Opinion Magazine
Number of visits: 9717596
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રંગભેદથી જ્ઞાતિભેદ સુધી: સંવેદનાની એક સદી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|11 March 2026

શું લિંકનનો અશ્વેત મુક્તિનો સંગ્રામ અને આંબેડકરનો દલિતોદ્ધારનો સંકલ્પ એક જ સંવેદનાની બે કડીઓ છે?

એક તો ટ્રમ્પાઈટિસ, ને એમાં ઉમેરાયો મુવો એસ્પ્ટિનાઈટિસ – બેઉના દોર ને શોર વચાળે ફેબ્રુઆરીનો બ્લેક ઇતિહાસ માસ, એની કકળતી આંતરડીનો ઝીણો અવાજ બચાડો ક્યાં ય દબાઈ ગયો … અને હવે હિંદ આંગણે ને બીજે એપ્રિલનો દલિત ઇતિહાસ માસ દસ્તક દઈ રહ્યો છે. શી ખબર, એની ઝીણીતીણી ચીસ ને ટીસ કશેક પણ પાધરી પહોંચશે કે કેમ.

પ્રકાશ ન. શાહ

બ્લેક હિસ્ટ્રી મન્થ એ અમેરિકી-કેનેડા આદિની એક ધીંગી પરંપરા છે, જેને હમણાં જ એક સૈકો પૂરો થયો. ફેબ્રુઆરી 1809માં લિંકનનો જન્મ અને ફેબ્રુઆરી 1818માં ફ્રેડરિક ડગ્લાસનો. આ ડગ્લાસ બાળપણમાં દક્ષિણ અમેરિકા રાજ્યમાં ધરાર ગુલામીમાં ઉછરેલ જણ, ભોગજોગે એ ગુલામીનું પાંજરું તોડી ખુલ્લાણમાં આવ્યો ને દક્ષિણ પેઠે ગુલામીમાં નહીં રાચતા ઉત્તર અમેરિકામાં કોળ્યો. સમતાલક્ષી વક્તા તરીકે એણે હાંસલ કરેલી મહારત હેરત અંગે જ હતી – ને ન્યૂયોર્કની ગોરી વસ્તી, ઓય મા, એક ગુલામની આ સિદ્ધિ, એમ એના પર ફિદા ફિદા હતી. 

લિંકન-ડગ્લાસની સ્મૃતિ સાંકળીને 1926થી હર ફેબ્રુઆરીમાં બ્લેક હિસ્ટ્રી મન્થ મનાવવાનો અને એ મિશે આફ્રિકન-અમેરિકન અધિકારોની સભાનતા કેળવવાનો ને એકંદર સમાજમાં સમસંવેદન જગાવવાનો ચાલ શરૂ થયો.

લિંકનથી ઓબામા વાયા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એમ જાડી રૂપરેખા આપણે જાણીએ છીએ, પણ આફ્રિકી-અમેરિકી તબકો વ્યાપક સમાજમાં પૂરા કદનો સમાસ પામે એ માટે સહૃદયતાની કેળવણીની કેવીક કુમક કથિત રાજકીય ફિરકાઓની બહારથી મળી રહી છે, એનો અંદાજે અહેસાસ છે આપણને? છેક 1852માં હેરિયર બીચર સ્ટોની કલમે ‘અંકલ ટોમ્સ કેબિન’ અવતરી અને એણે ગોરા અમેરિકી ચિત્તને સંવેદનાએ ઝંઝેડી નાખ્યું. અમેરિકી સિવિલ વૉરમાં લિંકનની સિદ્ધિ (અને દુર્નિવાર શહાદત) ફલવતી બને એની ભોંય ટોમકાકાની કહાણીએ કેળવી હતી.

પણ કમબખ્ત રેસિસ્ટ હેંગઓવર, એ તો ઊતરતાં દાયકાઓ શું સૈકો આખો કે એથીયે વધુ વખત લે. આ લખું છું ત્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’નો ખાસો એક સૈકો ને લટકામાં લગભગ દસકો થયે જ્હોન હાવર્ડ ગ્રિફિનની કલમે આલેખાયેલ ‘બ્લેક લાઈક મી’ (‘મો સમ શ્યામ’) ધારાપ્રવાહ વાંચ્યાનું સાંભરે છે. મેં, જેને રિપોર્ટર્સ જર્નલ કહી શકાય તેવી આ હપ્તાવાર દાસ્તાં ત્યારે એક આનાના અંગ્રેજી દૈનિક ‘ફ્રી પ્રેસ જર્નલ’ની રવિવારી ‘ભારત જ્યોતિ’માં વાંચેલી. ગોરા ગ્રિફિન મશાયને શું સૂઝ્યું કે એમણે કેમિકલ સહાયથી ચહેરો કાળો કીધો અને દક્ષિણનાં રાજ્યોમાં જ્યાં હજુ અલાયદા વાડાની રેસિસ્ટ રસમ જડબેસલાક જેવી હતી ત્યાં કાળી વસ્તી વચાળે રહીને તેમ ત્યાંના ગોરાઓ વચ્ચે કાળા હોવું તે શું એનો જે જાતઅનુભવ લીધો એની આ દાસ્તાં છે. 

