હોલિવૂડમાં જુલિયા રોબર્ટ્સ અને બોલિવૂડમાં દીપિકા પાદુકોણે સવાલ પૂછ્યો હતો: આ સિર્ફ સ્તન જ છે, અને હજારોની સંખ્યામાં છે.
મહિલા માટેની મલયાલમ પત્રિકા ‘ગૃહલક્ષ્મી’ના કવર ઉપર ગીલું જોસેફ નામની એક મૉડલ બાળકને સ્તનપાન કરાવતી હોય તેવી તસવીર છપાઈ છે, તેને લઈને વિવાદ થયો છે. અાંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે પત્રિકાના સંપાદક મંડળે સાર્વજનિક રીતે બાળકને દૂધ પીવડાવું તેમાં કંઈ ખોટું નથી તેવા સંદેશા સાથે આ તસવીર છાપી હતી. તસવીરમાં લખવામાં આવ્યું છે, ‘કેરળની માતાઓ કહી રહી છે, મહેરબાની કરીને આંખો પહોળી કરીને જોશો નહીં, અમારે બ્રેસ્ટફીડિંગ કરાવાનું છે.’
એ પછી કોલ્લમની જિલ્લા કોર્ટમાં સ્ત્રી અશિષ્ટ રુપણ નિષેધ અધિનિયમ, 1986 હેઠળ એક મુકદ્દમો પણ દર્જ થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ તસવીર લક્ષણથી જ કામોત્તેજક છે અને સ્ત્રીત્વની ઈજ્જતને ઉતારે છે.’ તસવીરનો વિરોધ કરતા લોકોને વાંધો એ બાબતે પણ છે કે, મૉડલ જોસેફે ઈસાઈ હોવા છતાં સિંદૂર લગાવ્યું છે. પત્રિકાના સંપાદક મોંસી જોસેફે કહ્યું છે કે, અમે સાર્વજનિક જગ્યાઓ પર સ્તનપાન કરાવવાની માતાઓની જરૂરિયાત પ્રત્યે લોકોને જાગૃત કરવા માગતાં હતાં.
એક તરફ સ્તનપાન માતૃત્વનો અહમ હિસ્સો છે, તો બીજી તરફ એને ‘ખરાબ નજર’થી જોવાવાળા પણ કમ નથી. થોડા સમય પહેલાં અાંતરરાષ્ટ્રીય ‘ટાઇમ’ પત્રિકાએ પણ આવી જ તસવીર પ્રગટ કરી હતી, જેની બહુ ટીકા થઇ હતી. હમણાં બ્રાઝિલની નેશનલ એસેમ્બલીમાં એક મહિલાએ એના આઠ મહિનાના બાળકને સ્તનપાન કરાવાતી હાલતમાં ચર્ચામાં ભાગ લીધો હતો. જાગૃતિના આવા જ ઉદ્દેશ્ય સાથે કોલંબિયાના એક મૉલમાં બ્રેસ્ટફીડિંગ કરતી મહિલાનું એક પૂતળું મૂકવામાં આવ્યું છે જેથી સ્ત્રીઓ જાહેરમાં દૂધ પીવડાવતાં શરમાય નહીં.
અમેરિકામાં 47 રાજ્યોમાં જાહેરમાં સ્તન ખુલ્લા રાખીને કે ઢાંકીને મહિલાઓ સ્તનપાન કરાવી શકે તેવો કાયદો છે. ભારતમાં કોઈ સામયિકે સ્તનપાનની આવી તસવીર પહેલીવાર છાપી છે. આપણે ત્યાં સાડી પહેરેલી કેટલી ય મહિલાઓ સહજ રીતે સાર્વજનિક રીતે સ્તનપાન કરાવતી હોય છે. ગામડાઓમાં તો આવાં દૃશ્યો બહુ જ સામાન્ય છે. બ્લાઉઝ અને સાડીના છેડાની મદદથી આ સ્ત્રીઓ એમનું એકાંત ઊભું કરી લેતી હોય છે, પણ જેમણે સાડી ન પહેરી હોય તેમને ઘણી દિક્કત આવે છે.
મલયાલમ પત્રિકાએ સમાજને સંદેશને નામે સનસની ઊભી કરવા આવી તસવીર છાપી એવો આરોપ થવો બહુ સ્વાભાવિક છે કારણ કે, તસવીરમાં સાચે કોઈ માતા નથી, પણ એક અવિવાહિત મૉડલ છે. રાજ કપૂરે 1985માં ‘રામ તેરી ગંગા મૈલી’માં મંદાકિનીને પણ આવી જ રીતે સ્તનપાન કરાવાતી પેશ કરી હતી, ત્યારે ન તો કોઈ વિરોધ થયો હતો કે ન તો કોઈ કેસ. 1981માં કેન્દ્રના પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પડી હતી, તેમાં પણ મૉડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને એ સરાહનીય કદમ ગણાવાયું હતું.
ભારતમાં સ્તનપાનને લઈને આ વિરોધાભાસ શા માટે? જે બાબત અત્યાર સુધી પ્રાકૃતિક હતી, તે હવે શરમજનક કેમ લાગવા લાગી? ગામડાંઓમાં જે ક્રિયા તરફ કોઈનું ધ્યાન પણ નથી જતું, એ જ કામ શહેરોમાં ચર્ચાનો મુદ્દો કેમ બની ગયો છે? પૌરાણિક ભારતમાં સ્તનને ઢાંકવાની પ્રથા જ નહોતી. આજે પણ આદિવાસી સ્ત્રીઓ સ્તન પ્રત્યે એટલી સજાગ નથી હોતી, જેટલી આધુનિક નારી શર્મસાર હોય છે. કેમ? જે કેરળની પત્રિકાએ આ ચર્ચા છેડી છે, તે કેરળમાં છેક 18મી અને 19મી સદી સુધી સ્તનને ઢાંકવા વર્જિત ગણાતું હતું, અને માત્ર નામ્બુદ્રી, બ્રાહ્મણ, ક્ષત્રિય અને નાયર સમાજની મહિલાઓ જ સ્તનને કવર કરતી હતી. સહજતા અને શર્મનો આ વિરોધાભાસ કેમ?
આનું એક સીધું કારણ છે, સ્તનનું સેક્સ્યુલાઇઝેશન. ભારતમાં નગ્નતા અને શર્મનો સંબંધ બહુ નવો છે. પૌરાણિક ભારતના જેટલા સંદર્ભો છે, તેમાં ભારતીય સમાજની નગ્નતા પ્રત્યેની સહજતા દેખાય છે. અાધ્યાત્મિક ભારતમાં શર્મનો સંબંધ નગ્નતા સાથે નહીં, ખરાબ કર્મ સાથે હતો, એની ગવાહી નાલંદા અને તક્ષશિલાના પ્રવાસે આવતા પરદેશીઓએ પણ પૂરી છે. સ્ત્રીએ શરીરને સંપૂર્ણપણે ઢાંકવું જોઈએ એ ખયાલ જ વિદેશી છે. અબ્રાહમિક ધર્મોના સંપર્કમાં આવ્યા પછી જ ભારતીયો એમની નગ્નતા પ્રત્યે સજાગ થયા, અને શર્મ મહેસૂસ કરવા લાગ્યા. સ્તન બાળકને દૂધપાન કરાવવા ઉપરાંત નરની વાસનાનું કેન્દ્ર છે એ સજાગતા પણ પાછળથી આવી. એવું નથી કે એ વૃતિ નવી પેદા થઇ. માત્ર એટલું જ કે, આપણે એનાથી બહુ સચેત ન હતા.
સ્તનની પ્રાથમિક ઉપયોગિતા નવજાતને દૂધપાન માટેની જ છે, અને એટલે જ પ્રકૃતિએ, પુરુષને પણ સ્તન હોવા છતાં, સ્ત્રીના સ્તનમાં જ દૂધ પણ મૂક્યું છે. એનો સેકન્ડરી મકસદ સેક્સુઅલ આકર્ષણનો છે. માદા સ્તન તંદુરસ્તી અને ગર્ભધારણ(ચાઇલ્ડ્બેરિંગ)ની ક્ષમતાનું પ્રતીક છે. સ્તન ઉપરથી નર નક્કી કરે છે કે, માદા તંદુરસ્ત રીતે બાળકને જીરવી શકશે કે નહીં. ચાઇલ્ડ્બેરિંગ હિપ્સની પાછળ પણ આ જ વૃતિ છે. જેટલાં મોટાં સ્તન અને હિપ્સ, એટલી તંદુરસ્તીની સાબિતી, અને એટલે એ આકર્ષણનું કેન્દ્ર. માણસ જ નહીં, તમામ પ્રાણીઓમાં સેક્સુઅલ સિલેક્શન આ પ્રમાણે જ થાય છે. તમામ નર આ જ રીતે સમાગમ માટે માદાની પસંદગી કરે છે. ચાર્લ્સ ડાર્વિને સૌથી પહેલાં આ સેક્સુઅલ સિલેક્શનની થિયરી વિકસાવી હતી.
સ્તનના આ પ્રાઇમરી (દૂધપાન) અને સેકન્ડરી (આકર્ષણ) હેતુ વચ્ચેના અસંતુલનમાંથી આધુનિક સમયમાં એનું સેક્સ્યુલાઇઝેશન થયું છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા દ્વારા પ્રકાશિત એક પુસ્તક Inventing Baby Foodમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દ્વિતીય મહાયુદ્ધમાં અમેરિકન સરકારે સૈનિકોને લડવાનો જુસ્સો આવે તે માટે સૈન્યની ટુકડીઓમાં મોટી છાતીઓ અને હિપ્સવાળી પીન-અપ ગર્લ્સનાં કેલેન્ડર પ્રમોટ કર્યાં હતાં, તેના પગલે જે સોફ્ટ-પોર્ન આવ્યું અને હોલિવૂડનું મેરિલીન મુનરોકરણ થયું તેમાંથી સ્તનના સેક્સ્યુલાઇઝેશનમાં ગતિ આવી. અહીંથી સ્તન બાળકના પોષણ તરીકે ઓછાં, અને પુરુષોના આનંદના સોર્સ તરીકે વધુ જોવાવા લાગ્યાં.
સ્તનને મજબૂત રાખે તેવા બ્લાઉઝ અને બ્રાની લોકપ્રિયતા પણ અહીંથી જ આવી હતી. સ્તન જ્યારે પુરુષોની નજરોના ઓબ્જેક્ટ બનવા લાગ્યાં ત્યારે તેમાં શર્મનો પ્રવેશ થયો અને અમેરિકામાં પણ સાર્વજનિક સ્થળોએ સ્તનપાન ઘટવા લાગ્યું. અમેરિકન સંસ્કૃિતમાં સ્તન સેક્સનો એટલો જબરદસ્ત પર્યાય બની ગયાં હતાં કે, 60ના દશકમાં અમેરિકામાં નારીવાદીનું એક કાઉન્ટર-રિએક્શન આવ્યું, જેમાં 1968ની મિસ અમેરિકન પ્રતિયોગિતામાં 400 સ્ત્રીઓએ પુરુષની ગુલામીના પ્રતીક સમી બ્રા સળગાવી હતી. 1999માં ‘નોટિંગ હિલ’ ફિલ્મમાં જુલિયા રોબર્ટ્સે આવા જ ભાવ સાથે કહ્યું હતું, ‘આ સિર્ફ સ્તન જ છે. દુનિયામાં દરેક બીજી વ્યક્તિ પાસે એ છે … એ દૂધ માટે છે, તમારી મા પાસે પણ છે, હજારોની સંખ્યામાં જોયા હશે, આટલી ઝંઝટ શું કામ?’ 2014માં દીપિકા પાદુકોણનો ચોક્કસ એન્ગલથી ફોટો પાડવામાં આવ્યો ત્યારે તેણે એ સમાચારપત્રને લખ્યું હતું, ‘હું સ્ત્રી છું, મને સ્તન પણ છે અને ક્લીવિજ પણ. કોઈ પ્રોબ્લેમ છે?’ આવો જ સવાલ મંદાકિનીએ ટ્રેનમાં સ્તનપાન કરાવતી વખતે એને તાકી રહેલા ‘મણિલાલ’ને પૂછ્યો હતો. ગૃહલક્ષ્મીની ગીલું જોસેફ પણ સ્તનના સેક્સ્યુલાઇઝેશન સામે એવો જ સવાલ ઉઠાવી રહી છે: આપણે પાછા સહજ બની શકીશું?
સૌજન્ય : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપતાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 11 માર્ચ 2018