“કૌન બનેગા કરોડપતિ ?”માં અમિતાભ બચ્ચન રિઝર્વ બેન્કની જાહેરાતમાં અને કાર્યક્રમની વચમાં આવતી જાહેરાતોમાં એક વાત અચૂક કહે છે કે કોઈ પણ બેન્ક ખાતાની વિગતો માંગે તો ન આપવી. રિઝર્વ બેન્ક કહે છે – જાણકાર બનો, સતર્ક રહો. છેતરવાની અનેક યુક્તિઓ ચાલે છે ને આપણામાંથી કેટલાક છેતરાય પણ છે. કાયદો બધાંએ જાણવો જ જોઈએ, એવું કહેવાય છે, પણ એ બધાં જ જો જાણતાં હોત તો બધાં જ વકીલ હોત ! એલ.આઇ.સી. કે મ્યુચ્યલ ફંડ અંગે ચેતવવામાં આવે છે કે એની બધી વિગતો વાંચી-જાણીને સહી કરો, પણ વાસ્તવિકતા એ છે કે એની વિગતો સાધારણ માણસ વાંચી જ ન શકે એ રીતે, એવા ઝીણા ટાઈપમાં છપાયેલી હોય છે કે તે વાંચવા બેસો તો વીમો કે ફંડ પાકી જાય. મોટે ભાગે આપણે બધાં જ સામેવાળા પર ભરોસો મૂકીને જ સહીઓ કરતાં હોઈએ છીએ ને એમાં જ ઘણીવાર છેતરાવાનું પણ થાય છે. એ ખરું કે કેટલીક કંપનીઓનો ઈરાદો છેતરવાનો નથી હોતો, પણ કેટલીક કંપનીઓ તો છેતરવા જ બજારમાં આવતી હોય છે. એમાં જે ફસાય છે તે સાધારણ માણસો હોય છે. જેની બહુ કમાણી નથી કે બહુ બચત નથી એવા માણસો છેતરાય છે. એવા માણસો કરોડોની સંખ્યામાં હોય છે ને છેતરપિંડી નાની રકમની હોય તો પણ છેતરનારને મોટો નફો રળી આપે છે.
એક સમય હતો જ્યારે વિશ્વાસે વહાણ ચાલતું હતું. હવે આપણે સુધરી ગયાં છીએ ને આજના ઝડપી સમયે આપણને એ શીખવ્યું છે કે કોઈનો વિશ્વાસ ન કરવો, આજુબાજુ બધાં જ છેતરનારાઓ છે, સતત ઊંચા જીવે રહો, સાવધાન રહો. કોઈ કોઈના પર ભરોસો મૂકે છે તે જાણે સારું લક્ષણ નથી એવું ભરોસો મૂકનારને ભાન કરાવાય છે. કોઈ ભરોસો મૂકી ને છેતરાય છે તો તેને એમ સંભળાવાય છે કે ફલાણા પર તો ભરોસો મૂકાય જ નહીંને, હવે ભોગવો ! આપણે સુખનો જીવ દુ:ખમાં નાખ્યો છે એવું નથી લાગતું? એક વાત સમજાય છે કે આપણને હવે નિરાંત રહી નથી. આપણી ઊંઘ અજંપા વચ્ચે આવે છે ને સવાર ચિંતાથી પડે છે. આપણે જેને જિંદગી કહીએ છીએ તે અવિશ્વાસ, અશાંતિ અને શંકાઓ વચ્ચે ઉછરે છે. આપણી સગવડો વધી છે, વ્યસ્તતાઓ વધી છે, પણ આનંદ ઘટ્યો છે.
જરા વિચારીશું તો સમજાશે કે આપણી સગવડો એ કદાચ આપણે માટે નથી. ઘણીવાર તો એ બીજાનો આપણી સાથેનો વ્યવહાર સાચવી આપે છે. આપણને બીજાએ કે.વાય.સી. અપડેટ કરવાની સૂચના આપવી છે, લોનનો હપ્તો ભરવાનો બાકી છે તે કહેવું છે, લોટરીમાં ઈનામ લાગ્યું છે કે ખાતામાં કરોડ રૂપિયા જમા આપવા છે તેનો મેઈલ કરવો છે, ડિમેટ એકાઉન્ટ ખોલી આપવું છે કે મેડિકલ કાર્ડ કાઢી આપવો છે, ફ્રેંડ રિકવેસ્ટ મોકલવી છે કે એકાઉન્ટ હેક કરવું છે … આ બધું જોઈશું તો સમજાશે કે આપણે મોબાઈલ કે લેપટોપ કદાચ બીજાની સગવડ સાચવવા જ વસાવ્યાં છે ને એ દ્વારા આપણે જ એ બધાંને સામે ચાલીને લૂંટવાની સગવડ કરી આપી છે. ભોળપણ એ હવે ગુણ નથી, પણ મૂર્ખાઈ છે. કાબો, નાટકબાજ, બીજાને મૂરખ બનાવીને કામ કઢાવી લેનાર માણસ હોંશિયાર ને સ્માર્ટ ગણાય છે. ભલોભોળો, નિર્દોષ માણસ કદાચ હવે ખપતો જ નથી. લુચ્ચાનું અંગ્રેજી હવે સ્માર્ટ થાય છે. એમાં સાધારણને કદાચ સ્થાન જ નથી. આવી જિંદગી કઈ રીતે ઇચ્છવા યોગ્ય છે તે નથી સમજાતું.
સાધારણ માણસ કામનો નથી એવું નથી. આગ લાગે ત્યારે બળી મરવા માટે એ કામનો છે, રેલ આવે તો ડૂબી મરવા માટે એ જરૂરી છે, રોગ આવે તો લોકડાઉન માટે એ ઉપયોગી છે, સાધારણ માણસ કામનો નથી, પણ તે ઘણાંને કામ આવે છે. તે રેલી માટે, ભાષણો માટે, લાઇનમાં ઊભા રહેવા માટે, ટ્રાફિક પોલીસનું ગજવું ભરવા માટે જરૂરી છે. સાધારણ માણસ બીજાનો વ્યવહાર સાચવવા ને પોતાનો વ્યવહાર ખોરવવા માટે જ છે કદાચ.
કોરોના આવ્યો તો કરફ્યુ, લોકડાઉન, સાવધાની સાધારણ માણસે રાખવાની આવી. એમાં પણ રાજકીય ભાષણો, કારભારો તો ચાલ્યાં જ ! કોઈ નેતાએ કેક કાપવો હતો તો તેને તલવાર મળી ગઈ, કોઈએ વરઘોડામાં હવામાં ગોળીબાર કરવો હતો તો તેને રિવોલ્વર મળી ગઈ, કોઈએ સભા કરવી હતી તો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર હજારો ભેગા કરવામાં વાંધો ન આવ્યો, પણ રસ્તે જતાં કોઈને માસ્ક વગર દંડવા તો એકલદોકલ જ કામ લાગ્યા.
એનો અર્થ એવો નથી કે સાધારણ માણસ માટે કોઈ નીતિનિયમ ન હોવાં જોઈએ. ના, એવું કહેવાનું નથી. કહેવાનું એ છે કે બધી બાબતોમાં ભોગ એનો લેવાય છે. લૂંટાય છે એ. ડરાવાય, ધમકાવાય છે એ. આમ તો તંત્રો જનતાને ચેતવવા ઘણું કામ કરે છે, પણ ઘણીવાર એવો વહેમ પડે છે કે તે ચેતવવાને નામે ધમકાવે છે વધારે. કોરોનાથી લોકો ડરેલા જ રહે એવું તંત્રો નથી કરી રહ્યાં? લોકો જરા જપે છે કે કોઈ વાવાઝોડું, કોઈ નવો રોગ, કોઈ છૂપો ટેક્સ આવી નથી પડતાં? આ બધું દરેક વખતે આકસ્મિક જ હોય છે? ખરેખર તો આવું ડરાવીને કામ કઢાવી લેવા થતું હોવાનું પણ લાગે છે. કોરોનાની શરૂઆતમાં અને દિવાળી પછી સંક્રમણ વધ્યું ત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવ કોઈ જ કારણ વિના વધ્યા તે લોકોને ખંખેરી લેવા નથી થયું તેમ કહી શકાશે નહીં.
આ કોઈ કાવતરું છે એવું કહેવાનો આશય નથી, પણ આવું હોઈ શકે છે.
લોકો ભયભીત રહે, ચિંતામાં રહે, બે છેડા મેળવવામાં બીજો વિચાર ન કરે ને એમાં જ ગૂંચવાયેલા રહે એવું કોઈ ઈચ્છે છે એવું નથી લાગતું? આજના પ્રશ્નો પ્રજા સામે એવી રીતે આવે છે કે તે નક્કી જ ન કરી શકે કે સાચું શું છે? કોરોના આવ્યો એ ઓછું હતું તેમ બ્રિટનમાં તેનાથી વધુ ખતરનાક બીજો પ્રકાર પણ આવ્યો, એ ય ઓછું હોય તેમ સુરતમાં નવો રોગ ગુલિયન બેરી પ્રગટ થયો. આમાંથી ક્યારે પરવાર આવશે એ નથી સમજાતું ને બીજી તરફ તંત્રો ને સરકાર કોઈ કામ પાછળ ઠેલવા તૈયાર નથી. ચૂંટણીઓ થાય જ છે. પ્રજાસત્તાકપર્વની મહત્તા જગજાહેર છે ને દર વર્ષે તે દબદબા ભેર દેશભરમાં ઉજવાય જ છે, પણ આ વખતે તેની ઉજવણી સાદાઈથી થઈ ન શકે, જ્યારે ખબર હોય કે પરેડ માટે આવેલા સેનાના 150 જવાનો કોરોનાથી પીડિત છે? કોઈ પણ રાજકીય પ્રવૃત્તિઓ રોકાતી નથી ને સ્કૂલો, કોલેજો સરકાર બંધ રાખીને બેઠી છે.
એમ લાગે છે કે સંકટના સમયમાં તંત્રો તકસાધુની ભૂમિકામાં આવી જાય છે. લોકો ગૂંચવાયેલા હોય ત્યારે રાહતને નામે તંત્રો રમતાં હોય છે. કોરોનાની રસી તો આવતાં આવશે, પણ તે પહેલાં જે દાખલા ગણાઈ રહ્યા છે તે રસીના દુરુપયોગની આગોતરી વરદી નોંધાવે તો નવાઈ નહીં. આમાં જ નકલી રસીનું બજાર ખૂલી જાય તેવો ભય રહે છે. બનવા જોગ છે કે નકલી રસીનો ભોગ સાધારણ માણસ પણ બને. નાનામાં નાની રાજકીય બાબતોનો પ્રચાર એટલી બધી રીતે થાય છે કે એમાં નકલી કોઈ વાત કામે લાગી જાય તો વેઠવાનું નાના માણસને જ વધારે આવે.
સાધારણ માણસ પાર ન પામી શકે એ રીતે સમસ્યાઓ ગૂંચવાતી રહે છે અથવા તો કહો કે ગૂંચવવામાં આવે છે. હાલમાં કૃષિ કાયદાને નિમિત્તે સરકાર અને ખેડૂતો સામસામે છે. ખેડૂતોનો લાભ વિપક્ષ પણ લઈ રહ્યો છે, પણ તેથી તેને માત્ર વિપક્ષની સમસ્યા તરીકે જોઈ શકાય નહીં. તો સરકાર દાદ નથી આપતી એમ માનીને આંદોલન ઉગ્ર કરવામાં પણ નુકસાન તો છેવટે પ્રજાએ જ વેઠવું પડવાનું છે. ઘણા તો ઘણી વાતોથી અજાણ હોય એમ બને, પણ જે જાણે છે એ પણ સાચું પામી શકતા નથી. એમને એટલું જ સમજાય છે કે મોડો વહેલો બોજ પોતાની ઉપર જ આવવાનો છે.
થોડા મહિનાઓ પર કોવિડ રિલીફ ફંડ તરીકે 20 લાખ કરોડનું ફંડ સરકારે જાહેર કર્યું, પણ છાપાંઓ તાજું જ બોલે છે કે એનો એક પણ રૂપિયો સાત કરોડ વેપારીઓમાંથી કોઈને પહોંચ્યો નથી, તો પ્રશ્ન થાય કે આ ફંડ કોને માટે હતું ને તે કોને પહોંચ્યું છે? જી.એસ.ટી. એ એક સાથે ઝેર છે ને અમૃત પણ છે. સરકાર એમાંથી કમાય છે ને વેપારીઓ એમાં ધોવાય છે. આ ટેક્સે કેવળ ને કેવળ મૂંઝવણો જ વધારી છે.
આ મૂંઝવણો એ જ જિંદગી છે શું? માણસને શાંતિ ને રાહત મળે એવી કોઈ જગ્યા જ રહેવા નથી દેવાની? કહેવાનું તાત્પર્ય એ છે કે તંત્રો કે સરકાર તરફથી જે કૈં પણ આવે છે તે સરળનો આભાસ ઊભો કરે છે, પણ એને એટલા વળ હોય છે કે એને સાધારણ માણસ સમજી નથી શકતો. એ સમજ ન પડવાને લીધે તે ભય અને શંકાઓ વચ્ચે જીવે છે ને નથી જીવાતું તો આપઘાત કરે છે.
ઘણીવાર પ્રશ્ન થાય છે કે આ દુનિયા સાધારણ માણસ માટે છે કે કેમ? કે એણે બીજાના ઉપયોગમાં આવીને બિન ઉપયોગી તરીકે જ ઓળખાવાનું છે? આ દુ:ખદ છે –
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 28 ડિસેમ્બર 2020