજેતા ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીને 6 નેશનલ એવોર્ડ અને 5 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે. ગોવિંદ નિહલાનીએ જે બોલિવૂડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કેમેરાવર્ક કર્યું છે તેમાં 'આક્રોશ' (1980), 'અર્ધસત્ય' (1983), 'દ્રોહકાલ' (1994), 'જુનૂન' (1979), 'ભૂમિકા' (1977), 'મંથન' (1976) વગેરેનો સમાવેશ થાય છે. કેમેરાના ટેક્નિકલ જ્ઞાન સહિત સાહિત્યની ઊંડી સમજ ધરાવતા ગોવિંદ નિહલાનીની ફિલ્મોગ્રાફીમાં સાહિત્યકાર અથવા સાહિત્યકૃતિ સાથેનો ગાઢ સંબંધ જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીએ જ્યારે સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ તેમણે ઓમ પુરી અને નસીરુદ્દીન શાહને લઈને 'આક્રોશ' (1980) નામની ફિલ્મ બનાવી. મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકર અને સત્યદેવ દુબે લિખિત આક્રોશ(1980)માં ઓમ પુરીએ એક પણ ડાયલોગ વિના માત્ર આંખો અને ચહેરાના હાવભાવથી સમાજના કચડાયેલા વર્ગનો આક્રોશ વ્યક્ત કર્યો. જ્યારે 'અર્ધસત્ય'(1983)માં મનોમંથન કરી રહેલા પોલીસ ઓફિસરના રોલમાં ઓમ પુરીએ સમાજ વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા. ડાર્ક અને વાસ્તવિક સ્થિતિ રજૂ કરતી 'અર્ધસત્ય'(1983)ને આજે પણ પોલીસ પર બનેલી શ્રેષ્ટ બોલિવૂડ ફિલ્મ ગણવામાં આવે છે. ફરી એક વખત મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકરે આ ફિલ્મ લખી અને તેનું શીર્ષક જાણીતા મરાઠી કવિ દિલીપ ચિત્રેની કવિતા આધારિત છે. ગોવિંદ નિહલાનીની આ બંને ફિલ્મોનો અંત હિંસક હતો અને દર્શકોને વિચારવા માટે મજબૂર કરી દે તેવો હતો. ગોવિંદ નિહલાનીના સિનેમામાં સમાજના દબાયેલા, કચડાયેલા અને વંચિતોની વેદના, વિભાજનની દાસ્તાન ('તમસ' સિરિયલ), નક્સલવાદ ('હઝાર ચૌરાસીકી માં' નામની ફિલ્મ), કોમી એખલાસ, મજૂરો આંદોલન (ફિલ્મ 'આઘાત'), સ્ત્રી સશક્તિકરણ, સમાજના ઉચ્ચવર્ગનો દંભ અને અસામનતા જેવા વિષયો જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીનો જન્મ તારીખ 19 ડિસેમ્બર, 1940ના રોજ કરાચી (હાલ પાકિસ્તાનમાં) થયો, બાળપણમાં તેમણે સૌ પ્રથમ ગુજરાતી સંત અને કવિ નરસિંહ મહેતાના જીવન આધારિત ફિલ્મ 'નરસી ભગત' જોઈ હતી. વર્ષ 1947ના વિભાજન બાદ તેમનો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં આવીને સ્થાયી થયો. આ દરમિયાન કેમેરાવર્ક તરફ તેમની રુચિ જાગૃત થઈ, સિંધી પરિવારમાંથી આવતા ગોવિંદ નિહલાનીએ ફેમિલી બિઝનેસમાં આગળ વધવાની જગ્યાએ કુશળ કેમેરામેન બનવાનો નિર્ણય કર્યો અને આ માટે તેમણે બેંગ્લોરમાં આવેલી ઈન્સ્ટિટ્યૂટમાંથી સિનેમેટોગ્રાફી(cinematography)નો 3 વર્ષનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1962માં તેઓ મુંબઈ આવ્યા અને બોલિવૂડના દિગ્ગજ સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્થી(ગુરુદત્તની ફિલ્મોના કેમેરામેન)ના સહાયક તરીકે કરિયરની શરૂઆત કરી. બાદમાં એડવર્ટાઇઝમેન્ટના ક્ષેત્રમાં કેમેરામેન તરીકે કાર્ય કરતા તેમની મુલાકાત ડિરેક્ટર શ્યામ બેનેગલ સાથે થઈ. આ દરમિયાન શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાનીએ સાથે મળીને ડોક્યુમેન્ટ્રી અને એડવર્ટાઇઝમેન્ટ પર કામ કર્યું. જ્યારે શ્યામ બેનેગલે તેમની પ્રથમ ફિલ્મ 'અંકુર' બનાવી ત્યારે ગોવિંદ નિહલાનીએ તેમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું. બાદમાં શ્યામ બેનેગલની 'નિશાંત' (1975), 'મંથન' (1976), 'ભૂમિકા' (1977), 'જુનૂન' (1978), 'આરોહણ' (1982) સહિતની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય બાદ ગોવિંદ નિહલાનીએ સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ફિલ્મ 'જુનૂન' (1978) માટે તેઓને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો. શ્યામ બેનેગલની સાથે કેમેરાવર્ક કરતી વેળાએ તેઓ ફિલ્મમેકિંગના પાઠ શીખ્યા અને નાટ્યકાર – લેખક સત્યદેવ દુબે તેમ જ વિજય તેંદુલકર થકી તેમનો થિયેટર(નાટક)ની દુનિયા સાથે પરિચય થયો.

