‘વંદે માતરમ્‘ની ઉજવણીમાં પક્ષીય વિચારધારાના પ્રવેશથી, શું આપણે રાષ્ટ્રીય ગીતના ઇતિહાસ અને તેની સ્વીકૃત સર્વસંમતિનો અનાદર કરી રહ્યા છીએ?

પ્રકાશ ન. શાહ
રાષ્ટ્રીય ગાન તરીકે સત્તાવાર અલંકૃત અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની બરોબરીનું વિધિવત સન્માનપ્રાપ્ત ‘વંદે માતરમ્’ હવે સાર્ધ શતાબ્દીએ પહોંચ્યું છે ત્યારે ભારત સરકાર વરસ આખું એના ઓચ્છવની રીતે મનાવે, એથી કોણ રાજી ન થાય?
છતાં આ રાજીપો, કંઈક કુંડાળામાં પડી ગયેલો કે પડું પડું વરતાય છે એવું કેમ. વડા પ્રધાને ‘મન કી બાત’માં અને પછી સાતમી નવેમ્બરે સાર્ધ શતાબ્દીના શ્રીગણેશ માંડતા જે વાતો કરી એમાંથી કેમ જાણે એક રાષ્ટ્રીય નેતૃત્વ કરતાં વચ્ચે વચ્ચે પક્ષપરિવારી વિચારધારા સોડાતી હતી.
રહો, જરા વિગતે વાત કરીએ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ‘આનંદમઠ’ નવલકથામાં લઈ આવ્યા અને એ જાણીતું થયું તે જરૂર સાચું છે. ‘આનંદમઠ’માં એનો ઉપયોગ સંઘર્ષગાન રૂપ માતૃવંદના રૂપે થયો છે. એક એવું આકલન પણ કાલજયી ‘વંદે માતરમ્’ અને યુગપ્રવર્તક ‘આનંદમઠ’ને અનુલક્ષીને થયું છે કે સર્જકે સ્વરાજ સંદેશ સારુ લીધેલું ઓઠું ચોક્કસ સમજથી અંગ્રેજ શાસકોને ટાળીને હિંદુ-મુસ્લિમ તરેહનું લીધું છે. તેમ છતાં, સંતાનધર્મની અપીલ અને ‘વંદે માતરમ્’ની મોહનીનો એક સાક્ષાત્કારક અનુભવ 1905ના બંગબંગ દિવસોમાં એની અસલ અપીલ(‘આનંદમઠ’ પૂર્વે હોઈ શકતી અપીલ)નો હતો એ પણ ઇતિહાસવસ્તુ છે. એની તરજ બાંધી રાખીબંધનના ભાવપૂર્વક કોલકાતાની સડકો પર ફરી વળતા યુવા રવીન્દ્રનાથનું સ્મરણ એટલું જ રોમાંચક છે જેટલું આકર્ષક બંકિમબાબુનું સ્મરણ પણ છે.
પણ, ઇતિહાસ જેનું નામ એને તમે ને હું બધો વખત બન્યો ન બન્યો તો નયે કરી શકીએ. ‘વંદે માતરમ્’ના ઉત્તર ભાગમાં આવતો દુર્ગાનો ઉલ્લેખ, આમ તો કવિની દૃષ્ટિએ માતૃમૂર્તિનો ઉલ્લેખ, કાળક્રમે કોઈ મુસ્લિમ ફિરકાને ભારતસમસ્તને બદલે પક્ષિલ લાગ્યો એ પણ ઇતિહાસવસ્તુ છે. કોલકાતામાં એક તબક્કે હિંદુ-મુસ્લિમ તનાવ વખતે એક પક્ષે ‘વંદે માતરમ્’નો ઉપયોગ ‘વૉર ક્રાય’ તરીકે થયો તે કમનસીબ બીના પણ ઇતિહાસદર્જ છે.
સંઘ તો સ્વરાજ લડતમાં સીધો નહોતો પણ લડતમાં પડેલાઓ વચ્ચે લાંબી ચર્ચા આ સંદર્ભે થઈ છે અને રાષ્ટ્રીય લડતને હિંદુ મહાસભા તેમ મુસ્લિમ લીગ વચ્ચેના તનાવમાંથી બહાર કાઢવાનો હેતુ એની પાછળ રહ્યો છે. 1937માં મૌલાના આઝાદ, સુભાષબાબુ, જવાહરલાલ, રવીન્દ્રનાથ અને નરેન્દ્રદેવે એને વિશે સઘન વિચારણા કરી એમાંથી એનું વર્તમાન સ્વીકૃત સ્વરૂપ બહાર આવ્યું છે. સ્વરાજની પહેલી કેબિનેટે તે મે 1948માં બહાલ રાખ્યું ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જી પણ એમાં સંમત અને સહભાગી હતા.
એક તબક્કે સુભાષબાબુએ પૂર્ણ ‘વંદે માતરમ્’ કોઈ હિંદુ રચના નથી તેમ કહ્યું પણ હતું. પણ રવીન્દ્રનાથ સાથેની ચર્ચા પછી એમણે એના અનર્થઘટનની શક્યતા સ્વીકારી. રવીન્દ્ર-રચના જન ગણ મન (જેનો પણ આરંભનો અંશ જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયો છે) પહેલી વાર મોટે પાયે પ્રયોજાઈ તે દેશ બહાર સુભાષબાબુએ રચેલ આઝાદ હિંદ સરકારના વારામાં – એમાં પણ સંસ્કૃતનો વિનિયોગ સુભાષબાબુએ સ્વીકૃત સ્વરૂપમાં ઘટાડ્યો હતો અને સામાન્યપણે જેને હિંદુસ્તાની કહી શકીએ એવી બાનીમાં એ મૂક્યું હતું.
જે મુદ્દો આપણા ખયાલમાં નથી આવતો તે એ છે કે જેમ જેમ સામસામી ઓળખોનું રાજકારણ વિકસે તેમ વ્યાપકપણે વસવા જોઈતા મુદ્દા સામસામા સાંકડા અર્થોમાં મુકાઈ જાય છે. પોંડિચેરીવાસમાંથી, મુંજે અને હેડગેવારના આગ્રહ છતાં, અરવિંદે કાઁગ્રેસ નેતૃત્વ માટે (તિલકની ખોટ પૂરવા) બહાર આવવાની ના પાડી ત્યારે જેમ એમણે શરૂ કરેલ સાધનાનું કારણ હતું તેમ પોતે ‘વંદે માતરમ્’થી માંડી ‘ધર્મ’ સુદ્ધાંની સાંકડી ઓળખની બહાર ચાલી ગયા છે એ સ્પષ્ટતા પણ કામ કરી ગઈ જણાય છે. છૂટપૂટ ઉલ્લેખો નહીં પણ ‘સમગ્ર અરવિંદ’માંથી પસાર થતાં એ સમજાય છે.
જરા જુદી રીતે, ‘વંદે માતરમ્’ સંદર્ભે નહીં પણ એમાં ઉપયોગી એક વિગત હું જનસંઘના આદ્ય સ્થાપકો પૈકી બલરાજ મધોકને સંભારીને કરવા ઇચ્છું છું. મધોક સંઘમાં જોડાયા ત્યારે પ્રાર્થનામાં અલબત્ત જોડાતા. પણ આરંભકાળની એ પ્રાર્થના ‘રામદૂત હનુમાન’ને અનુલક્ષીને રચાઈ હતી. મધોકે આત્મકથામાં સંભાર્યું છે કે એમના આર્યસમાજી ઉછેરની કારણે એમને એમાંથી મૂર્તિપૂજાની બૂ આવતી ને તે કઠતી. પછી ‘નમસ્તે સદાવત્સલે’ એ પ્રાર્થના આવી ત્યારે એમના દિલને કરાર વળ્યો ય ‘વંદે માતરમ્’ પર જ્યારે ચર્ચા ચાલી ત્યારે રવીન્દ્રનાથે પણ સંભાર્યું છે એમાં આવતો પ્રતિમાપૂજા જેવો અંશ એમના બ્રાહ્મો ઉછેરને કઠતો હતો.
અરવિંદનું એક બીજું અવલોકન સંભારું? એમણે કહ્યું છે કે 1916માં જે લખનૌ પેક્ટ થયો, તિલકે જેમાં આગળ પડતો ભાગ લીધો અને હિંદુ-મુસ્લિમ બેઠક વહેંચણીથી સમાધાન સાધ્યું, એને પરિણામે ભલે અણધાર્યું પણ એવું થયું કે બે જુદી ઓળખોને ધાર અને આધાર સાંપડ્યો, સ્વીકૃતિ મળવામાં સગવડ થઈ. આ પ્રક્રિયામાં પોતપોતાનો અલગાવવાદી એજન્ડા ઉછાળતા મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાને સ્વાભાવિક જ મોકા પર મોકા મળી રહ્યા.
સ્વરાજ સંગ્રામ અને સ્વરાજ નિર્માણની સમગ્રતા ‘વંદે માતરમ્’ની ઘટનાને જોવા-સમજવા તેમ તપાસવા અને બિરદાવવાના ઉપક્રમને કાઁગ્રેસે (જ્યારે તે પક્ષ કમ અને રાષ્ટ્રીય ચળવળ વધુ હતી ત્યારે) ‘વંદે માતરમ્’ના ટુકડા કર્યા ને દેશના ભાગલા પાડ્યા એવા સપાટબયાનીનો મામલો આ નથી. સરકારી કચેરીઓમાં સંપૂર્ણ ‘વંદે માતરમ્’ ગવાયાના હેવાલોમાંથી ઊઠતી છાપ કોઈ રાષ્ટ્રીય ઉજવણી કરતાં વધુ તો કાઁગ્રેસ વિરોધી રાજકારણની ઊઠે છે, અને બંધારણ સભામાં સ્વીકૃત સમજનો એમાં અનાદર છે તે વધારામાં.
‘વંદેમાતરમ્’ વિવાદને અંતે સર્જાયેલ એકંદરમતી સમજવામાં મદદ મળશે એ આશા અપેક્ષાએ સાર્ધ શતાબ્દી ઉજવણાંનું સ્વાગત.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 નવેમ્બર 2025
![]()