પહેલાં તો, એ કહે છે, મારી સામે તકાતી ગોરી નજરનોંધણીથી હું પ્રીછતો થયો કે ‘હેઈટ સ્ટેર’ (ઘૃણા ને તિરસ્કારે રવરવતી નજરનો ધણી) શું છે. એક વિલક્ષણ જો કે દર્દનાક જોક પણ ક્યાંક નોંધી’તી ગ્રિફિને- મેં જ્યાં પ્રવેશ હોય એવા કેથલિક ચર્ચ વિશે પૃચ્છા કરી તો કાળી વસ્તીમાંથી સાંભળવા મળ્યું કે ભલા ભાઈ, પહેલાં તો તને ધોરણસરની યુરિનલની સોઈ મળે એને સારુ પ્રાર્થના કરી શકે તોયે ઘણું!

ગ્રિફિને બસમાં એક ગોરા બાનુ વાસ્તે જગ્યા ખાલી કરવાનો વિવેક કર્યો તો એક પા સાથી આફ્રિકી-અમેરિકી ઉતારુઓની ખફગી આવી પડી ને બીજી પા પેલાં બાનુ બીજા ગોરાઓને કહેતાં સંભળાયાં કે મુઆ કાળાયે કેવા દોઢડાહ્યા થાય છે.

‘બ્લેક લાઈક મી’ની આ તો એક ઉપલક ઝલક માંડ છે. પાંચ-છ વરસ પર ફ્લોઈડની ઘટના બની અને બ્લેક લાઈફ મેટર્સ એ ઝુંબેશ શરૂ થઈ ત્યારે આ જ શીર્ષ પંક્તિ લઈ લખાયેલી ગવાયેલી એક રચના મિકી ગાયટનના કંઠે ખાસી ઊંચકાઈ હતી : If you think we live in the land of the free / you should try to be black like me. (તમને જો એમ લાગતું હોય કે તમે ખરેખર આઝાદ માણસો માટેના મુલકમાં રહો છો તો જરા મારી પેઠે કાળા બનવાની કોશિશ કરો, અને -)

આપણે ત્યાં અને દેશ બહાર પણ દલિત સંઘર્ષ અને આત્મસ્થાપન સારુ પ્રતિમાપુરુષ રૂપે ઉભરેલ આંબેડકરના જન્મ માસ એપ્રિલને દલિત ઇતિહાસ માસ તરીકે ઊજવવાની કોશિશ હમણે હમણે નજર સામે આવે છે : આ જ એપ્રિલમી 11મી ફુલે જયંતી છે જેમ 14મી તે આંબેડકર જયંતી છે. પ્રજાસત્તાક બંધારણનો પ્રકલ્પ ને સંકલ્પ પાર પાડવામાં અગ્રભૂમિકા સારુ આંબેડકરનું સુપ્રતિષ્ઠ હોવું, દલિતનું દલિત હોવું ને સૌ સવર્ણ પેઠે નાગરિકમાં સ્થપાવું, એ કોયડો ઉકેલવામાં ઉપયોગી થઈ પડે એવો ઇતિહાસનુસખો છે. ગાંધીએ આંબેડકરનું નામ કેમ સૂચવ્યું હશે એનો તરત જડતો જવાબ કદાચ એ હોઈ શકે કે જોડાનો પહેરણહાર સ્તો જાણે છે કે એ ક્યાં ડંખે છે. લોકશાહીની વ્યાખ્યાની રીતે આ પ્રયોગ સોજ્જો છે. પણ ચંદુ મહેરિયાએ એક સ્મૃતિ નિબંધમાં ઉપસ્થિત કરેલો તીવ્ર મુદ્દો સાંભરે છે – જોડો છે જ ક્યાં કે ડંખે. દેશજનતાએ સ્વરાજને નાતે કેટલું મોટું અંતર કાપવાનું છે એનું આ યક્ષદૃષ્ટાંત છે.

બને કે દલિત ઇતિહાસ માસ વિશે એપ્રિલમાં વધુ લખવાનુંયે થાય, હમણાં તો આવાં ઉજવણાં બેઉ છેડાની કામગીરી બજાવે છે જેમ આરતી જેની ઊતરે છે અને જે ઉતારે છે, તે બેઉને આલોકિત કરે છે તેમ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”;  11 માર્ચ 2026

Loading

11 March 2026 Vipool Kalyani
← પ્રતિબંધિત જગત

Search by

Opinion

  • પ્રતિબંધિત જગત
  • મા કસમ !
  • એ સ્ત્રી છે !!
  • અમેરિકા-ઈરાન યુદ્ધઃ ઇતિહાસનું પુનરાવર્તન, નવા ખેલાડીઓ અને ‘પેટ્રોડોલર’નાં સમીકરણો
  • ભારતે અત્યારે શું કરવું જોઈએ ?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved