સાહિત્ય અકાદેમી જેવી સ્વાયત્ત સંસ્થાઓ પર સરકારી તાળાબંધી અને વધતો રાજકીય હસ્તક્ષેપ કેટલે અંશે યોગ્ય ગણાય?

પ્રકાશ ન. શાહ
પખવાડિયું અને લટકામાં બે-પાંચ દિવસ પણ થઈ ગયા, એ ગમખ્વાર ઘટનાને : કેમ જાણે લગનિયાં લેવાઈ ગયાં હતાં અને મૂરતિયાં સેહરાની બહાર પ્રકાશું પ્રકાશું હતાં – અઢારમી ડિસેમ્બરની બપોરે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદમાં સાહિત્ય અકાદેમીના એવોર્ડો જાહેર થાઉં થાઉં હતા … પણ ચંદ મિનિટ પર સરકારી રુક્કો ખાબક્યો કે મિનિસ્ટ્રીના ક્લીઅરન્સ વગર કોઈ એવોર્ડો જાહેર કરવાના નથી. મંત્રાલય અને વિવિધ અકાદેમીઓ વચ્ચે એમ.ઓ.યુ. થયેલ હોઈ સૂચના – સોરી, આદેશ છે કે હાલ ચાલતી પુનર્વિધાન પ્રક્રિયા (રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ) પૂરી ન થાય ત્યાં સુધી તમારે કોઈ ફાઈનલ જાહેરાત કરવાની નથી. પ્રક્રિયા-વિક્રિયા તો ઠીક – અલ્લાયો, મારા ભૈ, પણ સારનો સાર ટૂંકમાં એટલો કે એવોર્ડ બેવોર્ડ રિવોર્ડ, જે કંઈ તે સઘળું નેકનામદાર સખાવતે બહાદુર સરકારશ્રી કહે ત્યારે, કહે તેમ, કહે તેને.
કમનસીબે, 2015માં કલબુર્ગીની શહાદત વખતે અકાદેમીએ સત્તા-પ્રતિષ્ઠાન સાથે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષપણે રહેવાનું વલણ અખત્યાર કર્યું અને દેશમાં એવોર્ડ વાપસીનો પુણ્યદોર શરૂ થયો ત્યારથી જેનાં સાફ ચિહ્ન હતાં તે પ્રક્રિયા (વસ્તુત: વિક્રિયા) ખુલ્લાણમાં આવી ગઈ છે.
સુજ્ઞ વાચકને સ્મરણ હોય જ કે વિદુષી કંગના રનૌતના મૌલિક સંશોધન પ્રમાણે આપણે 2014માં સ્વતંત્ર થયા છીએ. સ્વતંત્રતાની આ સમજમાં સ્વાયત્તાનો આખો ખયાલ કેવો તો જૂનવાણી છે અગર તો એને અંગે તરોતાજા નવસમજ શું હોઈ શકે, એનો અચ્છો ખયાલ 2023 અધવચ એવોર્ડ વાપસી પ્રકરણ અંગે સંસદીય ખડી સમિતિનો હેવાલ સદનના પટલ પર મૂક્યો હતો તે પરથી મળે છે.
કુલ એકતાલીસ સભ્યોમાંથી ઓગણચાલીસ સાંસદોની તોતિંગ બહુમતીએ કહ્યું હતું કે એવોર્ડ વાપસી જેવા ‘અણછાજતા બનાવો’ એવોર્ડની આબરૂને હાણ પહોંચાડે છે. આનું વારણ, એવી વ્યવસ્થા ઊભી કરવામાં છે કે સન્માનિત પ્રતિભાઓની આગોતરી સંમતિ ઉપરાંત બાંહેધરી પણ મળી રહે કે ભવિષ્યમાં તેઓ તે પરત નહીં કરે. એટલું જ નહીં, એ પણ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે એવોર્ડ પરત કરનારને ભવિષ્યમાં આવા કોઈ એવોર્ડ માટે લક્ષમાં લેવામાં નહીં આવે. એન.ડી.એ.થી ખદબદતી સમિતિની તોતિંગ બહુમતીનો આ શાણો અવાજ લક્ષમાં લઈએ તે પછી કથિત ‘રિસ્ટ્રક્ચરિંગ’ વિશે કશું સમજવાનું રહેતું નથી.
