Opinion Magazine
Number of visits: 9449877
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રસ્કિન વિશે

આશિષ મહેતા|Opinion - Opinion|5 March 2019

રેલવે-સ્ટેશનનું એક સામાન્ય દૃશ્ય. એક ભાઈ ગાડીમાં બેઠા છે. ગાડી ઊપડવાની તૈયારી છે. એમના મિત્ર બારીએ હાથ અઢેલીને પ્લૅટફૉર્મ પર ઊભા છે. ગાડીની સીટી વાગે છે. મિત્ર પોતાના થેલામાંથી એક પુસ્તક કાઢીને આવે છે, સફર ગાડીની કે જીવનની – થોડી ઓછી કંટાળાજનક રહે એ માટે.

હવે પછીનાં દૃશ્યો સામાન્ય નથી.

‘આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.’

૮ અને ૨૫ જૂન, ૧૯૦૪ દરમિયાન ગાંધીજીએ બે વખત ડરબનની મુસાફરી કરી. ઉપરની ઘટના એ સમયની છે, તેમ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ની ત્રિદીપ સુહ્યદ દ્વારા સમીક્ષિત આવૃત્તિ જણાવે છે. મિત્ર હતા હેન્રી પોલાક. પુસ્તક હતું, અલબત્ત, Unto this Last જેના લેખક જ્હૉન રસ્કિનની ૨૦૦મી જન્મશતાબ્દી આ આઠમી ફેબ્રુઆરીએ ગઈ.

૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.

૨. વકીલ તેમ જ વાળંદ બંનેનાં કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે.

૩. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

[સત્યના પ્રયોગો અથવા આત્મકથા પ્રકરણ : એક પુસ્તની જાદુઈ અસર]

આમ તો ગાંધીજીના જીવનનો સૌથી નાટ્યાત્મક પ્રસંગ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી બહાર ધકેલી મુકાયા તે ગણાય છે. એટનબરોની ફિલ્મે પણ એ માઇથોલૉજી ઘટનામાં ફાળો આપ્યો છે. ફિલ્મ માટે એ ઠીક હશે કારણ કે એ દૃશ્યમાં નાટ્યાત્મકતા છે. ચોપડી વાંચવાના દૃશ્યમાં એવી નાટ્યાત્મકતા નથી. પણ હકીકત એવી છે કે પ્લૅટફૉર્મ પર રાત વિતાવ્યા પછી બીજે દિવસે ગાંધીજીએ મુસાફરી આગળ ધપાવી હતી. અને એમાં પણ રંગભેદના અનુભવો ચાલુ રહ્યા હતા. પણ રસ્કિનનું પુસ્તક વાંચ્યા પછી ગાંધીજી થોડા કલાકોની પણ રાહ જોયા વિના ફિનિક્સ વસાહત સ્થાપીને ‘સાદું મજૂરીનું જીવન’ જીવવાના આયોજનમાં લાગી ગયા હતા. એપિફેનીનો દાવો કોઈ રેલવે-સ્ટેશનનો હોય તો તે પિટર મેરિટ્‌ઝબર્ગનો નહિ, પણ જોહાનિસબર્ગની એલોફ સ્ટ્રીટ પરના ઓલ્ડપાર્ક સ્ટેશનનો હોવો જોઈએ.

પુસ્તકોની જેનરોમાં એક છે સેલ્ફ-હેલ્પ. ગુજરાતીમાં એક સમયે વનરાજ માલવી આવાં પુસ્તકો લખતાં, જેમ કે, ‘તમારી માનસિક કાબેલિયત કેવી રીતે દસ ગણી કરશો.’ અંગ્રેજીમાં સેલ્ફ-હેલ્પનું બજાર નિશાળ રહ્યું છે. બસ, આ ચોપડી વાંચો અને તમારું જીવન કે પ્રારબ્ધ પલટાઈ જશે. પણ આ જેનરમાં નૉર્મન થિન્સેન્ટ પીલ જેવા નીચલી પાયરીએ આવે. તો બીજે છેડે માર્ક્સ ઓરેલિયસ કે શાસ્ત્ર-અધ્યાત્મ પણ આવે. ગાંધીજીને આવાં પુસ્તકો માટે વળગણ તો હતું. છેલ્લા બે-એક દાયકામાં પશ્ચિમમાં જૂના જમાનાના દાર્શનિકો કે લેખકોનું ડહાપણ – વિઝડમ સારી પેઠે પૅકેજ કરીને રજૂ કરવાનો ટ્રેન્ડ ચાલે છે. દાખલા તરીકે, ‘હાઉ પ્રુસ્ત કેન ચેન્જ યૉર લાઇફ’ :  ફ્રૅન્ચ નવલકથાકાર માર્સેલ પ્રુસ્ત કેવી રીતે તમારું જીવન બદલી શકે છે. આમ તો ચોપડા વાંચે જીવન ખાસ બદલાતાં નથી, પણ રસ્કિને એ પ્રુસ્ત અને આપણા મહાત્મા-બંનેનાં જીવન બદલી નાંખ્યાં.

તો ચોપડી વાંચીને તરત શહેર બહાર વસાહત સ્થાપી. આ સમયે ગાંધીજી હજુ ‘આત્મિક કેળવણી’માં નવોદિત જ હતા, માટે વસાહતના સામૂહિક જીવનમાં એ બધા નીતિનિયમો નહોતા, જે પછીના પ્રયોગોમાં આવનારા હતા. નામ પણ ‘ફિનિક્સ સેટલમેન્ટ’ હતું, ‘ફિનિક્સ આશ્રમ’ નહીં. પણ ફિનિક્સ વિના ટૉલ્સ્ટૉય ફાર્મ, સત્યાગ્રહ આશ્રમ કોચરબ / સાબરમતી અને સેવાગ્રામ, વર્ધાનો નકશો કેવી રીતે રચાત ?

રસ્કિનની વાત પર પછી આવીએ, પહેલાં ‘જાદુઈ અસર’ની વાત જારી રાખીએ.

૧૯૦૬માં કોઈ ગોરા લોકોએ ગાંધીજીના અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ સામે છેક લંડનમાં ફરિયાદ કરી. ગાંધીજીએ પોતાની સફાઈમાં પત્ર લખ્યો બ્રિટનના થાણા વહીવટના પ્રધાન લૉર્ડ એલ્જિનને. પોતાનું અખબાર ધંધાવેપાર માટે કે ટંટાફસાદ માટે નથી, એવો દાવો કરીને ગાંધીજીએ ઉમેર્યું કે ‘ઇન્ડિયન ઓપિનિયન’ તો ટૉલ્સ્ટૉય અને રસ્કિનની રાહદોરી પર ચાલે છે.

૧૯૦૮માં ગમતાનો ગુલાલ કરીને ગાંધીજીએ રસ્કિનના પુસ્તકનો સંક્ષેપ ગુજરાતીમાં નવ હપતે ‘ઇન્ડિયન ઓપિનિયન’ના વાચકો સમક્ષ રજૂ કર્યો. (આ જ અરસામાં તેમણે સૉક્રેટિસના બચાવનામાનો પણ આવો સંક્ષેપ ગુજરાતીમાં રજૂ કર્યો હતો. એ રીતે ગાંધીજી સોક્રેટિસ અને રસ્કિનના વિચારોને એકસમાન આસન પર મૂકતા લાગે.) રસ્કિનના પુસ્તકનું શીર્ષક બાઇબલની એક વાર્તા પરથી છે, જેનો સીધો તરજુમો કરવાના બદલે ગાંધીજીએ મતલબનો ગુજરાતી શબ્દ ઊભો કર્યો અને એ શીર્ષકમાં ગાંધીજીની પૂરી વિચારધારા સમાઈ જાય એમ છે – सर्वोदय. અનુવાદ, ભાષા-અંતર અને અર્થઘટનના બીજા પણ પ્રશ્નો અહીં જોવા મળે છે. જેમ કે રસ્કિનના પહેલા નિબંધનું શીર્ષક ‘ધ રૂટ્‌સ ઑફ ઑનર’, સમ્માન કે ઇજ્જતનાં મૂળ. ગાંધીજીના તરજુમામાં વંચાય છે. ‘સાચનાં મૂળ’. સત્યને ઈશ્વર ગણવાની દિશામાં આગળ વધી રહેલા અનુવાદક માટે એ વધારે યોગ્ય છે.

એ અસરામાં સત્યાગ્રહના કારણે જેલમાં જવાનું થયું. ત્યાં ‘બીજી ઉપાધિ ન હોવાથી શાંત મને વાંચી શકાય.’ મારો જેલનો બીજો અનુભવ-૫ : જેલમાં શું વાંચ્યું.’ એ મથાળા હેઠળ ૧૯૦૯માં ‘ઇન્ડિયન ઓપિનિયન’ના અધિપતિ વાચકને રિપોર્ટ આપે છે : ‘બહુ ઓછો વખત રહેતો છતાં મહાન રસ્કિનનાં બે પ્રખ્યાત પુસ્તકો, મહાન થૉરોના નિબંધો, બાઇબલનો કંઈક ભાગ, ગેરિબાલ્ડીનું જીવન (ગુજરાતીમાં), લૉર્ડ બેકનના નિબંધ (ગુજરાતીમાં) હિન્દુસ્તાનને લગતી બે બીજી અંગ્રેજી ચોપડીઓ, એમ વાંચ્યા … રસ્કિન તથા થૉરોનાં લખાણોમાંથી સત્યાગ્રહ શોધી શકાય છે.’

જેલમાંથી પુત્ર મણિલાલને પત્ર, ૨૫ માર્ચ ૧૯૦૯ : ‘હું હમણાં એમર્સન, રસ્કિન અને મૅઝિનીનાં પુસ્તકો વાંચું છું.’ બે વરસ પહેલાં છગનલાલ ગાંધીને પણ આદેશ કરેલો : મહેરબાની કરીને રસ્કિનનું પુસ્તક વાંચો.

દિનવારીમાં પછી આવે, રહી ન શકાયું, ત્યારે જ લખેલું ‘હિન્દ સ્વરાજ’. सर्वोदय તરજુમાનાં છેલ્લાં પાનાંમાં ગાંધીજીએ સંક્ષેપ પછી ‘સારાંશ’ નામે પાંચમું પ્રકરણ ઉમેર્યું છે, જે રસ્કિનના વિચારો હિન્દુસ્તાનને કેવી રીતે લાગુ પડે તે વિશે છે. ત્યાં ગાંધીજી સ્વરાજ્ય વિશે લખવાનું શરૂ કરે છે અને ‘હિન્દ સ્વરાજ’ એનું અનુસંધાન કે વિસ્તાર લાગે. અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં તેમજ પહેલા પરિશિષ્ટમાં વધુ વાચનની ભલામણોમાં (‘સમ ઑથોરિટીઝ’) રસ્કિનનો અને તેમનાં બે પુસ્તકોનો ઉલ્લેખ છે. (‘અનટુ ધિસ લાસ્ટ’ અને ‘જૉય ફોર એવર’).

આત્મકથામાં રાયચંદભાઈ ઉર્ફે શ્રીમદ્ ‌રાજચંદ્ર વિશેના પ્રકરણના અંતે જે રેન્કિંગ આવે છે, તે અલગઅલગ ઠેકાણે વારંવાર વાંચવા મળે છે.

‘મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના वैकुंठ तारा हृदयमां छे નામના પુસ્તકથી, ને રસ્કિને अनटु धिस लास्ट – सर्वोदय નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’

આવી ટોપટેન જેવી યાદી – ‘લિસ્ટિકલ’ – શ્રીમદ્‌ રાજચંદ્ર પરિચયગ્રંથની પ્રસ્તાવના(૧૯૨૬)માં પણ છે. ‘મૉડર્ન રિવ્યૂ’માં કવિ રાયચંદભાઈને અંજલિ આપતી વખતે પણ બીજા બે મહાપુરુષોને સાથે યાદ કર્યા છે. યરવાડા મંદિરથી પ્રેમાબહેન કંટકને પત્રમાં ગાંધીજી કહે છે કે ‘HERO એટલે પૂજ્ય દેવતા’ અને પોતાના ત્રણ હિરોની સાથે ચોથું નામ પણ ઉમેરે છે અને બીજા વાક્યમાં બાતલ કરી નાખે છે : ‘થૉરોને કદાચ મૂકી દેવો એ વધારે યોગ્ય છે’ (૧૯૩૧). સપ્ટેમ્બર, ૧૯૨૮માં ટૉલ્સ્ટૉય શતાબ્દી નિમિત્તે અમદાવાદ યુવકસભાના આશ્રયે આશ્રમમાં સભા યોજાઈ, તેમાં ગાંધી ફરી તેમના ત્રિદેવને સંભાર્યા વિના રહી શક્યા નહીં. પછી ક્રમ સ્પષ્ટ કરવા ઉમેર્યું, ‘ટૉલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીવન વિષે વધારે જાણું તો બેમાં કોને પહેલાં મૂકું એ નથી જાણતો. પણ અત્યારે તો બીજું સ્થાન ટૉલ્સ્ટૉયને આપું છું.’

લંડનના પ્રતિષ્ઠિત સામયિક ‘સ્પેક્ટેટર’ના સંપાદક એવલિન રૈન્ચે, પોતાના ઘરે ઑક્ટોબર, ૧૯૩૧માં ગાંધીજીનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

પ્રશ્ન : કોઈ પુસ્તકે કદી આપના જીવનને અત્યંત પ્રભાવિત કર્યું છે. અને આપના જીવનમાં કોઈ અચાનક પરિવર્તન આવ્યું છે?

ઉત્તર : હા, મને સૌથી વધુ પ્રભાવિત કરનાર પુસ્તક રસ્કિનનું अनटु धिस लास्ट હતું … તેણે મારું આખું બાહ્ય જીવન પલટી નાંખ્યું. એને માટે બીજો કોઈ શબ્દ જ નથી. રસ્કિનના શબ્દોએ મારા ઉપર ભૂરકી નાંખી. હું એકી બેઠકે એ પુસ્તક વાંચી ગયો અને આખી રાત જાગતો પડી રહ્યો. અને મેં તે જ ક્ષણે મારા જીવનનો આખો નકશો બદલી નાખવાનો નિર્ણય કર્યો. ટૉલ્સ્ટૉય મેં બહુ પહેલાં વાંચ્યા હતા, તેણે મારા આંતર જીવનને અસર કરી હતી.

એ ભૂરકીની અસરો વિષે થોડી વિગતવાર વાત. યરવડા મંદિરથી સપ્ટેમ્બર ૧૯૩૦માં નારણદાસ ગાંધીને પત્રમાં તેઓ કહે છે :

‘જાત મહેનત મનુષ્યમાત્ર સારુ અનિવાર્ય છે. એ વાત મને પ્રથમ સોંસરવી ઊતરી ટૉલ્સ્ટૉયના એક નિબંધ ઉપરથી. એટલી સ્પષ્ટ આ વાતને જાણ્યા પહેલાં તેનો અમલ કરતો થઈ ગયો હતો – રસ્કિનનું अनटु धिस लास्ट વાંચ્યા પછી તુરત. જાતમહેનત અંગ્રેજી શબ્દ ‘બ્રેડ લેબર’નો અનુવાદ છે. ‘બ્રેડ લેબર’નો શબ્દશઃ તરજુમો રોટી (ને સારુ) મજૂરી – રોટીને સારુ પ્રત્યેક મનુષ્યે મજૂરી કરવી જોઈએ એ ઈશ્વરી નિયમ છે.

રસ્કિન વિષે વધુ, મીરાંબહેનને પત્રમાં, ૮ એપ્રિલ ૧૯૩૨ઃ ‘હમણાં હું રસ્કિનનું फोर्स क्लेविजेरा Fors Clavigera] વાંચુ છું. એ ઊંડી માનવતાથી ભરેલી કૃતિ છે. એ વસ્તુની એને હાડોહાડ પ્રતીત થઈ હોય એમ લાગે છે. વાણી તેમ જ વર્તનમાં પોતાના વિચારો પ્રગટ કરવાનો આ પત્રો તેના સર્વોત્તમ પ્રયાસ છે.’

આઝાદી ડેકકે હતી, ત્યારે બૉમ્બે રાજ્યમાં નાણાં અને ગ્રામોદ્યોગ પ્રધાન વૈકુંઠલાલ મહેતાએ પૂનામાં ઉદ્યોગપ્રધાનોની એક પરિષદનું આયોજન કરેલું. તેમાં પંજાબ, ઓરિસ્સા, મધ્યપ્રાંત અને બિહારના પ્રધાનો હાજર રહેલા. ગાંધીજીએ તેમને ભારત આઝાદ થાય, ત્યારે આર્થિક નીતિઓ રસ્કિનની રાહે ચલાવવા શીખ આપી. ૩૧ જુલાઈ, ૧૯૪૬ના રોજ આ પરિષદમાં તેમણે ફરી એક વાર રેલયાત્રા દરમિયાન રસ્કિનનું પેલું પુસ્તક વાંચ્યાનું સુખદ સ્મરણ કર્યું અને કહ્યું કે તેમાંથી તેમને સ્પષ્ટ જણાયું કે જો માણસ જાતે પ્રગતિ કરવી હોય અને સમાનતાના આદર્શને વાસ્તવમાં ઉતારવો હોય, તો આ પુસ્તકના સિદ્ધાંત અપનાવીને તેના પર કામ કરવું રહ્યું. કોઈની સ્થિતિ ના હોય કે શક્તિ કે બુદ્ધિ ના હોય, તેને પણ સાથે લઈને જ ચાલવાનું છે. જે આઝાદીમાં સૌથી નબળાને સ્થાન ન હોય, એવી આઝાદી તેમને નથી જોઈતી.

*     *     *

જ્હૉન રસ્કિન (૮ ફેબ્રુઆરી ૧૮૧૯ – ૨૦ જાન્યુઆરી, ૧૯૦૦) પહેલી કારકિર્દીમાં કલાવિવેચક અન નિબંધકાર હતા. યુવા ઉંમરથી તેઓએ ચિત્રકલાનાં નવાં વહેણ સામે અગાઉના કલાકારોની તરફેણમાં લખવાનું શરૂ કર્યું. એમની સૌંદર્યદૃષ્ટિ અને બારીક નકશીકામથી ભરેલા ગદ્યમાં ચિત્રકલા પછી સ્થાપત્ય અને લોકહુન્નરોની પણ વાત આવી. વ્યાખ્યાન પણ આપતા અને બ્રિટનના જાહેર સંવાદમાં તેમનું નામ બની રહ્યું હતું. તેમને માબાપ તરફથી વારસામાં ખ્રિસ્તીધર્મ અને બાઇબલ પ્રત્યે વિશેષ આસ્થા મળેલી. મોટી ઉંમરે ધર્મ-સંપ્રદાય છોડ્યા પછી પણ બાઇબલે તેમને છોડ્યા નહીં. કલાવિષયક લખાણોમાં તેમનો દૃષ્ટિકોણ બાઇબલ અને સાદી નીતિમત્તા પર આધારિત હતો.

ઉપર જેનો ઉલ્લેખ આવ્યો. તે ફ્રૅન્ચ લેખક માર્સેલ પ્રુસ્ત રસ્કિનથી એટલા પ્રભાવિત કે અંગ્રેજીનું જ્ઞાન અધૂરું હોવા છતાં તેમનાં બે પુસ્તકોનો અનુવાદ કર્યો. ત્યાંથી તેઓ લેખક બન્યા અને વીસમી સદીની પાંચ મહાનતમ નવલકથાઓમાંની એકની પાછળ આ રીતે રસ્કિનના હસ્તાક્ષર છે. અનુવાદોની પ્રુસ્તે લખેલી પ્રસ્તાવનાઓ પણ માઇનોર માસ્ટરપીસ જેવી છે. ત્યાં રસ્કિન વિશે બડિંગ નૉવેલિસ્ટ કહે છે, ‘હી વિલ ટીચ મી, ફોર ઇઝ નોટ હી, ટુ, ઇન સમ ડિગ્રી ધ ટ્રૂથ ?’

કલામાં કારીગરની ભૂમિકા પર તેમણે ભાર મૂક્યો. તેમના માટે કલા અને હુન્નર (જેમ કે સુથારીકામ) વચ્ચે કોઈ ભેદ નહોતો.

આજકાલ વિદેશમાં અને દેશમાં પણ અમુક વર્ગમાં ઍસેમ્બ્લી લાઈન પર બનેલી, માસ પ્રોડક્શનની ચીજોના બદલે હાથબનાવટની ચીજો માટે આગ્રહ વધી રહ્યો છે. તેમાં ઘણી વિચારધારાઓ ભેગી થાય છે. ઔદ્યોગિક સંસ્કૃતિનો વિરોધ, ઑથેન્ટિસિટી, માર્ક્સ જેને રિઇફિકેશન કહે છે તે, એટલે કે મશીનકલ્ચરમાં બનાવટ અને બનાવનાર વચ્ચેનું તાદાત્મ્ય કે ઓળખ તૂટી જાય છે, તેને ફરી સાંધવી વગેરે. તે તમામ પરિબળોની પાછળ રસ્કિનના વિચારો કામ કરી રહ્યા છે. તેમણે ઓગણીસમી સદીના પાછલા દાયકાઓમાં બ્રિટનમાં આટ્‌ર્સ ઍન્ડ ક્રાફ્ટ્‌સ મૂવમેન્ટ ચાલુ કરેલી તેનાં જ આ પરિણામો છે.

આંગળી અને હાથના કામ પર નયી તાલીમમાં ભાર મૂકવામાં આવે છે, તેનાં મૂળ પણ રસ્કિનમાં જ છે. આજકાલ વિદેશોમાં અને થોડે અંશે દેશમાં એક વાયરો ચાલ્યો છે, જેમાં નોકરીધંધામાં સફળતા પછી પણ ખાલીપો અનુભવતા લોકો હુન્નરકામ તરફ વળે છે અને ત્યાં તેમને જીવનનો સંતોષ અને આનંદ મળે છે. આ વિષય પર સામાન્ય વાચકોને ઉદ્દેશીને લખાયેલાં પુસ્તકોની સંખ્યા વધે જાય છે. તેમાં અગ્રણી છે ફિલોસૉફર રિચાર્ડ સેનેટનું ‘ધ ક્રાફ્‌ટમેન’ (૨૦૦૮), જેના કેન્દ્રમાં છે ફરી રસ્કિન. ‘યંત્ર યુગનો સૌથી વધુ જુસ્સાદાર વિરોધ કોઈએ કર્યો હોય તો તે રસ્કિન હતા, એમ કહીને સેનેટ ઉમેરે છે કે રસ્કિનની દૃષ્ટિનું સમૂળી ક્રાન્તિકારક પાસું એ હતું કે તેમણે આધુનિક સમાજને ઔદ્યોગિક ક્રાન્તિ પહેલાના જમાના તરફ પાછા વળવા હાકલ કરી. વધુમાં, એમની અપીલ આજના શબ્દોમાં કહીએ તો, ‘ગેટ ઇન ટચ વિશ્વ યૉર બૉડી.’

બુદ્ધનાં પ્રવચનોમાં ‘કુશળ’ શબ્દનાં ઘણાં પાસાં છે. સ્કિલ એટલે કે આવડત તે કુશળતા છે. કર્મમાં કુશળતા એ યોગ છે. હુન્નરમાં કુશળતા જોઈએ. તેમાં શરીર અને આત્માનું કંઈક સંધાન થતું લાગે છે, જેથી કરીને અધ્યાત્મની વાર્તામાં સાથેસાથે હુન્નરની વાર્તા ચાલતી આવી છે. જિસસ સુથાર હતા, કબીર વણકર, ગાંધી પોતાને ખેડૂત કે વણકર ગણાવતા. ચરખો પૂરા ગાંધીજીવન-કર્મ-વિચારનું પ્રતીક આ અર્થમાં બને છે.

અલબત્ત, ૧૯૦૪માં ગાંધીએ રસ્કિનના પુસ્તકમાંથી જે તંતુ પકડ્યો તે અર્થશાસ્ત્રનો હતો. ઓગણીસમી સદીની અધવચ સુધીમાં એક વિદ્યાશાખા વિકસી, જેનું ત્યારે નામ હતું પોલિટિકલ ઇકોનૉમી. એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો અને અંતે મહાન ફિલોસૉફર જ્હૉન સ્ટુઅર્ટ મિલનાં લખાણો, તેનો અભ્યાસક્રમ, આ સૌની સહમતી સાદી ભાષામાં કહીએ તો બજારું અર્થતંત્રને સર્વોપરી માનવાની હતી. કંઈક અંશે ડાર્વિને જીવવિજ્ઞાનમાં કહ્યું તેવું આ લોકો અર્થકારણ માટે માનતા હતા. સૌએ વધારે ને વધારે પૈસાદાર બનવા માટે પ્રયત્ન કરવા જોઈએ, જેથી દેશ-સમાજ સમૃદ્ધ બને. એમાં રાજ્ય / સરકારે વચ્ચે પડવું ના જોઈએ, તેમણે માત્ર એવા સંજોગો ઊભા કરવા જોઈએ, જેથી સૌ પૈસા કમાવાનાં કામ સારી પેઠે કરી શકે. અલબત્ત, આમાં ગરીબગુરબા, અશક્ત, લાચાર કોરાણે મુકાઈ જાય છે, પણ એમાં આપણાથી શું થઈ શકે? જેવું જેનું નસીબ, અર્થકારણ આમ જ ચાલતું આવ્યું છે.

કલાવિવેચન છોડીને રસ્કિન પોલિટિકલ ઇકોનૉમી તરફ વળ્યા અને આ વિચારો સામે નૈતિક વાંધો લીધો. ૧૮૬૦માં તેમણે ચાર નિબંધ તૈયાર કર્યા અને ‘કોર્નહિલ’ નામના માસિકને મોકલ્યા. (એના સંપાદક હતા ‘વેનિટી ફેર’ નવલકથાથી જાણીતા લેખક ડબલ્યુ.એમ. થૅકરે.) રસ્કિનનું માનવું હતું કે અર્થકારણ તો માણસે સર્જેલું છે. અને એના નિયમો ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત જેવા કુદરતી નિયમો નથી. સમાજમાં દીનદુઃખિયાને ટેકો કરવામાં કોઈ બજારના સિદ્ધાંતો ટાંકવાની જરૂર નથી, નીતિ અને માનવતાના ધોરણે સૌથી છેવાડાના જરૂરતમંદને મદદ કરે – એટલે કે અંત્યનો કે સર્વનો ઉદય કરે – એવી આર્થિક વ્યવસ્થા આપણે કેમ ઊભી ન કરી શકીએ ?

આ ચાર નિબંધો તે પુસ્તકાકરે अनटु धिस लास्ट  એ શીર્ષક બાઇબલમાં ‘પૅરેબલ ઑફ ધ વાઇનયાર્ડ’માંથી લીધું છે. સર્વોદયની પૂરી વિચારધારા એ પૅરેબલમાં સુપેરે રજૂ થઈ છે. મેથ્યુ અથવા ‘માથ્થીની લખેલી સુવાર્તા’માંથી એ પ્રસંગ પૂરો વાંચીએ :

“કેમ કે આકાશનું રાજ્ય એક ઘરધણીના જેવું છે, પોતાની દ્રાક્ષાવાડીને સારુ મજૂરો પરોઠવાને મળસકામાં બહાર ગયો. અને તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર પરડીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા. અને આશરે પહોર દહાડો ચઢતાં બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા દીઠા. અને તેણે તેઓને કહ્યું કે, તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ, ને જે કંઈ યોગ્ય હશે, તે હું તમને આપીશ. અને તેઓ ગયા. વળી, આશરે બપોરે તથા ત્રીજા પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. … અને સાંજ પડી, ત્યારે દ્રાક્ષાવાડીનો ધણી પોતાના કારભારીને કહે છે કે મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેમનું વેતન આપ. અને જેઓને તેણે આશરે અગિયારમી હોરાએ રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા, ત્યારે તેઓને એક-એક દીનાર મળ્યો. પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે; પણ તેઓને પણ એક દીનાર મળ્યો, ત્યારે તે લઈને તેઓએ ઘરધણી વિરુદ્ધ ઘણી કચકચ કરી, ને કહ્યું કે આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે, અને તેં તેઓને અમ આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે. પણ તેણે તેઓમાંના એકને ઉત્તર દીધો કે, મિત્ર, હું તારો કશો અન્યાય નથી કરતો; શું તેં મારી સાથે એક દીનાર પરડ્યો નહોતો? તારું લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે, તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું, માટે તારી આંખ ભૂંડી છે શું? એમ જેઓ છેલ્લા તેઓ પહેલા, અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.”

(આ વાર્તાની અગાઉનો ફકરો વધારે જાણીતો છે, જેમાં આ વાક્ય આવે છે : “દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે.”)

પુસ્તકે એ સમયે ઘણી ચકચાર મચાવી, ભારે વિરોધ થયો, લેખમાળા અધૂરેથી છોડવી પડી. પુસ્તકનો પહેલો પ્રિન્ટરન, એક હજાર નકલ, એક દાયકા પછી પણ પૂરો થયો નહોતો. જો કે હેન્રી પોલાકના હાથમાં આવ્યું, ત્યાં સુધીમાં એ પુસ્તક નવા વાચકોમાં લોકપ્રિય થઈ રહ્યું હતું. પૅન્ગ્વિન એડિશનમાં પ્રસ્તાવનામાં ક્લાઇવ વિલ્મર કહે છે કે ૧૯૦૬માં પહેલી વાર ૨૯ લેબર સાંસદો ચૂંટાયા, તેમને આપેલી એક પ્રશ્નાવલિના આધારે એમ કહી શકાય તે કોઈ એક પુસ્તકે તેમના પર સૌથી અસર કરી હોય તો તે ‘અનટુ ધિસ લાસ્ટ’ હતું.

આજે વિકસિત કે વિકાસશીલ દેશોમાં વેલફેર ઇકોનૉમિક્સનો વિચાર સૌએ સ્વીકાર્યો છે, એટલે કે માત્ર બજાર સાચું એમ નહીં પણ જરૂરતમંદો માટે સહાયની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાય છે, તેને માટે સૌથી વધુ શ્રેય આપવું હોય, તો દ્રાક્ષાવાડીના ઘણીનો દાખલો તાજો કરનારા રસ્કિનને જ આપવું જોઈએ.

ગાંધીએ આર્થિક સમજથી શરૂ કરીને પછી રસ્કિનમાંથી ‘સ્વરાજ્ય’ સત્યાગ્રહ, શિક્ષણવિચાર અને હુન્નરની સમજ વિકસાવી. ગાંધી જેને હિરો નંબર ટુ ગણે છે, તે ટૉલ્સ્ટૉયે લખ્યું છે કે રસ્કિન ‘એવા અપવાદરૂપ માણસોમાંના એક હતા, જેઓ પોતાના હૃદયથી વિચારે છે, તેથી તેમણે જે કાંઈ વિચાર્યું અને કહ્યું તે તેમણે પોતે જોયેલું અને અનુભવેલું હતું. એટલું જ નહિ, પણ તે ભવિષ્યમાં દરેક વ્યક્તિ વિચારશે અને કહેશે.’

મ્યુચ્યુઅલ એડમિરેશન ક્લબના સભ્યો જેવા લાગતા આ ત્રણ મહાપુરુષોમાં ઘણી સામ્યતાઓ હતી. ત્રણેને માટે સ્ત્રીપુરુષના આદિકાળથી ચાલતા આવતા સંબંધો ભારે સમસ્યારૂપ અને સૂગનો વિષમ હતા. ત્રણેને જેનો ઝંડો કોઈના ઉપાડે તેને ઝંડા લઈને કૂદી પડવાની આદત હતી. ત્રણમાંથી બે પાછલાં વર્ષોમાં લગભગ પાગલ જેવા થઈ ગયેલા અને ત્રીજાને સૌ પાગલ બરાબર જ ગણવા લાગેલા. ત્રણેને જાત પર જાતભાતના અખતરા કરવાનો શૉખ હતો. પણ વિશેષ નોંધપાત્ર સામ્ય એ હતું કે રૂઢિગત માન્યતાઓને કોરાણે મૂકીને, માત્ર નીતિમત્તાનું ચલણ સ્વીકારીને, નવેસરથી વિકલ્પો વિચારી જોવાની હિંમત. વધુ છેદ ઉડાડીએ, તો કદાચ બાઈબલનો ઊંડો અભ્યાસ, ધ્યાનપૂર્વકનું વાચન કામ કરી રહ્યું હશે ? ત્રણેએ ઘણું લેખન કર્યું (ત્રણેયના કલેકટૅડ વર્ક્સનાં વૉલ્યુમની સંખ્યા ઊંચી છે). વાચન એનાથી પણ વધારે કર્યું. ત્રણેયે લેખન કે વાચન એટલે કે શબ્દમાત્રથી આંતર અને બાહ્ય જીવનમાં, પિંડે અને બ્રહ્માંડે, પરિવર્તનની શક્યતાઓની ખોજ કરી.

પરિવર્તનના સાધન તરીકે વાચનને કેવી રીતે પ્રયોગમાં લાવવું? ઉપરથી સેલ્ફ-હેલ્પની થીમનો તાણો ખેંચીને અહીં વણીએ તો, હાઉ રસ્કિન કેન ચેન્જ યોર લાઇફ ? આમ તો રસ્કિનનું પુસ્તક હજારો કે લાખો લોકોએ વાચ્યું છે, પણ વાંચ્યા પછી બહાર સામૂહિક અને સાદા જીવનના અખતરા માટે જમીન શોધવા બીજું કોઈ નીકળ્યું નહીં. આપણે પોલાકની જેમ પ્રભાવિત થઈને કોઈ પુસ્તક – ગીતા, હિન્દ સ્વરાજ, બાઇબલ, એલ્કેમિસ્ટ-મિત્રને આગ્રહપૂર્વક પકડાવીએ છીએ, ત્યારે વણકહેવાયેલો ભાગ શું હોય છે ? પુસ્તકને વિવેચક-દાર્શનિક ઉમ્બર્તો ઇકો ‘લેઝી મશીન’ કહે છે, એની અંદરની સામગ્રી એમ ને એમ પડી જ રહેવાની છે. કામ તો વાચકે ફરવાનું છે. ગાંધીની વાચન-પસંદગીઓ અને પદ્ધતિઓ વિશે શું કહી શકીએ ? ઉઝાબેલ હોફમેયરે ગાંધી’ઝ પ્રિન્ટિંગપ્રેસ’ પુસ્તકમાં ‘ગાંધીવાદી વાચનસિદ્ધાંત’ રજૂ કર્યો છે, તેનું સૌથી વિશિષ્ટ પાસું છે રસ્કિનિયન મંદ ગતિ. યંત્રયુગની ઝડપ સામે સ્લૉનેસ, ક્વૉન્ટિટી સામે ક્વૉલિટી.

અંતે ફરી આત્મકથા તરફ પાછા વળીએ :

“કર્મભૂમિમાં પ્રવેશ કર્યા પછી સમય ઘણો થોડો બચે. એટલે આ જ લગી પણ એમ જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. આ અનાયાસે અથવા પરાણે પળાયેલા સંયમથી મને નુકસાન નથી થયું એમ હું માનું છું. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે, તેને હું ઠીક પચાવી શક્યો છું, એમ કહી શકાય.”

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 04 – 07

Loading

5 March 2019 admin
← સત્તરમી લોકસભા ભણી જતાં
જીન શાર્પ →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved