શહેર એટલે ખાસ પ્રકારની આર્થિક-સામાજિક પ્રવૃત્તિઓનું સંમિલન. શહેર એટલે નોકરીઓના- આજીવિકાઓના બજારની ભૌગોલિક ગોઠવણ. શહેર એટલે વિવિધ સંસ્કૃતિઓ, જુદા જુદા લોકો, તેમની રહેણીકરણીનો ઉકળતો ચરુ. જે પ્રવૃત્તિઓ ગામડાં કે નાના ગામમાં ન નિભાવી શકાય, તેમને શહેરમાં સમાવી અને નિભાવી શકાય. શહેરની એક સાઇઝ કે કદ હોય. આ કદ અને લોકોના આકસ્મિક સહઅસ્તિત્વને લીધે જ ત્યાં એક બાજુ શેરબજાર હોય અને બીજી બાજુ રિસર્ચ સેન્ટર પણ નભી શકે. કારણ કે શેરબજાર માટે મૂડી અને રિસર્ચ સેન્ટર માટે ખાસ પ્રકારના 'શ્રમિકો' મળવાની શક્યતા ગામ કરતાં શહેરમાં વધુ છે. કોઈ પણ પ્રકારના સામાજિક ફેરફાર, આર્થિક સુધારણા, સાંસ્કૃતિક પહેલ કે વૈજ્ઞાનિક શોધખોળ વગેરે શહેરમાં અને શહેરી સમાજમાં થાય તેવી શક્યતા વધુ છે. એટલે જ તો માનવઉત્ક્રાંતિમાં શહેરોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે.
જાહેર સ્વાસ્થ્ય અને અર્બન પ્લાનિંગ
શહેરોની વાત આવે ત્યારે ત્યાંના જીવનધોરણ અને જાહેર સ્વાસ્થ્યની વાત થાય તે સ્વાભાવિક છે. જાહેર સ્વાસ્થ્યનો શહેરી વિકાસ અને તેના પ્લાનિંગ વચ્ચે બહુ જૂનો નાતો છે. ઓગણીસમી સદીની લગભગ મધ્યમાં જોન સ્નો નામના એન્જિનિયરે લંડનના એક શ્રમિક વિસ્તારના પરાંનો નકશો દોરીને અભ્યાસ કર્યો. તેમાંથી જાણવા મળ્યું કે જ્યાં કૉલેરાના કેસની સંખ્યા વધે છે, ત્યાં પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું અને ત્યાંની પાઇપો ઘણા સમયથી બદલાઈ નથી. આ સમસ્યાનો ઉકેલ યોગ્ય અભ્યાસ દ્વારા અને લાંબા ગાળાના આયોજન દ્વારા થવો જોઈએ. કૉલેરા જેવા રોગચાળાના ત્રાસ વખતે જે વૈજ્ઞાનિક અભ્યાસો થયા અને જે રીતે એન્જિનિયર કે આર્કિટેક્ટની સાથે સાથે સામાજિક કાર્યકરો અને સરકારી તંત્રના નિષ્ણાતો જોડાયા, તે પછી આધુનિક અર્બન પ્લાનિંગની શરૂઆત થઈ. ટૂંકા ગાળાના 'કૂવો ખોદવા જવા' પ્રકારના નિયમન કરતાં, લાંબા ગાળાની વ્યવસ્થા ગોઠવી શકાય તો આગ જ ન લાગે!
અંગ્રેજોના સમયમાં અર્બન પ્લાનિંગનો દુરુપયોગ ગોરાં અને કાળાં એમ બે અલગ-અલગ પ્રકારનાં શહેર બનાવવા માટે થતો. અર્બન પ્લાનિંગ અને ખાસ તો મ્યુનિસિપાલિટીનો ઉપયોગ કરીને, જાહેર સ્વાસ્થ્યનાં નામે ગરીબોને હઠાવવા કરવાની 'ભવ્ય' પરંપરા અંગ્રેજોએ શરૂ કરેલી. બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટનાં નામે અંગ્રેજ સરકાર સાથે શહેરનાં મોટાં માથાં નવા પ્રોજેક્ટ કરતાં રહેતાં — રસ્તા પહોળા કરવા, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર ઝૂંપડાં હટાવવાં, હાથલારીવાળાને હઠાવવા વગેરે અને આ કામોને શહેર 'સુધરાઈ'નાં કામ ગણાવતાં. આઝાદી પછી આવી ઘણી પરંપરાઓ મ્યુનિસિપાલિટીઓ અને તેમની સાથે સંકળાયેલાં મોટા માથાંએ જાળવી રાખી. ધીરે ધીરે અર્બન પ્લાનિંગ કે શહેરી આયોજનમાં બીજાં ઘણાં પાસાં ઉમેરાયાં : હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ, પાણી-ગટર, ઘન કચરાનો નિકાલ વગેરે. આજે અર્બન પ્લાનિંગ અને જાહેર સ્વાસ્થ્યનો જૂનો નાતો લગભગ ભૂલી જવાયો છે. મ્યુનિસિપાલિટીમાં 'પ્લાનર'નું કામ માસ્ટર પ્લાન પ્રમાણે (જો એ બન્યો હોય તો) નકશા પાસ કરવાનું છે. આ નકશા શહેરની ખાનગી ઇમારતોમાં કેવા નિયમોનું પાલન કરાવવું એટલા પૂરતા સીમિત છે.
અર્બન પ્લાનિંગમાંથી 'જાહેર' અને 'સ્વાસ્થ્ય' એ બંને પરિબળોની બાદબાકીના ઇતિહાસ પર ઝડપથી નજર નાખીએ.
શહેરો વિશેની બે 'ભવ્ય' (અને ખોટી) પરંપરાઓ
આઝાદી પછી આપણે ત્યાં શહેરોને મૂડીવાદ, લોભ-લાલસા અને પ્રદૂષણનાં પ્રતીક માનવાની ખોટી પરંપરા શરૂ થઈઃ ગ્રામ્યજીવન સારું, કુદરતી, શુદ્ધ અને શહેરીજીવન પ્લાસ્ટિકિયું, પ્રદૂષિત અને અશુદ્ધ. આપણે શહેરોને માનવઉત્ક્રાંતિ માટે જરૂરી એવી, એક અલગ પ્રકારની આર્થિક-સામાજિક વ્યવસ્થા તરીકે કલ્પ્યાં જ નથી. શહેરો એટલે જ્યાં મોટી સંખ્યામાં લોકો સાથે આવીને અર્થ-ઉપાર્જન કરતાં હોય કે શહેરની સુવિધાઓનો ઉપયોગ કરીને પોતાને કે પોતાના પરિવારને ઉન્નતિ તરફ લઈ જતાં હોય —એવું વિચારાયું જ નહીં અને તેમને ગામડાં જેટલાં જરૂરી ગણવામાં ન આવ્યાં. બીજી ભવ્ય પણ ખોટી પરંપરા શહેરમાત્રને આર્થિક વૃદ્ધિનાં એન્જિન માનવાની છે. પહેલી પરંપરા જૂની છે અને બીજી પ્રમાણમાં નવી છે.
ગાંધીજી પોતે અને ગાંધીયુગના સાહિત્યકારો-ચિંતકો શહેરોને લાલસા અને પ્રદૂષણનું પ્રતીક માનતા આવેલા. ગાંધીવાદ અને સમાજવાદની અસરથી પચાસના દાયકામાં બનેલી 'શ્રી 420' અને 'પ્યાસા' જેવી ફિલ્મોમાં શહેર અને શહેરીઓના ભ્રષ્ટ આચારથી કંટાળીને હીરો ડૂબતા કે ઊગતા સૂર્યની સાખે શહેર છોડીને કાં તો ગામ તરફ કાં તો નવી દુનિયાની તલાશમાં નીકળી પડતા હતા. વાત માત્ર ફિલ્મો સુધી સીમિત ન રહી. આઝાદી પછીની જાહેર નીતિ અને સરકારી આયોજનોમાં વર્ષો સુધી શહેરીકરણને રૂંધવાનો કે તેની પર લગામ કસવાનો પ્રયત્ન લગભગ ૧૯૯૦ના દાયકા સુધી થતો રહ્યો છે. ‘ચાલો, ગામમાં જ રોજગાર કે શિક્ષણ આપીએ, જેથી એ લોકોને શહેરમાં આવવાની જ જરૂર ન રહે’ — આવું શહેરમાં રહીને સમૃદ્ધ થયેલા નેતાઓ, અધિકારીઓ, બુદ્ધિજીવીઓ અને કર્મશીલોએ બહુ ચલાવ્યું. જે દેશ બ્રિટિશ રાજના લીધે ઔદ્યોગિકીકરણની તક સો વર્ષ માટે ચૂકી ગયેલો, તેમાં આઝાદી પછી શહેરોનો વિકાસ થવો જોઈતો હતો અને પછી શહેરોમાં પર્યાવરણની જાળવણી કે સારાં જીવનધોરણની વાત થવી જોઇતી હતી. આપણે આ ઐતિહાસિક સત્ય બહુ મોડું સમજ્યા.