આપણે ક્યાંથી ક્યાં જઈ રહ્યાં છીએ એનો ખયાલ સાહિત્ય અકાદેમીના પૂર્વરંગની કિંચિત ઝાંખીથી મળી રહેશે. જવાહરલાલ નેહરુ, સર્વપલ્લી રાધાક્રિષ્ણન્ અને મૌલાના આઝાદ આદિ થકી જે અકાદેમી શક્ય બની એના પ્રથમ પ્રમુખ હોદ્દાની રૂએ નહીં, પણ એક સન્માન્ય લેખકને નાતે જવાહરલાલ નેહરુ હતા. એમણે આરંભમાં જ કહ્યું હતું કે ફંડિંગ અલબત્ત મંત્રાલયનું હશે, પણ સંચાલન સરકારી બાબુઓનું નહીં પરંતુ અક્ષરકર્મી પ્રતિભાઓનું હશે. નિર્ણયો અકાદમી પર વિરાજતા સાહિત્યસેવીઓ હસ્તક હશે. આ મુદ્દો વિશદ કરતાં એમણે કહ્યું હતું કે અકાદેમીના પ્રમુખ તરીકે હું મારા કામમાં વડા પ્રધાનની દખલ પસંદ નહીં કરું.
અકાદેમીની જ્યુરીએ કોઈ એવોર્ડ માટે રાહુલ સાંકૃત્યાનનું નામ પસંદ કર્યું ત્યારે કારોબારીમાં પ્રશ્ન ઊઠેલો કે હાલ તપાસ હેઠળ એવા સામ્યવાદી પક્ષ સાથે સંકળાયેલા રાહુલજી એવોર્ડપાત્ર ગણાય કે કેમ. નેહરુએ બેઝિઝક કહ્યું કે જે કારણસર તેઓ સન્માનપાત્ર લેખાયા તે યથાવત છે. એમાં સરકારી રાહે ફેરવિચાર ન હોય.
બીજા પણ પ્રસંગો ટાંકી શકું, પણ તેમાં નહીં જતાં નેહરુને મુકાબલે સંમિશ્ર વ્યક્તિત્વનાં કહી શકાય એવાં ઇંદિરા ગાંધી અંગેનું દૃષ્ટાંત આપું. એક પંજાબી લેખકનું પુસ્તક અકાદેમીની જ્યુરી હસ્તક પસંદગીપાત્ર ઠર્યું. એમાં ઈંદિરા ગાંધીની આકરી ટીકા હતી. માનવ સંસાધન મંત્રી અર્જુનસિંહે કહ્યું કે સરકાર આ ટીકા સાથે સમ્મત નથી, પણ અકાદેમીની જ્યુરીએ જે પુસ્તકને સન્માનપાત્ર લેખ્યું તે વિશે પુનર્વિચારનો પ્રશ્ન નથી.
———————————————-
હવે વાત કરું ચિમનભાઈ પટેલ મુખ્ય મંત્રી હતા ત્યારની. એ સમયે ગુજરાતની સરકારી સાહિત્ય અકાદમી સ્વાયત્તતા ભણી જઈ રહી હતી. દેખીતી રીતે જ, સ્વાયત્ત બંધારણ વાસ્તે પ્રયત્નશીલ દર્શકે આ નિર્ણયમાં સમુચિત રસ લીધો હશે.
ચિમનભાઈ અહીં જરા જુદી રીતે સાંભરે છે. દર્શકે અને એમણે વિચાર્યું કે સ્વાયત્ત અકાદમી આપણે દિલ્હીની જેમ જ 1860ના સોસાઈટી એક્ટની રીતે રજિસ્ટર્ડ કરાવી લઈએ તો સરકારી દખલને અવકાશ નહીં રહે. આજે પાછળ નજર કરતાં ડાહી ફોઈની પેઠે તમે ને હું કહી તો શકીએ સોસાઈટી એક્ટ નહીં અટકતા વિધાનસભામાં કાયદાનો રાહ લઈ શકાયો હોત. પણ યાદ રહેવું જોઈએ કે ત્યારે એમની સામે દિલ્હીની અકાદેમીનું 1860ના એક્ટ મુજબ અક્ષત મોડેલ હતું. પણ ગુજરાત તો ગુજરાત રહ્યું. એણે પહેલ કરવી જ જોઈએ. અહીંની સ્વાયત્ત અકાદમી ક્યારે સરકારશાયી થઈ ગઈ, એના ચુંટાયેલા લેખકોને લીલ-પરિણય પણ નસીબ ન થયું, અને ક્યારે એ પેરેશુટ પ્રમુખો મળવા લાગ્યા.
અલબત્ત, આ યશસ્વી ગુજરાત મોડેલ છે. આપણે તૈયાર રહીએ દિલ્હી અકાદેમીની એવી જ ઊર્ધ્વમૂલ અધ: શાખ ગતિ બલકે નિયતિ વાસ્તે. ક્યાં છે ડાયોજિનસ, જે રાજાને કહે કે આઘો હટ, તડકો આવવા દે. ઇંદિરાજીને અજ્ઞેયે માપી લીધા હતા – ‘બૌદ્ધીક બાલેય ગયે’ કહીને… વર્તમાન શાસન, તારું પણ ભવિષ્ય જાગો ને તને કોઈ અજ્ઞેય મળી રહે!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 જાન્યુઆરી 2026
![]()

