વકીલાતના વ્યવસાયમાં કેટલાક કેસ એવા હોય છે કે જેમાં સામાજિક બદલાવ માટે સકારાત્મક ભૂમિકા ભજવવાનો વકીલને મોકો મળે છે. એવા એક કેસની મારે વાત કરવી છે, જેની સાથે સંકળાવાનો મને મોકો મળ્યો.

અમર ભટ્ટ

અર્ચિત જાની
અમારામાંથી અર્ચિત પ્રકાશ જાની, જે પોતે 12મા ધોરણ ગુજરાતી માધ્યમમાં ભણેલા છે, તે એ જાણીને ચોંકી ગયા કે 6 વર્ષની તેમની દીકરી અંગ્રેજી માધ્યમની જે શાળામાં ભણે છે તે શાળામાં ગુજરાતી વિષય તરીકે પણ ભણાવવામાં આવતું નથી. તેમને એ ચિંતા થઇ કે આપણી માતૃભાષાના શિક્ષણથી તેમની દીકરી વંચિત રહી જશે તો તે ગુજરાતી સંસ્કૃતિથી સાવ અલિપ્ત થઇ જશે. નામદાર ગુજરાત હાઈકૉર્ટમાં આ અંગે કાંઈ થઇ શકે કે નહીં તે અંગે અમારી ચર્ચાઓ અને સંશોધન ચાલુ થયાં. આજકાલ ગુજરાતી માધ્યમની નવી શાળાઓ ખૂલતી નથી, એટલું જ નહીં પણ ઘણી બધી શાળાઓ બંધ પણ થયેલ છે અથવા અંગ્રેજી માધ્યમમાં તબદિલ થયેલ છે. વધુમાં, ગુજરાત બૉર્ડ ઉપરાંત વિવિધ અન્ય બૉર્ડ જેવાં કે CBSE, ICSE, IB વગેરે સાથે સંલગ્ન હોય તેવી શાળાઓની સંખ્યા વધતી જાય છે. માતાપિતા પોતાનાં બાળકોને આવાં બૉર્ડની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ માટે દાખલ કરવાનું પસંદ કરે છે. આ શાળાઓમાં અંગ્રેજી કે હિંદી માધ્યમ હોય છે અને એમાં ગુજરાતી ભાષા એક વિષય તરીકે પણ ભણાવાતી નથી. આવી શાળાઓમાં આપણા રાજ્યનાં બાળકો આપણી જ માતૃભાષા શીખવામાંથી બાકાત કે વંચિત રહી જાય છે. ઘણી બધી શાળાઓમાં ગુજરાતી વિષયને બદલે કોઈ વિદેશી ભાષા જેવી કે ફ્રેન્ચ કે જર્મન વિકલ્પ તરીકે અપાય છે. આ પરિસ્થિતિ તત્કાલીન સરકારના ધ્યાને આવતાં સરકારે 13/4/2018ના પરિપત્ર (બિડાણ 2) દ્વારા એવો નિર્ણય લીધો કે ગુજરાતમાં કાર્યરત; વિવિધ બૉર્ડ જેવાં કે CBSE, ICSE, IB વગેરે સાથે સંલગ્ન; ગુજરાતી માધ્યમ સિવાયના કોઈ પણ માધ્યમની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં ગુજરાતી વિષયનું ફરજિયાત શિક્ષણ આપવાનું રહેશે; પણ આ પરિપત્રના અમલ અંગે સૌ કોઈએ ઉપેક્ષા સેવી હતી. તેથી અમે આ પરિપત્રનો અસરકારક, શબ્દશ: અને સત્ત્વશીલ અમલ થાય તે માટે ગુજરાત હાઈકૉર્ટમાં જાહેર હિતની અરજી કરવાનું વિચાર્યું. અરજદાર તરીકે રહેવા માતૃભાષા અભિયાન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાજેન્દ્ર પટેલ અને અન્ય ટ્રસ્ટીઓએ એક ક્ષણનો ય વિચાર કર્યા વિના સંમતિ આપી. તારીખ 21/7/2022ના શુકનવંતા દિવસે (કવિ ઉમાશંકર જોશીનો જન્મદિવસ) આ અરજીમાં સોગંદનામું થયું. મનોમન અમે ઘણું બધું કર્યું –
કવિમનીષી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ ગણગણી –
“સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી
મળી માતૃભાષા મને ગૂજરાતી
રમો માતૃભાષા મુખે ગૂજરાતી
નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી”
પ્રેમાનંદે “ગુજરાતી ભાષા” એવો શબ્દપ્રયોગ પોતાના “દશમસ્કંધ” આખ્યાનમાં કરેલો – “બાંધું નાગદમણ હું ગુજરાતી ભાખા”. આ ભાષાને ગૌરવવંતું સ્થાન મળે નહીં ત્યાં સુધી પાઘડી નહીં બાંધવાનો પ્રેમાનંદનો સંકલ્પ યાદ કર્યો.
નર્મદ-ગોવર્ધનરામ-ન્હાનાલાલે સરસ્વતીને ખોળે માથું મૂકેલું તે માટે તેમનું પુણ્યસ્મરણ કર્યું.
ડૉ. ધીરુભાઈ ઠાકરના પુસ્તક “ગાંધીજી અને પાંચ સાક્ષરો’માં “ગાંધીજી અને બ.ક.ઠા.” પ્રકરણમાં એક પ્રસંગ છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી બ.ક.ઠા. એટલે કે કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે ગાંધીજીને અંગ્રેજીમાં પત્ર લખેલો જેનો જવાબ 24/7/1918ના પત્રથી નીચે મુજબ ગુજરાતીમાં આપ્યો હતો –
“જ્યારે આપણી ધારાસભા થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે, એમ હું જોઉં છું. બંને હિન્દુસ્તાનની એક જ ભાષા જાણવા છતાં, એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે અથવા બીજાની સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવશે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી અને સ્વરાજ નથી મળ્યું તે દરમિયાન જે, (આવો) ગુનો કરે તેને સારુ શા ઈલાજ થવા ઘટે એ પણ જણાવજો.”
ફાધર વાલેસના શબ્દો છે કે માતૃભાષા જશે તો સંસ્કૃતિ જશે.
આ બધું મન-હૃદયમાં ઉતારીને અમે “યાહોમ કરીને ” ઝંપલાવ્યું.
ભારતનું બંધારણ એક અદ્દભુત દસ્તાવેજ છે. આર્ટિકલ 29માં સાંસ્કૃતિક અને ભાષાકીય અધિકારો આપવામાં આવ્યા છે. ભાષા અને સંસ્કૃતિ જોડાયેલાં છે તે ભાષાવિજ્ઞાનીઓ તો કહે છે જ, પણ બંધારણમાં ભાષાવિજ્ઞાનના આ નક્કર સત્યનો જાણે કે સ્વીકાર છે! વિશિષ્ટ ભાષા, લિપિ અને સંસ્કૃતિ ધરાવતા હોય તેવા ભારતમાં રહેતા નાગરિકોના કોઈપણ વર્ગને તેમનું જતન, સંવર્ધન કરવાનો મૂળભૂત અધિકાર છે. આર્ટિકલ 21માં જીવન જીવવાનો હક એ મૂળભૂત અધિકાર છે. આ અધિકારમાં સંસ્કારિતાપૂર્ણ જીવન જીવવાનો હક સમાવિષ્ટ છે. આપણી સુપ્રીમ કૉર્ટે જાહેર હિતની અરજી(હવે પછી પી.આઈ.એલ.)નો ખ્યાલ વિકસાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ જાહેર હિતમાં અને મૂળભૂત અધિકારોના રક્ષણ માટે આવી અરજી કરી શકે. આર્ટિકલ 21 અને 29 નીચેના મૂળભૂત અધિકારો માટે બાળકોના માતૃભાષા શીખવાના અધિકારને આગળ કરીને અને ભાષા-સંસ્કૃતિનાં જતન-સંવર્ધન માટે અમે હાઈકૉર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરી. પંજાબ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં તો માતૃભાષાના વિષય તરીકે ફરજિયાત શિક્ષણ અંગે ત્યાંનાં ધારાતંત્રોએ ઘડેલા કાયદાઓ છે. આ કાયદાઓમાં એવી જોગવાઈ છે કે જે શાળા તે કાયદાનો ભંગ કરે તે શાળાને શિક્ષાની જોગવાઈ છે. આ શિક્ષાની જોગવાઈ નાણાકીય દંડથી શરૂ કરીને જે તે બૉર્ડ સાથેની સંલગ્નતા રદ્દ કરવા સુધી જાય છે. પી.આઈ.એ.લમાં અમે આ કાયદાઓ પણ રજૂ કર્યા. ગુજરાતમાં પરિપત્ર હોવા છતાં તેના ભંગ બદલ શિક્ષાની કોઈ જોગવાઈ ન હતી. 2020ની નવી શિક્ષણ નીતિ અને 1964-66ના કોઠારી કમિશનના રિપોર્ટમાં પણ માતૃભાષાના શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાયું છે.
જસ્ટિસ સોનિયા ગોકાણીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે એમાં વખતોવખત હુકમો કર્યા; સરકાર પાસે વીગતો અને માહિતી મંગાવી; સરકારને પણ અન્ય રાજ્યો જેવો કાયદો ગુજરાતમાં પણ લાવવા અંગે અનુરોધ થયો. 2022ના ડિસેમ્બરમાં ગુજરાતમાં ચૂંટણી થઇ પછી રચાયેલી સરકારમાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રકાશ જાનીને લીધે શક્ય બની. આ મુલાકાતમાં સ્વનામધન્ય સાહિત્યકારો રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, મનસુખ સલ્લા અને રાજેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. કાયદા મંત્રીએ એકીઅવાજે માતૃભાષાના ફરજિયાત શિક્ષણ અંગે કાયદો લાવવો જોઈએ તે વાત સ્વીકારી. ગુજરાતની અન્ય માધ્યમોની શાળાઓમાં ભણતાં ગુજરાતી બાળકો પોતાની માતૃભાષા ભણવામાંથી વંચિત રહેશે તો આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિનું જતન કરવું મુશ્કેલ બનશે. આપણી માતૃભાષા ગુજરાતીનું ઐશ્વર્ય અને એની સમૃદ્ધિ આપણાં જ બાળકો સમજે ને માણે તે માટે પણ આવો કાયદો લાવવાનો તાતી જરૂરિયાત છે એવો વિચાર કૅબિનેટ સમક્ષ તાબડતોબ મૂકાયો. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રાથમિક શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે આખા આ વિચારમાં ખૂબ રસ લીધો.
અંતે, 21 ફેબ્રુઆરી 2023 – વિશ્વ માતૃભાષા દિવસે – ગુજરાત હાઈકૉર્ટમાં સરકારે આ દિશામાં સક્રિય પગલાં ભરવાનો પોતાનો નિર્ધાર અભિવ્યક્ત કર્યો. જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ખંડપીઠે સાહિત્યિક ભાષામાં આ અરજીનો નિકાલ કરતો હુકમ કર્યો અને 28મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાત કમ્પલસરી ટીચીંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅન્ગવેજ ઍક્ટ 2023 વિના વિરોધે પસાર થયો.
સામાન્ય રીતે કૉર્ટ કેસો(પી.આઇ.એલ. સહિત) ખૂબ લાંબા ચાલે છે. કેસ કરવામાં શરૂઆતમાં રહેલો ઉત્સાહ કૉર્ટ પ્રક્રિયામાં થતા વિલંબને લીધે ઓસરી જાય છે. પણ અહીં અરજદારના વકીલો ઉપરાંત સરકાર અને અદાલતના સકારાત્મક અભિગમને લીધે કેસ ચાલવા પર આવ્યો તેના 4-5 મહિનામાં જ માતૃભાષા શિક્ષણની દિશામાં એક સિમાચિહ્નરૂપ પ્રદાન થઇ શક્યું. અહીં તો સૌ કોઈ – અરજદારો, તેમના ધારાશાસ્ત્રીઓ, સરકાર અને હાઈકૉર્ટ – રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ બન્યા.
રમેશ પારેખના શબ્દો છે –
“ઊઠાવું પૅન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન
ફૂલોનું નામ લખું ત્યાં જ અનુકૂળ પવન”
કેસ ફાઈલ કર્યો ત્યારથી જ બધું અનુકૂળ થતું ગયું. અનેક પૂર્વસૂરિ સાહિત્યકારોનાં સ્પંદનો ને આશીર્વાદ અમે અનુભવી શક્યાં અને મેળવી શક્યાં, જેનું શબ્દોમાં વર્ણન થાય તેમ નથી. દલપતરામે ગુર્જરનરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ ગુજરાતી ભાષાના વકીલ તરીકે ગાયેલી આ પંક્તિઓ સૌએ યાદ રાખવા જેવી છે –
“ગિરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી મુખ્ય તો મરાઠી માની દેખી દુઃખી દિલ છું
અરજી તો આપી દીઠી મરજી તથાપિ નહીં, આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું
માંડતા મુકદ્દમાને ચાર જણા ચૂંથશે તો શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું,
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.”
જો કે આ તો હજુ શરૂઆત છે. હવે જે કાંઈ કરવાનું છે તે ગુજરાતની પ્રજાએ. પ્રજા પોતે જ જો માતૃભાષાની વકીલ બને તો આ દિશામાં શું શું ન થઇ શકે?
પ્રગટ : ‘સાંપ્રત’, “નવગુજરાત સમય”; બુધવાર, 10 મૅ 2023