ગાંધીજીના સમકાલીનોમાં એક માત્ર ડૉ. આંબેડકર જ એવા હતા, જે શહેરી સમાજની શક્યતાઓ સમજ્યા હતા અને તેમણે દલિતોને ગામની આભડછેટ છોડીને શહેરમાં વસવાટ કરવા, શિક્ષણ પામવા અને આધુનિક બનવા પ્રેર્યાં હતા. કારણ કે મુંબઈની લોકલ ટ્રેનમાં આભડછેટનું પાલન કરવું શક્ય નથી! શહેરમાં ગામડાંની રૂઢિચુસ્તતાથી દૂર થવાની એક આશા ઊભી થાય છે. શહેર ચોક્કસપણે તેની અલગ અસમાનતાઓ ઊભી કરે છે, પણ એ ગામડાંના જ્ઞાતિ-જાતિના બંધિયારપણાથી અલગ હોય છે. તેમાંથી બહાર નીકળવાની કે આગળ વધવાની તકો વધુ હોય છે. શહેરમાં 'અનામી' રહેવાની શક્યતા ગામડાં કરતાં વધુ છે. સ્ત્રીઓના હક માટે લડતા કર્મશીલો અને બૌદ્ધિકો પણ માને છે કે શહેરોમાં તેમના સર્વાંગી વિકાસની શક્યતા ગામડાં કરતાં વધુ છે. આપણને ગમે કે ન ગમે, પણ શહેરો એક પ્રકારની આધુનિકતાનો વાયદો આપે છે. આ આધુનિકતાનાં મૂલ્યો શહેરમાં આવેલી પહેલી પેઢી કદાચ તેમનાં પહેરવેશ કે જીવનધોરણમાં ઉતારે છે, પણ આગામી પેઢીઓના આચારવિચારમાં પ્રગતિશીલતા આવે, તેવી મજબૂત શક્યતા ઊભી થાય છે.
બીજી તરફ શહેરોને આર્થિક વૃદ્ધિનાં એન્જિન ગણીને તેમાં અમુકતમુક પ્રકારનો વિકાસ કરવો અને નવા પ્રકારની અસમાનતા કે ભેદભાવ ઊભો કરવો, તે આજની જાહેર નીતિઓની તાસીર છે. લગભગ ૧૯૯૦ના દાયકા સુધી આપણી જાહેર નીતિઓ ગ્રામ્યલક્ષી હતી. ત્યાર બાદ શહેરી વિકાસની વાત શરૂ થઈ. આ વાતને કોઈ નક્કર પગલાં કે સરકારી કાર્યક્રમમાં ફેરવતાં બીજાં પંદર વર્ષ લાગ્યાં. આખરે વર્ષ ૨૦૦૫માં અર્બન રિન્યુઅલ મિશન આવ્યું. તેમાં પહેલી વાર રૂ. પંચાવન હજાર કરોડ જેટલું રોકાણ અને શહેર સુધરાઈમાં સુધારણાની યોજનાઓ આવી. આ મિશનમાં પણ એવી વાત હતી કે શહેરોને આર્થિક વૃદ્ધિનાં એન્જિન તરીકે કલ્પવાં જોઈએ.
હકીકતમાં, આર્થિક વૃદ્ધિની ટ્રેનમાં શહેર એન્જિન હોય, તો ગામડાં પણ બાકીના ડબ્બા છે. ડબ્બા વગરનું એન્જિન નકામું અને એન્જિન વગરના ડબ્બા નકામા. સરકારે આખી ટ્રેઇનની ચિંતા કરવાની હોય. અનરિઝર્વ્ડમાંથી વધુમાં વધુ લોકો કેવી રીતે સ્લીપર ક્લાસમાં અને સ્લીપર ક્લાસની આખી ટ્રેઈન એરકન્ડિશન્ડ કેવી રીતે કરી શકાય તે ચિંતા કરવાની હોય. બાકી, એન્જિન (શહેરો) અને ડબ્બા (ગામડાં) વચ્ચેની કાલ્પનિક લડાઈ તો વર્ષોથી ચાલે જ છે.
આપણી જાહેર નીતિઓમાં વળી બીજા પ્રકારની લડાઈ હોય છેઃ એસી અને નોન-એસીવાળાની કલ્પના વિશે. એસીમાં સફર કરતાં લોકોને ટ્રેનમાં સાફ ચાદર, સારા પ્લગ પોઇન્ટ અને સારું ભોજન મળી રહે તે મુખ્ય મુદ્દા લાગે છે. જ્યારે નોન-એસી ડબ્બાઓમાં જગ્યાની સ્વચ્છ શૌચાલયો માટેની મારામારી ચાલતી હોય છે. એવી જ રીતે, શહેરી વ્યવસ્થા અને નીતિઓનું આયોજન કરતાં મોટાં માથાંની શહેરોની કલ્પના એક મિડલ ક્લાસ સરેરાશની આસપાસ હોય છે.
ભારતીય સમાજમાં મિડલ કલાસ સરેરાશની દરેકની વ્યાખ્યા અલગ અલગ હોય છે. કોઈના માટે કારની માલિકી એ સરેરાશ છે, કોઈના માટે બે બેડરૂમ ફ્લેટની માલિકી સરેરાશ છે, કોઈના માટે ઇન્ટરનેટ હોવું સરેરાશ છે, તો કોઈના માટે ભણેલાગણેલા હોવું સરેરાશ છે. ભારતીય સમાજમાં દરેક વ્યક્તિ અને દરેક કુટુંબ પોતાની જાતને એકંદરે 'મિડલ કલાસ' માને છે અને પોતાની ફૂટપટ્ટીએ બીજાને માપે છે. પૈસાદાર વર્ગ માટે પોતાને 'મિડલ ક્લાસ' કહેવું તે નમ્રતાની નિશાની છે અને ગરીબ વર્ગ માટે મહત્ત્વાકાંક્ષાની. મિત્રવર્તુળમાં પોતાની સમૃદ્ધિનો પ્રચાર કરતો વર્ગ સરકારી લાભો લેતી વખતે 'મિડલ કલાસ' થઇ જાય છે.
હકીકત એ છે કે ભારતમાં વર્ષે રૂ. છ લાખથી વધુની કુટુંબદીઠ આવક ધરાવતાં લોકોની સંખ્યા એક ટકાથી પણ ઓછી છે. વિશ્વનો દરેક ત્રીજો ગરીબ માણસ અને દરેક ચોથો શહેરી ગરીબ ભારતમાં વસે છે. સૌથી ઉપરના ૧ ટકા અને છેક નીચેના ૩૦ ટકાની વચ્ચે જે ખરેખરો મધ્યમ વર્ગ છે તે ખૂબ સાધારણ પરિસ્થિતિમાં જીવતો હોય છે.
આવી પરિસ્થિતિમાં શહેરોના પ્લાનિંગ અને વહીવટમાં શહેરીજનોના જીવનધોરણમાં સુધારની પ્રાથમિકતા હોવી જોઈએ. જેમ જેમ શહેરી વાચાળ વર્ગ મહત્ત્વની વોટબેન્ક બનતો જાય છે, તેમ તેમ આખા દેશમાં રાજ્ય સરકારો કે રાજ્યસ્તરના રાજકીય નેતાઓ શહેરો પરનો અંકુશ વધુ મજબૂત બનાવી રહ્યા છે. શહેરોના બધા નીતિવિષયક નિર્ણયો શહેરની ચૂંટાયેલી પાંખ દ્વારા નહીં, પણ રાજ્યસ્તરે થાય છે. શહેરો પાસે પોતાનો કોઈ મજબૂત ટેક્સબેઇઝ નથી એટલે કે શહેરની પોતીકી કહેવાય એવી કરવેરાની મોટી આવક નથી. તે રાજ્ય સરકારની ગ્રાન્ટ પર નભે છે. સ્થાનિક મુદ્દા, સ્થાનિક રાજકારણ કે સ્થાનિક નેતાઓનું પણ ખાસ મહત્ત્વ નથી. શહેરમાં કોઈ જગ્યાએ પાણીના નળનું ઉદ્ઘાટન કરવાનું હોય તો પણ રાજ્યસ્તરના નેતા આવે છે. આ બાબત બંધારણના ૭૪મા સુધારાની ભાવનાની વિરુદ્ધમાં છે. જો શહેરો ખરેખર ‘ગ્રોથ એન્જિન’ હોય તો તેમના મૅનેજમૅન્ટની વ્યવસ્થામાં અમુક પ્રકારની સ્વાયતત્તા હોવી જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ભાવનાથી ચૂંટણીઓ સ્થાનિક મુદ્દા પર લડાવી જોઈએ.
સ્થાનિક મુદ્દા ભૂલાય ત્યારે શહેરમાં જીવનધોરણની અને જાહેર સ્વાસ્થ્યની વાત ભૂલાય છે. શું અમદાવાદ કે સુરતની સ્થાનિક ચૂંટણીઓમાં સ્થાનિક સિવિલ હૉસ્પિટલની હાલત ક્યારે ય મુદ્દો બની છે? તો પછી સિવિલ હોસ્પિટલોની હાલત કેવી રીતે સારી હોય? શહેરી વાચાળ વર્ગ કે જે ખરેખર મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ છે તેને ઉત્સવો-ઉજવણી-મેળાવડામાં વ્યસ્ત રાખીને, તેની મૂળભૂત સમસ્યાઓની — વાજબી ભાવે મકાન, પાણી-ગટર કે કચરાનો નિકાલ, જાહેર પરિવહનની સારી વ્યવસ્થા, સ્વાસ્થ્ય-શિક્ષણની સુવિધાઓ વગેરેની — અવગણના કરવી તે આજના શહેરી વ્યવસ્થાપનનો મૂળ મંત્ર છે.
'રાઇટ ટુ ધ સિટી'ની વિભાવના
શહેરનો આત્મા તેના સહિયારાપણામાં છે. તેના લીધે જ શહેરમાં યુનિવર્સિટી, મલ્ટીપ્લેક્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધમધમે છે. શહેરોમાં નિઃશંકપણે કોઈ પણ સામાજિક-આર્થિક પરિસ્થિતિમાંથી આવીને આગળ વધવાની શક્યતા વધુ છે. તેથી જ આજના સમયમાં 'રાઇટ ટુ ધ સિટી'ની વાત થવી જોઈએ. 'રાઇટ ટુ ધ સિટી' એટલે કે શહેરમાં આવીને સારી સુવિધાઓ મેળવી, સારું શિક્ષણ કે સ્વાસ્થ્યસેવાઓ મેળવીને તેની સાધન-સંપન્નતામાં હિસ્સો મેળવવાનો હક. આ 'રાઇટ્સ ઇન ધ સિટી' એટલે કે શહેરોમાં નાગરિકોના હક જાળવવાની વાત નથી. એ તો સ્વાભાવિક રીતે હોય જ. પણ નાગરિકોના શહેર પોતાનું કહેવાના અને તેના વિકાસમાં ભાગ ભજવવાના અધિકારની વાત છે. આ હક જમીનવિહોણા ખેતમજૂરને પણ છે અને શહેરી ઝૂંપડપટ્ટીમાં જન્મેલા બાળકને પણ, કે શહેર જે તકો અને શક્યતાઓ આપે છે તેનો ઉપયોગ કરીને આગળ વધી શકાય અને ગરીબી-શોષણમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી શકે. કોઈક ચોક્કસ વર્ગને તે રસ્તો ગામડાંમાં રહીને મળી શકે. મોટા ભાગના લોકોને ગરીબી અને શોષણમાંથી બહાર આવવાનો રસ્તો શહેરમાં આવીને મળવાની શક્યતા વધારે છે.
અત્યારના કોવિડ સંકટે શહેરો અને મ્યુનિસિપલ વ્યવસ્થાપનનાં ગાબડાં બહુ જ ચોખ્ખી રીતે ખુલ્લાં પાડ્યાં છે. અસંગઠિત શ્રમિક-ગરીબોનું શહેરમાંથી ઉચાળા ભરીને ચાલ્યા જવું તે શહેરોના અને દેશના આર્થિક વિકાસને વધુ મંદ બનાવશે – અર્થવ્યવસ્થાનું સંકોચન થશે. આવા સંજોગોમાં શ્રમિકો-ગરીબો શહેરમાંથી પાછા ગામમાં જાય છે ત્યારે તેમના શહેર પરના હકનો – રાઇટ ટુ ધ સિટીનો હ્રાસ થાય છે. વધુ ને વધુ લોકો શહેરમાં આવીને સંપન્ન બને તે આર્થિક વિકાસ અને સામાજિક ઉત્થાન બંને માટે જરૂરી છે. લૉક ડાઉન જાહેર થાય ત્યારે રોજનું કમાઈને ખાનારાં મજૂરો-શ્રમિકોને ભૂલી જવાય છે. તો શહેરી વિકાસની નીતિઓ બનાવતી વખતે પણ તેમને ક્યાં યાદ રાખવામાં આવે છે?
તેથી જ 'રાઇટ ટુ ધ સિટી'ના ભારતીય સંદર્ભે ત્રણ પરિમાણ કલ્પી શકાયઃ એક તો શહેરી સુધરાઈની પ્રવર્તમાન વ્યવસ્થાનું સુદૃઢીકરણ, શહેરી સરકારી સેવાઓના વહીવટમાં સુધારા અને ત્રીજું, તેની પાછળની રાજકીય વ્યવસ્થામાં સુધારા.
સુધરાઈને સુધારવી જરૂરિયાતો
શહેરી સુધરાઈના સારા તંત્રનો સૌથી મોટો પ્રભાવ ગરીબ અને મધ્યમવર્ગ પર પડે છે. ભારતનાં કયાં શહેરોમાં ઝૂંપડપટ્ટીઓનો કે પછી ગરીબ-શ્રમિક વિસ્તારોનો ધીરે ધીરે વિકાસ કરીને તેમનું જીવનધોરણ સુધારવાનું આયોજન થાય છે? ક્યા શહેરમાં ગરીબોને સારું શિક્ષણ કે સ્વાસ્થ્યની સારી વ્યવસ્થા મળી રહે છે કે જેથી શહેરે આપેલી તકોનો ઉપયોગ કરીને તે પોતાની આર્થિક-સામાજિક પ્રગતિ સાધી શકે? શું બસોના રૂટ એવી રીતે નક્કી થાય છે કે મોટા ભાગના લોકોનાં ઘર અને નોકરી વચ્ચે સંધાન થાય? જો રૂટ બરાબર હોય તો બસોની સંખ્યા પૂરતી હોય છે? જો બસની સંખ્યા પૂરતી હોય તો ભાડું વાજબી હોય છે? શું શહેરમાં ઝૂંપડાં કે ગરીબ-શ્રમિક વિસ્તારોને પાણી-ગટર, કચરાના નિકાલની વ્યવસ્થા તબક્કાવાર આપીને જીવવાલાયક ન બનાવી શકાય? શું મ્યુનિસિપાલિટી દ્વારા ચાલતી શાળાઓને વધુ સાધનસંપન્ન ન બનાવી શકાય?
સૌથી મોટો પ્રોજેક્ટ તો શહેર સુધરાઈને સુધારવાનો અને તેની સત્તા તથા બજેટનો વિસ્તાર કરવાનો છે. શું આ પ્રકારની શહેરી વ્યવસ્થા વિશે ન વિચારી શકાય કે જ્યાં ગરીબ-શ્રમિકને આવકાર મળે, તે પગભર ન થાય ત્યાં સુધી તેને રહેવા માટે જીવવાલાયક ઘર (પાણી-ગટરની વ્યવસ્થા સાથેનું) ભાડેથી મળે, નોકરી પર પહોંચવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે અને તેનાં ભાડામાં ટેકો મળે? બાળકો માટે સારી સ્કૂલની વ્યવસ્થા થાય અને દરેક શહેરમાં સારી સ્વાસ્થ્ય સેવાઓ મળે? કોવિડસંકટ પછીનો સમય આ બધી પાયાની સુવિધાઓમાં રોકાણ કરવાનો છે.
સુધરાઈને સુધારવી ઉકેલ
સુધરાઈને સુધારવા માટે કોઈ મોટા ફેરફારની જરૂર નથી. માત્ર તેના હજારો કરોડોના બજેટની પ્રાથમિકતાઓને નવેસરથી ગોઠવવાની, રી-ફોકસ કરવાની છે. પાણી-ગટર-કચરાના નિકાલની વ્યવસ્થાનું કવરેજ સો ટકા થાય — ખાસ તો સ્લમ વિસ્તારને પણ પ્રાથમિક સુવિધાઓ મળે. (પૂરતું પાણી મળે તો વાઇરસ સામે લડવા માટે વારંવાર હાથ ધોવાની અપેક્ષા રાખી શકાય ને?) દર લાખની વસ્તીએ પચાસ બસોની ખરીદી થાય અને તેને વ્યવસ્થિત રીતે રૂટ પ્લાનિંગ કરીને દોડાવવામાં આવે. મ્યુનિસિપલ ઝોન લેવલ પર ૫૦૦ ખાટલાની હૉસ્પિટલ બને. તે સંબંધિત ઝોનમાં આવેલા ગરીબ-શ્રમિક વિસ્તારને દત્તક લે અને ત્યાં ભૂખમરો અને રસી આપવાથી માંડીને વાઇરસ સામે લડવાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરે.
