
રવીન્દ્ર પારેખ
એ પ્રમાણિકતા છે કે રીઢાપણું, તે સરકાર જાણે, પણ જરા ય સંકોચ વગર, રાજ્યમાં કે કેન્દ્રમાં શિક્ષણ વિભાગ, શિક્ષણની અને શિક્ષકોની સ્થિતિ જાહેર કરતો રહે છે. એમાં સંભવિત પગલાંની વાતો પણ હોય છે. એ પ્રમાણે કંઇ થાય કે ન થાય, તો ય શિક્ષણ વિભાગ, વખતોવખત સંભવિત પગલાંની જાહેરાત તો કરે જ છે. નવી શિક્ષણ નીતિ 2020માં લાગુ થઈ. એ નીતિ ઓછામાં ઓછા શિક્ષકો દ્વારા કેવી રીતે લાગુ થાય તેના પૂરતાં ફાંફાં માર્યા પછી પણ, અખતરા કરવામાંથી શિક્ષણ વિભાગ ઊંચો નથી આવતો.
એ કરુણતા છે કે શિક્ષણ નીતર્યું થતું જ નથી. રોજ જ તેને અખતરાઓથી એવું ડહોળવામાં આવે છે કે કાદવ જ હાથમાં આવે. જરા કંઇ થાય છે કે સમિતિઓ રચાઈ જાય છે, સૂચનો મંગાવી લેવાય છે, પણ પછી? ફરી સમિતિ રચાય છે ને આગલી સમિતિનો ઉલાળિયો કરી નાખવામાં આવે છે. નવી શિક્ષણ નીતિ લાગુ થઈ પછી કેટલી સમિતિઓ રચવામાં આવી તેની તપાસ થવી જોઈએ. બને કે તેની વળી એક તપાસ સમિતિ રચાય. ટૂંકમાં, કામ ખાસ થતું નથી, પણ કામનો દેખાડો ખાસો થાય છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિનિયમોમાં સુધારા કરવા 5 ફેબ્રુઆરી, 2025ને રોજ, બોર્ડ ચેરમેનના અધ્યક્ષ સ્થાને 9 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી. આ અહેવાલ તૈયાર કરવા ત્રણ માસનો સમય આપવામાં આવ્યો. આ દરમિયાન શિક્ષણ સાથે સંકળાયેલાઓ પાસેથી 22 એપ્રિલ સુધીમાં સૂચનો માંગવામાં આવ્યાં, જે મોકલી અપાયાં, પણ ઓક્ટોબર પૂરો થવાનો, અહેવાલ આવ્યો નથી. વળી કોઈ સમિતિ નીમાય ને અહેવાલ આવે એમ બને.
નવી શિક્ષણ નીતિ 2020માં ઠોકી તો પડાઈ, પણ તેને લાગુ કરવામાં પડશે તેવા દેવાશે – એ રીત કામે લગાડાઈ. અંડર ગ્રેજ્યુએશનનાં પાંચમાં સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટ વર્ક ફરજિયાત છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ એ વિમાસણમાં છે કે ખરેખર કરવાનું શું છે? ઇન્ટર્નશિપ કરવાની છે કે પ્રોજેક્ટ વર્ક કરવાનું છે? આ અંગેનું કોઈ માર્ગદર્શન નથી, એટલે અધ્યાપકો ને વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. ખરેખર તો જે તે યુનિવર્સિટીએ સંબંધિત ઈન્ડસ્ટ્રીઝ સાથે ટાઈઅપ કરીને ઇન્ટર્નશિપની વ્યવસ્થા કરવી જોઈએ, પણ પાંચમું સેમેસ્ટર શરૂ થઇ ગયું હોવા છતાં, એવી કોઈ વ્યવસ્થા થયાનું જાણમાં નથી. બને કે પાંચમું સેમેસ્ટર પૂરું થાય પછી માર્ગદર્શન આવે.
સુરતના મજૂરા ખાતે આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ત્રણેક વર્ષથી અધ્યાપક ને લેબ આસિસ્ટન્ટ જ નથી. હાલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગમાં ૩ ડિવિઝનના 225 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ ફેકલ્ટી કાયમી છે, બાકીનું વિઝિટિંગ ફેક્લ્ટીઓથી ચાલે છે. ખરેખર તો ડિવિઝન દીઠ 9 અધ્યાપકો હોવા જોઈએ, પણ નથી. આખા દેશમાં આ બધું આંગળાં ચાટીને પેટ ભરવાની ગંદી નીતિને કારણે છે. બધે જ સ્ટાફ વગર કામ લેવાની દાનતને કારણે આંધળે બહેરું જ કૂટાતું રહે છે.
ગુજરાતની વાત કરીએ તો 2,936 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. આ સંખ્યા ગયે વર્ષે 2,462 હતી, તેમાં 474નો વધારો થયો છે. એમાં ગુજરાત જ મોખરે છે, એવું નથી, કેન્દ્રનું શિક્ષણ મંત્રાલય પણ એટલું જ સક્રિય છે. 2023-’24માં 1,10,971 સ્કૂલો એવી હતી જે એક જ શિક્ષકથી ચાલતી હતી ને તેમાં એક બે નહીં, ૩૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ, એ એક એક શિક્ષક પાસે ભણતા હતા. સમજી શકાય એવું છે કે એ એક શિક્ષક શું ભણાવતો હશે ને વિદ્યાર્થીઓ શું ભણતા હશે. એમાં શિક્ષકને ડેટા મોકલવાની, પરિપત્રોના જવાબો મોકલવાની કે રસીકરણની કે ચૂંટણીની વધારાની કામગીરીઓ હોય તે નફામાં ! હવેનો શિક્ષક સરકારી કામગીરીઓ માટે જ હોય તેમ, ભણાવવું ઈતર પ્રવૃત્તિમાં ખપે એમ બને.
સરકાર એ અખતરો કરતી હોય તો આશ્ચર્ય ન થાય કે સ્કૂલ એક જ શિક્ષકથી ચાલતી હોય તો સંસદ પણ સાંસદો વગર ચાલે કે કેમ?
ગળે ન ઊતરે તો પણ એ સાચું છે કે દેશમાં એક બે નહીં, આઠ હજારથી વધુ સ્કૂલો એવી છે, જેમાં એક પણ વિદ્યાર્થી નોંધાયો નથી ને વિદ્યાર્થી વગરની એ આઠ હજાર સ્કૂલોમાં 20,817 શિક્ષકો ફરજ પર છે. આ આંકડાઓ શિક્ષણ મંત્રાલયના ડેટામાંથી જ છે. તો, આ સ્થિતિ છે. એક તરફ એટલી કંજૂસાઈ છે કે ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે લાખથી વધુ સ્કૂલોમાં સમ ખાવા પૂરતો એક શિક્ષક છે ને બીજી તરફ એટલું અંધેર છે કે એક પણ વિદ્યાર્થી નથી એવી 8,000 સ્કૂલોમાં 20,817 શિક્ષકો નોકરી કરે છે. આમ એક શિક્ષક નીમતા સરકારને પરસેવો પડી જાય છે ને વીસ હજારથી વધુ શિક્ષકો, વગર વિદ્યાર્થીએ પગાર પાડે તો, તેનો વાંધો પડતો નથી. એનો સાદો અર્થ એ છે કે સરકારને લશ્કર ક્યાં લડે છે તેની કંઇ જ ખબર નથી. એક તરફ આખું કોળું દાળમાં જાય તો ચાલે, પણ શિક્ષકો નીમવાના હોય તો તે કામચલાઉથી કામ કાઢે છે.
સાચું તો એ છે કે વિદ્યાર્થીઓ પ્રાયોરિટીમાં છેલ્લે ય નથી. શિક્ષકો બીજી જવાબદારીઓ નિભાવવામાં, વર્ગમાં જ પહોંચતા ન હોય ને વિદ્યાર્થીઓ લડી-ઝઘડીને કે ગપાટીને ઘરે પાછા ફરતા હોય, ત્યાં ભણવામાં કોનું મન લાગે તે સમજી શકાય એવું છે. ઘરમાં માબાપ ઝઘડતાં હોય, સ્કૂલમાં શિક્ષણને નામે પ્રવેશોત્સવ અને ગુણોત્સવની રાજકીય રમતો ચાલતી હોય ને તેમાં પોતાની ભૂમિકા મહેમાનોની સરભરા કરવાથી વિશેષ ન હોય, તો વિદ્યાર્થી હતાશાનો ભોગ બને ને આત્મહત્યા કરે એ શક્ય છે. એક અહેવાલ મુજબ 2023માં 13,892 કેસ વિદ્યાર્થીઓની આત્મહત્યાના નોંધાયા હતા. આ આંકડો, 2013થી દસેક વર્ષમાં થયેલ આત્મહત્યામાં 65 ટકાનો વધારો સૂચવે છે. આને શિક્ષણનું જ પરિણામ કેમ ન ગણવું? સ્કૂલોમાં શૈક્ષણિક દબાણ, પરિણામોની ઊંચી ટકાવારી, આર્થિક મુશ્કેલીઓ, સ્કૂલોમાં વધતું હિંસાનું પ્રમાણ, જાતિ આધારિત ભેદભાવ …. આ બધું વિદ્યાર્થી પર અસર કરે જ છે ને એક દિવસ એ પણ લટકી જઈને કે ઇમારતો પરથી કૂદીને જીવન ટુંકાવે છે.
વેલ, કામચલાઉનું તૂત એટલા માટે કે કોઈને કાયમી રાખવા ન પડે. કામચલાઉ હોય તો ગમે ત્યારે બરખાસ્ત કરી શકાય ને કાયમી હોય તો તેને નિવૃત્તિના લાભો-પેન્શન … વગેરે આપવાં પડે. એ શરમજનક છે કે શિક્ષકને પેન્શન વગેરે લાભો આપવા પડે એટલે કાયમી શિક્ષકોની ભરતી કરતાં સરકાર અચકાય છે, બીજી તરફ પાંચ વર્ષની ટર્મ પૂરી કરે તો કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદનું પેન્શન શરૂ થઇ જાય છે. આ પેન્શન મેળવવામાં તેનું શિક્ષણ મહત્ત્વનું નથી. તે અભણ હોય તો ય પેન્શનમાં વાંધો નથી આવતો, બીજી તરફ માસ્તર પીએચ.ડી. થયો હોય તો પણ, તેણે ફિક્સ પગારમાં જ પરિવારનું પોષણ કરવાનું આવે છે. આ યોગ્ય છે?
ગમે તેટલી ઉદારતાથી જોઈએ તો પણ, ‘એકને ગોળ અને એકને ખોળ’ની આ રીત સરકારની ભેદભાવ ભરેલી નીતિની જ સૂચક છે. આ સ્થિતિ ઘણાં રાજ્યોની છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો યુનિવર્સિટીઓમાં ને કોલેજોમાં 11,000 અધ્યાપકોની જગ્યાઓ વર્ષોથી ખાલી છે. આમ થવાનાં મૂળમાં રાજ્યપાલ અને કુલાધિપતિની ઉદાસીનતા કેન્દ્રમાં છે. વળી જે પણ નિવૃત્ત થાય છે, તેની જગ્યા ખાલી જ રહે છે. ખાલીપણાનો આ રોગ રાજકીય નથી, રાષ્ટ્રીય છે. આ ઘટ શિક્ષકો પૂરતી જ મર્યાદિત નથી, તે બેન્કોમાં, સરકારી કચેરીઓમાં, હોસ્પિટલોમાં, કોલેજો, યુનિવર્સિટીઓમાં એમ અનેક જગ્યાએ અનુભવાય છે. કમાલ છે ને કે શિક્ષિત બેકારીની વચ્ચે, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદોની સંખ્યા વધતી આવે છે ને નોકરી ન હોવાને કારણે યુવાધન હતાશા ને અકુદરતી મૃત્યુનો શિકાર બને છે. વસ્તી વધારવાનું ઉત્તેજન અપાય છે, પણ વસ્તી વધે તો તેની વ્યવસ્થા કરવાનું કૌવત સરકારમાં નથી. આખો કારભાર હોતી હૈ, ચલતી હૈ ને જે થાય તે જોયું જશે – એ પ્રકારનો છે. આ માનસિકતા, બહારથી ગમે એટલો સારો દેખાતો હોય તો પણ, આ દેશને ખોખલો કરી રહી છે.
દેશ વિકાસ કરી રહ્યો હશે, એની ના નથી, પણ શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી, એટલું સ્પષ્ટ છે કે આખા દેશમાં શિક્ષણની પથારી ફરી ગઈ છે. શિક્ષણ જ દાવ પર લાગ્યું હોય ત્યાં, વિકાસ કે રકાસ વચ્ચે કેટલો ફરક રહે તે કહેવાની જરૂર છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 ઑક્ટોબર 2025
 

