મને આશ્ચર્ય થાય છે કે આસ્તિક હોવા છતાં ગાંધીજી કદી કોઈ મંદિરમાં નથી ગયા! મંદિર-મસ્જિદ-ચર્ચના આંટાફેરા માર્યા કરતા આજના રાજકારણીઓના સંદર્ભે પણ આ જોઈ શકાય. આત્મકથામાં એમણે લખ્યું છે કે એમનો પારિવારિક સંપ્રદાય તો વૈષ્ણવ સંપ્રદાય હતો. પરંતુ એમાં એમને વિલાસ જ દેખાતો અને તેથી તેઓ હવેલીઓથી દૂર રહ્યા. ગાંધીને જોઈને ઘણા સંન્યાસીઓ સામાજિક કાર્યકરો બન્યાના દાખલાઓ તો જાણીતા જ છે. ઉદાહરણસ્વરૂપે આપણે તો સ્વામી આનંદને લઈ શકીએ.
હિંદુધર્મની અ-સ્પૃશ્યતા જેવા, હિમાલય જેવા કલંક સામે, કબીર, રૈદાસ જેવા સંતોએ લોકજાગૃતિ આણી હતી. ત્યાં સુધી કે પ્રણામી-સંપ્રદાયમાં પણ આ જોઈ શકાય. ગાંધીજીનાં માતા પૂતળીબાઈ પ્રણામી-સંપ્રદાયના અનુયાયી હતાં. એ પ્રભાવ પણ ગાંધીજી પર પડેલો જોઈ શકાય. કબીર, રૈદાસની પરંપરામાં મરાઠી સંત બાબા ગાડગે પણ છે. જો કે એમનું નામ બહુ જાણીતું નથી. મોટે ભાગે સંતોથી દૂર રહેવામાં જ ભલાઈ માનનારા આંબેડકરને સંત ગાડગે માટે ખૂબ જ માન હતું.
૨૩મી ફેબ્રુઆરી, ૧૮૭૬માં જન્મેલા સંત બાબા ગાડગેનું ૨૦મી સદીના સમાજસુધારકમાં મહત્ત્વનું પ્રદાન છે. જેમ ‘મણિકર્ણિકા’ સુધી સહુ કોઈને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યાદ આવે, પરંતુ એમની સાથે જ બલિદાન આપનાર વિરાંગના ઝલકારીબાઈ વર્ષો સુધી હાંસિયામાં ધકેલાઈ ગયાં હતાં હવે એમના વિશે લોકો જાણતા થયાં છે. સંત બાબા ગાડગે માટે પણ એવું જ છે. બાબા ગાડગે કબીર અને રૈદાસ પરંપરાના સંત હતા. લગભગ અછૂત ગણાતી ધોબી જાતિમાં એમનો જન્મ થયો હતો. પોતાની સાથે હરહંમેશ એક માટીનું પાત્ર રાખતા, જેમાં એ જમતા, પાણી પીતા. મરાઠીમાં માટીનાં આવા પાત્રને ગાડગા કહેવાય છે, તેથી લોકો એમને બાબા ગાડગેના નામથી જ જાણતા હતા.
બાબા ગાડગે આંબેડકરના પુરોગામી હતા. દોઢ દાયકો મોટા હતા, પરંતુ આંબેડકરની પ્રવૃત્તિ માટે એમને ખૂબ જ માન હતું. જ્યારે લગભગ બાવાઓ, સંન્યાસીઓ, શંકરાચાર્યોને ગાંધી અને આંબેડકર માટે રોષ હતો. ગાંધીજીના અસ્પૃશ્યતાનિવારણનાં કામોથી, દલિતોના મંદિરપ્રવેશ જેવી બાબતોથી આ વર્ગ નારાજ હતો. ગાંધીજી પર ત્રણ પ્રાણઘાત હુમલા પણ થયેલા. શંકરાચાર્યોએ તો બ્રિટન સરકારને અરજી કરેલી કે ગાંધીજીને ‘હિન્દુ જાતિ’માંથી રદ્દ કરવામાં આવે! આવા રૂઢિચુસ્ત વાતાવરણમાં બાબા ગાડગે જેવા વિરલ સંતો સમાજસુધારણામાં આંબેડકરને સાથ આપે એ કેટલી મોટી ઘટના હતી.
કીર્તનના માધ્યમથી બાબા ગાડગે જાતિ પ્રથા વિરુદ્ધ પ્રચાર કરતા હતા, તેથી અલ્પશિક્ષિત હોવા છતાં બાબાસાહેબને આવા જામીન સાથે જોડાયેલા કાર્યકરો માટે આદર હતો. આજે જ્યારે આપણે શિક્ષણના કારણે ઘણીવાર ઉન્નતભ્રૂ થઈને આવા પાયાના કાર્યકરો તરફ આંખ આડા કાન કરીએ છીએ, ત્યારે આપણે કોઈ પણ ચળવળમાં જ વેઠવાનું આવે છે. બાબાસાહેબ બાબા ગાડગેના સંબંધમાંથી આપણે આ શીખી શકીએ. ઉચ્ચતમ ડિગ્રીઓવાળા બાબાસાહેબ આંદોલન અને સામાજિક પરિવર્તન માટે બાબા ગાડગેનું માર્ગદર્શન લેતા પણ અચકાતા ન હતા.
બાબા ગાડગે જેમ પોતાની પાસે એવી માટીનું પાત્ર રાખતા હતા, તેવી જ રીતે એક ઝાડુ પણ હંમેશાં સાથે રાખતા. બ્રાહ્મણવાદના પાખંડ અને જાતિવાદ સિવાય એમણે સ્વચ્છતા વિશે પણ આ રીતે પ્રતીકાત્મક કામ કરેલું. એ કહેતા કે પૂજાના ફૂલોથી પણ મારું આ ઝાડુ શ્રેષ્ઠ છે. પથ્થરની મૂર્તિને ભોગ ધરાવવાના બદલે ભૂખ્યાંને ભોજન આપો, એવું પોતાના અનુયાયીને કહેતા હતા. અંધશ્રદ્ધા, કુરિવાજો વિરુદ્ધ એમણે મહારાષ્ટ્ર-આંદોલન ચલાવેલું.
પોતે અગાઉ કહ્યું તેમ શિક્ષિત ન હતા પરંતુ બાબાસાહેબના પ્રભાવમાં તેમણે શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો. ખાવાની થાળી વેચી દેવી પડે, તો એ વેચીને પણ ભણો. હાથમાં રોટી લઈને ખાઈ શકાશે, પણ શિક્ષણ વિના ઉદ્ધાર નથી. પોતે જ્યારે શિક્ષણનો પ્રચાર કરતા ત્યારે એ આંબેડકરનું ઉદાહરણ આપતા હતા. જુઓ, એક દલિત છોકરો પણ મહત્ત્વકાંક્ષાથી કેટલું ભણ્યો ! શિક્ષણ એ કેવળ બ્રાહ્મણોનો ઇજારો નથી. સયાજીરાવે આંબેડકરને મદદ કરેલી. દલિતોના શિક્ષક માટે આ રીતે આપવાદરૂપ કામો થતાં. ભારતરત્ન મદનમોહન માલવિયા જ્યારે સયાજીરાવ પાસે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય માટે સહાય માંગવા આવ્યા, ત્યારે સયાજીરાવે કહ્યું કે હું તમને પાંચ લાખની મદદ કરું. એ જમાનામાં એ રકમ ખૂબ જ મોટી ગણાય. સાથોસાથ શરત મૂકી કે પંદર વિદ્યાર્થીઓનો ખર્ચ ગાયકવાડ સરકાર વધારામાં ભોગવશે. તમારા વિશ્વવિદ્યાલયમાં પાંચ દલિત, પાંચ આદિવાસી, પાંચ મુસ્લિમ વિદ્યાર્થીને પ્રવેશ આપવો પડશે. માલવિયાજીને આ શરત મંજૂર નહોતી અને એમણે સયાજીરાવની સહાયથી વંચિત રહેવાનું પસંદ કરેલું. આ ઘટના અહીં એટલા માટે મૂકું છું કે દેશમાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી, એનો અંદાજ આવે.
આવા વાતાવરણમાં બાબા ગાડગેએ ૩૧ શિક્ષણસંસ્થાઓ સ્થાપી હતી, જેમાં દલિતો અને નિમ્ન જાતિને અગ્રિમતા હતી! સો જેટલાં સામાજિક સંગઠનો તેમણે બનાવ્યાં હતાં. બાબાસાહેબ અને બાબા ગાડગેની મૈત્રી વિશે યુ.પી.એસ.સી.ના પ્રથમ દલિત અધ્યક્ષ ડૉ. એમ.એલ. શહારેએ તેમની આત્મકથા ‘યાદોં કે ઝરોંખો’માં લખ્યું છે. એ જમાનામાં શિક્ષિત દલિતોના ઘરમાં બાબાસાહેબ અને બાબા ગાડગેની સાથે ખેંચાયેલી તસ્વીર તેમને અવશ્ય જોવા મળતી! બેઉ ઘણી વાર મળેલા અને આજે પણ બેઉની તસ્વીર દલિત સમુદાયમાં જોવા મળે છે. બાબાસાહેબે જ્યારે પંઢરપુરમાં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સ્થાપી, ત્યારે એમને હોસ્ટેલ માટે જગ્યા નહોતી મળી. બાબા ગાડગેએ પંઢરપુરમાં એક ધર્મશાળા બનાવેલી તે તાત્કાલિક કાયમી ધોરણે બાબાસાહેબને હૉસ્ટેલ માટે આપી દીધી! બંને વચ્ચે આ પ્રકારનો સંબંધ હતો.
બાબાસાહેબના મૃત્યુ પછી માત્ર ચૌદ દિવસ પછી ૨૦ ડિસેમ્બર ૧૯૫૬માં બાબા ગાડગેનું મૃત્યુ થયું. સંત ગાડગે બાબાની શિક્ષણવિષયક પ્રવૃત્તિને શ્રદ્ધાંજલિ સ્વરૂપ મહારાષ્ટ્ર સરકારે પહેલી મે, ૧૯૮૩ના રોજ અમરાવતી યુનિવર્સિટીને સંત ગાડગે બાબા વિશ્વવિદ્યાલય નામ આપ્યું. ૨૦ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ ભારત સરકારે એમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. ઈ.સ. ૨૦૦૧માં મહારાષ્ટ્ર સરકારે સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા-અભિયાન પણ શરૂ કર્યું.
બાબાસાહેબે સંત ગાડગેને જ્યોતિબા ફૂલે પછીના સહુથી મોટા ત્યાગી જનસેવક ગણાવ્યા હતા. ૨૩મી ફેબ્રુઆરીએ એમનો જન્મદિન ગયો. એમને શતશત વંદન.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 07