આ તે સમય હતો કે જ્યારે ભારતીય સિનેમામાં સમાંતર સિનેમા(નવું સિનેમા અથવા આર્ટ સિનેમા)ની મૂવમેન્ટ ચાલી રહી હતી. બોલિવૂડમાં એક બાજુ અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, મિથુન, જિતેન્દ્ર વગેરે સ્ટાર્સની મનોરંજક ફિલ્મો આવી રહી હતી જ્યારે બીજી બાજુ શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, સઈદ અખ્તર મિર્ઝા અને કુંદન શાહ જેવા ફિલ્મમેકર્સ ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, સ્મિતા પાટિલ અને શબાના આઝમી જેવાં સામાન્ય ચહેરો ધરાવતાં એક્ટર્સને લઈને સમાજની વાસ્તવિકતા આધારિત રિયાલિસ્ટિક ફિલ્મો બનાવી રહ્યા હતા. ઓછા બજેટની સમાંતર સિનેમાની ફિલ્મોમાં રિયાલિસ્ટિક વિષયો, એકિટંગ, સામાજિક પ્રશ્નો, રિયલ લોકેશન્સ મહત્ત્વના હતા. આ સમયગાળામાં ગોવિંદ નિહલાનીએ જે ફિલ્મો ડિરેક્ટ કરી તેમાં 'આક્રોશ' (1980), 'વિજેતા' (1982), 'અર્ધસત્ય' (1983), 'પાર્ટી' (1984), 'આઘાત' (1985), 'દ્રોહકાલ' (1994), 'હજાર ચૌરાસીકી માં' (1997), 'થક્ષક' (1999), 'દેવ' (2004) વગેરે મહત્ત્વની ફિલ્મોનો સમાવેશ થાય છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં ઓમ પુરીને એક્ટિંગ કરવા માટેનું ખુલ્લું અવકાશ મળ્યું, અર્ધસત્ય માટે ઓમ પુરીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અજય દેવગન, અમરીશ પુરી, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, શશી કપૂર સહિતનાં જાણીતાં કલાકારો ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.

માત્ર ફિલ્મો નહીં પરંતુ ટી.વી. ક્ષેત્રે પણ ગોવિંદ નિહલાનીનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. તેમણે 1988માં ભીષ્મ સહાનીની નવલકથા આધારિત 'તમસ' નામની 6 એપિસોડ્સની ટી.વી. સિરિયલ બનાવી, વિભાજનની વેદના રજૂ કરતી આ ટી.વી. સિરિયલને દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી અને તેને 3 નેશનલ એવોર્ડ મળ્યા હતા. ટી.વી. સિરિયલ 'તમસ'ની પટકથા ગોવિંદ નિહલાની અને ભીષ્મ સહાનીએ સાથે મળીને લખી હતી. ગોવિંદ નિહલાનીની અન્ય મહત્ત્વની ફિલ્મમાં 'હજાર ચૌરાસીકી માં'(1997)નો સમાવેશ થાય છે. બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીની નવલકથા 'હજાર ચૌરાસીકી માં' આધારિત આ ફિલ્મમાં કથિત રીતે નક્સલવાદનો મુદ્દો અને પુત્ર ગુમાવી ચૂકેલા એક માતાની વેદના કેન્દ્રસ્થાને છે. એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદ નિહલાની જણાવે છે કે મને ફિલ્મ બનાવવાના વિચાર સાહિત્યમાંથી મળે છે. સાહિત્ય અને સિનેમા એકબીજાની સાથે સંકળાયેલાં છે. મારી મોટાભાગની ફિલ્મો સાહિત્યકૃતિ વાર્તા, નવલકથા કે પછી કોઈ નાટક આધારિત છે.

આ સિવાય રિચાર્ડ એટેનબરોની હોલિવૂડ ફિલ્મ 'ગાંધી'માં ગોવિંદ નિહલાનીએ સહાયક સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય કર્યું હતું. રિચાર્ડ એટેનબરો જ્યારે ભારતમાં 'ગાંધી'નું શૂટિંગ કરવા માટે આવ્યા ત્યારે તેમણે સહાયક કેમેરામેન તરીકે ગોવિંદ નિહલાનીને પસંદ કર્યા હતા. આ શૂટિંગ દરમિયાન તેઓને એક કેમેરાવર્ક તરીકે કામ કરવાની સંપૂર્ણ આઝાદી મળી, ડિરેક્ટર રિચાર્ડ એટેનબરોએ ગોવિંદ નિહલાનીને તેમના દ્રષ્ટિકોણથી સીન શૂટ કરવા માટેની આઝાદી આપી. માત્ર એટલી જ સલાહ આપી કે દરેક ફ્રેમમાં ભીડ દેખાવી જોઈએ કારણ કે ભારતની આબાદી વધારે છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધ સત્ય'માં ઓમ પુરી, સ્મિતા પાટિલની સામે બેસીને મરાઠી કવિ દિલીપ ચિત્રેની જે કવિતાનું પઠન કરે છે તેમાં તેનો સારાંશ રહેલો છે, તેનો અનુવાદ આ મુજબ છે. 'ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલાં, હું કોણ અને કેવો હતો, તે મને યાદ નથી. ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ મારી અને ચક્રવ્યૂહની વચ્ચે માત્ર એક ઘાતક નિકટતા હતી, તેનો મને ખ્યાલ નહીં આવે. ચક્રવ્યૂહમાંથી નીકળ્યા બાદ ભલે હું મુક્ત થઈ જાઉં પણ ચક્રવ્યૂહની રચનામાં કોઈ ફરક નહીં પડે. એક પલડામાં નપુંસકતા અને એક પલડામાં પુરુષાતન, અને ત્રાજવાના વચ્ચેના કાંટા પર અર્ધસત્ય.'

(લેખક www.iamgujarat.comમાં પત્રકાર છે)

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

14 November 2019 admin
← ગુજરાત માટે ગૌરવવંતી ઘટના એટલે હેલ્લારો !
આલિયા બકર : તોપમારાની વચ્ચે પણ બસરાના જાહેર ગ્રંથાલયનાં પુસ્તકોને બચાવનાર લાઇબ્રેરિયન →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved