Opinion Magazine
Number of visits: 9446400
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવ અચાનક

અનિલ વ્યાસ|Opinion - Short Stories|6 July 2019

પૂજાના મૃત્યુના સમાચાર સૌ પહેલાં મહેન્દ્ર મામાના દીકરા ધીરેને જ મને આપ્યા. રાત્રે નવ વાગે એનો ફોન આવ્યો હતો. ‘પૂજા મરી ગઈ છે, એક્સિડન્ટમાં. બે મિનિટમાં ખેલ ખલાસ.’ કહી એણે ફોન કાપી નાખ્યો. પૂજા મારાં સગાં માસીની દીકરી એટલે મારા હેં! ક્યાં? એક્સિડન્ટ કઈ રીતે થયો? એ બધા પ્રશ્નો લબડી પડેલા કરોળિયાનાં જાળાની જેમ એના ગળામાં ચીકણાં થઈને ચોંટી ગયેલા.

નાનપણમાં પૂજા દોડાવી-દોડાવીને મારા ગળામાં લોટ ઊડતો હોય એમ ગળું સૂકવી નાંખતી હતી. એ રીતે કે, બે ત્રણ ગ્લાસ પાણી પી જવા છતાં મોઢામાં ભીનાશ વળતી નહોતી. પાંચ મિનિટ પછી ફરીથી ધીરેનનો ફોન આવ્યો. ‘લાશ ઓળખાવવા તારે જ જવાનું છે. હું પણ આવીશ, પણ તું જ ઓળખાવજે. અગિયાર વાગ્યે  સિવિલ હોસ્પિટલ પહોંચી જજે.’

મારે શા માટે? એ પૂછાયું નહિ. ફરીથી ફોન કપાઈ ગયો. ધીરેનનો પૂજાની બાબતનો ગુસ્સો  આ રીતે વ્યક્ત થતો હતો? કશા વિચારો આવતા ન હતા.

સુનીલ જીજુ તો અમેરિકામાં હતા. પૂજા એકલી જ ભારત આવેલી. જો કે જીજુ હોત તો પણ એ ઓળખવા ન આવત. એમનાથી લોહી જોવાતું નહોતું. ચક્કર ખાઈને પડતા, ધડામ્ દઈને! 

વર્ષો પછી અમેરિકાથી પૂજાના લાંબા ફોન આવતા એમાં એક વાર એ બોલી ગયેલી, ‘સારું છે કે મહિને ચાર—પાંચ દિવસ તો એ આઘા રહે છે. લોહી નથી દેખી શકતા એટલે. બાકી તો બપોરે ઘેર આવ્યા હોય તો બેડરૂમમાં ઘસડી જ જાય. પતિ-પત્નીના સંબંધમાં રોજે રોજ આ વસ્તુ હોવી ફરજિયાત છે?

આપણી વચ્ચે લાગણી છે એથી મેં કે તેં ક્યારે ય કશી ઇચ્છા કરી છે? નહિતર, આપણે કેટલા ય પ્રસંગે મળ્યા છીએ એકાંતમાં. પણ હાથ પકડવાથી આગળ કશું કર્યું છે? એવું નથી કે માસિયાઈ ભાઈ-બહેન છીએ એટલે …. પણ જરૂરી નથી લાગતું આવું બધું. સુનીલ તો …

એકવાર ધીરેન મને મારવા દોડેલો. ‘બેશરમ એ તારી સગી માસીની દીકરી છે. એની સાથે વળગેલો ને વળગેલો જ હોય છે. એકલા પડો ત્યારે શું નહીં કરતા હો?’ સિવિલમાં પણ એની એ જ તોછડાઈ. પૂજાનો આખો પરિવાર અમેરિકા હતો. એ એકલી જ ભારત આવી હતી. મુંબઈના કામો પતાવી, કાર ભાડે કરી અમદાવાદ આવવા નીકળેલી. એના પર્સમાંથી પોલીસને મહેન્દ્રમામાનું સરનામું અને ફોન નંબર મળેલાં. ધીરેન મારા કરતાં મોટો હતો એટલે મેં કહ્યું, ‘તું પણ ઓળખાવી શક્યો હોત.’ એની ખુંપરા જેવી દાઢીના ફાંટા અને લાલ આંખોથી પણ વધારે ભયાનક વાત કરી. ‘એ તો આખી ખુલ્લી તેં જ જોઈ હશે ને. અમે તો એવું ન કરીએ. દૂરની સગી પણ બહેન હતી એ થોડું ભૂલીએ?’

મારા મનમાં તો વિચારો આડા-અવળા હતા પણ એના મનમાં તો આવા બદ્દતર વિચારો એનો પીછો નહિ છોડતા  હોય. હજુ આટલાં વર્ષે પણ ……

જિંદગીમાં પહેલી વાર એનું ગળાથી નીચેનું નગ્ન શરીર જોયું. ચહેરો તો ખાસ્સો બગડી ગયો હતો. મારાથી હા કે ના ન બોલી શકાયું. હું ચૂપચાપ એને જોઇ રહ્યો.

એ પડી હતી લાકડું થઇને! એક બપોરે મેડીના એકાંતમાં જીવતે જીવ લાકડું થઈને પડી હતી. આજે મરીને એ રીતે જ …..

બીજે દિવસે અંગ્રેજીનું પેપર હતું  એટલે હું તૈયારી કરતો હતો પૂજા ત્રીજા માળની મેડી પર આવી હતી. ‘મંદિરે જવું છે, ચલ ઊભો થા.’

‘મારે વાંચવું પડશે, કાલે પરીક્ષા છે.’

‘એમ કે! દેખાડ તારો બરડો. હું જોઉં, પાંખો ફૂટી કે નહીં.’

‘શેની પાંખો.’

જવાબમાં એ કૂદકો મારીને મારા ખાટલા પર ચડી ગઈ હતી. મારું શર્ટ ઊંચું કરી પીઠે હાથ ફેરવ્યો. ક્યાં છે પાંખો? ચાલ જોવા દે, ભણી ભણીને પોપટ થયો છે કે નહિ?’

એ ઘૂંટણ વાળીને મારી પાછળ બેઠી બરડે હાથ ફેરવતી હતી એ જ વખતે ચંદ્રિકામાસી ઉપર આવ્યા હતાં.

‘હાય હાય … આ શું કરો છો તમે?’ એ ખુલ્લા બારણા વચ્ચે સ્થિર થઈ ગયાં.

પૂજા ડરીને ઊભી થવા મથતી પાછળ ખસી એવી જ સમતોલન ખોઈને પડી. એનું માથું ખાટલાની  ઈસ કે પાયા સાથે અથડાયું ને એ લાકડું!

ચંદ્રિકામાસી કશું અજુગતું બન્યું છે એમ ધારી રીડિયો મચાવતાં દાદર ઊતરી ગયાં. પૂજાના ચહેરા પર પાણી છાંટી એની ડાબી ભ્રમરના છેડે વાગ્યાના નિશાન પર હળવાશથી અંગૂઠો ફેરવી હું બબડતો હતો, ‘પૂજા … પૂજા.’

હાથમાં ચાદર પકડીને ઊભેલા માણસે કહ્યું, ‘હેંડો ભઇ, ઓળખી લો ઝટ, એકન્ બોડી પોસમોટમમોં લઈ જઈએ.’    

મેં પૂજાના કચડાઈને વળી ગયેલા ચહેરા પર નજર ઠેરવી. એની ડાબી ભ્રમર જોવા નમ્યો ત્યાં પૂજાની અધખૂલી આંખની કીકી મારી પર મંડાયેલી અનુભવાઈ. મારાથી કશું બોલાયું નહિ. ફક્ત માથું ‘‘હા’’માં હલાવી સૂચવ્યું, ‘હા એ જ છે.’

પૂજાનાં વેરવિખેર ચિત્ર મારા મનમાં ગોઠવાતાં હતાં. મોઢા પર મુલતાની માટી લગાવી બરાબર સુકાય ત્યાં સુધી બારીએ બેસી ગીતો સાંભળતી પૂજા, વાંકડિયા વાળ સીધા કરવા માટે ભાતભાતના પ્રયોગો કરતી પૂજા, તૈયાર થઈને ખાસી વાર અરીસામાં તાકી રહેતી પૂજા,

અચાનક સામે આવી ગાલ પર હથેળી ટેકવી અપેક્ષાભર્યુ મલકાતી …..

એ દિવસોમાં પૂજાને મળવું સહેલું નહોતું.  એ મામાને ઘેર આવતી એટલા જ દિવસ. એ પંદર દિવસ કે મહિનો ઉત્સાહના વંટોળિયામાં ઘુમરી ખાતાં પસાર થઈ જતો. ધીરેન, ચંદ્રિકામાસી, શરદ માસા કે હેમામામી માનતાં એવું કોઈ છીનાળું કે રાસલીલા મારી અને પૂજા વચ્ચે હતાં નહિ. હકીકતે પૂજા મામાની પોળમાં રહેતા વિપુલને પ્રેમ કરતી હતી. વિપુલ અને પૂજાને એકાંત મળે એવા ખાસા પ્રસંગો મેં ગોઠવેલા. પૂજા મારો ઉપયોગ કરે છે એની મને ખબર હતી પણ હું એને મદદ કર્યા વગર રહી શકતો નહિ. તો પૂજા અને વિપુલ કૂવાની છાપરી પાછળના ખાટલામાં શું કરતા હશે એની ચટપટીમાં મારું રુંવેરુંવું ભડભડતું.

જો કે ઘેર જતાં પૂજા મારો હાથ હાથમાં પકડી ચાલતી. કોઈ વાર મને ખભેથી પકડી ‘થેન્ક્યુ, અભય. તું ના હોત તો …’ વાક્ય અધૂરું મૂકી મને વળગી પડતી. સૂકી ધરતી પર પડતાં વરસાદી ફોરાં જેવું લાગતું. અમે રિક્સામાં ઘેર જતાં હતાં ત્યારે વિપુલે નફટાઈથી પૂજાના ગાલે ચૂમી ભરી લીધેલી. હું સમસમી ગયો હતો પણ પૂજા મારો હાથ દબાવી ખિલખલાટ હસી પડી હતી.

મારી પાસે તો કોઈ વાતોનો ખજાનો નહોતો, હા, પૂજા પાસે હતો. એની વાતોમાં હંમેશાં વિપુલનો વાયરો વાયા કરતો. એ બધું સાંભળી મને થતું કે ગામના ઉતાર જેવા વિપુલ પાછળ આ ગાંડી થઈ છે પણ એ વિપુલ જોડે કોઈ દિવસ સુખી નહિ થાય. રાત્રે સપનામાં પૂજા  દોડતી આવતી. થાકેલી, હતાશ અને વ્યાકુળ. અડધી રાતે હું ઊભો થઈ જતો. બહાર આવી આશાપુરા માતાના મંદિરના ઘુમ્મટને જોયાં કરતો. નદી કાંઠો અને ફરફરાટ પવનનો એવો કેફ ચડતો કે પૂજા દોડતી આવીને એમાં સમાઈ જશે એવા ભાવથી બંને હાથ પાંખોની જેમ ફેલાવી ઊભો રહેતો.

વર્ષો પછી ’ટાઇટેનિક’ ફિલ્મનું એ દ્રશ્ય જોતાં આંખમાં પાણી આવી ગયાં હતાં. સોનલે એ ન જોયું હોય તો સારું એમ વિચારી ચહેરો ફેરવી લીધો હતો ત્યારે ય પૂજા સાવ નજીક બેઠી હોય એમ અનુભવાતું હતું.

પૂજાનાં પપ્પા અને મમ્મી સુનીલકુમાર અમેરિકાથી ન આવે ત્યાં સુધી અંતિમસંસ્કાર થઈ શકે એમ નહોતું, એટલે પોસ્ટમોર્ટમ પછી સોંપાયેલું પૂજાનું શબ એમના મકાનમાં બરફની પાટ પર રાખવાનો નિર્ણય લેવાયો હતો.

પૂજા ના પપ્પા ગિરીશચંદ્ર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતા. સ્વભાવે એકદમ ઋજુ અને સાવ ઓછાબોલા. મહેન્દ્ર મામાના લોખંડી પંજામાંથી એમણે મને છોડાવ્યો હતો. મામા ભાગ્યે જ  ગુસ્સે થતા, પણ ચંદ્રિકામાસી, હેમામામી, ઈલા ફઇ અને મયંકમાસાનું સાગમટે માનવું હતું કે હું પૂજાને ભોળવતો હતો. ધીરેને ‘ભોળવે છે એમ? મોટા અવાજે ને ‘તમે માસી ‘ળ’ ને બદલે ‘ગ’ બોલો તો વાતની ચોખવટ થાય શું.’ એમ સાવ ધીમેથી બોલ્યો. સાંભળતા જ હેમા મામીએ મોટે ડોળે એને તતડાવી કાઢેલો. ‘તું ચૂપ મર ને કાગડા.’

‘હું કાગડો ને એ કાનુડો?’

‘ભઇ, પહેલાં આને બહાર કાઢ, મરાવી નખાવશે કાં તો.’ ઈલાફઇએ હાથ જોડ્યા.

મયંકમાસા ધીરેનને બહાર ખેંચી ગયા ત્યારે હું માર ખાતાં રડતો રડતો બોલતો હતો. મારે ને પૂજાને એવું કંઈ નથી. મેં તો એને ….. પૂજા તો …. પણ કોણ સાંભળે?

‘ફટકાર સાલાને’, ‘ઠોક બીજી ઠોક.’ ના હોંકારા વચ્ચે અચાનક આવી ચડેલા ગિરીશચંદ્ર કડક અવાજમાં કશુંક બોલ્યા કે ઘડી વારમાં સોપો પડી ગયો.

સહુની આંખોનું કસ્તર મારી આંખોમાં આવી ભરાયું હોય એમ આંસુ અટકતાં નહોતાં.

મારે કહેવું હતું કે … સાંભળો, મારી જોડે નહીં પૂજા તો પેલા ડેલીવાળા વિપુલિયા જોડે … પણ કશોક સંકોચ એ રીતે વળગેલો કે લાખ મથવા છતાં હોઠ ઊઘડી શકેલા નહીં. 

અમારું હળવું ભળવું નહીં ખમી શકનારાઓએ ભેગા થઈ, એ જ જૂની રીતરસમો વાપરી પૂજાના ઘડિયા લગન લેવરાવ્યાં. એ વખતે સાવ સામાન્ય ઘર અને દેખાવ છતાં સુનીલકુમાર ફાવી ગયેલા.

એ વિરોધ વંટોળ વચ્ચે અમને કોઈ સમજી શકે એવું હોય તો બૅબીમાસી. મહેન્દ્રમામાના ઘરનો મારો આશરો એમણે બચાવેલો. એ આવ્યાં ત્યારથી પૂજા એક એમને એકટક જોઈ રહેલી. 

બીજે દિવસે કહે, ‘ચાલો છોકરાઓ પાણીપૂરી ખવરાવું.’ હું, પૂજા, માનસી અને ધીરેન પાણીપૂરી ખાવા ગયાં હતાં. એક પાણીપૂરી હું મોંમાં મૂકું એ પહેલાં ફસકાઈ ગઈ. 
મારા શર્ટ પર લીલા પાણીના રેલા ઊતર્યા. પૂજાએ ઝડપથી રૂમાલ વડે મારું શર્ટ લૂછવા માંડેલું. બૅબીમાસી હસી પડેલાં ‘પૂજલી, તું નહિ સુધરે.’ પૂજાએ ઠપકાભરી નજરે એમની સામે જોતાં કહ્યું ‘માસી તું ય?’ બૅબી માસી કશું બોલ્યા નહિ, ચૂપચાપ એમના હાથમાં મુકાયેલી પાણીપૂરી એમણે પૂજાના મોંમાં મૂકી દીધી.

પાછા વળતાં નક્કી કર્યુ. કાલે પિક્ચર જોવા જઈશું. મહેન્દ્રમામાની ‘ના’ ને ‘હા’ માં ફેરવવાની કળા બૅબીમાસીને સહજ સાધ્ય હતી. વાત વાતમાં કહી દીધું, ‘મને ખબર છે. તમે બધા ભેગા થઈને છોકરીને વળાવી દેવાનાં છો. એને મારા ભરોસે અહીં રોકી છે ને બીજી વાત મોટાભાઈ.  અભય તમારી ભેગો ઊછર્યો છે. તમને તમારો તો વિશ્વાસ છે ને?’

મહેન્દ્રમામાએ મારી સામે જોઈ, બૅબીમાસી સામે જોતાં કહેલું, ‘ઝઘડો ના કરીશ. બોલ, કેટલા પૈસા આપું?’

અમે ‘‘મૌસમ’’ ફિલ્મ જોવાં ગયેલાં. ફિલ્મમાં બદલાતાં અજવાળામાં હું પૂજાના ચહેરાના પલટાતા રંગ જોઈ રહ્યો હતો. સાવ નજીકથી અને સતત જોયા કરવાનો ભરપૂર આનંદ હતો. કેટલી ય વારે એણે મારી સામે જોયું હતું. મારા કાન સરસા હોઠ લાવી એ બોલી, ‘પિક્ચર સામે ચાલે છે.’ મેં ધરાર એની વાત માની નહોતી. કદાચ બૅબીમાસીએ પણ આ નોંધ્યું  હતું.

એ બહુ બોલતાં નહિ. સોનલ સાથે મારી સગાઈ થઈ પછી હું અને સોનલ એમને મળવા ગયાં હતાં ત્યારે મીઠું હસતાં હસતાં કહે, ‘આ તને પિક્ચર જોવા લઈ જાય છે કે નહીં?’

સોનલ કહે, ‘હા. જઈએ છીએને, માસી.’ મારી સામે સીધું તાકતાં એમના હોઠ ફફડીને રહી ગયેલા.

રાત્રે ધાબા પર પથારીઓ કરવા ગાદલાં લઈ જતા કાયમ હું પૂજાના હાથમાંથી ગાદલું લઈ લેતો. એ બે કે ત્રણ ઓશીકાં લઈ ધીમા પગલે દાદર ચડતી. ગાદલાં પથરાઈ જાય કે તરત એ આડી પડતી. કોઈ વાર હું એના ઓશીકે બેસતો. એક વાર મારો હાથ હાથમાં લઈ એણે પૂછ્યું, ‘વિપુલ એટલો ખરાબ છે કે એની સાથે હું ના પરણી શકું?’

જાતને સવાલ પૂછવો પડે એવી વાતનો શું જવાબ વાળવો? ખુદની સારપ દેખાડું કે સાચું બોલી દઉંની દ્વિધાનો વિષાદ મને ઘેરી વળતો. એ મારી આંગળી મરડવા જેવું કરતાં પૂછતી, ‘બોલને … બોલને’.

એ પરણી ગઈ.

એની સાથે સૂક્ષ્મ સ્તરે જોડાયેલો સ્નેહ એ પછીનાં વર્ષોમાં મારી અંદર કોઈ બંધ દાબડીમાં સાચવી રાખી હું જિંદગીની ગલી કૂંચીઓ ફરતો રહ્યો.

મારાં લગ્નમાં એ આવેલી. એના દીકરાને તેડી મારી પાછળ આવી ઊભી રહી હતી.

‘કેમ મોડી આવી?’

મારા વાળમાં આંગળીઓ ફેરવતાં એણે પૂછ્યું, ‘કેમ છે તું?’ વચ્ચેનાં વર્ષો સાવ ઓગળી ગયાં. ‌

એ મને અઢેલીને ઊભી હતી. એ પળે બધું સારું સારું લાગતું હતું. જાણે ભર્યું ભર્યું. એણે ધીમેથી મને પૂછેલું,  ‘વિપુલને મળ્યો હતો કદી?’

પગ ઉપાડતાં પહેલાં મેં નક્કી કર્યું, હવે કોઈ દિવસ આને બોલાવવી જ નહિ. માંડ માંડ જાત પર નિયંત્રણ રાખતા હું મારી સામે મલકાતાં સહુ સામે મલકાતો રહ્યો.

જાત પર કાબૂ એકવાર નહોતો રહ્યો. એ સાંજે મેં એને વિપુલની બાહો માં જોઈ હતી. હોઠથી હોઠ ચૂમતાં એકમેકમાં સમાવવા હોડ બકતા હોય એવાં. મન કકળતું હતું. મને હું પડતો મુકાયો હોઉં એવો ભાવ થતો હતો.

એમને જે કરવું હોય એ કરે  મારે શું? પણ પૂજાને લીધા સિવાય હું નીકળી શક્યો નહોતો.  એ  આવી એવી મને વળગી પડી. એના શરીરની વાસ ન વેઠાતી હોય એમ મારાથી એને ધક્કો મરાઈ ગયો. એ છંછેડાઈ ગઈ. “શેની ચરબી ચડી છે?’ હું મારી ધારણા બહાર વર્ત્યો. સટ્ દઇ એક ધોલ મારી બેઠો. એ ચૂપચાપ મારી પાછળ ચાલતી રહેલી. એનું રડવું અને રીસ બન્ને અનુભવાતાં હતાં. આવીને ધાબે જતી રહી. હું એને મનાવવા ધાબે ગયો તો આવીને મામાની રૂમમાં ભરાઈ ગઈ. રાતના  દોઢ વાગ્યા સુધી એની આગળ પાછળ ફર્યો પણ સામું જુએ તો પૂજા શેની?

ત્રીજે દિવસે એ સામે આવી ત્યારે હું નીચું જોઈ ગયો, ગુનેગારની જેમ. પણ એની આંખોમાં રોષ ન હતો. નજર મળતાં જ સ્નેહથી શોભી ઊઠી હતી. એના પર હાથ ઉગામવાનો મને એવો અફસોસ થતો હતો કે; બસ સ્ટેન્ડ પર એક અજાણ્યા માણસને મેં પૂજા પર હાથ ઉગામ્યાની કબૂલાત કરી એની સામે અપેક્ષાભર્યું જોયા કર્યું હતું.

એ પરિવાર સહિત કાયમ માટે અમેરિકા જવાની છે એ સમાચાર મળ્યા ત્યારે એને જોવાનો-મળવાનો ઉમળકો  રોકતાં કેટલી ય વાર આંખે પાણી આવ્યાં હતાં.

પછીનાં વર્ષોમાં કદી મળવાનું થયું જ નહિ. એક દિવસ અચાનક એનો ફોન આવ્યો. મેં કદી ફોન પર એનો અવાજ સાંભળ્યો નહોતો એટલે ઓળખતાં વાર લાગી. ‘કેમ છે તું?’ એ સવાલ સાંભળતાં ઈશ્વરના આશિષ જેવું અનુભવાયું.

એ નિરાંતે વાતો કરતી. એના ઘર સંસારની, ગ્રોસરી સ્ટોર પર પસાર થતી કંટાળાભરી જિંદગીની, કોઈને ય કહ્યા સિવાય તુર્કી છોકરીને પરણીને ઇંગ્લેન્ડ વસી ગયેલા દીકરાની,  એને સતત તાક્યા કરતા એક આફ્રિકનની, માસિકની અનિયમિતતાની, જીજુની પેલી ભૂખની, એ વધારવા મોંઘી ગોળીઓ લઈ કરાતી હેરાનગતિની … વાતો અટકતી જ નહોતી.

મારી દીકરી રેષા મને સંભળાવતી હતી .. ‘આ પૂજા ફોઈ તમારી આટલી ક્લોઝ હતાં, પપ્પા?’ પછી મારો હાથ પકડી કહેતી, ‘મેં તો એમને ફોટામાં ય જોયાં નથી, વ્હાય?’ 

રેષાના હાથમાંથી મારો હાથ છોડાવવા સિવાય કશું સૂજ્યું નહિ.

પૂજા નિસબતની કોઈ વિશેષ લાગણીથી મારી સાથે બધું શેર કરતી. એની વાતોમાં કદી બાકાત રહી ગયાની બળતરા નહોતી. સહન કરવાનું, ભૂલી જવાનું જીવનનો ભાગ બની ગયાંનું સમજી શકાતું. એ સિવાય કંઈ જ નહીં. સમયાંતરે થતી વાતો વચ્ચે એણે ક્યારે ય વિપુલ વિશે પૂછ્યું  ન હતું. એની જિંદગીમાંથી એ સાવ ભૂસાંઈ ગયો હોય એમ. એ મને કહેતી, ‘હવે ધીમે ધીમે આધ્યાત્મિક બનતી જાઉં છું. સવારે ચાર વાગે ઊઠીને જાપ કરવા, અનુષ્ઠાનો ને ઉપવાસ …. તું માનીશ? આ તપ હોય કે પ્રાયશ્ચિત પણ મને સારું લાગે છે.’

'મેં કહ્યું પૂજા, તારે પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. એ હું કરીશ … કરું જ છું.' એ સમજી નહોતી 'પણ શા માટે તારે કરવું પડે? મેં વાત બીજી દિશામાં વાળી દીધી હતી. ફોન મુકાયો પછી મેં મારા હાથની હથેળી સફેદ દીવાલ પર જોરથી અફળાવી હતી. એક વાર, બીજી વાર … બાજુના રૂમમાંથી સોનલ દોડતી આવી હતી. 'શું થયું? પછી મને હથેળી આ રીતે અફળાવતો જોઈને ઠપકા ભરી નજરે જોઈ રહી હતી અને પૂછ્યું હતું,' ફરીથી આજે અમેરિકા વાત થઈ? મેં દીવાલમાં અગાઉ ઉપસી આવેલા હળવા લાલ ધાબાંઓ તરફ જોયું અને બાજુમાં સોફા પર બેસી પડ્યો. 

છેલ્લા ફોનમાં એણે કહેલું, ‘બહુ વર્ષે જોઇશ તને. ખબર છે? છેલ્લે આપણે સ્વીટીના લગ્નમાં મળેલાં.’

‘હા.’ મારા ગળામાં ખરેરી બાઝી ગઈ હતી.

‘આપણે વાતો કરતાં બેઠેલાં. હું આડી પડેલી ને તું મારા વાળ પસવાર્યા કરતો હતો. યાદ છે તને?’

હું ચૂપચાપ શ્વાસ લેતો રહ્યો. એનો ચહેરો શ્વાસમાં સમાયેલો હોય એમ. ફોન ચાલુ હોવાની આછી ખરખરાટી સિવાય કશો જ અવાજ નહીં.  મારાથી એને  જવાબ ન અપાયો એ પૂજાથી સહેવાયું નહિ કે કોણ જાણે શું હતું?  એણે અચાનક ફોન કાપી નાખેલો.

આજે એ સૂતી છે, બરફની પાટ પર. ભીના સફેદ કપડાંની કોરમાંથી દેખાય છે, રાત્રે મોડા સુધી હાથ ફેરવ્યા કર્યો હતો એ વાળ. એને શું જવાબ આપી શકાયો હોત?

સ્મશાનમાં ઈલેક્ટ્રીક ફરનેસમાં ધકેલાય એ પહેલાં છેલ્લી વાર એનો ચહેરો જોયો.

એની આંખોનો સપાટ કાળો રંગ મને યાદ આવ્યો. એની સુંદર મોં ફાડ યાદ આવી.

હું થોડીવાર ફૂલોથી ઢંકાયેલા એના શરીરને જોઈ રહ્યો.

કોઈ કશું બોલ્યું. સહુ ખસ્યા.

એક હળવો ધક્કો અને ક્ષણ માત્રમાં પૂજા ભભકતી લાલ સોનેરી જ્વાળાઓમાં અદ્રશ્ય થઈ ગઈ.

છેલ્લે ફોન પર વાતો કરતાં કરતાં સાવ અચાનક ચાલી ગઈ હતી એમ.

* * *

e.mail : anilvyas34@gmail.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, જુલાઈ 2019; પૃ. 51-58

Loading

6 July 2019 admin
← આ પાર …પેલે પાર
તપશ્ચર્યા સાધન છે, સાધ્ય નથી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved