ગુજરાતના જાગૃત યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિરે 24 ઓક્ટોબર 2025ના રોજ ગાંધીવિચાર સાથે જોડાયેલ ઉત્તમ પરમારની મુલાકાત લીધી છે. આ મુલાકાત વિચારપ્રેરક છે.
જ્યોત્સ્ના : “કોઈપણ આપદા હોય ત્યારે ત્યાં RSS-સંધના લોકો યુનિફોર્મ પહેરીને પહેલા પહોંચી જાય છે સેવા આપવા માટે. આને તમે કઈ રીતે જૂઓ છો? જો સંધ રાષ્ટ્રદ્રોહી હોય તો રાષ્ટ્ર માટે આટલી પ્રતિબદ્ધતા કેમ?”
ઉત્તમભાઈ : “ખૂબ સારો પ્રશ્ન કર્યો છે. ગાંધીજી પાસે એક પત્રકારે કહ્યું હતું કે ‘બાપુ, તમે સંઘ પરિવારની વિચારધારાનો વિરોધ કરો છો, સંઘના લોકો ગેરમાર્ગે દોરવાઈ ગયા છે, ખોટી વિચારધારામાં સંડોવાઈ ગયા છે. પરંતુ સંઘ તો લોકોની વચ્ચે જઈ કેટલી સેવાપ્રવૃતિ કરે છે? તેમની શિસ્ત જોરદાર છે. છતાં સંઘનો વિરોધ કેમ કરો છો?’ વાસ્તવમાં કોઈપણ વ્યક્તિની શિસ્ત અને સેવાથી અભિભૂત ન થવું જોઈએ. હિટલરની શિસ્ત અને સેવા સારી ગણાતી. તેનું નાઝી સૈન્ય સેવાપ્રવૃતિ કરતું હતું. સંઘ એ નાઝીની ભારતીય આવૃત્તિ છે. દારુનો અડ્ડો ચલાવતો હોય અને ગણપતિ ઉત્સવમાં લાખ રૂપિયાનું દાન આપે, એટલે તે ધર્મિષ્ઠ બની જાય? ગામમાં નકારાત્મક પ્રવૃત્તિ કરતો હોય એ ઈસમ દાનધરમ કરે તો તેને Respect આપવાનું? સેવાપ્રવૃતિનું સ્થાન છે, તે મરામતની પ્રવૃત્તિ છે. એનાથી સમાજ બનતો નથી. સમાજ બને છે વિચારધારાથી. સમાજ પરિવર્તન માટે સેવાપ્રવૃત્તિની જરૂર નથી. સેવાપ્રવૃત્તિ સમાજ જીવનને જાળવી રાખવાની વચગાળાની વ્યવસ્થા છે. એ અનિવાર્ય છે, કરવી જ જોઇએ. પરંતુ એની આડમાં તમે દેશના ભાગલા પાડવાના ધંધા કરો, દેશને તોડવાના ધંધા કરો, તમે હિન્દુ મુસ્લિમને લડાઈ મારવાના કાવતરા કરો, તમે જાતિઓને લડાવી મારો, તમે ભાષાના ઝઘડાઓ કરો, તો તેનાથી સમાજને વધુ નુકસાન થાય છે. તમે સેવાપ્રવૃત્તિ લાખ રૂપિયાની કરો અને કરોડો રૂપિયાનો તમે ઘાણ વાળી દો છો તમારી વિચારધારાના કારણે ! સંઘનો જન્મ થયો ત્યારથી આજ સુધી એટલી નકારાત્મક વિચારધારા ફેલાવી છે કે તેનાં કારણે સમાજને વિભાજિત કરી નાખ્યો છે. સમાજને અઢળક નુકસાન પહોંચાડ્યું છે. સંઘ ઇસ્લામોફોબિયા પેદા કરે છે. સંઘના મનુવાદી માનસિકતા ધરાવનાર સંઘના નેતાઓ પોતાની વાતાનુકૂલિત આઈવરી ચેમ્બરમાં બેસીને ઈસ્લામ સામેના ગોકીરા મચાવે છે. એ ગોકીરા ઝીલવાના કોણે? તો કે દલિતના / આદિવાસીના / OBCના દીકરાઓએ ! એ પછી ગાંડા બને અને મુસ્લિમો સાથે અથડાય ! મારે જ્યોત્સ્ના આહિરને ખતમ કરવી હોય, તો જ્યોત્સ્ના બહુ સારી છે એમ કહ્યા કરવાનું. જ્યોત્સ્નાને મદદરૂપ થવા 5-10 હજાર રૂપિયા આપવાના.પણ જ્યોત્સ્ના કેમ કરીને ગભરાઈ જાય, કેમ કરીને ઉપર ન વધે, તેના માટે મારે માનસિકતા રાખવાની ! તો આ મારી માનસિકતા જ્યાં સુધી ખુલ્લી નહીં થાય ત્યાં સુધી મારી સેવાપ્રવૃત્તિનો શો અર્થ? તમે સેવાપ્રવૃત્તિ નહીં કરો તો ચાલશે. તમે ઘરમાં બેસો અને મગજ ચોખ્ખું રાખીને બેસો. હ્રદય પવિત્ર રાખીને બેસો.”

જ્યોત્સ્ના : “ઈસ્લામિક કટ્ટરપંથીના એક્શનની પ્રતિક્રિયા રૂપે સંઘની કટ્ટર વિચારધારા અસ્તિત્વમાં આવી છે?”
ઉત્તમભાઈ : “સંઘનો જન્મ ઈસ્લામિક કટ્ટરતાવાદ સામે નથી થયો. સંધનો જન્મ કેમ થયો તે કહું. ગાંધીજીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસને / ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનને, મનુવાદી માનસિકતામાંથી બહાર કાઢીને, જનવાદી માનસિકતામાં પ્રવેશ કરાવ્યો તેના કારણે સંધનો જન્મ થયો. 1885માં કાઁગ્રેસની સ્થાપના થઈ. 1915માં ગાંધીજી ભારત આવે છે. 1885થી 1915 દરમિયાન સંઘની માનસિકતા ધરાવનારને કાઁગ્રેસમાં રહેવામાં વાંધો ન હતો. તે સમયે કાઁગ્રેસ ભદ્ર વર્ગની સંસ્થા હતી. તેમાં મહિલાઓનું / દલિતોનું / આદિવાસીઓનું / પછાતવર્ગોનું સ્થાન ન હતું. કાઁગ્રેસમાં શ્રીમંતો, મધ્યમવર્ગીય માનસિકતાવાળા માલેતુજાર લોકો ભેગા થતા હતા. તેઓ પોતાના આર્થિક હિતો / શિક્ષણના હિતોની માંગણી કરતા હતા, ભારતની આઝાદીની માંગણી કરતા ન હતા. તે વખતે હેડગેવારને વાંધો ન હતો. તે વખતે હેડગેવારને મુસ્લિમો નડતરરૂપ લાગ્યા ન હતા. ગાંધી પહેલા કાઁગ્રેસનું નેતૃત્વ લોકમાન્ય તિલક પાસે હતું. તે કહેતા કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. પણ એ હક્ક તેમનો જ હતો. એ દલિતોનો / આદિવાસીઓનો / પછાત વર્ગનો / મહિલાઓનો ન હતો.1915થી 1920 દરમિયાન ગાંધીજી કાઁગ્રેસની કાયાપલટ કરે છે. કાઁગ્રેસનું ભદ્ર વર્ગીય કલ્ચર હતું તેને જનવાદી કલ્ચરમાં ફેરવે છે. ગાંધીજીએ કહ્યું કે મારે આંદોલનમાં મહિલાઓ / દલિતો / આદિવાસીઓ / પછાતવર્ગ જોઈએ. ખેડૂતો જોઈએ, શ્રમિકો જોઈએ. ગાંધીજી ખેડૂતોના / શ્રમિકોના મુદ્દાઓ પકડે છે. તેમની સમસ્યાઓ હાથ પર લે છે. શું જરૂર હતી, આઝાદીની ચળવળમાં ખેડૂતોને / શ્રમિકોને / મહિલાઓને વચ્ચે નાખવાની? ગાંધીજીએ કહ્યું કે મારે આઝાદી નહીં આવે તો ચાલશે ! પણ મારા આંદોલનમાં મહિલાઓ જોઈએ. ગાંધીજીએ દેશનું પરિભ્રમણ કર્યુ અને જોયું કે 50% મહિલાઓ નથી દેખાતી; 70% ખેડૂતો અને મજૂરો દેખાતા નથી. 14% દલિતો દેખાતા નથી. 8% આદિવાસી નથી દેખાતા. 54% પછાત વર્ગ દેખાતો નથી. આ બધા મારે જોઈએ. એટલે લોકમાન્ય તિલકનો પિત્તો ગયો. તિલકે ગાંધીજીને કહ્યું કે તમે કુંભારને સંસદમાં મોકલીને માટલાં ઘડાવવા ઈચ્છો છો? તમે સમાન ભાગીદારી / સમાન અધિકારની વાતો કરો છો, એની શી જરૂર છે? આપણે આઝાદી તો અંગ્રેજો પાસેથી લેવાની છે. તેમાં કુંભારને શા માટે વચ્ચે લાવો છો? ગાંધીએ કહ્યું કે મારો કુંભાર ગામડામાં માટલા પણ ઘડશે, અને દિલ્હીમાં સંસદ પણ ચલાવશે ! 1920માં તિલક મૃત્યુ પામ્યા. આઝાદીના સૂત્રો / કાઁગ્રેસનાં સૂત્રો ગાંધીજીના હાથમાં આવ્યા. તેમણે જનવાદી આંદોલન આરંભ્યું. આખા દેશના લોકોમાં જાગૃતિ આવી. આ લોકોની જાગૃતિથી સંઘના પેટમાં તેલ રેડાયું. સંઘ એટલે બ્રાહ્મણવાદી-મનુવાદી માનસિકતા ધરાવનાર લોકો. એટલે જે કલ્પના હતી કે પુણેના બ્રાહ્મણવાદીઓ દેશ પર વર્ચસ્વ ભોગવશે તે ધૂળધાણી થઈ ગઈ. આઝાદીના આંદોલનમાં લોકોનો મહાસાગર ઊમટ્યો. સામાન્ય માણસ એટલો જાગૃત થયો કે આ બધી મનુવાદી માનસિકતા હલબલી ગઈ. 3,000 વરસથી પગ નીચે રાખેલ લોકો જાગે તો કંઈ રીતે પોસાય? 90% વર્ગના શોષણ થકી જેનું જીવન ચાલતું હોય, તેને ત્રણ હજાર વર્ષ પછી રાતોરાત બધું છોડી દેવું પડે તો તેને પોસાય? એટલે સંઘને દેખાયું કે આ ગાંધી આપણા માટે નડતરરૂપ વ્યક્તિ છે. એને પહેલાં પડકારો. એને કાઁગ્રેસમાં અપ્રસ્તુત બનાવો. કાઁગ્રેસની બહાર રહીને એનો વિરોધ કરો. એનું આંદોલન તોડી પાડો ! તેનું બધું તોડી પાડો. તો જ આપણે બચી શકીશું, નહીંતર બચવાના નથી. એટલે એમણે કાઁગ્રેસનો વિરોધ કરવા માટે 1925માં સંઘની સ્થાપના કરી. સંઘને ઇસ્લામોફોબિયા કેમ છે? સંઘ એવું તો કહી શકે નહીં કે ગાંધી દલિતોને / આદિવાસીઓને / મિલ મજૂરોને / ખેડૂતોને / ખેતમજૂરોને / મહિલાઓને જાગૃત કરે છે તે ખોટું છે. એવું કહે તો લોકો તેને ચોંટે કે અમને જાગૃત કરે તેમાં તમને કેમ વાંધો છે? તો શું કરવાનું? એટલે સંઘે નક્કી કર્યું કે આપણા સૌનો એક કોમન દુ:શ્મન ઊભો કરો ! ઈસ્લામ આપણો દુ:શ્મન. કાઁગ્રેસ ઈસ્લામને પ્રોત્સાહન આપે છે તેવો ભ્રામક પ્રચાર કરો. ગાંધીજીએ હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરી તો સંઘના લોકો ભડક્યા. એટલે સંઘે હિન્દુત્વ ધારણ કર્યું અને કાઁગ્રેસને હિન્દુ વિરોધી ચિતરી ! કાઁગ્રેસ મુસ્લિમ તૃષ્ટિકરણ કરે છે તેવી વાતો ફેલાવી. એટલે આપોઆપ દલિતો / આદિવાસીઓ / મિલ મજૂરો / ખેડૂતો / ખેતમજૂરો / મહિલાઓ હિન્દુત્વના નામે આપણને સમર્થન કરતા થઈ જશે. કાઁગ્રેસ જેને જગાડે છે એને આપણે ફરી કોમવાદી બનાવી દો ! ધાર્મિક અંધશ્રદ્ધાળુ બનાવી દો ! મુસ્લિમો / ખ્રિસ્તીઓ સામે અથડાવી મારો. કેવી વ્યૂહરચના !”
https://www.facebook.com/share/v/1A3kcaYxNp/?mibextid=wwXIfr…
28 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