નાગરિકકેન્દ્રિત સેવાઓ જરૂરિયાતો
હવેના સમયમાં સરકારી વિરુદ્ધ ખાનગીની લડાઈઓ લડવાની જગ્યાએ અમુક પ્રકારની 'હાઈબ્રિડ' (મિશ્ર) વ્યવસ્થા વિશે વિચારવું જોઈએ, જેમાં અમુક સેવાઓ યુનિવર્સલ એટલે કે દરેકને મળતી હોય — ખાસ તો શિક્ષણ અને સ્વાસ્થ્ય. સરકારી હોય કે ખાનગી, સૌથી મોટો પ્રશ્ન મૉનોપોલી એટલે કે એકહથ્થુ સત્તા ઊભી થઇ જવાનો અને તેમાંથી પેદા થતી બેજવાબદારીનો છે. જે સારી સ્વાસ્થ્ય સેવાઓ ને શિક્ષણ સેવાઓ આપે તેમને ગ્રાન્ટ મળે, ચાહે સેવા આપનાર સરકારી તંત્ર હોય કે ખાનગી. નાગરિક કે દરદી કે વિદ્યાર્થી નક્કી કરે કે તેને ક્યાં સેવા લેવી છે! દરદી સરકારી હૉસ્પિટલમાં જવા ન માગે તો સરકારી હૉસ્પિટલને ગ્રાન્ટ ન મળે.
માથે સરકારનો આશરો હોવાને લીધે સરકારી તંત્ર શિથિલ થઈ ગયું છે. સરકારી સેવાઓમાં ધાંધિયાંને લીધે ખાનગી સેવાઓમાં નફાખોરી વધી ગઈ છે. સરકારનું કામ છે એવી વ્યવસ્થા ગોઠવવાનું કે કયો નાગરિક ક્યા પ્રકારની સેવા માટે લાભાર્થી છે અને તેને કેટલી ગ્રાન્ટ મળી શકે. અત્યારે અમૃતમ્ અને ખાસ તો આયુષ્માન ભારતની યોજનામાં આ પ્રકારની આંશિક વ્યવસ્થા છે, પણ આ યોજનાઓ સરકારી (કે ક્યારેક ખાનગી) સ્વાસ્થ્ય સેવાઓના કથળતા સ્તરને સુધારવા સુધી પહોંચતી નથી. વાત એ છે કે સ્વાસ્થ્ય સેવાઓમાં પ્રકારની મૉનોપોલી (સરકારી કે ખાનગી) તોડવાની વ્યવસ્થા થવી જોઈએ.
નાગરિકકેન્દ્રિત સેવાઓ ઉકેલ
નાગરિક કેન્દ્રિત સ્વાસ્થ્યસેવા માટે રાજ્ય સરકારે પહેલ લઈને હૅલ્થ મેનેજમેન્ટ સિસ્ટમમાં મૂળભૂત ફેરફાર લાવવા પડે. આ માટે કદાચ વિધાનસભામાંથી નવો કાયદો પણ પસાર કરવો પડે. આ કાયદા હેઠળ દરેક હૉસ્પિટલ 'ગ્રાન્ટ-ઇન-એઇડ' હૉસ્પિટલ બને, ચાહ તે સરકારી હોય કે ખાનગી. સરકારી હૉસ્પિટલનું સંચાલન પ્રોફેશનલ મૅનેજમૅન્ટને સોંપવામાં આવે, 'અનુભવી' ડોક્ટરોને નહીં. આયુષ્માન ભારત જેવી સ્કીમ હેઠળ દરેકને પ્રાથમિક આરોગ્યસુવિધાની ખાતરી મળે. જેને વધુ કે વિશેષ સેવાઓ જોઈતી હોય તે વધુ પ્રીમિયમ ભરીને મેળવી શકે.
લોકશાહીમાં અને બજેટમાં હિસ્સેદારી જરૂરિયાતો
કલ્પના કરો કે ચૂંટાયા બાદ કૉર્પોરેટર તેમના મતવિસ્તારમાં નાની નાની સભાઓ કરીને પાંચ વર્ષનો એક્શન પ્લાન રજૂ કરે છે. આ એક્શન પ્લાન સાથે લગભગ પચાસ કરોડનું વાર્ષિક બજેટ સંકળાયેલું હોય છે. પહેલા વર્ષમાં આ પંચવર્ષીય યોજનાની પ્રાથમિકતા શું હોય તે માટે લોકો મતદાન કરે છે અને પછી દર વર્ષે વાર્ષિક બજેટની પ્રાથમિકતાઓ માટે મતદાન કરે છે. આ રીતે લોકો કૉર્પોરેટરને નિર્ણય લેવામાં મદદ કરે છે. તેવી જ રીતે ચૂંટાયા બાદ સ્કૂલ બોર્ડ, હૅલ્થ બોર્ડ, ટ્રાન્સપોર્ટ બોર્ડ વગેરે વિભાગો તેમનો પંચવર્ષીય કાર્યક્રમ શહેરના સ્તર પર જાહેર કરે છે અને આવનારી ચૂંટણી પહેલાં તેમના પાંચ વર્ષના રિપોર્ટ કાર્ડ પર ચર્ચા થાય છે. જયારે નાગરિકો પ્રતિનિધિઓની ચૂંટણીની સાથે સાથે બજેટ અને તેની પ્રાથમિકતાઓ પર મતદાન કરતાં થાય, જ્યારે લોકશાહીની સાચી શરૂઆત ચૂંટણી પછી થાય ત્યારે એમ કહેવાય કે યુ હેવ રાઇટ ટુ ધ સિટી!
લોકશાહીમાં અને બજેટમાં હિસ્સેદારી ઉકેલ
સૌથી પહેલાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 'પાર્ટીસિપેટરી બજેટ' અંગેનો કાયદો વિધાનસભામાંથી પસાર કરવો પડે. તેમાં શહેરના નવા વિકાસનાં કામમાંથી પચાસ ટકા કામ વૉર્ડના સ્તર પર નક્કી થાય. તેમાંથી કૉર્પોરેટરને ૨૦ ટકા કામ કરવાની સીધી સત્તા હોય અને બાકીના ૮૦ ટકાનું બજેટ લોકભાગીદારીથી એટલે કે ખરેખરા વોટિંગથી, અષ્ટમપષ્ટમ લોકભાગીદારીથી નહીં નક્કી થાય. કોઈ પણ વૉર્ડમાં બે વર્ષથી વધુ સમય માટે વસવાટ કરતા કોઈ પણ ભારતના નાગરિકને વોટિંગનો હક મળે.
'રાઇટ ટુ ધ સિટી' માનવવિકાસનો આદર્શવાદ માત્ર નથી, લોકશાહી સમાજમાં અમલ કરવા જેવો એક બૅન્ચમાર્ક છે. એક સ્થાપિત ધોરણ છે. 'વર્લ્ડ અર્બન ફોરમ'માં તે વિશે ચર્ચા થઈ, તો વિશ્વની ઘણી સરકારોને વાંકુ પડ્યું. તેમણે કહ્યું કે 'સિટીઝ ફોર ઑલ' જેવું કંઈક રાખો. આ બધા હક-બક આપવા ભારે પડે છે!
'રાઇટ ટુ ધ સિટી'નું અમલીકરણ અઘરું છે, પણ એ કરવા જેવું છે. વિશ્વમાં કોઈ પણ શહેર માત્ર જેની પાસે મકાન-જમીનની મિલકત છે તેમનું જ નથી હોતું. શહેરની અર્થવ્યવસ્થા સ્થાવર મિલકત ન ધરાવતા ઘણા લોકોથી નભે છે. તેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓથી માંડીને હાથલારીવાળા સુધી બધા આવે. સિઝન પ્રમાણે કામ કરતાં મજૂરો પણ આવે અને વિદેશી મહેમાનો પણ આવે. શહેરના હોવા માત્રના લીધે જે આર્થિક પ્રવાહ ઊભો થાય તેમાં હાથ ધોવાનાં તક અને હક દરેકને છે. અમુક વર્ગને શહેરમાં સુખરૂપ રીતે ટકી જવા માટે સપોર્ટ સિસ્ટમ જોઈએ, જે આપવાનું કામ શહેરની સરકારે કરવાનું છે. એ ત્યારે જ શક્ય છે જ્યારે લોકોની દેખરેખ સરકારના કામકાજ પર હોય.
આવી વ્યવસ્થા ઊભી કરવામાં માટે કાયદા બનાવવા પડે, પછી નિયમો ઘડાય, તેનું અમલીકરણ થાય, તેમાં વાંધાવચકા આવે, ફરી પાછું નવેસરથી વિચારવામાં આવે, ફરી કાયદામાં સુધારા થાય, નિયમો બને, અમલીકરણ થાય … લોકશાહીમાં આવું બધું થાય અને તેવી રીતે જ 'રાઇટ ટુ ધ સિટી'ના નવા રસ્તા ઉઘડે.
e.mail : joshirutul@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 20 જુલાઈ 2020; પૃ.04-09